પ્રકરણ:4 ~ મારું ઘર, મારું ગામ ~ એક અજાણ્યા ગાંધીની આત્મકથા ~ નટવર ગાંધી

2016માં હું આ લખું છું ત્યારે મારી ઑફિસિયલ ઉંમર 76ની ગણાય. સાચી ઉંમર કેટલી એ તો રામ જાણે!  મારો જન્મ ઘરે જ થયેલો. અમારા ગામમાં નહોતી કોઈ હોસ્પિટલ કે ન કોઈ પ્રસૂતિગૃહ. ઘરે દાયણ આવે. અમે ભાઈબહેનો બધાં આમ ઘરે જ જન્મેલા.

અમારા જન્મનો કોઈ ઑફિસિયલ રેકોર્ડ ન મળે. આજે પણ દેશમાં લગભગ 59% જેટલા જન્મોનો કોઈ ઑફિસિયલ રેકોર્ડ નોંધાતો નથી. જો જન્મતારીખ નોંધેલી ન હોય તો ઉજવવાની વાત કેવી? મને યાદ નથી કે અમારા ઘરમાં મારી, કે બીજા કોઈની પણ જન્મતારીખ ક્યારેય ઉજવાઈ હોય.

ઘરમાં છોકરો હેરાન કરતો હોય ત્યારે બાપ એને સ્કૂલમાં દાખલ કરી દે. એ  જે કહે તે એની ઉંમર. આમ એક દિવસ કાકા (પિતાશ્રીને અમે કાકા કહેતા) મને સ્કૂલમાં લઈ ગયા. પ્રિન્સિપાલને કહ્યું કે છોકરાને સ્કૂલમાં દાખલ કરવો છે. ઉંમર પૂછતાં એમણે કહ્યું કે છોકરાની જન્મતારીખ લખો ઓક્ટોબરની ચોથી. કયું વરસ? તો કહે લખો 1940. આમ મારી જન્મતારીખ નક્કી થઈ.

મેં જ્યારે 1957માં મુંબઈ જવા ગામ છોડ્યું ત્યારે મને ઑફિસીયલી સત્તર વર્ષ થયા હતાં. ત્યાં સુધીના બાળપણ અને કિશોરવયના બધા જ વરસો મેં ગામમાં જ કાઢ્યાં. એ વર્ષો સુખના વર્ષો હતા એમ હું ન કહી શકું.

આજની દૃષ્ટિએ મારું બચપણ બોરિંગ જ ગણાય. નિશાળેથી નીસરી જવું પાસરું ઘેર એવું જ સમજો. અમારા ઘરમાં રમકડાં હોય કે બાળસાહિત્યની ચોપડીઓ હોય એવું પણ સાંભરતું નથી. પત્તા પણ નહોતા તો પછી ચેસની તો શી વાત કરવી? હજી સુધી મને પત્તાની કોઈ રમત આવડતી નથી, કે નથી આવડતી કેરમ, ચેસ કે ચોપાટ. એવું જ સંગીતનું. ઘરમાં કોઈ વાજિંત્ર, હાર્મોનિયમ, તબલા, પાવો, બંસરી જેવું કંઈ ન મળે તો પિયાનોની તો વાત શી કરવી?

કાકા નાના હતા ત્યારે બંસરી વગાડતા એવું બાએ કહ્યું ત્યારે મને આશ્ચર્ય થયેલું. મેં એમની બંસરી કોઈ દિવસ જોઈ નથી કે સાંભળી નથી. ઘરમાં કે આડોશપાડોશમાં કોઈ વહેલી સવારે પ્રભાતિયાં ગાતું હોય કે સાંજે ભજન ગવાતાં હોય એવું પણ યાદ નથી. સ્કૂલમાં પણ ગીત-સંગીતના કોઈ ક્લાસ નહોતા.

ગામમાં જ્યારે ઈલેક્ટ્રીસિટી આવી અને પછી મ્યુનિસિપાલિટીનો રેડિયો આવ્યો, ત્યારે પહેલી જ વાર મને ગીતસંગીતનો અનુભવ થયો, પણ તે મુખ્યત્વે ફિલ્મી મ્યુઝિકનો.

ગુજરાતી સુગમ સંગીત અને રવિશંકર કે બિસ્મીલ્લાખાન વગેરેના શાસ્ત્રીય સંગીતનો ખરો પરિચય તો અમેરિકા આવ્યા પછી જ થયો.

ઘરની ભીંતો બધી મેલી અને અડવી. ન કોઈ કુટુંબીજનોના ફોટાઓ, ન કોઈ ભગવાન કે કુળદેવીની છબી. કાકા ગાંધીજીની અસર નીચે જેલ ભોગવી આવેલા, છતાં ગાંધીજીનો કોઈ ફોટો કે ચિત્ર ઘરમાં ક્યાંય ન મળે.

હું ગામમાં હતો ત્યાં સુધી તો ક્યારેય ન’તો ભીંતોને ચૂનો લગાવાયો કે ન’તા ટોડલે મોર ચીતરાયા. અમારા ઘરના આંગણે રંગોળી દોરાઈ હોય એ પણ યાદ નથી. હા, બા-કાકાના ઓરડામાં પૂજાનો એક ગોખલો હતો. ત્યાં કોની મૂર્તિ હતી તે અત્યારે મને યાદ નથી, પણ તહેવાર-પ્રસંગે બા ત્યાં દીવો કરતાં.

નળિયાં પણ દેશી, વિલાયતી નહીં. વરસાદ જો ધોધમાર પડ્યો તો બે ઓરડાઓમાં ડોલ મૂકવી પડતી. ઘરમાં બીજું કોઈ ફર્નિચર ન મળે. એક ખાટલો ખરો, પણ એ માંકડથી ખીચોખીચ ભરેલો એટલે અમે બધા સૂવાનું જમીન પર પથરાયેલાં ગાદલાંઓ ઉપર પસંદ કરતા.

ન્હાવા (જો નદીએ ન ગયા હોય તો) કે જમવા માટે પાટલો હતો. ખાલી બાપા જ એ પાટલો વાપરતા. દીવાનખાના અને ડાઈનીંગ રૂમનું ફર્નિચર મેં બોલિવુડની મુવીઓમાં જોયેલું એ જ. મુંબઈ ગયા પછી પણ એવું ફર્નિચર હું વસાવી નહોતો શક્યો. મુંબઈમાં એક પૈસાદાર સગાને ત્યાં પહેલી જ વાર સોફા ઉપર હું જયારે બેઠો ત્યારે રોમાંચ થયો હતો.

ઘરમાં પાણીના નળ હજી નહોતા આવ્યા. નાવાધોવા માટે અમે નદીએ જતાં. પીવાનું પાણી ભરવા માટે પણ નદીએ જવું પડતું. ગામમાં ઈલેક્ટ્રીસિટી હજી આવી નહોતી, પણ એ લાવવાના પ્રયત્નો જરૂર થતા હતા.

લાઇટ આવી ત્યારે અમ છોકરાઓ માટે એ મોટી નવાઈની વાત હતી. બજારની દુકાનોમાં રંગીન ટ્યુબ લાઇટ્સ આવી તે જોવા જતા. બહુ જ ઓછાં ઘરોમાં લાઈટ આવેલી. બાપા (દાદાને અમે બાપા કહેતા) નકામો ખરચ કરવા દે નહીં, એટલે અમારા ઘરમાં તો હું 1957માં દેશમાંથી નીકળી મુંબઈ ગયો ત્યાં સુધી તો લાઇટ નહોતી આવી.

અમે કેરોસીન લેમ્પ-ફાનસથી વાંચતાલખતા. બાપાને એ પણ ગમતું નહીં.  કહેતા કે રાતે વાંચવાથી આંખ બગડે, અને ફાનસ ઓલવી નાખતા, કહેતા કે ધોળે દિવસે કેમ વાંચતા નથી? તેમને અમારી આંખો કરતાં કેરોસીન બળે છે તેની ચિંતા હતી.

દલિતો ગામને છેવાડે રહે. એમના છોકરાઓ સ્કૂલમાં એક ખૂણે જુદા બેસે, તે અમને જરાય અજુગતું નહોતું લાગતું! એવી જ રીતે મુસલમાનોનો પણ જુદો વાડો હતો. ત્યાં એમની મસ્જિદ અને કબ્રસ્તાન હતા. મારા સત્તર વરસના વસવાટમાં ગામમાં ક્યારેય પણ હિંદુ મુસલમાનનાં હુલ્લડ થયાં હોય એવું યાદ નથી.

મહોરમના દિવસોમાં બજારમાં મોટો તાજિયો નીકળે. અમે જોવા જઈએ. એ તાજિયાની આગળ મુસલમાનો પોતાના ખુલ્લા વાંસા ઉપર લોઢાની સાંકળના ચાબખા મારતા આગળ વધે. પીઠ આખી લોહીલુહાણ થઈ જાય તો ય ચાબખા મારે જાય!

ડામરના રસ્તાઓ હજી થયા નહોતા. શેરીઓમાં ધૂળના ગોટા ઊડે. ગમે તેટલી સાફસૂફી કરો તો ય ઘરમાં અને બહાર બધે ધૂળ ધૂળ હોય. ઉનાળાની સખત ગરમીમાં છોકરાઓ નાગાપૂગા રખડતા હોય. પુરુષો પણ અડધા ઉઘાડા આંટા મારતા હોય.

ગામના એ ચોખલિયા અને સંકુચિત વાતાવરણમાં જાણે કે જાતીય વૃત્તિનો સર્વથા અભાવ છે એવી રીતે જ વર્તવાનું. અમને કહેવાતું કે રસ્તામાં સામે કોઈ છોકરી મળે તો નીચું જોઈને પસાર થવું!

નિશાળમાં ત્રણ ચાર છોકરીઓ ક્લાસમાં જરૂર હોય, પણ એ તો શિક્ષક સાથે ક્લાસમાં આવે અને જાય. એમની સામે જોવાની જ જો મના હોય તો વાત કરીને મૈત્રી બાંધવાની વાત તો ક્યાં કરવી? તો પછી છેડતી કરવાની વાત જ કેમ થાય?

બોલિવુડની મુવીઓ હું ધ્યાનથી જોતો. હીરો હિરોઈન સાથે જે પ્રેમ કરતો તેનો વાઈકેરીયસ આનંદ અનુભવતો. નરગીસ, મધુબાલા કે મીનાકુમારી જેવી સુંદરીઓ સાથે મારે જે પ્રેમ કરવો હતો તે મારી બદલે રાજ કપૂર કે દિલીપકુમાર કરતાં!

Madhubala: A screen goddess who was unlucky in matters of the heart | Bollywood - Hindustan Times

મૂવીમાં જો કોઈ પ્રાણ જેવો વિલન આવે તો હું એને ધિક્કારતો. એમાંય “દેવદાસ” કે “પ્યાસા” જેવું મૂવી જોયું હોય તો હું તો દિવસો સુધી દુઃખી રહેતો, ઝીણો તાવ આવી જતો, જીવન નિરર્થક લાગતું!

“પ્યાસા”નું ગીત “જાને વો કૈસે લોગ થે જિન કો પ્યાર સે પ્યાર મિલા” મારા મગજમાંથી મહિનાઓ સુધી ખસે જ નહીં. આવા પ્રેમ-વિરહનાં ગીતો મહિનાઓ સુધી હું ગણગણતો.

https://www.youtube.com/watch?v=EhDCAmXKBBs

આ મૂવીઓમાં અમને મુંબઈ પણ જોવા મળતું. એના વિશાળ રસ્તાઓ, ગાડીઓ, ખાસ તો ફેશનેબલ કપડાંઓમાં બનીઠનીને આંટા મારતી સ્ત્રીઓ, સૂટબૂટમાં સજ્જ થયેલા પુરુષો જોવા મળતા. હેન્ડસમ એક્ટર અને સુંદર એક્ટ્રેસ જોવા મળતી. મૂવીઓનું મુંબઈ જોઈને મને થતું કે હું ક્યારે મુંબઈ જાઉં અને એ બધું રૂબરૂ જોઉં.

Image

તે દિવસોમાં ગામમાંથી છટકવાનો મારે માટે મૂવીઓ સિવાય એક બીજો રસ્તો હતો લાઇબ્રેરીનો. દરરોજ લાઇબ્રેરી ઊઘડવાની હું રાહ જોતો ઊભો હોઉં. છાપાં, મેગેઝિનોમાં સમજ પડે કે ન પડે, પણ એના પાનાં ફેરવ્યા કરું અને દૂર દૂરના દેશોના ફોટા જોયા કરું. ખાસ કરીને દેશ વિદેશના શહેરોની જાહોજલાલી મને ખૂબ આકર્ષતી. એમાંય યુરોપ, અમેરિકાનાં શહેરોની સ્વચ્છતા, સુંદરતા, સપ્રમાણતાના ફોટા હું વારંવાર જોયા કરતો. અને મારા ગરીબ ગામની એ શહેરો સાથે સરખામણી કર્યા કરતો અને તીવ્ર અસંતોષ અનુભવતો.

હવે જ્યારે જ્યારે ગામ જાઉં ત્યારે ત્યાં બધે જરૂર આંટા મારું – દેવળાને ઝાંપે, જ્યાં અમારું ઘર હતું ને જ્યાં મારો જન્મ થયેલો, હાઇસ્કૂલમાં, લાઈબ્રેરીમાં જ્યાં બેઠા બેઠા મેં મુંબઈના સપનાં જોયાં હતાં, ચોકમાં જ્યાં અમારી દુકાન હતી. આ બધી જગ્યાએ ફરી વળું.

છેલ્લો ગયેલો ત્યારે જોયું તો અમારું ઘર અને દુકાન બન્ને તોડી નંખાયા છે. ગામ જોઈને નિરાશા ઉપજેલી. રસ્તાઓ હજી મોટે ભાગે એવા ને એવા જ છે. લોકોનાં ઘરો મોટાં થઈ ગયાં છે. ઘરે ઘરે ટીવી આવી ગયાં છે. ક્યાંક ક્યાંક કોકને ઘરે કમ્પુટર પણ આવી ગયાં છે. પણ ગામની ગંદકી એવી ને એવી જ છે. બલકે વધી છે. મારા જમાનામાં ભૂંડ ન હતાં તે હવે દેખાયાં! અને જે લાઈબ્રેરીમાં બેસીને દુનિયા જોવાનાં સપનાં જોયેલાં એના રંગઢંગ જોઈને દુઃખ થયું.

ગામની વસતી વધી છે. જ્યાં મેટ્રિકની પરીક્ષા આપવાની સગવડ ન હતી અને જેને માટે અમારે દૂર મોટા શહેર ભાવનગર જવું પડતું ત્યાં હવે કૉલેજો થઈ ગઈ છે! પણ કૉલેજમાંથી ભણીને બહાર નીકળતા ગ્રેજયુએટો કામધંધાએ લાગે એવાં કારખાનાં કે ઉદ્યોગો પ્રમાણમાં થયા નથી. એ માટે તો ગામના યુવાનોએ હજી પણ મુંબઈ, અમદાવાદ, વડોદરા જેવા મોટાં શહેરોમાં જવું પડે છે.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..