“જળને તરસ મૃગજળની” ~ (એકાંકી – ભાગ ૧) ~ વસુધા ઈનામદાર

“જળને  તરસ મૃગજળની” – (એકાંકી – ભાગ ૧ ) – વસુધા ઈનામદાર

સ્થળ:  ગંગા નદીના કિનારે ત્રિકાળ સંધ્યા કરનારની ભીડ છે. ગંગા નદીનો પ્રવાહ ભૂદેવોના મંત્રોચ્ચાર સાંભળવા ક્ષણેક રોકાઈ જવા માંગતો હોય તેમ સ્થિર છે. ઉપરવાસથી થોડાક નીચે ઘાટની ડાબી બાજુએ સહુથી અલગ તરી આવે એવી જનોઈ વિનાની પણ સિંહ જેવી છાતી અને વિશાળ ભુજા ધરાવતો એક યુવાન પોતે સ્વયં પ્રકાશિત હોવા છતાં સૂર્યને અર્ધ્ય ચઢાવે છે. જાણે જળને જળથી સ્નાન કરાવવાની ચેષ્ટા! અગ્નિવર્ષા વેરતા સૂર્યને સમગ્ર વાતાવરણમાં શીતળતા પ્રસરાવવાની વિનંતી કરતો હોય તેમ તે એકચિત્તે નત મસ્તક અર્ધ્ય ચઢાવી રહ્યો છે, તે છે સૂર્યપુત્ર કર્ણ!

પાત્રોઃ  શ્રીકૃષ્ણ, કુંતી અને કર્ણ તથા (પરોક્ષ) કર્ણની માતા રાધા

(પૃષ્ઠભૂમિઃ થોડા સમય પહેલાં  કૃષ્ણ જ્યારે દુર્યોધન સાથે વિષ્ટિ કરવા આવ્યા હોય છે ત્યારે શ્રીકૃષ્ણના અનુરોધથી એમને શહેરની સીમા સુધી વળાવવા કર્ણ એમના રથમાં સાથે જાય છે.  પાછળ કર્ણનો રથ લઈને એનો સારથિ આવતો હોય છે. શહેરની સીમાથી બહાર નીકળીને શ્રીકૃષ્ણ એમના રથને ઊભો રખાવીને, પોતાના સારથીને પાછળના કર્ણના રથમાં જવાનું કહે છે. અને શ્રીકૃષ્ણ રથની લગામ સંભાળે છે. રથ હાંકતાં તેઓ કર્ણને જણાવે છે કે એ સૂતપુત્ર નથી પણ સૂર્યદેવના અનુગ્રહથી કુંતીની કૌમાર્યાવસ્થામાં પ્રાપ્ત થયેલો કુંતીનો સૌથી મોટો સૂર્યપુત્ર કર્ણ છે. શ્રીકૃષ્ણ આ વાત જેટલી નાજુકાઈથી સમજાવી શકે એ રીતે એને સમજાવે છે. આ સાંભળીને સાવ અવાચક બનેલો કર્ણ કંઈ પણ સમજવા માટે જાણે અશક્ત બની ગયો હોય એવો લાગે છે. એટલીવારમાં તો શહેરથી દૂર બેઉ રથ પહોંચી જાય છે. કર્ણ શ્રીકૃષ્ણને પ્રણામ કરીને પોતાના રથમાં જાય છે અને શ્રીકૃષ્ણનો સારથિ એમના રથમાં આવીને એમનો રથ મારી મૂકે છે.
તે દિવસે, શ્રીકૃષ્ણને વળાવ્યા પછી કર્ણ એક જાતના આઘાતમાં સાવ અચેતન જેવો પોતાના ઘરે, પિતા અધિરથના આવાસે  આવે  છે. કર્ણને આટલો વ્યગ્ર અને વ્યથાગ્રસ્ત જોઈને એની માતા રાધા એને કારણ પૂછે છે. )

એ સમયે માતા રાધા સાથે જે સંવાદ કર્યો હતો તે  કોણ જાણે કેમ, પણ આજે, અચાનક જ એકચિત્તે નત મસ્તકે સૂર્યનેર્ધ્ય ચઢાવી રહેલા કર્ણને આજે યાદ આવી જાય છે અને મનોમન, એ સંવાદને વાગોળે છે.

રાધા : કર્ણ, આજે આવ્યો ત્યારથી કેમ આટલો વ્યથિત લાગે છે બેટા ? મહાવીર અંગરાજ કર્ણને શેની ચિંતા કોરી રહી છે? મને લાગે છે કે મારા લાડલાને કોઈની નજર લાગી ગઈ છે. આમ જો, આ હમણાં જ સૂકાં લાલ મરચાં,  અને લીલા કાચા લીબુંથી તારા ઓવારણાં લઇ નજર ઉતારું છું.

કર્ણ : (નાના બાળકની જેમ લાડ ભર્યા અવાજે) મા, ઓ રાધેમા!. નજર ઉતારવાની વાત રહેવા દો (પછી માતાને આસન પર બેસાડી, પોતે પણ એમની નિકટ બેસીને ખૂબ નમ્રતાથી પૂછ્યું) રાધામા, તમે મને કહ્યું હતું કે હું તમને અને બાપુને ગંગા નદીમાંથી એક નાની ટોપલીમાંથી મળ્યો હતો. તમે મારા જન્મદાત્રી કે જનની હોત તો? તમે પણ શું મને ટોપલીમાં મૂકીને ગંગા નદીમાં તરતો મૂકી દીધો હોત?
રાધા : (સહેજ કચવાતાં)  આ તે કેવો સવાલ દીકરા? માત્ર જન્મ આપવાથી જ થોડું મા થવાય છે? આ જોને, કૃષ્ણ તો જશોદાને જ એની મા સમજે છે ને?

કર્ણ : (રાધામા ની વાત સાંભળી ના સાંભળી કરીને, ફરી એ જ સવાલ પૂછે છે) રાધામા, તમે જો મારી જન્મદાત્રી માતા હોત તો શું તમે પણ મને આમ ભાગ્યના ભરોસે એક નાની ટોપલીમાં તરતો મૂકી દીધો હોત?

રાધા : (સજળ નયને) આજે તને શું થયું છે, પુત્ર? આ તે વળી પૂછવા જેવી વાત લાગે છે? તારા જેવા પુત્રને ત્યાગીને કોઈ મા જીવતી રહી શકે ખરી? ને, જો જીવે ને, તે પણ શબવત!!  તારા જેવા પુત્રના વિયોગે આખી જિંદગી તારી જન્મદાત્રી માતા પર ન જાણે વ્યથાના કેવાં વિતક વીત્યાં હશે, એ તને ક્યારેય નહીં સમજાય દીકરા! ઘણી વખત હું તારી એ જન્મદાત્રીને મનોમન વંદન કરું છું.  એના મહામૂલા ત્યાગને લીધે જ મને તારા જેવો પુત્ર પ્રાપ્ત થયો .

ર્ણ:     પણ મા …..  મારે આજે જાણવું જ છે. કહેને, શું તેં મને ત્યજી દીધો હોત?

રાધા:    લે ત્યારે સાંભળ. તને ત્યજી દેવાનો તો પ્રશ્ન જ ઊભો ન થાત. કારણ, તારા જેવા પુત્રને જન્મ આપીને હું સ્વયં ધન્યતાના સાગરમાં તરતી હોત, અંગરાજ કર્ણ!

ર્ણ:    (ગદગદ્  કંઠે) મા…મા… તમને શતશત વંદન , મને મારી રાધા મા પાસેથી આવા જ જવાબની અપેક્ષા હતી .

(આ સંવાદને વારંવાર મનોમન વાગોળતો કર્ણ બળતી બપોરે સૂર્યને અર્ધ્ય ચઢાવતો હોય છે.)

(નદીના પ્રવાહથી થોડેક દૂર મધ્યાહ્ને – સાદા વસ્ત્રોમાં ચિંતાગ્રસ્ત ચહેરે શ્રી કૃષ્ણનો રાજમાતા કુંતી સાથે પ્રવેશ થાય છે. કોઈ ઓળખી ન જાય એ માટે શ્રીકૃષ્ણ અનુચરના વેશને અનુરૂપ વસ્ત્રો પરિધાન કરીને આવ્યા છે.)

શ્રીકૃષ્ણ
:  (ધીમા સાદે , રાજમાતા કુંતીનો હાથ પકડીને ધીરેધીરે ચાલે છે ને કહે છે,)
ફોઈબા, મારી વાત સાંભળો, આપણે તો કર્મ જ કરવાનું છે, આપણે ધારેલું પરિણામ ન પણ આવે! અપેક્ષા વિના કર્મ તો કરવું જ રહ્યું.

(શ્રીકૃષ્ણર્ણને શોધતા હોય તેમ આમ તેમ જોતા ને પછી – ઉત્સાહથી)
જુઓ જુઓ ફોઈબા , આપણાંથી થોડેક દૂર કર્ણ જ ઊભો છે .નદીના મધ્ય પટમાં જઈને અર્ધ્ય ચઢાવે છે, પિતા આદિત્યને અંતિમ અર્ધ્ય ચઢાવીને આ તરફ જ આવતો લાગે છે .

કુંતી :    (સ્વગતઃ વર્ષોથી અતૃપ્ત રહેલી ઈચ્છા આજે તૃપ્ત થશે.) કૃષ્ણ …. ઓ.. કૃષ્ણ, હે..પરમ કૃપાળુ, મારો હાથ પકડો. મને ડર લાગે છે , કે કર્ણ મને સ્વાર્થી કહીને મારો ઉપહાસ કરશે તો ? જેને આજ લગી દૂર રાખ્યો છે, શું એ આજે મારા માતૃત્વને સ્વીકારશે ? એ આપણી સાથે આવશે ?  

શ્રીકૃષ્ણ: (સ્વગત: -કર્મણ્યે વાધિકારસ્તે, મા ફલેષુ કદાચન્ ) ફોઈબા, હું તમને ક્યારનોય કહું છું,  માત્ર કર્મ કરવું એ જ આપણાં હાથમાં છે. મને લાગે છે, આજે તમારું ચિત્ત મારી વાતમાં નથી. ફોઈબા, પેલું ઉત્તરીય છે તે કર્ણનું લાગે છે. તેના વડે તમારી પર આવતાં આ સૂર્યના પ્રખર કિરણોને રોકવાનો પ્રયત્ન કરું?

કુંતી:     ના, રહેવા દો, આજે એ ઉત્તરીય પણ સૂર્યના કિરણોને રોકવા સમર્થ નહી બને .

શ્રીકૃષ્ણ: ફોઈબા, તમે કહો તો આ સુદર્શન ચક્ર  વડે સમગ્ર વાતાવરણમાં શીતળતા ફેલાવી દઉં?

કુંતી:     એ કઈ રીતે ?

શ્રીકૃષ્ણ: સૂર્યના પ્રકાશ આડે મારું સુદર્શન ચક્ર ધરીને …

કુંતી:    (ગભરાઈને ) ના, ના, મધુસુદન …તમારું સુદર્શન ચક્ર જરા પણ વાપરવાની જરૂર નથી. ઓ કૃપાવંત, આજે તો આદિત્યની સાક્ષીએ જ તો હું કર્ણને સ્વીકારવાની છું.  તેથી સુદર્શન ચક્ર જેવું શસ્ત્ર વાપરીને સૂર્યને જ આવરી લેવો એ તો આદિત્યનારાયણનું અપમાન થાય ને?

શ્રીકૃષ્ણ: ફોઈબા, આ કર્ણ જ આવતો લાગે છે. તમે એની સાથે વાત કરો, હું આ આવ્યો જ !!

(અને શ્રીકૃષ્ણ કોઈ એમને જોઈ ના જાય, એમ ત્યાંથી નીકળી જાય છે.)   

ર્ણ: (પોતાના ઉત્તરીય પ્રતિ ગમન કરતા સ્વગત: –
કોણ હશે આ વૃદ્ધા? આ બળબળતી રેતમાં કપાળ પર હાથની છાજલી કરીને મારા મુખને  નિહાળવાનો પ્રયાસ કરી રહી છે. કશું માંગવાની ઈચ્છાથી આવી હશે ? (પછી થોડાક નજીક જઈને)

ઓહ, આ તો રાજમાતા કુંતી દેવી!! નહીં….નહીં … માતા થઈને પુત્રનો ત્યાગ!!! (ર્ણની ભ્રુકુટી તંગ થ) અસંભવ !! (અને, પળવાર માટે ત્યાં જ થોભી જાય છે.)

કુંતી:     (સ્વગત:) હા ..હા .. આ એજ, એજ.. તેજસ્વી ચહેરો, એ જ કર્ણના કુંડળ, જો પેલા જમણા કુંડળ નીચે દેખાતો તલ ….આદિત્ય પુત્ર .. તું મારો કર્ણ, આવ દીકરા … તારા સ્મરણ માત્રથી તારા વિયોગે વ્યાકુળ એવી તારી માતા આજે તને હ્રદય સરસો ચાંપવા અધીરી થઈ છે રે !!

ર્ણ:     (થોડાક ગલાં આગળ ચાલીને) ઓહ ..આપ? રાજમાતા કુંતીદેવી!! હું  સૂતપુત્ર રાધેય આપને વંદન કરું છું. (કર્ણ વાંકો વળીને વંદન કરવા જાય છે.)

કુંતી:    (ર્ષ અને દુઃખ મિશ્રિત લાગણીથી સંકોચાઈને ગદગદ્ કંઠે) રાજમાતા કુંતીદેવી નહીં પુત્ર…. મા…. કહે મા!! હું તારી જનની …. જન્મદાત્રી, મા કુંતી!!!

ર્ણ:    (ઉપહાસથી અટહાસ્ય કરીને) કોની મા? મારી? એક સૂતપુત્રની ? મારી મા રાધા, અને પિતા એ સારથી અધિરથ, હું તો સૂતપુત્ર  છું, રાજમાતા. આપની કંઈ ભૂલ થતી લાગે છે .

કુંતી :    (ર્ણની નિકટ આવીને, એનો ચહેરો પોતાના હાથમાં ધરીને ) એમ ન કહે પુત્ર! તું જેનું હમણાં ધ્યાન ધરી રહ્યો હતો એને જ પૂછી જો !!

કર્ણ પોતાના ચહેરા પરથી અવિવેક ન લાગે એમ, હળવેથી રાજમાતા કુંતીદેવીનો હાથ હઠાવે છે અને પછી, બે ડગલાં પાછળ ખસીને કુંતીદેવીને એકીટશે જોઈ રહે છે.

કુંતી:     આ શું કર્ણ? મને શંકાની દ્રષ્ટિથી ના જો. હું જ તારી જન્મદાત્રી માતા છું. આ તારા કવચ કુંડળની સોગંદ ખાઈને કહું છું. આજે વર્ષો પછી તારી માતા તારી સમક્ષ નતમસ્તક ઊભી છે !!

ર્ણ:    (રુક્ષતાથી) આજ લગી પાંડવોની માતા તરીકે ગૌરવભેર જીવ્યાં છો, ને આજે જ કેમ, એક સૂતપુત્રની સમક્ષ નતમસ્તક છો રાજમાતા?

કુંતી :   (સમજાવટ ભર્યા સૂરે અને દીન ભાવે) એમ ન કહે કર્ણ!! તને ત્યાગીને હું ક્યારેય ચેનથી જીવી નથી! મારું હ્રદય તો રાત દિવસ વલોવાતું રહ્યું છે. સહજતાથી તો કોઈ પોતાનું રમકડું પણ ફેંકી દેતું નથી. જયારે તું તો નવ માસ મારા ઉદરમાં રહ્યો હતો! મારે શ્વાસે તું શ્વસ્યો હતો, અરે મારે તને ત્યજવો હોત તો નવ માસ સુધી …..  !

(કુંતીના વર્ષોથી દબાવેલાં આંસુ આજે   વિના સંકોચ વહી રહયાં. હોય છે.)

ર્ણ : (થોડીક અસ્વસ્થતાથી ) તમે મારી લાગણીને આમ ઢંઢોળવાનો પ્રયત્ન ના કરો. જે દિવસે રાજમાતા કુંતી દેવીએ મને ગંગામા વહાવ્યો હતો તે દિવસથી જ ……હું તમારા માટે આ દુનિયામાંથી અદ્રશ્ય થયો હતો. તો, આજે આ માતૃત્વનું નાટક કેમ ?

કુંતી : તને શું મારું આમ આવવું નાટક લાગે છે, દીકરા કર્ણ?

ર્ણ :  સાચું કહું, તો હા, રાજમાતા કુંતીદેવી. મેં સાંભળ્યું છે કે મને પહેલીવાર જોઈને રાધામાનો પાલવ દૂધની ધારાથી ભીંજાઈ ગયો હતો. મને તો શંકા છે કે મને ત્યજતી વેળાએ પણ તમારી આંખો ભીંજાઈ હતી કે નહિ! માતૃત્વનો કેવો ઉપહાસ તમે કર્યો હતો !! ને, હવે આજે ……

કુંતી : (ર્ણને બોલતા અટકાવીને) આટલો કઠોર ન બન. સાંભળ દીકરા. ત્યારે હું રાજમાતા નહોતી. હું તો હતી માત્ર કુંતી,  એક અબુધ મુગ્ધા!! અવિવાહિતા…..રાજકુમારી! નહીં કે.. રાજમાતા કુંતી!!

ર્ણ : (કુંતીને ઉદ્દેશીને, સહેજ રુક્ષ અવાજે) હવે મને બોલી લેવા દો , જે દિવસથી તમે મને નીરમાં મૂકી દીધો હતો, તે જ ક્ષણથી મારી ભાવના , મારી લાગણી, મારા માન-અપમાન અને મારામાંની ઋજુતા, બધું જ એ નીરમાં ઓગળીને વહી ગયું ……  રાજમાતા કુંતી દેવી , હું તો મારામાં સાવ ખાલીખમ છું. હવે તમે શું લેવા આવ્યાં છો, એ નિઃસંકોચ કહો!

કુંતી : (ગળગળા અને રુદનભર્યાં સાદે)  રાજમાતા ના કહે, પુત્ર! મને માતા કહે ….મા કહે,  મારા દીકરા. ફક્ત એકવાર મા કહે!

ર્ણ : (કુંતીના રૂદનની કે સ્નેહભર્યા શબ્દોની કોઈ અસર ના થઈ હોય એમ, નિર્લેપતાથી)
તમે? ને, મારી માતા? માત્ર જન્મ આપવાના હક કે દાવાથી તમે અહીં આવ્યાં છો? અબોધ અને નિસહાય બાળકને નીરમાં તમારા  આ જ નિર્દય હાથોએ વહાવ્યો હતો ને? ત્યારે તમારું માતૃત્વ પછડાટ ખાઈને લુપ્ત કેમ ના થયું?  તમે તો પાંચ પાંચ શૂરવીર પુત્રોની જનની છો. એમને દીકરા અને બેટા કહીને તમારું માતૃત્વ તો પરમ સંતોષની ચરમ સીમા પર સદા રહ્યું છે. જ્યારે હું? ‘મા..મા’ પણ કહી નહોતો શકતો, અરે ‘મા’ શબ્દનો અર્થ પણ નહોતો જાણતો, માત્ર તમારો સ્પર્શ પામ્યો  હોઈશ ને ત્યાર પછી તમે મને જીવનના પ્રવાહની લહેરોમાં અટવાવવા ત્યજી દીધો  હતો!  હા, હું મોટો થયો, કારણ મને રાધામા અને અધિરથ જેવા માતા-પિતા મળ્યાં, પછી ભલે એ મારાં સગાં મા-બાપ ના હોય. કોયલ મોટી થાય છે એ જ મહત્વનું છે. એના જન્મસ્થાનનું મારે મન કોઈ મહત્વ નથી. તમે મારી માતા હતા એ વાત ગત જન્મની જેમ….

કુંતી : (આર્જવ ભર્યા સૂરે ) કૃપા કરીને હવે આગળ કશું ન બોલીશ, કૌંતેય બેટા!

ર્ણ : (કઠોર અવાજે) રાધેય કહો …..દાનવીર કર્ણ કહો, રાજમાતા!

કુંતી : (આવેશથી ) ના..ના. તું રાધેય નથી. તું કૌંતેય છે. હું, આ તારા પિતા સૂર્યદેવની સાક્ષીએ કહું છું કે તું પાંડવોનો જ્યેષ્ઠ બંધુ કૌંતેય  છે.

ર્ણ : (પોતાના ભીના પણ હવે સુકાઈ ગયેલા ઉત્તરીય નો છેડો શરીર પર ગોઠવતાં)
વર્ષો પહેલાં રંગગારમાં જ્યારે મને સૂતપુત્ર  કહીને અપમાનિત કરવામાં આવ્યો હતો ત્યારે રાજમાતા, તમે ક્યાં હતાં? તમે તો રાજમહેલની અટારીએથી એક પ્રેક્ષક બનીને નિર્લેપતાથી જ બધું જોતાં હતાં ને, રાજમાતા? પિતા આદિત્યની સાક્ષીએ જ તો એ ઘટના બની હતી ને?

કુંતી : (ક્ષોભ સાથે ) હા, કૌંતેય તારા કવચ-કુંડલ જોઈને હું તને ઓળખી ગઈ હતી કે તું જ, તું જ, મારો પુત્ર છે. ત્યારે આ સૂર્યના શત શત કિરણોએ પણ મારાં હૈયાને આરપાર વીંધીને કહયું હતું, કે, “આજે ભરી સભામાં જાહેર કરી દે કુંતી, તારા મન પરનો બોજો પણ હળવો કરી દે એવું કહીને કે આ સૂતપુત્ર  નથી, આ તો મારો ત્યજી દેવાયેલો જ્યેષ્ઠ પાંડવ છે. એક વાર હિંમત કરીને કહી દે. આના જેવો સોનેરી મોકો બીજો નહીં મળે” પણ, અનેક કારણોસર હું એવી  હિંમત ન કરી શકી, બેટા !

(અને કુંતીથી એક ડુસકું ભરાઈ જાય છે પણ એ પોતાને સંભાળી લઈને વાત આગળ વધારે છે.)

કુંતી : અને, તારા જન્મ સમયે હું તો હતી રાજા શૂરસેનની પુત્રી કે, જેનું જન્મતાં જ રાજા કુંતીભોજને દાન કરવામાં આવ્યું હતું. કુંતીભોજને ત્યાં રાજમહેલમાં ઋષિ દુર્વાસા જ્યારે પધાર્યા ત્યારે એમની  સેવામાં ખડેપગે હું તૈયાર રહેતી.  દુર્વાસા રીઝે તો ઈંદ્રપદ આપે, ને, ખીજે તો ત્રિભુવન પેટાવે એવા એ મહાતપસ્વીએ મારી નિશદિનની સેવાથી પ્રસન્ન થઈને મને વરદાન આપ્યું હતું. એ વરદાન જ મારા માટે શાપ બની ગયું. એ મુગ્ધ વયની કુતુહલતાથી મેં સૂર્યદેવનું આવાહન કર્યું ને તારો જન્મ…

ર્ણ : (સહેજ વિચલિત થઈને) તમારાં આ દટાઈ ગયેલા ભૂતકાળને આમ છાતીએ વળગાડીને ક્યાં સુધી તમારો બચાવ કરતા રહેશો? રંગગારની ઘટના સમયે તો તમે મારી માતા પણ હતાં અને સાથે રાજમાતા પણ હતાં ને? ત્યારે તો તમે મુગ્ધા નહોતાં ને?

કુંતી : હા, પણ ત્યારે હું તારી એકલાની જ મા નહોતી દીકરા! હું યાદવકુળની કન્યા, શૂરસેનની આત્મજા, અને કુંતીભોજની દુહિતા તેમજ કુરુશ્રેષ્ઠ પાંડુની પત્ની અને  શૂર ને  પરાક્રમી પાંડવોની માતા બની ચૂકી હતી!! આ બધાં સગપણના આવરણના લીરેલીરા ઉડાવીને, માત્ર મા બનીને તને છાતીએ વળગાડવાનું સામર્થ્ય મારામાં નહોતું દીકરા! એ એક સંસ્કાર અને સમાજના વ્યવહારિક સબંધનો અભેદ કિલ્લો હતો, જેના બંધનો તોડવા તારી આ જન્મદાત્રી, હું, સમર્થ નહોતી. હા,  સમગ્ર હસ્તિનાપુરની પ્રજા આગળ મારું માતૃત્વ અપમાનિત થતું હતું….ને હું…!!

ર્ણ : હવે બસ  કરો તમારી વ્યથાની કથા, રાજમાતા કુંતી. મારા સવાલના જવાબ આપો. હું કૌંતેય છું તો પણ તમારાથી દૂર કેમ છું? હું સૂર્ય પુત્ર  પણ આમ અદીઠ અંધકારમાં અથડાતો ફંગાળાતો છું, કેમ? પાંડવો જેવા ભ્રાતાનો હું શત્રુ કેમ છું?  હું પણ ક્ષત્રિય છું તો પછી સૂતપુત્ર કેમ કહેવાઉં છું?

(કર્ણ આ પ્રશ્નો પૂછતો હોય છે  ત્યારે જ અનુચરના વસ્ત્રો પરિધાન કરેલા શ્રીકૃષ્ણ પ્રવેશે છે. )

શ્રીકૃષ્ણ :  હું કંઈ કહું  કર્ણ?

ર્ણ : (શ્વર્યથી) ઓહો, કોણ? મધુસુદન, તમે? એ પણ આમ અનુચર વેશે? સૂતપુત્ર કર્ણના શતશત પ્રણામ સ્વીકારો ગોપાલક !!

શ્રીકૃષ્ણ : (હસીને, નમસ્કાર સ્વીકારતા)  મેં તારા આ પ્રશ્નો સાભળ્યાં એક વાત કહું કર્ણ? તારા પ્રશ્નોના ઉત્તર કોઈએ પણ આપવા પડે, એટલો તું અબુધ તો નથી,  છતાં સાંભળ. ફોઈબાને દુર્વાસા ઋષિના દિવ્ય મંત્રબળે સૂર્યદેવથી કૌમાર્ય અવસ્થામાં તું જન્મ્યો હતો. સમાજના દ્રષ્ટિકોણથી રાજકન્યા કલંકિત ન બને તેથી તું કૌંતેય હોવા છતાંય એમનાથી દૂર રહ્યો!…. હ્રદય પર હિમાલય જેવડો બોજો મૂકીને ફોઈબાએ તને ત્યજ્યો અને એ બોજા સાથે આજ સુધી અંદર ને અંદર ઘૂંટતા તેઓ જીવ્યાં. જો ફોઈબા ન હોત તો તારું, આ સૂર્યપુત્રનું અસ્તિત્વ જ ન હોત!! અને જો તારી સાથે ફોઈબા હોત તો શાપિત પાંડુનું શું થાત? પાંડુના કુરુ રાજવંશનું શું થાત? ધર્મને અનુસરતા તારા પાંચેય પાંડવ બંધુઓ શું આ જગતમાં હોત? અને જો એ બધું ન હોત તો સમગ્ર ભારતવર્ષના ભાવિનું શું થાત? (પછી સહેજ વ્યંગમાં )આ બધું જ કોઇનાયે કહેવા સિવાય તું ન સમજી શકે એવો નાદાન તો નથી!

ર્ણ : (કંઈક ક્રોધથી, શ્રીકૃષ્ણની સામે જોઈને) આ બાજુ મારું સ્વયંનું અસ્તિત્વ છિન્નભિન્ન થઈને સમસ્ત જગતમાં ફંગોળાતું રહ્યું છે…..! હું મેધાવી, અતુલ પરાક્રમી અને બળશાળી હોવા છતાં સૂતપુત્રના નામે સતત તિરસ્કૃત થતો રહ્યો છું. અને, આજે મારા પરમ મિત્ર દુર્યોધનની કૃપાથી માંડ માંડ એ હીન ભાવનામાંથી બહાર નીકળી શક્યો છું, તો હવે અન્ય કોઈનાયે અસ્તિત્વની પરવા મારે શા માટે કરવી જોઈએ?

શ્રીકૃષ્ણ : (સહેજ ઊંચા અવાજે, પણ મંદ સ્મિત સાથે) આ કોણ બોલે છે? મહાદાનવીર કર્ણ? કૌંતેય કે પાંડુ પુત્રોનો જયેષ્ઠ ભ્રાતા? કે, પછી દુર્યોધનની કૃપાથી બનેલો અંગરાજ?

ર્ણ : (આવેશથી) આ તો સરિતાના પ્રવાહમાં વહેતો મૂકી દેવાયેલો ને તેથી જીવનભર અવહેલના પામેલો સૂતપુત્ર રાધેય બોલેછે!

શ્રીકૃષ્ણ : કર્ણ, તને નદીમાં વહાવીને સદા માટે એક અપરાધીપણું હ્રદયમાં સતત ધરબીને જીવતા ફોઈબાના દુઃખનો તને જરા પણ ખ્યાલ નથી. જો ખ્યાલ હોત તો આવા કડવા વેણ તું ન બોલત. તેઓ પરિસ્થિતિવશ લાચાર હતાં.

ર્ણ :  (બે ડગલાં આગળ આવીને) જો રાજમાતા વિવશ હતાં તો હું પણ અસહાય ને લાચાર હતો ને ? ત્યજાયો ત્યારે તો નવજાત, માત્ર પોતાની મેળે શ્વસી શકતો માંસનો પિંડ!

કુંતી : (શ્રીકૃષ્ણની વધુ નજીક આવીને) મધુસુદન, એને કહો, એને ત્યજીને, મેં સતત એનું સ્મરણ કર્યું છે. હું કહીશ તો એ માનશે જ નહીં! (પછી કર્ણ તરફ ફરીને) તોયે મા છું, લે હું જ કહું છું કે વહાલા કર્ણ, તું મારા અંત:કરણમાંથી એક પળ માટેય ખસતો નહોતો રે… તારા પિતા આદિત્ય તરફથી મળેલા તારા કુંડલ મારી આખોનું તેજ બની ચમકતાં રહેતાં. ઉગતા સૂર્યનેય ઝાંખો પાડે એવો તારો ચમકતો, મનમોહક ચહેરો હું  પળવાર માટે પણ ભૂલી નથી .

ર્ણ : રાજમાતા, તમારી આ બધી વાતોનો હવે કોઈ અર્થ નથી.

કુંતી : હે પુત્ર, તને કઈ રીતે સમજાવું કે તારા દર્શનનો અતિ લોભ મને તને ત્યજવા અસમર્થ બનાવત તેથી જ જન્મતાંવેંત લોકલાજના ભયથી મેં તને ત્યજ્યો ,ને સાંભળ દીકરા કિશોરાવસ્થા અને મુગ્ધાવસ્થાના ઉંબરે ઊભેલી એક અસહાય ભયભીત કિશોરીએ લીધેલું એ એક પગલું હતું…! મેં મારા હ્રદય પર પથ્થર મૂકીને તને ગંગામાને ભરોસે મૂક્યો હતો.. પણ મારું હ્રદય ત્યારથી આજ સુધી સતત છાનું આક્રંદ કરતું રહ્યું છે. પણ મને વિશ્વાસ હતો કે તારા કવચ કુંડળ તારું રક્ષણ કરશે. મેં જયારે તને ત્યજ્યો હતો ત્યારે મારું માતૃત્વ લાચાર હતું. હું એ પણ કબૂલું છું કે મારી ભૂલની સજા મારા નિર્દોષ પુત્રએ ભોગવી છે. મારે ફરી ફરીને એ વાત અને એની એ પીડા તારી આગળ નથી દોહરાવવી!

કર્ણ : હે રાજમાતા, (પછી આછા નિશ્વાસ સાથે) આ બધું જ સાચું પણ, એક અસહ્ય વેદના સહીને પણ આખરે તમે તો મારો ત્યાગ જ કર્યો ને? તમારી અબુધતા અને વરદાનનો શાપ મારે જ સહેવાનો આવ્યો!

શ્રીકૃષ્ણ : (સહેજ નારાજગીથી વચ્ચે બોલતાં કહે) ફોઈબાના ત્યાગને આટઆટલા કથન પછી પણ જો તું ના સમજે ને ના સ્વીકારે તો એ તારી દુર્બળ બુદ્ધિનું પરિણામ છે! એમ તો મારા માતા-પિતાને પણ મારો ત્યાગ કરવો પડ્યો હતો! હું ક્ષત્રિય છતાં ગોવાળિયાના મુખિયા નંદને ઘેર મોટો થયો. એ શું યોગાનુયોગ નથી? તું ક્ષત્રિય કુળમાં જન્મ્યો ને અશ્વશાળામાં મોટો થયો એનો આ ઉંમરે પણ આટલો રંજ? હું પણ ક્ષત્રિય કુળમાં જન્મીને, ગૌશાળામાં મોટો થયો પણ હવે એ વાત પર આટલો આક્રોશ શોભનીય  નથી, દાનવીર કર્ણ…!

ર્ણ : પણ, તમારી ને મારી પરિસ્થિતિ વચ્ચે જમીન આસમાન જેટલો તફાવત છે. આપણા સ્વભાવ અને આપણા વ્યક્તિત્વ પણ  અલગ અલગ છે. વાત્સલ્યનું અમૃત પાનારાં મા, યશોદાને તમે ભૂલી ગયા. પણ, હું મારી રાધામા સાથે એમ નહીં કરી શકું. તમે ગોકુળના ગોપાલક મિત્રોને ભૂલ્યાં, હું એમ નહીં કરી શકું. હું મારા સારથી મિત્રોને નહીં ભૂલું!!

શ્રીકૃષ્ણ : આ તું આક્ષેપ કરી રહ્યો છે, કે…..

ર્ણ : ના…ના.. મારી પુરી વાત સાંભળો. જુઓને, આજે પણ તમે તમારી ફોઈબાને, એટલે કે રાજમાતા કુંતીદેવીના પક્ષે રહીને અનુચરના વેશે, રાજનીતિ કરવા આવ્યા છો. હું સમજું છું કે તમે મને પાંડવોના પક્ષે લેવા આવ્યા છો. પણ, મને જ શા માટે? યુદ્ધ તો દુર્યોધને જાહેર કર્યું છે.

શ્રીકૃષ્ણ : (શાંત રહીને, મૃદુ હાસ્ય સાથે ) કર્ણ, તને પણ ખબર છે કે આ યુદ્ધ તારા જ બળ પર થઇ રહયું છે. એ વાતથી તું એટલો અનભિજ્ઞ નથી, ખરું ને?

ર્ણ : (અવાજમાં કટુતા સાથે અને સહેજ વ્યંગમાં) પણ બળ તો તમારા પક્ષે છે. પાંચ પાંડવો જેવા મહાપરાક્રમી યોદ્ધાઓ! એમના બળને શું થયું છે? વનવાસી પાંડવોએ ને તેમાંય અર્જુને કંદમૂળ ખાઈને એનું ક્ષત્રિય તેજ ગુમાવી દીધું છે કે શું?

શ્રીકૃષ્ણ : (કર્ણને બોલતા અટકાવીને) જો કર્ણ….

ર્ણ : નહીં, મધુસુદન. મને બોલી લેવા દો. અર્જુનના હથિયાર પર શું કાટ ચઢી ગયો છે? કે યુદ્ધના ટંકારથી પાંડવોના રક્તમાં વહેતું માતાનું દૂધ સુકાઈ ગયું? કે પછી મહારાજ દુર્યોધનની અક્ષૌહોણી  સેના વિશે સાંભળીને પાંડુ પુત્રોના ગાત્રો  ગળાઈ ગયા છે?

શ્રીકૃષ્ણ : (ખૂબ જ શાંતિથી, જરા પણ ઉશ્કેરાયા વિના) તારા આ ઉશ્કેરાટજનક  સવાલોનો જવાબ તો તને યુદ્ધમાં મળશે! પણ, હાલ તો, મારી તને સાચી સલાહ એ છે કે તું યુદ્ધમાંથી નિવૃત્ત થઈ જાય તો ….

ર્ણ : પણ, શા માટે ? મારે કેમ યુદ્ધમાંથી નીકળી જવું ?

શ્રીકૃષ્ણ : તેના અનેક કારણો છે. તારા સહોદર માટે, ધર્મના રક્ષણ  માટે, સત્યને પ્રસ્થાપિત કરવા માટે, અને તારી જન્મદાત્રી માતાની મમતા ખાતર!!

ર્ણ : (કટાક્ષ કરતા ) માતાની મમતા ? ક્યા અધિકારથી પોતાને મારી માતા કહેવડાવે છે?

કુંતી : બસ કર કર્ણ! મને થયેલી પીડાને તું સ્ત્રી થયા વગર ક્યારેય નહીં સમજી શકે…..!

ર્ણ : માફ કરજો, પણ તમારી વેદના વાંઝણી છે, રાજમાતા…!

કુંતી : અરે, તે વાંઝણી હોત તો હું આમ દોડી ન આવત! વર્ષો સુધી સાચવી રાખેલા, મારા અતૃપ્ત રહી ગયેલા માતૃત્વના બળ પર  જ હું આ બળબળતી બપોરે તારી પાસે દોડી આવી છું …..!!

ર્ણ : માતૃત્વનું બળ? તમે તો શ્રીકૃષ્ણના કહેવાથી આવ્યાં છો. તમે શું મને એકલવ્ય સમજી બેઠાં  છો? એણે જેમ સહજતાથી ગુરૂદક્ષિણા આપી તેમ હું પણ માતૃદક્ષિણા આપીશ, એમ ?

શ્રીકૃષ્ણ : અહીં જ તારી ગેરસમજ થાય છે કર્ણ ! એકલવ્ય તો …

ર્ણ : (અવાજમાં સહેજ કંપન વર્તાય છે ) હું જાણું છું, કેશવ, તમારી કુટિલ નીતિને ! દ્રોણાચાર્ય ક્યા હકથી ગુરૂદક્ષિણા લેવા ગયા હતા ?  એકલવ્યની પાસેથી ગુરુદક્ષિણા માગીને એને શક્તિહીન બનાવ્યો તેમ, મારી પાસેથી માતૃ દક્ષિણા…

શ્રીકૃષ્ણ : (આવેશથી ધ્રુજતા કર્ણની પીઠ પર હાથ મૂકીને ) તારો ક્રોધ જરાયે અસ્થાને નથી. પણ, એકલવ્યની બાબતમાં જેમ અર્જુન નિર્દોષ છે, તેમ, ફોઈબાની બાબતમાં પાંડવો અજ્ઞાત છે. હવે તો તું પોતે પણ જાણે છે કે તું સૂર્યપુત્ર છે. ઉચ્ચકુળમાં તારો જન્મ થયો છે અને વિશેષ તો તું કૌંતેય છે!!!

કર્ણ :  ઉચ્ચકુળમાં જન્મ્યો તેથી શું થયું? ગંગાનું મધુર, પવિત્ર જળ મહાસાગરને મળ્યા પછી તે ગંગાજળ નથી રહેતું!!  માધવ, આજે હું કૌરવોના મહાસાગરમાં ભળી ગયો છું.  કૌરવોના સર્વ ગુણ-દોષથી જ્ઞાત હોવા છતાં વહી ગયેલા નીરને પાછાં વાળવાનો વ્યર્થ પ્રયત્ન ના કરો ….ચાલો પ્રણામ !!!

(ક્રમશઃ)
બીજો અંક આવતી કાલે મૂકાશે.

આપનો પ્રતિભાવ આપો..

One Comment