આથમણી કોરનો ઉજાસ ~ (ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણી) ~ પત્ર: ૨ ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ
પત્ર નં-૨
પ્રિય દેવી,
થોડી પ્રતિકૂળ પરિસ્થિતિઓની વચ્ચે તારો પત્ર મળતાં ઘડીભર સારું લાગ્યું. વર્ષોથી આપણે બંને વિશ્વના બે જુદા જુદા ખંડમાં આવી વસ્યાં છીએ. તું છે અમેરિકામાં અને હું છું યુરોપમાં.
તેથી આપણી પાસે ઘણી ઘણી વાતો છે, અનુભવો છે અને આપણા પોતાના વિચારો છે. વળી સાહિત્યના તો આપણે બંને આજીવન વિદ્યાર્થીની. તેથી પત્રશ્રેણીના તારા સુંદર વિચારને આગળ વધારી રહી છું.
ફોન પરના તેં લખેલાં સંવાદો વાંચીને કોઈને પણ હસવું આવે જ. ચાલો, એ નિમિત્તે નવા વર્ષની અને આ પત્રશ્રેણીની શરુઆત હાસ્યથી તો થઈ! વાત સાચી છે કે એવું જ બનતું હોય છે. માનવસ્વભાવની આ એક ખાસિયત છે ને?
પૃથ્થકરણ કરવા બેસીએ તો એમ પણ કહી શકાય કે કેટલીક વ્યક્તિઓ સતત પોતાનો બચાવ કરતી રહે છે! કેટલીક વ્યક્તિઓની એ લાગણી પ્રગટ કરવાની રીત જ હોય છે. તો કેટલીક વળી સાવ સાચી પણ હોય છે. હું પણ તને એમ જ કહેવાની હતી કે ”હું તને ફોન કરવાની જ હતી! સાચું માનીશ જ એવો વિશ્વાસ છે!!
હાસ્યની આવી વાત આવે ત્યારે મારા સુરતના જ્યોતીન્દ્ર દવે ચોક્કસ યાદ આવે. આજે આટલાં વર્ષો પછી પણ તેમનું એક વાક્ય મને હજી યાદ છે. કોઈએ તેમને પૂછ્યું કે જિંદગી એટલે શું? તેમનો શીઘ્ર જવાબઃ “ઘોડિયાથી ઠાઠડી સુધીની યાત્રા!” કેટલું સચોટ, અસરકારક અને યાદગાર સત્ય..?

હાસ્યના સંદર્ભમાં એક વાત કહું. જ્યારે હું અહીંના એમ. એ ટીવી પર કામ કરતી હતી ત્યારે મારા ચેટ-શો ‘સ્વયંસિદ્ધ’માં સદનસીબે મને શાહબુદ્દીનભાઈ રાઠોડસાહેબનો ઈન્ટરવ્યુ લેવાનો મોકો મળ્યો હતો ત્યારે મારો એક પ્રશ્ન હતો કે, હાસ્યકારો મોટે ભાગે પત્નીઓ અને સ્ત્રીઓ ઉપર જ શા માટે વધારે જોક્સ કરતા હોય છે?
એના જવાબમાં તેઓએ કહ્યું હતું, “હાસ્ય નિપજાવવા માટે નિરીક્ષણની કળા આવશ્યક છે. ઈશ્વરે અન્યોને હસાવવાની કળા સૌને નથી આપી. હવે જો નિરીક્ષણની કળા ઈશ્વરદત્ત કળા સાથે વિકસાવી ન હોય ત્યારે તેઓ પાસે ખૂબ મર્યાદિત વિષયો રહે છે. અને એટલે આવી આવીને તેઓ ત્યાં જ અટકી જાય છે.”
પત્ની, પતિ, સાસુ, વહુ પર જોક ન કરવા જોઈએ એમ કહેવાનો મારો જરાયે આશય નથી. પરંતુ આ જ્યોતીન્દ્રભાઈ દવે અને શાહબુદ્દીનભાઈની જેમ વિષયોની વિવિધતા અત્યારના હાસ્યકારો અને સામાન્ય રીતે એવા જોક્સ ફેસબુક પર રાખનાર વ્યક્તિઓમાં ક્યારે આવશે? આ લખવાનું કારણ આ વિષય પર સૌ વિચાર કરે એ જ છે.
છેલ્લે, પત્ર પૂરો કરતાં પહેલાં એક ગમતો વિચાર ટાંકી વિષયાંતર કરી લઉં?
તને તો ખબર છે કે મેં બંગાળી સર્જકોને ખુબ વાંચ્યા છે. તેમાંના એક અનીતા ચટ્ટોપાધ્યાયે લખ્યું છે કે, “જીવનમાં કેટલાંક અસત્યો, સૌન્દર્યનાં ઝીણાં ઝીણાં રંગીન આવરણમાં લપેટાયેલાં આપણી સામે આવે છે અને આપણે એના વાસ્તવિક સ્વરૂપને સમજ્યા વિના પોતાના મનમાં એને સત્ય તરીકે ઠસાવી દઈએ છીએ. જ્યારે એક દિવસ આ સત્ય પ્રગટ થાય છે ત્યારે માથું દબાવીને આપણે રડી પડીએ છીએ અને માથું ધૂણાવીએ છીએ. ત્યારે….ત્યારે કવિનું હૃદય વિદારીને કવિતા ફૂટી નીકળે છે, ચિત્રકાર પોતાના રક્તથી એ ‘સત્ય’ની કલ્પનાને ચિત્રિત કરે છે, ગાયક પોતાના સૂરમાં એ વ્યથા આરોપણ કરે છે.”
કેટલી માર્મિક અનુભૂતિ!
ચાલ, આજના પ્રારંભે આટલું જ. લખતી રહેજે.
નીનાની સ્નેહ યાદ
જાન્યુ.૯,૨૦૧૬