શમા ~ (લઘુનવલ) પ્રકરણ: ૧૦ ~ મૃગજળમાંથી મોતી શોધતી યુવતીની કથા ~ લે. ગિરિમા ઘારેખાન

પ્રકરણ–૧૦

જો શ્વાસ લેવો એ જ જિંદગી હોય તો શમા જીવતી હતી. રોજ સૂરજ વિનાનો દિવસ ઊગતો હતો અને રાત થોરના કાંટા પહેરીને આવતી હતી.

આટલા ઓછા દિવસના સહવાસમાં પણ કોઈ માણસનું આવું વ્યસન થઇ જાય? શમાને અનુભવાતું હતું કે થઇ જાય. આ એના જીવનનો પહેલો પ્રેમ હતો. એક સાવ જ અનજાન માણસનો હાથ પકડીને, એના શબ્દોના સહારે એ પોતાનું બધું અને પોતાના બધાને મુકીને  એક અજાણ્યા મુલકમાં આવી ગઈ હતી. પણ આવ્યા પછી એ એનામાં ઓગળી ગઈ હતી. હવે એ માણસે જ જયારે એટલો મોટો વિશ્વાસઘાત કર્યો ત્યારે એ પોતાનું આખું અસ્તિત્વ ખેંચીને લઇ ગયો હોય એવું શમાને લાગતું હતું.

અડધી રાત પછી ધીરે ધીરે ચંદ્ર ઊગે અને ન દેખાતી વસ્તુઓ નજર સામે દેખાવા લાગે એવી રીતે શમાને ખાલીદના આગળના વર્તનના તાણા-વાણા મળતા જતા હતા. શા માટે એ પોતાને મસ્કત ન લઇ ગયો, શા માટે એ અમુક પ્રશ્નોના જવાબ ખાઈ જતો હતો એ બધું હવે સમજાવા માંડ્યું.

એ પોતે હિસાબમાં બહુ સારો ન હતો, હારૂનના ભરોસે બધું કામ ચાલતું હતું, એને આ કામ સંભાળી શકે એવી કોઈ ઘરની વ્યક્તિની જરૂર હતી. એ જો પત્ની હોય તો ઘણું જ સારું.

શમાને ખાલીદના શબ્દો યાદ આવ્યા, “આપકી ખાલા સે આપ કી હોશિયારી કે બારે મેં બહોત સુના થા.” પાછું એ મરદને દરેક જગ્યાએ એક ઔરત તો જોઈએ જ ને? સોહાર આવે ત્યારે રમવા માટે એક ખુબસુરત રમકડું પણ મળી રહે!

શમા વિચારતી હતી કે ખાલીદ આ છેતરપીંડી માટે હજુ અફસોસ બતાવે તો એ માફ કરી દઈ શકે? એનું સ્ત્રીનું, એક પ્રેમાળ પત્નીનું હૃદય કહેતું હતું કે ‘હા, કરી દે.’ એના મઝહબમાં અમુક સંજોગોમાં પતિની બીજી શાદીને મંજુરી હતી, પણ આવી રીતે? અહીં તો પોતે બીજી બીબી બનીને આવી હતી જેને પહેલીના અસ્તિત્વની ખબર ન હતી. તો પણ જો ખાલીદ આવીને એક વાર દિલથી અફસોસ કરે તો એ પીગળી જ જાય.

ખાલીદની મુહોબ્બત એણે અનુભવી હતી, તનથી અને મનથી. એનો પ્રેમ, એની દરકાર, એક પળ માટે પણ નાટક જેવાં ન હતા લાગ્યાં. એટલે જ એના વિના આમ જિંદગી શોષાઈ ગઈ હતી ને?

શમાને બહાર ફુવારાનું પાણી હવે દઝાડતું હતું. ખીલેલા ફૂલો તાજગી અને ખુશ્બૂ વિનાના લાગતા હતાં, પતંગિયાની પાંખો ખરી પડી હોય એવું લાગતું હતું. એ તૈયાર થઈને અરીસામાં જોતી તો એનું પ્રતિબિંબ અરીસામાંથી ખોવાઈ જતું.

આ શૂન્યતા હવે શમાથી જીરવાતી ન હતી. ક્યારેક થતું કે અહીં પરણીને મળેલી દોમદોમ સાહ્યબી સાથે મહેરમાં આવેલી આ કડવી વાસ્તવિકતા એણે સ્વીકારી લેવી જોઈએ. પણ મન એમ કરવાની ના પાડતું.

છેવટે એને થયું કે આવી રીતે અહીં રહેવું એના કરતાં તો હું પાછી અમદાવાદ જતી રહું. ત્યાં જઈને ભણીશ, કંઇક કરીશ, કામ કરીને પૈસા કમાઈશ, અબ્બા ઉપર બોજ નહીં  બનું. પણ પાસપોર્ટ તો ખાલીદ પાસે હતો. એ થોડો એને આપે?

એક દિવસ સાંજે એ પહોંચી ગઈ ખજૂરની વાડીએ. એને ખાતરી હતી કે હારુન ત્યાં જ હશે. કામ હોય કે ન હોય, હારુન ખજૂરી નીચે બેસીને શ્વાસ લેવાનો બંધાણી હતો.

શમા ત્યાં પહોંચીને ખુરશીમાં ફસડાઈ પડી. શું કરવું? હારુન ઉપર વિશ્વાસ કરવો? પણ અત્યારે એ જે પરિસ્થિતિમાં હતી એમાંથી નીકળવા માટે કોઈક ઉપર તો વિશ્વાસ કરવો જ પડશે. અને અહીં હારુન અને મરિયમ-બે જ તો હતાં જેમને પોતાના માની શકાય!

શમાને જોઇને હારુન ઊભો થઇ ગયો.

‘મેડમ, તમે? મને ફોન કર્યો હોત તો હું આવી જાત.’

‘બેસ હારૂન, મને એ કિલ્લામાંથી થોડી વાર બહાર નીકળવું હતું, એટલે હું જ આવી. મને તારું કામ પણ હતું.’

હારૂન શમાના આગળ બોલવાની રાહ જોઈ રહ્યો.

શમા નક્કી કરીને આવી હતી, પણ અત્યારે શબ્દો એનાથી દૂર ભાગતાં હતાં. એ થોડી વાર હારૂનની સામે જોઈ રહી. આ ખાલીદનો વફાદાર માણસ, એનો અહીંનો બધો વહીવટ એ સંભાળતો હતો. એ તો બધું જાણતો જ હશે ને? એણે પૂછી જ લીધું,

‘હારુન, તને બધી ખબર હતી ને?’

હારુન નીચું જોઇને બેસી રહ્યો. ફરિશ્તા જેવી માસૂમ આ મેડમ સાથે કેટલી મોટી છેતરપીંડી થઇ હતી?

‘હારૂન, તને બધી જ ખબર હતી, તેં પણ મને જણાવ્યું નહીં? તને મળીને મને તો એવું લાગતું હતું કે આ અનજાન મુલકમાં મને કોઈ મળી ગયું જેને હું ‘અપના’ કહી શકું.’ શમાની આંખો આંસુને રોકી ન શકી.

‘મેડમ, તમે બહુ માસૂમ છો, તમારું દિલ કેવી રીતે તોડાય? મારી તો જબાન ના ઉપડી.’

‘મને થોડી પણ ખબર હોત તો મને આટલો સદમો ના લાગત હારૂન. મારું બચ્ચું અત્યારે અહીં મારી પાસે હોત.’ શમા પેટ ઉપર હાથ મૂકતાં બોલી. આંખોમાં ઊભરાયેલું ચોમાસું તો અટકવાનું નામ જ ન હતું લેતું.

હારૂન ઊભો થઈને પાણી લઇ આવ્યો. ’મને માફ કરી દો મેડમ. તમને જયારે પણ જોઉં છું તો મને થાય છે કે પયગંબર સાહેબના પુત્રી ફાતેમા [ર.દ.અ.] આવા જ હશે. તમને જોઇને મને સજદા કરવાનું મન થાય છે. હારુન શમાની સામે જમીન ઉપર પગ ઊંધા કરીને બેસી ગયો.

શમાએ એને હાથ પકડીને ઊભો કર્યો અને ખુરશી ઉપર બેસાડ્યો. હવે એ થોડી સ્વસ્થ હતી.

‘હારુન, મને અહીંથી જતા રહેવું છે, મદદ કરીશ?’

‘મેડમ!’

હા હારુન, હું તો અહીં મારા શૌહરની બીબી થઈને આવી હતી. પણ હવે માલુમ પડ્યું કે એમને એક બીબી તો પહેલેથી છે જ. મને એ બતાવવાની પણ જરૂરત એમને ના લાગી!

જે ઘરમાં મારી ઈજ્જત એક ‘ઔરત’ થી વધારે ના હોય ત્યાં હું કેવી રીતે રહૂં? ખાલી રોટી તોડવા? રોટી તો મને ત્યાં પણ મળી જતી હતી. અમે બહુ ગરીબ હતા હારુન, પણ અમે બહુ ખુદ્દારીથી રહ્યાં છીએ. અબ્બાએ પણ એ જ શીખવાડ્યું છે. અમારા પરિવારમાં બધી ઔરતોને, લડકીઓને ઈજ્જતથી જ રાખવામાં આવે છે.’

‘પણ મેડમ પાસપોર્ટ? હું ટિકિટ માટે પૈસા આપી શકું,પણ પાસપોર્ટ તો –’

‘પાસપોર્ટ તારા અરબાબ પાસે છે અને એ મને આપે નહીં. મરિયમ એક દિવસ વાત કરતી હતી કે તેં તારા એક દોસ્તને પાસપોર્ટ વિના અહીંથી ભગાડ્યો હતો. સાચી વાત છે ને? શું થયું હતું?’

‘હા મેડમ. એ બિચારો ત્યાં પોતાનું ઘર ગીરવે મુકીને, જેમતેમ કરીને ટિકિટનો બંદોબસ્ત કરીને આવ્યો હતો. એને કહેવામાં આવ્યું હતું કે એણે અરબાબના ઘરમાં બધું કામ કરવાનું છે. પણ અહીં આવ્યા પછી એનો અરબાબ સવારે એની પાસે ઘરમાં બધું કામ કરાવતો અને બપોરે એની બકરીઓ ચરાવવા મોકલી દેતો.

એ તો રહેતો હતો પણ છેક રણ પાસે, સલાલા જવાના રસ્તે. ઊનાળામાં બપોરે તાપમાન ૫૦ ડીગ્રી ઉપર જતું રહે. આ દેશના રણમાં સૂકા ખડકો બહુ છે, ક્યાંક ક્યાંક થોડી લીલોતરી હોય. બકરીઓની પાછળ પાછળ એણે પણ એ મોટી ટેકરીઓ પર આખો દિવસ ભટકવું પડે. એક બે વાર ચક્કર ખાઈને પડી ગયો હતો. પછી  તો શીખ્યો- પસીનો બહુ થાય તો બિચારો મીઠાના ગાંગડા ખાઈ લે. સાંજે ઘેર જાય ત્યારે મરવા જેવો થઇ ગયો હોય. પાછું સાંજનું ઘરનું કામ અને ખાવાનું પણ બરાબર ના મળે.’

‘અરેરે! આટલો ખરાબ અરબાબ હતો?’

‘અરે, ક્યારેક તો મારતો પણ ખરો. શહેરમાં અરબાબ સારા હોય છે, ભણેલા હોય, ઇન્સાનને ઇન્સાન સમજે. પણ અંદરના ભાગમાં તો બધા પોતાની જાતને નવાબ સમજતા હોય અને નોકરોને જાનવર. જો કોઈ નાની ઉંમરનો નોકર આવી ગયો હોય તો એનો તો બીજી રીતે પણ ઉપયોગ થતો હોય.’

આશ્ચર્ય અને આઘાતથી શમા હારુનની સામે જોઈ રહી.

‘ગરીબી બહુ બૂરી હોય છે મેડમ. ભૂખ ગમે તેવા માણસને જાનવર બનીને રહેવા પણ મજબૂર કરે છે.’

હા હારુન. અને બહુ અમીરી પણ જો હજમ કરતા ન આવડે તો ગમે તેવા માણસને જાનવરની જેમ વિચારતો કરી દે છે. જે બીજા ઇન્સાનને ઇન્સાન ન સમજે એને પોતાને ઇન્સાન કેવી રીતે કહેવાય? ઘણા અમીરો ગરીબોને પોતાને રમવા માટેના રમકડાં પણ સમજતા હોય.’

હારુનને લાગ્યું કે એણે એની માલકિનની દુ:ખતી રગ ઉપર હાથ રાખી દીધો હતો. એણે વાત બદલતાં કહ્યું, ‘ઘણા ઇન્ડિયન અરબાબ પણ બહુ ખરાબ હોય છે. મેં એક એવા ઇન્ડિયન અમીર વિષે સાંભળ્યું છે જે મસ્કતમાં બહુ મોટા બિલ્ડીંગ બનાવે છે. સેંકડો કારીગરોને ઇન્ડિયાથી બોલાવે છે, એમની પાસેથી પૈસા લઈને. નોકરીની લાલચમાં અને પરદેશમાં રહીને કમાઈ લઈશું એવું વિચારતા ગરીબ માણસો પોતાનું બધું વેચી કરીને અહીં બે વર્ષની વિઝા ઉપર આવી જાય છે, તનતોડ મહેનત કરે છે અને બે વર્ષ પછી એમનો અરબાબ એમને પાછા મોકલી દે છે.’

‘કેમ? કોઈ વાંક ગુના વિના પાછા કેમ મોકલી દે?’ શમાને આ કંઈ સમજાયું નહીં.

‘અરે મેડમ, નવા માણસો, નવા પૈસા. બાંધકામ ઉપરાંત આ આવક પણ કેટલી બધી થાય? પચાસ ડીગ્રી ગરમીમાં ખુલ્લામાં સિમેન્ટ ઉપાડતા આ માણસો બિચારા બે વર્ષને અંતે જેવા આવ્યા હતા એવા જ પાછા જાય, અને ત્યાં તો એમનું કંઈ રહ્યું જ ન હોય. જો કે ઘણા આવી કાળી મજૂરી નથી કરી શકતા અને ભાગી જાય છે.’

‘મારે એ જ જાણવું છે હારુન. એ લોકો પાસપોર્ટ વિના કેવી રીતે જઈ શકે? તેં તારા મિત્રને કેવી રીતે ભગાડ્યો હતો?’ શમાને અત્યારે એ જ જાણવામાં વધારે રસ હતો.

‘અહીં એક સુર નામનું શહેર છે, બંદર છે. ત્યાંથી અમારા કચ્છનું માંડવી શહેર દરિયા રસ્તે સાવ સીધું આવે. અહીંથી કોઈ મોટી હોડીવાળાને પૈસા આપીએ એટલે એ આપણા દેશના પાણીની સરહદ સુધી છોડી આવે. ત્યાંથી માંડવીનો કોઈ હોડીવાળો લઇ જાય. પણ આ કામ કોણ કરે એની બરાબર ખબર હોવી જોઈએ. મોટે ભાગે દાણચોરીના સામાન સાથે આવા માણસોને પણ મોકલી દેવામાં આવે.’

‘આ તો સહેલું છે.’

‘બીજો રસ્તો છે પહાડોમાં થઈને દુબઈ પહોંચી જવાનો. અહીંથી ચાલુ થતા પહાડો સાઉદી અરેબિયા સુધી જાય છે.

રસ્તામાં દુબઈ, ફૂજીરા, અલ હેન, બધા શહેરોને ઓળંગીને એ પહાડો આગળ જાય છે. દુબઈ કે બીજે ક્યાંક ઊતરી જવાય તો ત્યાંથી પણ હોડી મળી જાય. પણ રસ્તો બતાવનારા સાથે હોવા જોઈએ નહીં તો પહાડોમાં ભૂલા પડી જવાય. એ લોકો પૈસા લઈને આ કામ કરે.

એમ પણ ન કરવું હોય તો છેલ્લે કંઈ નહીં તો અહીંથી સામાન ભરીને મોટી મોટી ટ્રકસ જતી હોય એમાં સામાનની પાછળ બેસીને સરહદ દુબઈની પાર કરી લેવાની. એકવાર દુબઈ પહોંચી જવાય તો ત્યાંથી બીજા રસ્તા મળી રહે. ત્યાં કામ પણ મળી જાય.’

શમાને એક પળ વિચાર આવ્યો કે એ દુબઈ જતી રહે અને ખાલા પાસે જ રહે. અમદાવાદ પાછી જાય તો અમ્મી-અબ્બાની બદનામી થાય ને? પણ પછી તરત થયું કે ખાલાને તો ખાલીદની પહેલી બીબીની વાત ખબર જ હશે. આટલા વર્ષોથી આ બાજુ રહીને એમને તો આમાં કંઈ ખોટું નહીં લાગતું હોય. બની શકે કે એમના શૌહરને પણ બીજી બીબી હોય! એ મને અહીં ખાલીદ પાસે પાછી મોકલી દે તો? પછી પોતે કેવી રીતે રહેવાનો વખત આવે? એમણે અમ્મીને નહીં જ બતાવ્યું હોય ને?

તરત આગિયાની જેમ એક બીજો વિચાર ઝબકયો- અમ્મીને પણ માલુમ હશે અને એમણે મને નહીં બતાવ્યું હોય? અમ્મીએ પણ…? ના ના, અમ્મી એવું કરે તો નહીં પણ-.

છાસથી દાઝેલી શમાને પાણી પણ ફૂંકીને પીવાનું મન થતું હતું.

પછી વિચારની વણઝાર આગળ ચાલી – અબ્બા જાણતા  હશે? જો અમ્મીને માલૂમ હોય અને એમણે અબ્બાને ના કીધું હોય તો અબ્બા તો પછી અમ્મીને બોલાવે જ નહીં! એમને તો બે સદમા પહોંચે – અમ્મીએ એમને  છેતર્યા એનો અને એમની પ્યારી દીકરી પાછી આવી એનો.’

‘શું વિચાર કરો છો મેડમ? આ ત્રણમાંથી એક પણ રસ્તે હું તમને ના જવા દઉં. આ બધું ઔરતો માટે નથી. રસ્તામાં કંઈ પણ બની  શકે.’

શમાની આંખો ફરીથી ભીંજાઈ ગઈ. એ ઔરત છે એટલે એનાથી કેટલું બધું ના થઇ શકે? ખુદા શું કરવા ચાહે છે? એણે ઉપર જોયું અને નેટમાં બાંધેલી પાકી ગયેલી ખજૂર સામે જોઈ રહી. આ ખજૂરને હવે ક્યારે નીચે ઉતારાશે? એ ક્યારે આ જાળીમાંથી મુક્ત થશે?

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. હપ્તો જોરદાર. સ્ત્રીના હૃદયની વેદના ખૂબ સરસ રીતે ચરિતાર્થ કરી. હવે ભાગી જશે ? શું થશે ? એવા ઉત્તરોની ઇંતેજારી…