“કરગરવું નથી..!” (ગઝલ) ~ તાજા કલામને સલામ (૧૩) ~ કાવ્યનો આસ્વાદ ~ કવયિત્રી: મનીષા શાહ ‘મોસમ’ ~ આસ્વાદઃ દેવિકા ધ્રુવ
ગઝલ: કરગરવું નથી’
હાથ જોડી સહેજે કરગરવું નથી.
મોતની પહેલાં કદી મરવું નથી.
બાગમાં મહેકી જવું છે ફૂલ સમ,
પાંદડાંની જેમ તો ખરવું નથી.
આંખમાં ડૂબી જવું છે એમની,
કોઈ દરિયામાં હવે તરવું નથી.
સ્મિત માફક હોઠ પર રાખો મને,
આંસુ થઈને આંખથી સરવું નથી.
જિંદગી બાજી રમે છે બંધમાં,
દાવ સામેથી રમી ડરવું નથી.
~મનીષા શાહ, ‘મોસમ’
~ આસ્વાદઃ દેવિકા ધ્રુવ
ટૂંકી બહેરના પાંચ શેરોમાં ગૂંથેલ રમલ મુસદ્દસ મહઝૂફ છંદની (૧૯ માત્રા) આ ગઝલ કાબિલેદાદ બની છે.
નૈરોબી (કેન્યા) નિવાસી બહેન મનીષા ‘મોસમ’ ઉપનામથી ગઝલો લખે છે. નવી અને તાજી કલમ છે પણ ગઝલની કેફિયત અનોખી છે.
પ્રથમ શેરમાં જ એક ગમતી ખુમારીથી શરૂઆત કરે છે કે,
હાથ જોડી સહેજે કરગરવું નથી.
મોતની પહેલાં કદી મરવું નથી.
એક સુંદર જીવન જીવી જાણવાની વાત છે અને તે પણ સ્વાભિમાનથી. માણસ માત્ર કશાક ને કશાક જબરદસ્ત એક બળથી જીવે છે. એ કાં તો પોતાની જન્મજાત આંતરિક શક્તિઓથી વિકસે છે અને કાં તો માયાવી જગતની વચ્ચે, સંસારની વચ્ચે સ્વમાનને અકબંધ રાખીને જીવે છે.
મોટેભાગે તો આ બંને ખૂબ જ જરૂરી ઘટકો છે પણ હમેશાં જળવાઈ જ રહે તેવું બનતું હોતું નથી. ક્યારેક અસુખના વાદળો વચ્ચે કે અણધારી આપત્તિઓમાં માનવી અટવાઈ જાય છે અને જીવતરને નિષ્પ્રાણ બનાવી દે છે. અહીં ગઝલની નાયિકાની એક નેમ પ્રગટ થાય છે.
ઉપવનમાં મહેકતાં ફૂલોની જેમ ખીલવું છે અને સુગંધ ફેલાવવી છે. એમ જ મોસમની સાથે ખરી પડતાં પાંદડાની જેમ નહિ પણ હરહંમેશ પમરાટ પ્રસરાવતા પુષ્પો સમ મહેકતા રહેવું છે.
હા, પુષ્પો પણ ખરે તો છે જ પણ એની સુગંધ કદી વિસરાતી નથી. એ તો આસપાસ સદા ફેલાતી જ રહે છે. એથી વધુ આગળ વધીને આંખોમાં ડૂબવાની વાત કરે છે, દરિયામાં તરતા રહેવામાં શી મઝા? ખરી મઝા તો કોઈની આંખોમાં ડૂબવાની છે.
અહીં કવિ શ્રી બાલમુકુંદ દવેની પંક્તિ યાદ આવે છે કે,
છીછરા નીરમાં હોય શું નહાવું?
તરવા તો મઝધારે જાવું.
ઑર ગાણામાં હોય શું ગાવું?
ગીત ગાવું તો પ્રીતનું ગાવું!
આ કવયિત્રી લગભગ એવી જ વાત તેમના આ ત્રીજા શેરમાં કરે છે કે,
આંખમાં ડૂબી જવું છે એમની,
કોઈ દરિયામાં હવે તરવું નથી.
આંખેથી દેખાતો દરિયો અને પ્રેમનો દરિયો એ બંનેના ભેદની વાત છે આ. સ્થૂળ અને સૂક્ષ્મ, દુન્યવી અને દૈવી આનંદના ફેરની વાત છે અને એકવાર એ સમજાઈ જાય કે અનુભવાઈ જાય પછી તો બીજું કાંઈ કરવાનું ક્યાં રહે છે જ? કેવળ એક અને અદ્વૈતાનંદ.
સાચા સ્નેહના સાગરમાં ડૂબનારના હોઠ પર સ્મિત જ હોય ને? આંખમાં આંસુને અવકાશ જ ન રહે. ને ફરી પાછી એજ સ્વમાન અને ખુમારીની મસ્તીથી ચોથા શેરમાં નાયિકા જણાવે છે કે,
સ્મિત માફક હોઠ પર રાખો મને,
આંસુ થઈને આંખથી સરવું નથી.
અને છતાં જીવનની કરામત તો જુઓ? કેટલાં બધાં આવરણોથી એક નાનકડો જીવ લપેટાયેલો છે.
એક બંધ બાજીની જેમ જિંદગીનો જુગાર ખેલાય છે. જટિલ છે આ જાળભરી જિંદગી. વાળની ગૂંચ જેવી અણઉકલી છે. કોઈને મન ઉજવણી છે, તો કોઈને ઘર પજવણી છે. કદી લાગે સફર સુહાની છે, તો ક્યારેક લાગે અમર કહાની છે.
કવયિત્રી કહે છે કે, બંધ બાજીના આ ખેલમાં સામેથી રમીને ડરવું નથી! પડશે તેવા દેવાશે. જે પાનું ખુલે તેને ખુલવા દો. એક હિંમત ભર્યો પડકાર છે. પણ અહીં ખૂબી જુઓ કે આંધળિયા સાહસની વાત નથી, હદથી વધુ રમવાનો ઈરાદો નથી. કારણ કે, એ બરાબર જાણે છે કે, excess of anything is dangerous.
છતાં જે આવી પડે તેના પૂરા સ્વીકારની તૈયારી છે. અંતરમાં એક સ્પષ્ટ અને સાચી સમજણ છે. સામે ચાલીને કશું અઘટિત નોતરવું નથી. આવી સૂઝ પણ હકીકતે તો એક હિંમત જ છે ને?
બીજો અર્થ એ પણ અભિપ્રેત હોઈ શકે કે, પોતાને પક્ષે કોઈ ખેલ ખેલવો નથી, કોઈ unwanted situation સર્જવી નથી, કોઈ અણગમતી પરિસ્થિતિ ઊભી થવા દેવી નથી. બધું બરાબર જ હોય, સારું અને યોગ્ય જ હોય તેવું જીવી જવાનો ભાવ પ્રગટે છે.
જિંદગી બાજી રમે છે બંધમાં,
દાવ સામેથી રમી ડરવું નથી.
આમ છતાં અહીં ડરવું શબ્દ જરાક કઠે છે. તેને સ્થાને વધુ બંધબેસતો કાફિયા મળી શક્યો હોત.
મનીષા શાહની નવી કલમને આવકાર છે. વધુ ને વધુ લખતા રહે એવી શુભેચ્છાઓ.
***
હાથ જોડી સહેજે કરગરવું નથી.
મોતની પહેલાં કદી મરવું નથી.
મનીષાબહેનનો આ મગરૂરીભર્યો શેર ગમ્યો.
આવા જ સુંદર શેરના રચયિતા મનીષાબહેનનો ગક્ષલક્ષેત્રે આવકાર સાથે દેવિકાબહેન જેવા સિધ્ધહસ્ત કવયિત્રિની કલમે લખાયેલ રસદર્શન પણ એટલું જ સુંદર છે.
“સ્મિત માફક હોઠ પર રાખો મને,
આંસુ થઈને આંખથી સરવું નથી.” સરસ ગઝલ અને રસદર્શન.
Makta no sher khub saras sundar gazal wah
કાબિલેદાદ