વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ~ વિવિધ કવિઓના ચૂંટેલા શેર ~ ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૩

મા મળે ને મા તણો પાલવ મળે
સ્વપ્નમાં પણ ગુર્જરી આસવ મળે
~ ગુરુદત્ત ઠક્કર
————————
લાખ શબ્દોની સમજ બસ એક શબ્દે આપતી
માતૃભાષા કોઈ પણ હો વ્હેંત ઊંચી હોય છે
~ ડો. અપૂર્વ શાહ
————————
હું અધૂરી છું સદા તારા વગર
ક્યાં વિચાર્યું કંઈ કદી તારા વગર
~ તૃપ્તિ ભાટકર
————————
‘મા’ કહું, ‘મમ્મી’ કહું અથવા કહું હું ‘માવડી’
ફકત ‘મા’એ શીખવાડી એ જ ભાષા આવડી
*
ભલે તમને થતું કે હું વધારે પડતું બોલું છું
જે ભાષા મારી સમજે ત્યાં જ મારું મન હું ખોલું છું
~ દીપક ઝાલા “અદ્વૈત”
————————
શીખી રહી ઈંગ્લીશ બા, પૂછી રહી ‘ઓલ ઇઝ વેલ?’
‘હા.. હા.. મજામાં’ એમ ઉત્તરમાં કરી દીધો મેં મેલ
*
છંદ-લય કંઈ ન’તું તોય સાચી હતી
મુજ કવિતા પ્રથમ બાએ વાંચી હતી
~ ધાર્મિક પરમાર
————————
જે દિ’ હાલરડાં ગુંજશે ને રાઇમ પોઢશે
તે દિ’ દુનિયામાં ઘર-ઘર ગુજરાતી પ્હોંચશે
~ કેતન ભટ્ટ
————————
નરસિંહ, કલાપી, મુનશી, મેઘાણી ને ત્રિપાઠી
સૌએ કર્યું સંવર્ધન એ માતૃભાષા મારી
~ મિતા ગોર મેવાડા
————————
વ્યંજનો રખડી પડ્યાં છે, સ્વર સૌ બેહાલ છે
માળખું બારાક્ષરીનું સાવ અધ્ધરતાલ છે
*
ભેજ નજરોનો હવે સક્ષમ નથી કહેવા કશું
શબ્દ સૌ સરકી ગયાં, સંગાથ ભાષા ના રહી
*
સાંત્વના ગૂપચુપ ધરે ને હુંફથી ભેટે મને
ઠાઠ લઈને આગવો, ભાષા સદા વળગે મને!
~ મેધાવિની રાવલ હેલી
————————
‘મોમ’, ‘ ડેડી’ બોલવું ફાવે નહીં, દુઃખમાં અરે!
‘બાપ રે’, ‘ઓ…મા’ તણાં શબ્દો સહેજે ઉચ્ચરે
~ કોકિલા ગડા કોકી
————————
ચૂપ મરને પીટ્યા, સાલું એ ય ગમતું જાણે નૈ?
એ મઝાની ભાષા સાચે મા સમી લાગે મને
~ રશ્મિ જાગીરદાર
————————
માતૃભાષા એટલે ઝાઝી ગમે છે
શબ્દના આરંભમાં ‘મા’ શબ્દ છે ને!
*
સીધો મનમાં ઉતરે છે ‘મા’નો ઠપકો એ રીતે
જાણે ગુજરાતીમાં ચોખ્ખા શબ્દોનો શીરો છે
~ રક્ષા શાહ
————————
મનની વાતો જાણો નહીં
જો ગુજરાતી માણો નહીં
*
એ સાદો છે ને ભાષા એની સાદી છે
ફાડે અંગ્રેજી પણ, પાકો ગુજરાતી છે
*
વહેતી રહી છે મારી ભાષા દૃઢતા સાથે
આવે ભલે અંગ્રેજીનું આ પૂર, બે કાંઠે
~ ભારતી વોરા ‘સ્વરા’
————————
વિદેશી લાઈબ્રેરીમાં અજબ ઠાઠ અન્ય ભાષાનો
ખુણામાં જાણે, મોં સંતાડતી દીન ગુર્જરી માતા
*
પારકી ભાષાને કેળવવી પડે
માતૃભાષા ગર્ભમાંથી જન્મ લે
~ તનુ પટેલ
————————
મા ભલે મરવા પડી પણ, બાળ અંગ્રેજી ભણે
આપણે સૌ ‘ગુજરાતી ડે’ સભામાં માણશું!
~ રમેશ મારૂ ખફા”
————————
જે ધરતીની મીઠી સોડમ, મારામાં નિત મહેકે
જે ધરાનો ખોળો ખૂંદયો, ખોળો એ ગુજરાતી..!
~ કિરીટ શાહ
————————
છીનવો છો માતૃભાષા લાજતા સ્હેજે નથી?
જાણજો આનાથી મોટું પાપ તો એકે(ય) નથી
~ મમતા શર્મા
————————
વેલકમની પણ મજા છે; ના નથી એમાં છતાંયે
ગાળ દઈ લંગોટિયાને નોતરો તો વાત બનશે
~ સૂરજ કુરિયા
————————
અભણ હોવાની વ્યાખ્યા માતૃભાષામાં થશે આવી
ભણી ઇંગ્લિશ ડિગ્રી, ગુજરાતીના કક્કે ગોથા ખાય
~ દિક્ષિતા શાહ
————————
બે ઘડી પણ માતૃભાષા બોલવાની છૂટ કયાં?
શ્હેરમાં અંગ્રેજી માધ્યમમાં ભણે છે બાળકો
~ ડૉ. સેજલ દેસાઈ
————————
ખજાનો મજાનો જે આપે એ ભાષા
બધા વારસામાં જે પામે એ ભાષા
~ ઇન્તેખાબ અનસારી
————————
મારી મા, મારી માટી, મુજ હોંકારા જે
પરખાવે પૂરેપૂરાં, ભાષા મારી તે
~ પૃથા મહેતા સોની
————————
હૃદયમાં વહે છે, ધબકતી રહે છે
મને મારી ભાષા અનહદ ગમે છે
~ હસમુખ ટાંક “સૂર”
————————
બાની સાથે રાખે કાયમ એ છે મારી ગુજરાતી
વાણીમાં ફોરમ જે કાયમ એ છે મારી ગુજરાતી
~ ફાલ્ગુની ભટ્ટ
————————
એ ભણે છે બીજી ભાષા ગુજરાતીમાં વિચારે છે,
બાળકોની હાલત વિશે નિશાળો ક્યાં વિચારે છે?
~ બારીન દીક્ષિત
————————
વહુ, દીકરીને શીખવું મીઠું હાલરડું
જોઈ ભાષાના હાલ, હું હાલ રડું
~ રશ્મિ અગ્નિહોત્રી

***

આપનો પ્રતિભાવ આપો..

3 Comments