આથમણી કોરનો ઉજાસ ~ (ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણી) ~ પત્ર: ૨૫ ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ
પત્ર નં. ૨૫
પ્રિય નીના,
વાહ… વાહ… ઝાકળમાં બોળીને ચીતરેલી ધારણામાંથી ફૂટેલાં લીલાછમ બનાવો જેવો તારો પત્ર!! ક્યા કહના… પણ સાચું કહું? ધારણા કરતાં મોડો પત્ર મળ્યો તેથી લાગ્યું જ કે કંઈ કારણ હશે. આ ટેલીપથી પણ ગજબની વસ્તુ છે, નહિ!
એમાં યે આ પત્રશ્રેણી પછી તો નિકટતાનો તાર… તારી તબિયતની અસ્વસ્થતા વાંચીને એક કવિતાની બે પંક્તિ ટાંક્વયા વગર નહિ રહી શકાય. સુ.દ.ની છે. તેં વાંચી જ હશે. છતાં ફરી એક વાર..
આંખ તો મારી આથમી રહી, કાનના કૂવા ખાલી.
એક પછી એક ઇન્દ્રિય કહે: હમણાં હું તો ચાલી.
મજાક કરું છું યાર..હજી આ સ્થિતિ આવવાને તો ઘણી વાર છે!!! શું કહે છે?!! આજે મારો મૂડ કંઈક ઓર લાગે છે.
નીના, અત્યાર સુધી આપણે ધર્મની, શિક્ષણ-પદ્ધતિઓની, સંપ્રદાયોની, જ્ઞાતિના વાડાઓની વગેરે વગેરે બહુ વાતો કરી.ચાલ, આજે એક વાર્તા કહું.. પણ તે પહેલાં હા, તેં ગયા પત્રમાં સચ્ચિદાનંદના પુસ્તકનું નામ યાદ કરવા માટે મથામણ કરી તેનો જવાબ આપી દઉં.
મારી પાસે તેમના થોડા પુસ્તકો છે. તેં લખ્યું છે કે, “ક્યારે અહિંસક બનવું અને ક્યારે ધર્મની રક્ષા માટે હથિયાર ધારણ કરવા એનો વિવેક લોકો ખોઈ બેઠા છે. ઈતિહાસના પૂર્વાપર સંબંધ આપી ખૂબ જ તાર્કિક રીતે એ પુસ્તક લખ્યું છે.” તો તે પુસ્તકનું નામ છેઃ “પ્રશ્નોના મૂળમાં” અને ‘આપણે અને પશ્ચિમ’.
આ બંનેમાં આ વાત ખુબ સરસ અને સ્પષ્ટ રીતે તેમણે વર્ણવી છે. તારા લખ્યા પછી ફરી એકવાર મેં થોડાં પાનાં ઉથલાવ્યાં. વાંચવાની મઝા આવી.
હવે સાંભળ આ વાર્તા. ૧૯૮૪ની એ વાત. અમેરિકા આવ્યે ૪-૫ વર્ષ થયાં હતા. સારી જોબ મળતા અમે થોડા સ્થિર પણ થવા માંડ્યા હતા. એ અરસામાં હું મારી એક જૂની, શિકાગોમાં રહેતી દોસ્તને ટેલીફોન ડીરેક્ટરી દ્વારા શોધી રહી હતી.
ત્યારે તો આજની જેમ ગુગલ મહારાજ, સેલ ફોન, ફેઈસ બૂક, સ્કાયપી, જેવાં કોઈ માધ્યમો ન હતાં. સંપર્ક કરવો મુશ્કેલ હતો. તેથી મેં પણ પછી તો પ્રયત્નો છોડી દીધા હતા. આમે અમારા બંનેનો નાતો બહુ નિકટનો નો’તો. પણ એ સોનલે ભાગી જઈને ભારત છોડ્યું હતું. તેથી મને એના જીવન વિશે જાણવાની થોડી કુતુહલતા હતી.
Anyway, આ જીજ્ઞાસા લગભગ દબાઈને વીસરાઈ ગઈ હતી તે અરસામાં, કોઈક બે ત્રણ વાયા-મિડીયા દ્વારા એના એવા તો ખરાબ સમાચાર મળ્યા કે હું હેબતાઈ ગઈ.
થોડી માંડીને વાત કરું તો સોનલ એક પાકિસ્તાનીને પરણી હતી. તેને એક દિકરો પણ થયો હતો. અમેરિકાના ટીવી.માં એનાઉન્સરનું કામ કરતાં કરતાં એક મુસ્લિમ સહકાર્યકર સાથે એ પ્રેમમાં પડી.
થોડા મહિના સારું ચાલ્યા પછી એ ભાઈ એકલાં પોતાને વતન ગયા. જતાં પહેલાં સોનલના ક્રેડિટ કાર્ડને બરાબર વાપર્યું અને ત્યાં જઈ પોતે પોતાના ધર્મ પ્રમાણે ત્રીજું લગ્ન કર્યું. તેણે સોનલને તો પોતે સિંગલ જ છે તેમ કહ્યું હતું. તેથી જ્યારે એને આ બધી વાતની માહિતી મળી ત્યારથી તે ઝનૂને ચડી હતી.
જેવો એ અમેરિકા પાછો ફર્યો કે, તરત જ સોનલે તક શોધી, ગોળીથી વીંધી એને ઊડાડી દીધો અને પછી પોતે પણ એક પાર્કીંગ લોટમાં જઈ, કારમાં બેસી પોતાના કપાળે ગોળી છોડી વિદાય લીધી.
હવે આ બધી વાતની ખબર એના પતિને પડી ત્યારે એ ખાનદાન પાકિસ્તાની તરત જ હાજર થયો અને તેની તમામ ક્રિયાઓ પોતે પાકિસ્તાની હોવા છતાં, હિંદુ વિધિથી કરી અને દીકરાને જે તેની સાથે જ હતો તેની વધુ સારસંભાળ, એક સિંગલ પેરેન્ટ થઈ કરવા માંડ્યો. તેણે ફરી લગ્ન પણ ન કર્યા.
નીના, આ વાર્તા નથી. સત્યઘટના છે. પણ આજે આ કહેવાનું તાત્પર્ય એ જ કે, આમાંથી કેટકેટલાં પ્રશ્નો ઊભા થાય છે અને કેવા જવાબો મળે છે?
સૌથી પહેલાં તો એ કે, કયો ધર્મ? કોના સંસ્કાર? કઈ ભૂમિનું બીજ? કયું શિક્ષણ? કયો સમાજ? સંજોગોની આગળ બધું જ બદલાઈ જાય છે, માત્ર એક ઈન્સાન અને એની ઈન્સાનિયત જ કામ લાગે છે.
આવી ઘટનાઓ વિશ્વમાં ઠેકઠેકાણે, દરેક દેશોમાં બનતી જ રહે છે. દર વખતે એક જ સાર નીકળે છે કે, પ્રત્યેક માનવીને ઈશ્વરે એકસરખાં અંગો આપ્યાં છે, એકસરખી સંવેદનાઓ છે, દિલ અને દિમાગ છે. દરેકનો લોહીનો રંગ પણ લાલ જ છે. કોઈનો કાળો, ધોળો કે લીલો નથી અને વ્યક્તિ માત્ર સારા-ખોટાનું મિશ્રણ છે.
દીવાલ પર થતા ચુના-પ્લાસ્ટરની જેમ સમયે સમયે માનવીનાં તન-મન પર અવનવા રંગોના થપેડા ચડતા રહે છે. ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિ, દેશ, વિદેશ, સ્ત્રી-પુરુષ સ્વાતંત્ર્ય, સમાનતા, ભાષા, જાતિ બધું કેવળ નામ માત્ર છે. સરવાળે બધું શૂન્ય.
બધે જ અને બધાંમાં જ, સારું અને ખોટું બધું જ, જોવા મળે છે. કોઈ એક સ્ટેટમેન્ટ કે જવાબ આપી શકાય તેમ નથી. તેથી ચાલ, આ દરિયામાંથી હવે બહાર નીકળી જઈએ! હળવા ફૂલ રહીને આ વહેતા જીવન-જળમાં, આવડે તેવું અને તેટલું તરી લઈએ.
આ જીવન-જળ લખ્યું ને યાદ આવ્યું એક અછાંદસ કાવ્ય…
જિંદગી અટપટી છે….
વાળની ગૂંચ જેવી અણઉકલી છે.
કોઈને મન ઉજવણી છે, તો
કોઈને ઘર પજવણી છે.
એ તો સમયના પાટા પર
સતત ચાલતી ગાડી છે.
કદી લાગે સફર સુહાની છે, તો
કદી લાગે અમર કહાની છે.
હકીકતે તો જિંદગી,
મૃત્યુના માંડવે દોડતી બેગાની છે!
એ વેળાવેળાની છાંયડી છે દોસ્ત!
દરિયામાં ચાલતી નાવડી છે.
સંજોગની પાંખે ઉડતી પવનપાવડી છે.
અરે, એ તો જી-વન છે.
જીવની અપેક્ષાઓનું વન..
એમાં ફૂલો ભરી બાગ કરો,
કે કાંટાભરી વાડ કરો,
જંગલ કરો કે મંગલ,
મધુરી કહો કે અધૂરી ગણો,
મનની સમજણનો સાર છે,
બાકી તો જાદુગરનો ખેલ છે !!!!!
ચાલ, અહીં અટકું છું.. ફરી મળીશું આવતા શનિવારે…ત્યાં સુધી..
દેવીની યાદ.