આથમણી કોરનો ઉજાસ ~ (ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણી) ~ પત્ર: ૯ ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ

પત્ર નં. ૯

પ્રિય નીના,

પત્ર વાંચ્યો. પ્રેમથી પેટ ભરીને કરેલી પ્રેમની વાતો અને તારા વિચારો વાંચવાની મઝા આવી. જોતજોતામાં ફેબ્રુ. મહિનાનો end આવી ગયો.

આપણા ગુજરાતી મહિનાઓ પ્રમાણે એટલે કે તિથિ પ્રમાણે, આ વર્ષે ભલે વસંતપંચમી વહેલી આવી ગઈ. પણ ખરી વસંતૠતુ તો માર્ચથી જ શરૂ થાય ને? અહીં તો માર્ચની ૨૧મી થી જૂનની ૨૦મી સુધી spring ગણાય.

Washington DC, USA In Spring Season. Stock Photo, Picture And Royalty Free Image. Image 96363585.

વસંત માટે તો  કંઈકેટલાંયે ગીતો લખાયાં છે. મેં પણ વાસંતી વાયરા અને ફાગણના કામણ અંગે પદ્યરચનાઓ કરી છે. પણ આજે તો મારે એક બીજી જ, સાવ જુદી, કંઈક નવી વાત કરવી છે.

૧૯૮૨ની એ સાલ હતી. હાડ ગાળી નાંખે તેવી ઠંડીના દિવસો પૂરા થઈને વસંતૠતુ ઉઘડી રહી હતી. સૂકા ઝાડની ડાળીઓ પર, લીલી થઈને ઝીણી ઝીણી કળીઓ ફૂટવા માંડેલી. એકાદ સ્વેટરથી ચાલી જાય એવી હળવી, ગુલાબી ઠંડી હતી.

અહીંની અમેરિકી પ્રજાની જેમ અમે પણ વીકેન્ડમાં ભારતથી આવેલ માત-પિતા (સાસુ-સસરા)ને લઈને ફરવા નીકળી પડ્યાં હતાં. અગાઉથી નક્કી કર્યા મુજબ ન્યૂ જર્સીથી કારમાં વોશિંગટન ડી.સી. પહોંચી જઈ હોટેલમાં ગોઠવાઈ ગયાં.

10 things you need to know about living in Washington DC

બીજા દિવસે, ખૂબ વહેલી સવારે અમેરિકાના પ્રેસિડેન્ટનું વ્હાઈટ હાઉસ જોવા લાઈનમાં ઊભા રહી ગયાં. વહેલાં પહોંચી ગયાં હોવા છતાં પણ લાઈનમાં અમે ઘણાં પાછળ હતાં. બધાં જ વ્યવસ્થિત રીતે હારમાં ઊભેલા હતાં. ક્યાંયે કશી ધક્કામુક્કી કે ઘોંઘાટ ન હતો. બધા લોકો પોતાનો નંબર ક્યારે આવે તેની રાહ જોતા ઊભા હતા.

White House Design: All you need to know | Housing News

અચાનક મોટેથી બાએ ‘હટ..હટ.હટ  ‘ કરીને પોતાની સાડીને પાછળ પગ પાસેથી સરખી કરવા માંડી. સૌની નજર એ તરફ ગઈ. એક્દમ લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. જોયું તો કમરે પટ્ટો બાંધેલું એક ભાખોડિયા ભરતું બાળક, સાડી સાથે રમી રહ્યું હતું!!

બ્રાઉન કલરનું પાતળું જેકેટ પહેરેલ કશુંક ફરતું જોઈને પહેલી નજરે તો એમ જ લાગે કે એ કુરકુરિયું હશે ! એના પટ્ટાનો બીજો છેડો, દૂર ઊભેલી તેની માના હાથ સાથે બાંધેલો હતો!  બા હજી યે હટ..હટ. કરી રહ્યાં હતાં અને લોકો ખડખડ હસતા હતા.

તેમણે જ્યારે જાણ્યું ત્યારે કહેઃ મેર, મૂઆ! એટલામાં તો માંડ ચાલતાં થયેલાં બીજાં ત્રણેક બાળકો લાઈનની બહાર આવીને તેને રમાડવા માંડ્યાં. એમાં એક હતું ચાઈનીઝ બાળક, બીજું અમેરિકન અને ત્રીજું મુસ્લિમ બાળક. કોઈ કોઈની ભાષા જાણતું ન હતું. અરે, બરાબર બોલતા પણ ક્યાં આવડતું હતું? છતાં ખુબ સરસ રીતે ત્રણે જણ એકમેક સાથે ભળી ગયાં હતાં.

દસ પંદર મિનિટ પછી પેલાં પટ્ટો બાંધેલ બાળકની મા આવી, બાને વિનયપૂર્વક અને દિલગીરી સાથે ‘સોરી’ કહ્યું અને  બાળકને ઊંચકીને તેની સાથે વાતો કરવા લાગીઃ o lulu…my Baby, are you excited for this lovely Spring? Me too. We are going to have fun. right? Look at you! You already got friends ! Wow…my hero! વગેરે..વગેરે..એમ કરતાં કરતાં અમારો નંબર આવી ગયો અને અમે અમેરિકાનું વ્હાઈટ હાઉસ, કેપિટલ બિલ્ડીંગ, લિંકન મોન્યુમેન્ટ વગેરે જોઈ રવિવારે પાછા ફર્યાં.

Photos of the U.S. Capitol Building in Washington, DC
કેપિટલ બિલ્ડીંગ
Visiting the Lincoln Memorial in Washington, DC | Washington DC
Lincoln Memorial

આ આખોયે પ્રસંગ કહેવાનું કારણ એ કે એમાંથી અહીંની કેટકેટલી નવીનતા જાણવાની મળી? માર્શલ પ્રોસ્ટ નામના એક લેખકે લખ્યું છે તેમ સાચો આનંદ નવા દૃશ્યો જોવામાં નહીં, પણ એ જ દૃશ્યને નવા દૃષ્ટિબિંદુથી જોવામાં છે.

marcel
Marcel Proust

સૌથી પહેલાં તો શાંતિપૂર્વક લાઈનમાં ઊભા રહેવાની અહીંની શિસ્ત મને ગમી ગઈ. બીજું, થોડીક બાળક વિશેની અસલામતી વર્તાઈ. કૂતરાની જેમ નાનાં બચ્ચાંઓને બાંધી રાખવાં પડે એ કેવી કરુણતા! સાથે સાથે અન્ય કશાંકમાં વ્યસ્ત રહેતી માતાની મનોદશા પણ અછતી ન રહી. તો ત્રણ પરદેશી અબૂધ બાળકોની એકસાથે રમવાની મઝા આનંદ આપી ગઈ. ન વાણીનો વિખવાદ, ન રંગભેદ કે ન અહંનો પહાડ.. નરી નિર્દોષતા, નિર્વ્યાજ આનંદ.

આ બધું મોટાં થતાં થતાંમાં કેવી રીતે અદૃશ્ય થઈ જતું હશે? એના ઉપર કેવાં અને કયા થર જામતાં જાય છે જે પ્રગતિના અવરોધક બની, આગળ જતા આખા વિશ્વમાં અશાંતિ ફેલાવી દે છે? આ એક સનાતન સળગતો પ્રશ્ન છે. ટાગોરે કહેલાં શબ્દો “દિલ શિશુનું હોવું અને દિલને દુનિયા ન હોવી” કેમ નથી પળાતા? ક્યાં શું ખામી છે ?

આ ઉપરાંત બીજું મેં જોયું કે અહીં સ્પ્રીંગ ૠતુનો ખૂબ મહિમા છે. વર્ષ દરમિયાન ઠંડીને કારણે ઘરમાં જ પૂરાઈ રહેલાં બાળકો માટે હવામાનનું બદલાવું એક ઉત્સવરૂપ બની જાય છે.

10 Best Spring Festivals in the United States - Mommy Nearest

સદ્ભાગ્યે ગુજરાત એ રીતે સમૃદ્ધ છે. ગમે તે દિવસે આરામથી ઘરની બહાર નીકળી શકાય છે. ન બરફની ચિંતા કે ન લોહી થીજાવી દેનારી કાતિલ ઠંડીનો ડર. શેરીઓમાં કે સોસાયટીઓમાં રમતાં બાળકોને પટ્ટા નથી બાંધવા પડતા. હા, અનુકરણીય છે તે અહીંની શિસ્ત; જેના વિશે મેં પછીથી કવિતા પણ લખી! ફરી કોઈ વાર લખી જણાવીશ.

છેલ્લે બહુ મોટેથી ‘હટ, હટ’ દ્વારા બાએ ઊભી કરેલી રમૂજ હજી આજે પણ યાદ કરીને ખડખડાટ હસાવે છે. બા તો હયાત નથી. પણ એમની એવી ઘણી યાદો અકબંધ છે, તાજી છે અને નવી પેઢીને એમની સ્મૃતિઓ, વાર્તાઓ રૂપે કહેવા માટે ખપ લાગે છે. મને ખાત્રી છે તને પણ આવા અનુભવો થયા જ હશે. ચોક્કસ લખજે. રાહ જોઈશ.

દેવીની સ્નેહ યાદ.  

ફેબ્રુ.૨૭,૨૦૧૬

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળકવિ, લોક સાહિત્યકાર, ભજનિક) says:

    અનોખી માહિતી.