ગઝલઃ ‘દોડી આવે..’ ~ તાજા કલામને સલામ (૯) ~ કાવ્યનો આસ્વાદ ~ કવયિત્રી: ભારતી વોરા ‘સ્વરા’ ~ આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

ગઝલ: “દોડી આવે…!” 

વણનોતર્યો દોડી આવે
આ ખાલીપો કોને ભાવે?

આચ્છાદન છેદીને આવે
ભાગ્યને જો માણસ ફાવે

થાકે ના ચરણો મારા પણ
દુઃખોના પહાડો હંફાવે

આલિંગનમાં તો જાદુ છે
બેદર્દી ને કો’ અજમાવે

દુઃખનું ઓસડ દહાડા કહીને
દુઃખિયાજનને સૌ સમજાવે

કચડાવાની પીડા કેવી?
કીડીને પૂછો બતલાવે

ભૂખને પીડા ઉપડી આજે
ગુનાઓને એ જન્માવે

~ કવયિત્રી: ભારતી વોરા, ‘સ્વરા’
~ આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

આમ જોવા જાઓ તો માણસ અને માનસ વચ્ચે ‘ન’ અને ‘ણ’ નો ફરક છે. પણ આ ‘ણ’ અને ‘ન’ની વચ્ચેના ફરકમાં જ આખુંય જીવન જીવાતું હોય છે.

આ જીવનના વ્યાપનો કે વર્તુળનો ક્યાસ, આખુંયે જીવન સમાપ્ત ન થાય ત્યાં સુધી કોઈ કાઢી શકતું નથી. આ જ વર્તુળના પરીઘમાં  આવરાઈ જાય છે ક્યારેક એક એક ભર્યું ભર્યું જીવન અને ક્યારેક એક સાવ શૂન્યાવકાશનો અદૃશ્ય કોશેટો!

શૂન્યાવકાશના આ કોશેટામાંથી ખાલીપો સિવાય બીજું નીકળે પણ શું? ત્યારે પાછાં વળીને આ વર્તુળ ફરતે જોઈએ તો એક જ વરવી વિમાસણ  બાકી રહે છે કે આખું જીવન જીવી લીધા પછીનું સરવૈયું, એટલે શું આ ખાલીખમ ખાલીપો, બસ?

આપણે આ સર્કલમાં બસ દોડતાં રહ્યાં, જીવતાં રહ્યાં ત્યારે આ શૂન્યાવકાશ ને ખાલીપાને ઈજન તો દીધાં નહોતાં તો સિલકમાં કઈ રીતે ખાલીપો રહ્યો? સફરમાં ધૂપ, છાંયો, અનેક આવ-જા સાથે સંકળાયેલાં લોકો અને ક્યારેક સતત કોઈનો સાથ તો કદીક સતત સાથની આરત…! પણ, આ બધાંમાંથી માત્ર એક નિરર્થક ખાલીપણું જ વણનોતર્યું આવીને ‘જમા ખાતે ઉધાર”ની જેમ કઈ રીતે બેસી ગયું?

Debit Credit Analysis - Overview, Classical Approach, Financial Statements

કહેવાય છે ને કે,
“નસીબોને લખે, એ કોઈ સરમુખત્યાર લાગે છે
કોઈને આપતાં પ્હેલાં, છે કોનો ભાલ પૂછે નહિ” –

આસમાનોની પેલે પાર, વાદળિયા કોઈ ધુમ્મસિયા વાતાવરણની પરે, જો સ્વર્ગ જેવું કશું હોય તો નકી ત્યાં જ બેસીને ઈશ્વર જેવું કોઈ ભાગ્ય સૌને વહેંચતું હશે! કોને કેટલું આપવું એનું પરિમાણ કોને ખબર શુંય હશે!

ઘણીવાર કોઈ માણસ આપણને સાવ અમથું અમથું ખૂબ ગમી જાય તો આપણે એના પર અમીદ્રષ્ટિ વરસાવે છીએ અને જો ન ગમે કોઈ તો એના તરફ નજર પણ કરતાં નથી. નસીબને જો કોઈ ગમી ગયું તો અનેક આવરણો ફગાવીને માણસને સાથ આપે . અહીં જે નથી કહેવાયું એ તરફ આ શેર દોરી જાય છે-
“આચ્છાદન છેદીને આવે
ભાગ્યને જો માણસ ફાવે”

કોઈને આપણે ક્યારે ગમીએ, અને ક્યારે કોઈ આપણો સાથ આપે? ભાગ્યની મહેરબાનીના પાત્ર થવાની પહેલી અને આખરી એક જ શરત છે કે આપણે આપણી જાતને ગમીએ એવા કર્મો કરતાં રહીએ તો ભાગ્યને પણ થાય કે આ માણસ, સતત ઉર્ધ્વગામી ગતિ કરવાના પ્રયાસો કરે છે તો ચાલ, આપણે પણ એને થોડી મદદ કરી દઈએ. અને આ સંદેશો જે રીતે આ શેરમાં “આચ્છાદિત” રખાયો છે, એ સાચે જ કવિનું કૌશલ બતાવે છે.

આમેય સતત ઉર્ધ્વગામી ગતિ રાખવી સહેલી ક્યાં છે? સુખની તળેટી પણ આવે વચ્ચે અને થોડીવારમાં દુઃખોના ડુંગરા પણ ચઢવાના આવે.

આ સુખ-દુઃખના Transition – સંક્રમણમાં જો થાકીને કે ભાંગી જઈને બેસી પડ્યાં કે તૂટી પડ્યાં તો પછી એટલું જ કહી શકાય કે “જો અટકી ગયાં સફરમાં તો બસ, માની લો કે લટકી ગયાં!”

સતત ચાલવું, કદી સીધાં ચઢાણ તો કદી લપસણો ઢાળ, હા, ચાલતાં તો રહેવાનું જ છે. પણ એમાંયે પ્રેમીજનનું વ્હાલ સ્પર્શ અને આલિંંગન બનીને વરસે તો જીવનની બધી જ મુશ્કેલીઓ અનાયસે આસાન થઈ જાય છે. પણ આ આરત અને દર્દને ન સમજી શકતા, ‘બેદર્દ’  ને બેખબર સાથીને કાશ, કોઈ જઈને સમજાવી શકે કે બસ, એકવાર  વ્હાલ કરી જો, બાહોંમાં ભરીને, નજરોથી એટલું કહીજો કે ‘મૈં હું ના!”. પછી જિંદગીની આ રાહમાં નહીં થાક લાગે કે નહીં તકલીફોનો પ્હાડ પાર કરવાનું અઘરૂં લાગે!

With Love and Support |

બસ એકવાર, આ પ્રેમના જાદુની આજમાઈશ કરી જો, તો સફરમાં પછી Suffering – સહન કરવાનું કેટલું બધું સરળ લાગશે!

કોઈ પણ દુઃખ કાયમ નથી રહેતું. સમયની મઝા જ એ છે કે સારો કે ખરાબ સમય નીકળી જાય છે, આંખોમાં કણાની જેમ ખૂંચતો સમય પણ અંતે તો નીકળી જ જાય છે. સમયની સિક્તા (રેતી) તો સદૈવ સતત સરતી રહે છે.

“એક દિવસ આ મુસીબતો ભર્યો વખત પણ વિતી જશે જ,” માણસ પાસે મનને આવું કહીને સધિયારો આપવા સિવાય બીજો કોઈ ઉપાય પણ નથી કારણ ગાંધીજીના ત્રણ વાંદરાની માફક સમય બધિર છે, અંધ છે, અને મૂક છે. સમય તો માત્ર ચાલી શકે છે.

ગમે તેટલું મનને મનાવી લઈએ પણ જ્યારે આપણા તકદીરમાં લખાયેલી અને જમાનાએ આપેલી તકલીફોના બોજા હેઠળ તન અને મન સતત કચડાતાં હોય ત્યારે એક વાર પણ આપણે આપણાંથી નબળાં એવા કોઈ જીવને ભૂતકાળમાં આપણાં પગ નીચે કચડી નાખવા બદલ મનોમન પણ ક્ષમાપ્રર્થી થઈએ છીએ ખરાં?

આ Million Dollars Question – કરોડો રૂપિયાનો સવાલ એકવાર પણ આપણાં મનમાં એવી ક્ષણે જો ઊઠે તો માનજો કે ભૂતકાળની એ પળમાં જીવન સમજીને ભલે ન જીવ્યાં, પણ જીવ્યાં પછી, આટલા વખતે તો સમજી શક્યાં છીએ. એવો સંતોષ જ ‘માણસ’ને ‘માનસ’ સાથે ઊંડેઊંડે એકાકાર કરે છે.

અને છેલ્લે, ટૂંકી બહેરની આ ગઝલમાં સાવ સામાન્ય લાગતો આ છેલ્લો શેર સાચા અર્થમાં શિરમોર સમો છે.
“ભૂખને પીડા ઉપડી આજે
ગુનાઓને એ જન્માવે”

દુઃખ, સુખ, સમય, જીવન અને આ બધાંની ફિલોસોફી સમજ્યાં પછી પણ જગતમાં અનેકવિધ ગુનાઓ થતાં જ રહે છે.

જીવન જીવવાની બધી જ ફિલસૂફીના સૂફયાણા જ્ઞાન પર એક ચીજ સનતન કાળથી ભારે પડતી આવી છે અને એ છે જીવનને ટકાવી રાખવા માટેની પાયાની જરૂરિયાત.

અન્ન, ખોરાક. આ પાયાની ભૂખની પીડા સહન ન થતાં એને સંતોષવા સારાનરસાંનું ભાન ને વિવેકબુદ્ધિ છોડીને, માણસ અપરાધોની ખાઈમાં ધકેલાતો જાય છે. (અહીં, પૈસાની ભૂખ, વાહવાહી ભૂખ, મારો જ સિક્કો સાચો કરાવવાની ભૂખ, સત્તાની ભૂખ, દેહની ભૂખ… આ બધાંને સૂક્ષ્મ રીતે ઉમેરી શકાય) – In other words, basic needs of food Vs. rests of the wants of the life. – માણસની મૂળભૂત ખોરાકની આવશ્યકતા સિવાયની બધી જ વસ્તુઓ “મને જોઈતી ચીજો છે, મેં જાતે ઊભી કરેલી ભૂખ છે પણ જીવનને નિભાવવા માટે જરૂરી નથી.”


અહીં કવિશ્રી ઉમાશંકરની કવિતાની આ પંક્તિ યાદ આવે છેઃ
“ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે
ખંડેરની  ભસ્મકણી ન લાધશે.”

બહેન ભારતી વોરા, ‘સ્વરા’ની આ સુંદર ગઝલમાં જીવનનું ઊંડાણ છલોછલ ભર્યું છે. એમની કલમ થકી કવિતા આવનારા સમયમાં નવ નવ શિખરો સર કરે એ જ શુભેચ્છા.

***

 

 

આપનો પ્રતિભાવ આપો..