શમા ~ (લઘુનવલ) પ્રકરણ: ૨ ~ મૃગજળમાંથી મોતી શોધતી યુવતીની કથા ~ લે. ગિરિમા ઘારેખાન
પ્રકરણ –૨
એરહોસ્ટેસ ખાવાનું લઈને આવી. ખાલીદે સીટની સામેની ટ્રે શમાને ખોલી આપી અને પ્લેટ એના ઉપર મૂકી. શમા થોડી વાર સુધી પ્લેટ સામે જોઈ રહી. ખાલીદે પોતાની રોટી ઉપરનું રેપર ખોલતા કહ્યું, ‘ખાના ખા લો, ઠંડા હો જાયેગા.’
શમાએ બધું ખોલીને જોયું—રોટી, સબ્જી, સલાડ, દહીં, ચાવલ, કેક બધું જ હતું. ભૂખ તો લાગી હતી. ઘેરથી નીકળે ખાસો સમય થઇ ગયો હતો અને ઘેર પણ એ ક્યાં કંઈ ખાઈ શકી હતી?
ખાલીદ સાથે જેટલો પરિચય થયો હતો એટલામાં એને એ સારો જ લાગ્યો હતો. એણે ફરિયાદ કરવાની કોઈ તક આપી ન હતી. તો પણ નીકળવાના દિવસે સવારથી કંઇક બેચેની હતી. મન આશંકાઓથી ભરાઈ જતું હતું –આ અહીં આટલો સારો લાગે છે, એના દેશમાં, એને ઘેર જઈને આવો જ રહેશે કે એણે ઘણી વાર સાંભળ્યું હતું એમ –‘પૂરેપૂરા બદલ જાયેગા’? તો હૂં શું કરીશ? ક્યાં જઈશ? કોને ફરિયાદ કરીશ?
ઘર અને ઘરના “પોતાના” માણસોને છોડીને જવાનું દુઃખ તો સહુથી મોટું હતું. હવે અહીં ક્યારે આવવા મળશે? માથું મૂકવા માટે અમ્મીનો ખોળો અને અબ્બાનો ખભો હવે મળશે? ક્યારે? ખાલા દુબઈ ગયા પછી ક્યાં પાછી આવી જ હતી?
શાદીમાં હૈદ્રાબાદ ગયા ત્યારે એક જ વાર એમને અને એમની બે દીકરીઓને મળવાનું થયું હતું. પોતાની સાથે પણ એવું જ થશે? બે બહેનો અને નાના ભાઈ સાથે ગાળેલી આનંદની પળો, દાંતથી જ ચોકલેટ તોડીને, અડધી અડધી કરીને ખાવાની ખુશી અને એકબીજાના તોફાનોને અમ્મી –અબ્બાથી છુપાવવાનો પ્રેમ – આ બધું મસ્કતમાં ક્યાં મળશે?
પોતે મોટી હતી એટલે નાના ત્રણને કેટલું બધું સાચવતી હતી! હવે એ લોકો જાણે બેસહારા થઇ જવાના હોય એવું શમાને લાગતું હતું. અબ્બા પાસે તો ક્યાં સમય જ હતો? અને અમ્મી આખો દિવસ કામમાં ને કામમાં. એમને ભણવામાં મદદ કોણ કરશે?
અમ્મી ન રડે એટલે એણે આંસુને બહાર ન હતા નીકળવા દીધાં. સવારે જ અબ્બા એને ભાવતી કેટલી બધી મિઠાઈ ખરીદી આવ્યા હતા! પણ કશું જ ગળે ઊતર્યું ન હતું. અમ્મીએ મિઠાઈ સાથે આપવા માંડી તો પણ એણે ના પાડી દીધી હતી. વિચાર્યું હતું, ‘ઘરમાં હશે તો મહેમુદ ખાશે. એને પણ આ બધું કેટલું બધું ભાવે છે!’
એમ તો અમ્મીએ ખાલીદ એને જોવા આવવાનો છે એમ જણાવ્યું ત્યારે પણ ક્યાં કશું ખવાયું હતું? એ વખતે તો અમ્મી ઉપર ગુસ્સો જ આવતો હતો.
અમ્મી સમજવા તૈયાર જ ન હતી કે પોતાને હમણાં શાદી કરવી જ ન હતી. જો કરવાની જ હોય તો શાદી કરીને એટલે દૂર જવાની તો બિલકુલ ઈચ્છા ન હતી. જો ગુજરાતમાં જ શાદી થાય તો સસુરાલવાળા એમના જેવા જ હશે.
હૈદરાબાદમાં એણે જોયું હતું એમ વહુને ઘરમાં કેદ નહીં કરી દે. ભણવાની ઇજાજત પણ આપી દે અને પોતે ઘર સંભાળવાની સાથે ભણી પણ શકે. એટલે જ અમ્મીએ મસ્કતના લડકાની વાત કરી એ સાથે જ એ એનો હાથ છોડાવીને ઊભી થઇ ગઈ હતી અને ચોખ્ખેચોખ્ખું કહી જ દીધું હતું, ‘નહીં અમ્મી, એક અનજાન માનુસ સાથે એક અનજાન દેશમાં મારે નથી જઉં.’
પણ અમ્મીએ એનો હાથ પકડીને પાછી બેસાડી દીધી હતી અને સમજાવી હતી, ‘દેખ બેટા, હૂં પણ છેક હૈદ્રાબાદથી નિકાહ કરીને અહીં ગુજરાતમાં આવી જ હતી ને? તારા અબ્બા સાથે બચપનમાં મંગની થઇ ગયેલી. એ પછી તારા દાદા-દાદીનો ઇન્તકાલ થઇ ગયો અને તારા અબ્બા હૈદ્રાબાદ છોડીને અહીં એમના ચાચા પાસે રહેવા આવી ગયા.
મારા નિકાહ થયા ત્યારે મારા માટે પણ એ અનજાન માનુસ જ હતા અને આ અનજાન દેસ જ હતો. પણ અહીં આવી તો હૂં બી સુખી થઇ ને તમે પણ. હૈદરાબાદ હોત તો તું આટલું ભણી જ ના સકી હોત. આમ સ્કુટર ચલાવત કે? ક્યારની બુરખો પે’રીને ફરતી થઇ ગઈ હોત. તું બી મસ્કત જઈને વધારે સુખી થવાની.’
‘પણ અમ્મી મારી તો તારી જેમ મંગની થયેલી નથી ને? તો મને અહીં જ રે’વા દે ને! થોડું ભણી લેવા દે. પછી અહીં કંઈ લડકાઓનો અકાલ પડી ગયો છે?’
‘અહીં લડકાઓનો અકાલ નથી બેટા પણ અમારી પાસે દહેજમાં દેવાના પૈસાનો અકાલ છે. બધા કેટલું દહેજ માગે છે તુને જાણ છે?’ અબ્બા ક્યાંથી લાવસે એટલા પૈસા? તારાથી નાની બીજી દો બહેનો છે. તારા નાના ભાઈને તો બરાબર ભણાવો પડસે ને? એને મારે પટાવાળો નથી બનાવવો. તારી ખાલા કે’તી તી કે તું એકવાર કોઈ ખાડીના દેસમાં જસે પછી એ કોઈની ફિકર નહીં કરવી પડે બેટા. ખાલાના કે’વાથી જ તો એક સાલથી તારો પાસપોર્ટ બનાવી દીધો છે, તને માલુમ તો છે.’ અમ્મીનો હાથ સતત શમાની પીઠ ઉપર ફરતો હતો.
તો પણ શમા ટસની મસ ન હતી થતી એટલે અમ્મીએ એનું છેલ્લું હથિયાર વાપર્યું હતું. દુપટ્ટો માથા ઉપરથી હટાવીને એણે હાથમાં લઇ લીધો હતો, આંખો આંસુથી ભરાઈ આવી હતી અને ભીખ માંગતી હોય એવી રીતે શમા સામે બેસીને ગળગળા અવાજે બોલી હતી,
‘અબ સબ કુછ તેરે હાથમેં હૈ બેટા. રઝીયા તારી જેમ ખૂબસૂરત નથી, એને માટે તો અમારે દહેજ દેવું જ પડસે. ખુદાના સુકર કર તને આટલી સુંદર ચાંદ જેવી સકલ આપી છે, સોના જેવો રંગ આપ્યો છે, એટલે જ એક આટલો પૈસાવાળો ખાવિંદ તને મલસે. જો એ તને પસંદ કરીને નિકાહ કરવા તૈયાર થઇ જસે તો—.’
‘તો શું અમ્મી?’
અમ્મીએ એના બાકીના શબ્દો આંસુ સાથે વહાવી દીધા હતા.
ત્યારે જ શમાની નજર રૂમના બારણા તરફ ગઈ હતી. બજારમાંથી આવી ગયેલા અબ્બા ત્યાં ઊભા રહીને આંખના આંસુ લૂછતાં હતા. શમાની નજરથી પકડાઈ ગયા એટલે એ ત્યાંથી જતા રહ્યાં.
પિતાની મજબૂરીએ દીકરીને મજબૂર કરી નાખી અને શમાએ ખાલીદને મળવાની હા પાડી દીધી હતી.
જો કે ખાલીદને મળ્યા પછી એને એનામાં કશું જ વાંધાજનક નહતું લાગ્યું. હવે જો શાદી કરવાની જ હતી તો શૌહર તરીકે ખાલીદમાં કંઈ ખરાબી દેખાતી ન હતી.
એ ઊંચો હતો. ઘઉંવર્ણી, ચમકતી ત્વચા હતી, શકલ પણ સારી હતી અને બગલા જેવો સફેદ પગની પાની સુધીનો ઝભ્ભો [જેને એ કંદોરો કહેતો] પહેરીને સામે ઊભો હોય તો જોઈ રહેવાનું ગમે એવો લાગતો હતો.
એ કંદોરા ઉપર એ ચાંદીના ખંજરનો પટ્ટો પહેરતો હતો અને એનાથી આખું વ્યક્તિત્વ કોઈ નવાબ જેવું લાગતું. ઉંમરમાં શમાથી દસેક વર્ષ મોટો લાગતો હતો.
અમ્મી કહેતી હતી એમ “લડકો” તો બિલકુલ જ ન હતો લાગતો. શમાએ એની અમ્મીને એમ જણાવ્યું પણ ખરું. પણ અમ્મીએ કહી દીધું કે ‘બેટા, આદમીકી ઉમર નહીં દેખી જાતી. દેખના, તુમ બૂઢી હો જાઓગી, લેકિન વો તો જવાન હી રહેગા.’
આ વાત શમાના ગળે ઊતરી ન હતી, પણ એણે મનને થોડું વધારે મનાવી લીધું – મારી શાદીથી મારો આખો પરિવાર ખુશ થતો હોય તો ભલે એમ. ખાલીદ તો શમાને જોઇને જાણે પાગલ જ થઇ ગયો હતો.
શમાના જ આગ્રહથી થયેલી એમની નાની મુલાકાતમાં જ એણે કહી દીધું હતું, ‘હમ તો ખૂબસૂરતી ઢૂંઢતે આયે થે, યહાં તો જન્નતકી હૂર મિલ ગઈ.’
શમાની ‘હા’એ એના અબ્બા-અમ્મીના દુઃખ, મજબૂરીના આંસુને હર્ષના આંસુમાં ફેરવી નાખ્યાં હતા. કાજીને બોલાવાયા અને બન્ને પક્ષે ‘કુબૂલ હૈ’ થઇ ગયું. શમા હજુ માની ન હતી શકતી કે એ આટલી જલ્દી મસ્કત જવા માટે ખાલીદ સાથે પ્લેનમાં બેઠી હશે.
એરહોસ્ટેસ ખાલી ટ્રે લેવા આવી ગઈ હતી. ખાલીદે શમાની ટ્રે સામે નજર નાખી અને પૂછ્યું, ‘આપકો મીઠા પસંદ નહીં હૈ? કેક નહીં ખાયા?’
‘પસંદ હૈ’.
‘તો ફિર?’
‘ઘરમેં સબકો —’ બોલતે બોલતે શમાની આંખમાં પાણી ભરાઈ આવ્યા.
‘ઘર યાદ આ રહા હૈ? હમ પર ભરોસા હૈ ના? હમ આપકો કોઈ તકલીફ નહીં હોને દેંગે. રોઇએ મત. હમ આપકે આંસુ નહીં દેખ સકતે.’ ખાલીદે શમાના ગાલ ઉપર એની આંગળી ફેરવી અને એને હોઠથી એક ફ્લાઈંગ કિસ આપી.
શમા શરમાઈને નીચું જોઈ ગઈ. એણે આંખો લુછી નાખી. આ માણસ એની કેટલી કાળજી રાખતો હતો! એણે વાતોમાં મન પરોવવાનું નક્કી કર્યું.
‘આપને યે સબ ઇતના જલ્દી કૈસે કર લિયા? હમારા વિઝા ઇતના ફટાફટ કૈસે મિલ ગયા?’
‘અરે મૈં તો શાદી કરને હી આયા થા તો થોડી તૈયારી તો કરકે હી આયા થા. આપકો યાદ હૈ મૈં શાદીકે બાદ તુરંત મુંબઈ ગયા થા? વો હમારી એમ્બસીમેં આપકે વિઝાકે લિયે હી ગયા થા. બસ, મિલ ગયા! હમારે મુલકમેં હમારી બીબીકે લિયે વિઝા કૌન નહીં દેગા? ઔર હમ થોડે ઇતની ખુબસુરત બીબીકો યહાં છોડકે જાતે?’ ખાલીદ શમાનો હાથ પોતાના મજબૂત હાથમાં દબાવતાં બોલ્યો.
શમાનું કુંવારું હૃદય એક ધબકારો ચુકી ગયું. પહેલેથી જ ગુલાબી ગાલ ઉપર શરમની સુરખી ચડી ગઈ.
એ બારીની બહાર જોવા માંડી. આંખો બહાર દેખાતા ભૂરા આકાશ સામે હતી અને મન પણ સાથે આકાશમાં વિહરી રહ્યું હતું. એ વિચારવા માંડી, ‘બસ, હવે તો આ હાથ જ પકડેલો રાખવાનો છે. અમ્મી જેમ અબ્બાને કરે છે એમ પોતે પણ ખાલીદને ખૂબ પ્રેમ કરશે. હૂં એમને ન’તી ઓળખતી તો એ પણ મને ક્યાં ઓળખતા હતા? માત્ર મને એક વાર મળીને અને જોઇને જ એમણે મને બીબી તરીકે પસંદ કરી લીધી છે, તો મારે પણ એમણે મારામાં મુકેલા ભરોસાને સાચો પુરવાર કરવો જ પડે.
લડકીઓનો એમને પણ ક્યાં અકાલ પડવાનો હતો? મને ના પાડી હોત તો બીજી પણ કોઈ સુંદર લડકી મળી જાત. પણ એમણે મને જ પસંદ કરી.
કોઈ જ શરત નહીં, કોઈ માંગણી પણ નહીં. ઊલટું ઘરને માટે કેટલું બધું આપ્યું! અમ્મી –અબ્બાનો પણ શું વાંક? મને સ્કૂલથી આવતા દેર થઇ જાય તો અમ્મી બેચેન થઇ જતી. એ લોકોને થોડું મને આમ દૂર મોકલી દેવાનું ગમ્યું હશે? અબ્બા કેટલા મજબૂર હતા?
અને અમ્મી તો કેવું કહેતી હતી-“બેટા, તું ત્યાં ખુસ નહીં હોય તો અહીં મારા કલેજામાં જલન થસે.” ખુદાએ જ મારે માટે આ તય કર્યું હશે. ના ના, હૂં બધાને સુખી કરીશ- અમ્મી અબ્બાને, ખાલીદને અને એના ઘરમાં જે હશે એ બધાને પણ.’
શમા હવે બહાર દેખાતા વાદળાં જેવી હળવાશ અનુભવતી હતી.
એ હળવા વાદળને હલાવતી પવનની લહેરખી જેવો એક વિચાર શમાના મગજમાં પ્રવેશ્યો-મારી ગમગીનીમાં હૂં એટલી ખોવાયેલી હતી કે મેં ખાલીદને એના ઘર વિષે કે એના ઘરમાં કોણ કોણ રહે છે એ વિષે તો કંઈ પૂછ્યું જ નથી.
સાથે ક્યાં રહેવાયું જ છે? એ મને એને ઘેર લઇ જવા મારી વિઝા મેળવવાની ધમાલમાં હતો અને હૂં ઘર છોડવાની ધમાલમાં. અમ્મીએ પૂછ્યું હશે? ખાલીદને નહીં તો દુબઈમાં ખાલાને તો પૂછી જ લીધું હશે. શાદીની ધમાલમાં અમ્મી કે અબ્બાએ મને એ તો કીધું જ નથી! મારે એ બધું તો જાણવું જ જોઈએ. એમના ઘરમાં જતા પહેલાં એટલું તો જાણી લઉં!
શમાએ ખાલીદ તરફ મોં ફેરવ્યું અને બોલી, ‘વહાં મસ્કત મેં આપકે ઘરમેં —.’ પણ એનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ ખાલીદને પણ અચાનક યાદ આવ્યું હોય એમ એણે પૂછી લીધું, ‘મૈંને આપકો બોલા થા અપની હેન્ડબેગમેં હિજાબ રખનેકે લિયે, આપને રખા હૈ ના?’
‘હાં, કયું?’
‘પ્લેન લેન્ડ હોને સે પહલે પહન લેના. યહાં ખાલી દુપટ્ટા સરપે લેને સે કામ નહીં ચલેગા.’
‘સારી ઔરતે પહેનતી હૈ ક્યા? હંમેશા પહેનના પડેગા?’ શમાના અવાજમાં થોડો આંચકો હતો.
‘ઘર મેં જબ હમ દોનોં અકેલે હોંગે તબ નહીં.’
એ બન્નેએ એકલા રહેવાનું હતું? ઘરમાં કાયમ સાથે બીજું કોણ હશે? એ લોકો કેવા હશે? દીકરો આમ દેશની બહાર જઈને શાદી કરીને આવી જાય તો એના અમ્મી-અબ્બા, પરિવારના બધા જ નવી બહુને જોવા કેટલા આતુર હશે? ખાલીદે એ લોકોને પૂછ્યું હશે કે એમ જ લડકી ગમી ગઈ એટલે શાદી કરી લીધી? આવો કેવો રિવાજ!
શમાએ ફરીથી એ જ મૂંઝવણના વર્તુળમાં આવી ગઈ. ‘બતાઈયેના, મસ્કતમેં હમારે ઘરમેં ઔર કૌન કૌન હૈ?’
‘બસ, અબ હમ પહૂંચને વાલે હૈ, તુમ સીટ બેલ્ટ લગા લો, મૈં થોડા ફ્રેશ હોકે આતા હૂં.’
ખાલીદ ઊભો થઈને બાથરૂમમાં ગયો. શમાએ નીચે પડેલી એની નાની હેન્ડબેગ ખોલીને એમાંથી હિજાબ કાઢ્યો અને હાથમાં લઈને એને જોતી રહી.
એરહોસ્ટેસ આવીને કહી ગઈ એટલે એણે સીટ બેલ્ટ બાંધી લીધો. એને લાગતું હતું કે સીટબેલ્ટની સાથે એ ખરેખર જાતને બાંધી રહી છે કે શું?
પોતાના મોહલ્લાની બહાર નીકળ્યા પછી બહેનપણીને ઊઠાડીને, વાળ ખુલ્લા કરીને કાયનેટીક ચલાવનારી, સ્કૂલમાં હેડ ગર્લ તરીકે ભાષણો આપવાવાળી, નાટક, ડીબેટમાં ભાગ લેવાવાળી છોકરી આજે પહેલીવાર હિજાબ પહેરવાની હતી. આ શું આગળ આવનારા બીજા બંધનોની શરૂઆત હતી?
(ક્રમશ:)
વાર્તા એક જીવનમાંથી બીજા જીવનમાં જતી મુગ્ધ છોકરીની મનોદશા ખૂબ સફળ રીતે આલેખન કરે છે…અહીં પણ બે અલગ જિંદગીની મનોવ્યથા સરસ નિરૂપાયેલી છે
કેટલીક જોડણીની ભૂલ સાથે વાર્તાનો ઉઘાડ સારો છે..
નવલકથાના આરંભથી જ આંચકાઓ ખમવાના આવશે એવી દહેશત તો જાગી જ છે. ક્યારે અને કેવા …? કથા પકડ જમાવતી જાય છે.