(આજથી શરુ) એક અજાણ્યા ગાંધીની આત્મકથા (દર શુક્રવારે) ~ પ્રકરણ:1 ~ વૉશિન્ગટનનું ટેક્સ કૌભાંડ ~ નટવર ગાંધી ~
મામૂલીમાંથી મહામૂલીની યાત્રા સરળ નથી હોતી. પુરુષાર્થ, ભાગ્ય અને કૌશલ્ય જેવા અનેક પરિબળો એમાં ભાગ ભજવતા હોય છે. ગુજરાતના એક નાના ગામથી જીવનસફર શરુ કરનાર એક વ્યક્તિ પોતાની પ્રતિભાના જોરે અમેરિકાના વોશિન્ગ્ટનમાં સી.એફ.ઓ. એટલે કે ચીફ ફાઈનાન્સિયલ ઑફિસરના પ્રભાવી હોદ્દા સુધી પહોંચે છે. માત્ર ગુજરાતી જ નહિ દરેક ભારતીય માટે ગર્વ લેવા જેવી બાબત છે. આવી ઉજ્જવળ કારકિર્દી ધરાવનાર શ્રી નટવર ગાંધીને કાવ્યરસિકો સોનેટ કવિ તરીકે પણ ઓળખે છે. એમની આત્મકથા આજથી હપ્તાવાર શરુ થાય છે. દર શુક્રવારે પ્રગટ થશે. આ રહ્યો પહેલો હપ્તો. વેલકમ નટવરભાઈ.
પ્રકરણ:1
નવેમ્બર મહિનાની સાતમી તારીખને હું જિન્દગીમાં ક્યારે ય ભૂલવાનો નથી.
મારા જીવનમાં, મારી કારકિર્દીમાં, એ દિવસે મોટો ધરતીકંપ થયેલો! હું ત્યારે અમેરિકાની રાજધાની વોશિન્ગ્ટનનો સી.એફ.ઓ. એટલે કે ચીફ ફાઈનાન્સિયલ ઑફિસર હતો.
એ દિવસે યુ.એસ.એટર્નીની ઑફિસમાં પ્રેસ કોન્ફરન્સ હતી. વોશિન્ગ્ટનના મેયર, એફ.બી.આઈ.ના અને શહેરના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. વોશિન્ગ્ટન પોસ્ટના અને બીજાં છાપાંઓ તેમ જ ટીવીના ભરાડી રિપોર્ટરોથી ખીચોખીચ આખો હોલ ભરાઈ ગયો હતો. એ બધા અમારા આવવાની રાહ જોતા ‘માણસ ગંધાય, માણસ ખાઉં’ એમ કરતા અધીરા થઈને બેઠા હતા.
મારા હાથ નીચે જે ટેક્સ ઑફિસ ચાલતી હતી એમાં પચાસ મીલિયન ડોલરનું કૌભાંડ થયું હતું. સી.એફ.ઓ. થયો એ પહેલાં ત્રણ વરસ હું વોશિન્ગ્ટનનો ટેક્સ કમિશ્નર હતો. જો કે આ કૌભાંડ લગભગ વીસેક વરસથી ચાલતું હતું. પણ મુદ્દાની વાત એ હતી કે જ્યારે ચોરી પકડાઈ ત્યારે હું સી.એફ.ઓ. હતો, અને એ ચોરી કરનારા ટેક્સ ઑફિસરો મારા હાથ નીચે કામ કરતા હતા. એમના ગેરવર્તનની જવાબદારી મારી.
આ પ્રેસ કોન્ફરન્સમાં વોશિન્ગ્ટનના રિપોર્ટરો મેયરને એક પછી એક, એમ આકરા પ્રશ્નોથી પજવવા લાગ્યા. કહેતા હતા કે : ‘જુઓ તમારા હાથ નીચે કેવું મોટું કૌભાંડ થયું!’
એ વખતે હું મેયરની બાજુમાં જ; પણ પાછળ ઊભો હતો. ત્યાંથી તરત આગળ આવીને મેં કહ્યું કે : ‘આ બાબતમાં બધી જ જવાબદારી મારી છે. એમાં જે બદનામી થવી જોઈએ, તે મારી થવી જોઈએ; મેયરની નહીં. જે કંઈ સવાલ પૂછવા હોય એ મને પૂછો.’
પછી તો એ પ્રેસ કૉન્ફરન્સનું ટારગેટ હું બની ગયો. બધા મારી ઉપર તૂટી પડ્યા. હવે ટીવી કેમેરાઓએ મારી પર મીટ માંડી.
આંખને આંજી દેતી કેમેરાની એ લાઈટ્સ, હાથમાં રેકોર્ડિંગ મશીન લઈને ધક્કામુક્કી કરતા અનેક રિપોર્ટરો, ટોકિંગ પોઈન્ટ્સ અને નોટ્સ લઈને તમને તૈયાર કરતો સ્ટાફ – ક્લાસિક વોશિન્ગ્ટન પ્રેસ કૉન્ફરન્સમાં જે બધું હોય તે અહીં હતું.
વિધિની વિચિત્રતા તો જુઓ કે એ જ દિવસે સાંજે મને ગવર્નીંગ મેગેઝીન તરફથી રાષ્ટ્રીય કક્ષાનો “પબ્લિક ઑફિસિયલ ઓફ ધી ઇયર”નો મોટો અવોર્ડ અપાવાનો હતો. વોશિન્ગ્ટનની પ્રખ્યાત વિલર્ડ હોટેલમાં યોજાયેલા એક ભવ્ય સમારંભમાં મારું સમ્માન થવાનું હતું.

મારી કારકિર્દીનું આ એક ઊંચું શિખર હતું. સમારંભ યોજાયો. મને અવોર્ડ અપાયો. ખૂબ વખાણ થયાં, પણ મને ખબર હતી કે બીજે જ દિવસે સવારે આ બધું રોળાઈ જવાનું છે. છાપામાં પહેલે પાને ટેક્સ કૌભાંડના ખરાબ સમાચાર સિવાય બીજું કંઈ નહિ હોય, અને એવું જ થયું.
બીજે દિવસે અને પછી મહિનાઓ સુધી, વોશિન્ગ્ટન પોસ્ટ અને બીજાં છાપાંઓમાં મારા ફોટા સાથે એ કૌભાંડના સમાચારો પહેલે પાને પ્રગટ થયા.
કહેવામાં આવ્યું કે વોશિન્ગ્ટનના ઇતિહાસમાં ક્યારે ય પણ આવું મોટું કૌભાંડ થયું નથી. ત્યાર પછી તો મહિનાઓ સુધી મારી ઉપર કંઈક માછલાં ધોવાયાં. અમેરિકામાં છાપાંવાળા જ્યારે કોઈની પણ પાછળ પડે ત્યારે એનાં છોતરાં જડમૂળથી કાઢી નાખે. ભલભલાને જોતજોતામાં ભોંય ભેગા કરી દે!
વોશિન્ગ્ટન પોસ્ટમાં તંત્રીલેખો સાથે મારું કાર્ટૂન પણ છપાયું! આવા બધા બદનામીના સમાચારો મહિનાઓ સુધી છાપાઓમાં અને ટીવીમાં આવ્યા કર્યા. એ પ્રકરણના સંદર્ભમાં સિટી કાઉન્સીલ, બોર્ડ ઑફ ટ્રેડ, ચેમ્બર ઑફ કૉમર્સ, કમ્યુનિટી એસોશિઅન્સ, વોલ સ્ટ્રીટ, કોંગ્રેસ એમ અનેક જગ્યાએ મારે જુબાની આપવી પડી. આકરા સવાલોના જવાબ આપવા પડ્યા.

આ કૌભાંડ કેમ થયું અને એને માટે કોણ કોણ જવાબદાર છે, તે બાબતની વ્યવસ્થિત તપાસ કરવા સિટી કાઉન્સિલે વોશિન્ગ્ટનની એક મોટી લો ફર્મને જવાબદારી સોંપી.
અજાયબીની વાત તો એ છે કે આવડું મોટું કૌભાંડ થયા પછી પણ બીજાં સાત વરસ હું સી.એફ.ઓ. તરીકે ટકી રહ્યો! કૌભાંડ થયા પછી મારી ટર્મ પૂરી થયે બે વાર ફરી મારી નિમણૂંક થઈ. આમ હું 2013 સુધી હું સીએફઓ રહ્યો!
https://www.washingtonian.com/2013/02/01/dc-cfo-natwar-gandhi-resigns-for-love/
2013માં મેં જાતે જ રાજીનામું ન આપ્યું હોત તો બીજા ચાર વરસ હજી હું એ હોદ્દા પર રહી શક્યો હોત. રાજીનામું આપ્યા પછી પણ મારે મેયરના કહેવાથી વધુ એક આખું વરસ એ જ હોદ્દા પર કામ કરવું પડેલું.
આજે હું નિવૃત્ત થઈને બેઠો છું ત્યારે વિચાર આવે છે કે આ જિન્દગીમાં હું ક્યાંથી નીકળ્યો અને ક્યાં પહોંચ્યો!
મારી ગતિ અને પ્રગતિ એવી અને એટલી તો અણધારી નીવડી છે કે મારા જન્મ સમયે કુંડળીમાં જે કાંઈ લખાયું હશે અથવા જોષીએ જે કાંઈ ભવિષ્ય ભાખ્યું હશે, તેમાંથી ભાગ્યે જ કંઈ સાચું પડ્યું હશે.
ક્યાં અમારું ધૂળિયું ગામ, જેમાં મારા જન્મ વખતે હજી ઈલેક્ટ્રીસિટી પણ આવી નહોતી અને જ્યાં પીવાનું અને નાવાધોવાનું પાણી નદીએથી લાવવું પડતું, અને ક્યાં વિશ્વની મહાન સત્તા અમેરિકાની રાજધાની વોશિન્ગ્ટન? ક્યાં મુંબઈની મૂળજી જેઠા માર્કેટમાં કરેલી અદના ગુમાસ્તાની નોકરી અને ક્યાં વોશિન્ગ્ટનના પાવરફુલ ચીફ ફાઈનાન્સિયલ ઑફિસરની પોઝિશન?

ક્યાં મુંબઈમાં એક ઘોલકી શોધવા માટે અસહ્ય મુશ્કેલીઓ વચ્ચે કરેલો આંધળો રઝળપાટ અને ક્યાં અદ્યતન સુવિધાઓથી સજ્જ અમારું વિશાળ ઘર અને એનું એકાદ એકરનું હરિયાળું બેક યાર્ડ?
ક્યાં મારી મુંબઈની ગુલામગીરી અને ક્યાં અહીં ‘વોશિન્ગ્ટનોઅન ઑફ ધી ઈયર’ કે ‘મોસ્ટ પાવરફુલ વોશિન્ગ્ટનોઅન્સ’માં મારી ગણતરી? ક્યાં નાતની વીશીઓમાં જેમતેમ લુસલુસ ઊભડક ખાવાનું અને ક્યાં વ્હાઈટ હાઉસનું સ્ટેટ ડીનર?
આવી એક્સ્ટ્રીમ પરિસ્થિતિઓ વચ્ચે થયેલી મારી અણધારી જીવનયાત્રાનું મને જ મોટું આશ્ચર્ય છે. સાડા સાત દાયકાની આ જિન્દગીની સફર પછી મારી સફળતા અને નિષ્ફળતાની વ્યાખ્યા પણ ધૂંધળી બની ગઈ છે. હવે મને ખબર નથી પડતી કે કોને મહાન કહેવા અને કોને પામર? હવે કોઈને એવાં લેબલ લગાડવાં એ પણ મને યોગ્ય નથી લાગતું.
એક વસ્તુની સ્પષ્ટતા જરુર થઈ છે. જે લોકો એમ કહે છે કે એમની અસાધારણ સિદ્ધિઓ અને સફળતાઓ આપકમાઈની છે; તો એ વાતમાં હું માત્ર એમની બડાશનાં બણગાં જોઉં છું. ઊલટાનું આવા સફળ માણસની પાછળ હું એના જન્મ, કુટુમ્બ, સમાજ, ઉછેર, ભણતર, મિત્રો, જીવનસાથી, નસીબ, વગેરે વસ્તુઓ જોઉં છું.
એનો અર્થ એ નથી કે વ્યક્તિગત બુદ્ધિ, પ્રયત્ન, ધગશ, પરિશ્રમ વગેરે જરૂરી નથી. કહેવાનું માત્ર એટલું જ કે, જેને ઇંગ્લિશમાં આપણે ‘self-made man’ કહીએ છીએ તે વાત કપોળકલ્પિત છે! છતાં આ લખું છું, તે કદાચ કોઈને ઉપયોગી નીવડી શકે, એવો છૂપો આશય પણ છે.
ગઈ સદીના વચલા દાયકાઓમાં દેશનાં નાનાં ગામોમાં તેમ મુંબઈ જેવા શહેરમાં, સામાન્ય લોકો હાડમારીભર્યું જીવન કેમ જીવતા એનું અહીં વર્ણન કરવા પ્રયત્ન છે.
સાસરે ગયેલી વહુ, પિયરની વાત કરતા જેમ લાગણીશીલ કે રોમેન્ટિક બને છે; તેમ દેશ છોડીને વર્ષોથી પરદેશમાં વસતા લોકો વતનની વાતો કરતા આવી લાગણીઓ પ્રદર્શિત કરે છે. હું એવી લાગણીઓથી બચ્યો છું કે નહીં એ તો વાચકે જ નક્કી કરવાનું છે.
અહીં જે ઘટનાઓ રજૂ થઈ છે તેને થયે તો ભવ વીતી ગયો છે. મારા વતનમાં જ્યાં મારો જન્મ અને ઉછેર થયો, મુંબઈમાં જ્યાં જ્યાં મેં નોકરીઓ કરી, અને અમેરિકામાં મેં જ્યાં જ્યાં શરૂઆતમાં વસવાટ કર્યો – એ વિશેની વાતો પચાસ–સાંઠ વરસ જૂની છે.
એ બધી હકીકતો પર, એ અનુભવો પર સ્મૃતિ-વિસ્મૃતિના કંઈક થરો લદાયેલા છે. અહીં એ ઘટનાઓ, એ અનુભવોની વાત જરૂર છે; પણ એ બધું જેમ અને જેવી રીતે યાદ રહ્યું છે તે પ્રમાણે લખાયું છે.
ક્યારેક સ્મૃતિ દગો દે છે, તો ક્યારેક એવું પણ બને છે કે, જેમ કોઈ જૂના તામ્રપત્ર પર જે લખાયેલું હોય તે ભુંસાઈ જાય છે; છતાં ઇતિહાસકાર એ કાળનો ઇતિહાસ તો લખે જ છે. એ ઇતિહાસમાં કેટલું સાચું માનવું એ પ્રશ્ન પણ ઊભો રહે છે. કોઈ પણ આત્મકથનાત્મક લેખનમાં આવી મર્યાદા પણ રહે છે.
માનસશાસ્ત્રીઓ આ પ્રકારના લેખનને palimpsest કહે છે. એવું લખાણ પણ અહીં હશે જ એમ હું માનું છું.
અને છતાં વિખ્યાત મનોવિજ્ઞાની Oliver Sacks કહે છે તેમ મોટે ભાગે આપણી સ્મૃતિઓ ભાગ્યે જ ખોટી પડતી હોય છે.
હા, એ બધી સ્મૃતિઓ આપણા આત્મરંગે જરૂર રંગાયેલી હોય છે. અને જેમ જેમ પરિસ્થિતિ બદલાતી રહે છે તેમ તેમ એ રંગ બદલાતો રહે છે. છતાં આ સ્મૃતિઓ બનેલી ઘટનાઓને વફાદાર રહેતી હોય છે.
આ આત્મકથનમાં કેટલીક જીવન્ત વ્યક્તિઓનાં નામ લખ્યાં નથી અથવા તો ફેરવ્યાં છે. છતાં હકીકતો અને બનેલા બનાવો વિષે સચ્ચાઈ અને પ્રામાણિકતા જાળવીને જ લખ્યું છે.
આ પ્રાસ્તાવિક નિવેદન પછી પણ જો વાચકમિત્રો ચેત્યા ન હોય અને આગળ વધવું જ હોય તો જરૂર આગળ વધે ! પોતાના હિસાબે અને જોખમે !
~ નટવર ગાંધી
~ (ક્રમશ:)
~ (દર શુક્રવારે )
ફરી માણી આનંદ