સૈદપુરમાં સમયનો ઉડનખટૌલો ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ: 25) ~ પૂર્વી મોદી મલકાણ
કોઈ એક જગ્યાએ વારંવાર જવા મળે તો શું તે દરેક વખતે તે જગ્યા વિષે તમને જાણવું ગમે? કદાચ ન ગમે, પણ મારી વાત જુદી હતી.
હું પાક-પ્રવાસ દરમ્યાન લાહોર ઘણી વાર ગઈ, તેજ રીતે સૈદપુર પણ ઘણીવાર ગઈ. પણ દરેક પ્રવાસ વખતે હું ત્યાંથી કશુંક નવું જ જાણી આવતી, નવું જોઈ આવતી કે નવી વ્યક્તિને મળી આવતી. આ કારણે એક જ સ્થળની મારી મુલાકાત મને એક નવો જ આયામ દઈ જતી હતી.
ઇસ્લામાબાદ પરત થયાં પછી અમે ત્રણચાર દિવસ હોટેલમાં જ રહ્યાં. આ સમયમાં ફરી એકવાર સૈદપુર જવાનું થયું. આમ તો મરગલ્લા પર્વતની તળેટીમાં આવેલ આ સૈદપુરની મુલાકાત આપણે લીધેલી જ હતી, પણ આજે મી. મલકાણની ઓફિસવાળાએ લંચ અને મિટિંગનો પ્રોગ્રામ ગોઠવેલો હોઈ ફરીથી ત્યાં જવાનું થયું.
હું હોટેલમાંથી સૈદપુર જવા નીકળી ત્યારે જાણે ખરો ઉનાળો જામ્યો હોય તેવો તાતો તડકો ચોમેર તપતો હતો. ઇસ્લામાબાદથી સૈદપુરનો રસ્તો જાંબલી જકરંદાનાં, પીળા પચરક ગરમાળા, લાલ ચટ્ટક કેસૂડાં, કેસરીયા ગુલમહોરથી ખીલી રહ્યો હતો. વાતાવરણ એટલું રંગીન લાગી રહ્યું હતું કે; જાણે રંગબેરંગી રમકડાઓ વૃક્ષો પર ઝૂલી રહ્યાં હોય. આ રંગબેરંગી રમકડાઓમાંથી અમુક હવા સાથે વહેતાં હતાં ને અમુક ધરતીનું મુખ ચૂમતાં હતાં.
જેને ૨૦૦૬માં પાક સરકાર દ્વારા હિસ્ટોરીક ટૂરિસ્ટ સાઇટનો દરજ્જો આપવામાં આવેલો તેવા આ ગામમાં અમે પહોંચ્યાં ત્યારે સૈદપુર ઓફિસનાં લોકોથી ઉભરાયેલું હતું.
અગાઉની વિઝિટ વખતે અગાઉની વિઝિટ વખતે જોયેલું શાંત સૈદ્પુર ગામ આજે ક્યાંય ખોવાઈ ગયું હતું અને ચારે બાજુથી બસ સહેલાણીનો અવાજ જ ગુંજી રહ્યો હતો.
ગઇકાલ સુધી અજાણ્યું એવું આ ગામ હવે મને ઓળખવા લાગ્યું હતું. વળી કેમ ના ઓળખે? ૧૫૮૦માં બાદશાહ અકબરનાં સેનાપતિ રાજા માનસિંહે બંધાવેલ હિન્દુ મંદિરો પણ આજનાં અપૂજ મંદિરો, શીખ લોકોએ બંધાવેલ કુંડો પણ આજનાં કુંડીચૌક, ખાલી પડેલ ગુરુદ્વારા અને જૈન લોકોનાં દેરાસરોને ધ્યાનથી, પ્રેમથી, કરુણાથી, વિક્ષુબ્ધાથી જોનારી અને મળનારી કેવળ હું જ તો હતી. તેથી જ ત્યાં પહોંચતાં જ મારી નજર તેમનાં પર અને તેમની મારા પર નજર આપોઆપ જ ગઈ.
સૈદપુરની આ ત્રીજી વારની ટૂરની પળો મને ક્યારેક અતીતમાં લઈ જતી હતી, તો ક્યારેક વર્તમાનમાં લાવીને મૂકી દેતી હતી.
અતીત અને વર્તમાન વચ્ચે ઝોલાં ખાતાં ખાતાં આ ગામની ફરી નવી ટૂર મેં ચાલુ કરી લાલા હામરાજ શોરીની ધર્મશાળામાંથી.
ત્યાં લખેલાં ઇતિહાસ મુજબ ૧૯૭૫ સુધી તો લાલાજીનાં પરિવારજનો આ ધર્મશાળાનું સંચાલન કરતાં હતાં. પણ સત્તાવાર રીતે પાક સરકારે આ બિલ્ડીંગ પર પોતાનો હક્ક કર્યા પછી લાલા હામરાજનાં પરિવારજનો ભારત– પંજાબ ખાતે રહેવા ચાલ્યાં ગયાં.
આજે પણ લાલાજીનાં પરિવારજનો પોતાનાં વડવાઓની સ્મૃતિમાં બે – ચાર વર્ષે કોઈ ને કોઈ રકમની ભેટ આ સ્થળે મોકલી આપે પછી ગામવાળા એમાં પોતાની અમુક રકમ જોડે અને પછી આ જગ્યાને લગતાં જે કાર્ય કરવાનાં હોય તે કરે.
આ લાલા હામરાજની આ આખી ધર્મશાળાને બે ભાગમાં વિભાજિત કરવામાં આવી છે, જેમાંથી એક ભાગમાં સૈદપુરનો ઇતિહાસ દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે; અને બીજા ભાગમાં બાળકો માટે સ્કૂલ બનાવવામાં આવી છે.
અમે અહીં જઈ આ મ્યુઝિયમ જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે; અહીં લીધેલા મોટાભાગનાં ફોટાઓ “હોમાય વ્યારાવાલા” દ્વારા લેવાયેલાં છે. હોમાય વ્યારાવાલાને આપણે સ્વતંત્ર ભારતનાં સૌ પ્રથમ મહિલા “ન્યૂઝ ફોટોગ્રાફર” તરીકે ઓળખી શકીએ છીએ.
મિસ વ્યારાવાલાએ લીધેલા આ ફોટાઓમાં મને તો કેવળ ઇસ્લામાબાદ અને સૈદપુર નહીં પણ ભારત પાકિસ્તાનનાં વિભાજન સમયનાં કેટલાક અંશો પણ દેખાતાં હતાં. એકબાજુએ આપણાં નહેરુજી તો બીજી બાજુએ ઝીણાં, બીજા ફોટામાં નહેરુજી, લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી અને તેમની સાથે પાકિસ્તાનનાં બીજા વડાપ્રધાન જનરલ અયુબખાન.
લાલા હામરાજની આ ધર્મશાળા મૂળે તો મરગલ્લાની પહાડીનાં પથ્થરમાંથી જ બનેલી હતી.

તેથી બહારનો ભાગ રાજસ્થાનનાં કિલ્લાઓની સુધિને જે રીતે ઊભો કરતો હતો, અંદરનાં ભાગમાં પથ્થરનાં ગોખલાઓ અને લાકડાઓનો ઉપયોગ થયેલો હતો. ખાસ કરીને બારી બારણાંનાં લાકડામાં રાજસ્થાની કાર્વિંગને મહત્ત્વ આપવામાં આવેલું.
તો વળી દિવાલો રાજસ્થાનની શેખાવટી હવેલીઓની યાદ અપાવતાં હતાં. ટૂંકમાં કહું તો આ આખી ધર્મશાળાનું બિલ્ડીંગ એ રાજસ્થાનની જ ઝમીને અર્પણ કર્યું હતું, પણ બસ કેવળ હિન્દુઓની છાપ ન રહે તે હેતુથી આ ધર્મશાળાને ગુરુદ્વારા અને દેરાસર અને મંદિરોની વચ્ચે જે રીતે યાત્રાધામ તરીકે મૂકી દેવામાં આવી હતી તે જોઈને ખ્યાલ આવી ગયો કે; અન્ય રાજસ્થાની શેઠીયાઓની જેમ લાલાજીએ પણ એ સમયનાં સિંધમાં ધર્મસ્થાનને નામે આ જગ્યાને મહત્ત્વ આપ્યું હશે.
આમેય રાજસ્થાની હોય કે ના હોય, પણ પ્રાચીનકાળથી મધ્યકાલીન યુગ સુધીનો સમય એવો જ હતો, જ્યાં આપણાં વડવાઓ ધર્મ કર્મને નામે કોઈ ને કોઈ એવું કાર્ય કરી જ નાખતાં જેનાથી સમાજ કલ્યાણ થતું હોય.
અગર મરગલ્લાની પહાડીનાં પથ્થરોની વાત કરીએ તો કેવળ લાલાજીની આ ધર્મશાળા જ નહીં બલ્કે આ જગ્યાની આસપાસ મારી નજર જ્યાં જ્યાં જતી હતી,ત્યાં ત્યાં મને પથ્થરમાંથી બનેલ ઘણાં હિન્દુ ડિઝાઇનવાળા ઘરો અને હવેલીઓ જોવા મળતી હતી. જેમાંથી અમુકમાં લોકલ લોકો રહેતાં હતાં અને અમુકને હોટેલ રેસ્ટોરન્ટ્સમાં ફેરવી નાખવામાં આવેલી.
આવી જ એક હોટેલ દેશ-પરદેશમાં અમે અમારા ગ્રૂપ સાથે લંચપાણી પૂરા કર્યા. પણ કેવળ લંચપાણી સુધીની અમારી આજની યાત્રા ન હતી, અમારે તો અહીં સાંજ સુધી રહેવાનું હતું. તેથી હવે નવું શું કરીશું તે અમે વિચારી જ રહ્યાં હતાં ત્યાં એક ગ્રામ્યવાસી આવ્યો અને કહે, અમારા ગામમાં એક માટીનાં રમકડાંનું મ્યુઝિયમ છે શું આપ જોવાનું પસંદ કરશો? અમારે તો ના કહેવાની વાત હતી અને ન હા કહેવાની …અમારી પાસે સમય જ સમય હોઈ અમે તેમની સાથે સૈદપુરની અંદરની ગલીઓ ખૂંદવા નીકળી પડ્યાં.
વિભાજન પછી કેટલાયે ઉત્સાહિત મુસલમાનો પાકિસ્તાનમાં ગયાં જેમાં એક નૂદરાનીભાઈ પણ હતાં જેઓ મૂળ તો ધોરાજીનાં, પણ જૂનાગઢનાં નવાબને ત્યાં તેઓ ખવાસ તરીકે કામ કરતાં હતાં. તેથી જ્યારે જૂનાગઢનાં નવાબ પાકિસ્તાન ભાગ્યાં ત્યારે તેમની સાથે નૂદરાનીભાઈનો પરિવાર પણ પાકિસ્તાન ગયો અને જૂનાગઢનાં નવાબ સાથે કરાંચીમાં સ્થિર થઈ ગયા.
નૂદરાનીભાઈએ કરાંચી જઈ નવાબની ખવાસગીરી છોડી બાપદાદાનો કુંભારનો ધંધો શરૂ કર્યો. તેમણે આગળનું પાકિસ્તાન કેવું હશે તેની કલ્પના કરતાં માટીમાંથી જે મોડલ્સ બનાવ્યાં તેનું પ્રથમ એક્ઝિબિશન તેમણે કરાંચીમાં ગોઠવેલું. આ પ્રથમ વર્ષે પાકિસ્તાનની સેનાનાં બ્રિગેડીયરે નૂદરાની ભાઈને એવોર્ડ આપેલો, (અને ત્યાર પછી આ પરંપરા ચાલું રહી, જે આજ દિન સુધી ચાલે છે.)
જ્યારે ૧૯૫૯માં પાકિસ્તાનની નવી રાજધાની તરીકે રાવલપિંડી પાસે ઇસ્લામાબાદ વિકસાવવાનું નક્કી થયું, ત્યારે પાકિસ્તાનની સરકારે કહ્યું કે; જે લોકો ઇસ્લામાબાદમાં રહેવા જશે તેને સરકાર ફ્રી માં જમીન આપશે.
સરકારની આ ઓફરને સ્વીકારનાર અનેક લોકોમાં નૂદરાનીભાઈ પણ હતાં. કાસ્ટ સિસ્ટમ મુજબ સરકારે ફાળવેલી નૂદરાનીભાઈની જમીન તે સૈદપુરમાં હતી જ્યાં તેમણે તેમનું નવું ઘર બનાવ્યું.
૧૯૬૦માં જ્યારે પાકની નવી રાજધાની તરીકે જ્યારે ઇસ્લામાબાદનો સત્તાવાર સ્વીકાર થયો ત્યારે આ ગામ આજનાં જેટલું વિકસેલું ન હતું પણ ઇસ્લામાબાદ આવ્યાં બાદ હિમાલય પવર્તની અંતિમ તળેટીમાં રહેલ આ ગામ પાસેની મરગલ્લાની પહાડીમાં પથ્થરોનું ખૂબ ખનન થવા લાગ્યું.
આ સમયમાં આ પહાડીઓનો ઉપયોગ રાજદ્વારી મહેમાનોનાં હિલસ્ટેશન તરીકે થતો હોઈ આ ખનન ઉપર સ્ટે લગાવવામાં આવ્યો અને ત્યારપછી આ ગામનું થોડું મહત્ત્વ વધ્યું, પણ ગામડાથી વિશેષ નહીં. ઇન્ટરનેટનો વિકાસ થયાં પછી આ ગામ ગૂગલને નકશે ચડ્યું ત્યાર પછી આ જગ્યાને હિન્દુ પિલગ્રિમ હેરિટેજ અને ટુરિસ્ટ સ્થળ તરીકે ફેરવવામાં આવ્યું.
રહી વાત કુંભાર નૂદરાનીભાઈની; તો એમનાં પછી તેમનાં પુત્ર ઈસ્માઈલભાઈએ આ કાર્ય ચાલું રાખ્યું હતું, જેમને પાકિસ્તાનનાં બીજા વડાપ્રધાન અયુબખાન તરફથી એવોર્ડ મળેલો. ઈસ્માઈલભાઈએ પોતાનો ધંધો પોતાનાં દીકરા હુસેનને સોંપ્યો. હુસેનભાઈને દીકરો ન હોઈ તેમણે આ ધંધો પોતાનાં દીકરી જમાઈને આ ધંધો સોંપ્યો. આજે ય આ ઘરમાં આ ત્રણેય પેઢી એકસાથે રહે છે અને દર વર્ષે એકવાર આ એક્ઝિબિશન યોજે છે અને બાકીનાં દિવસોમાં તેમનું કામ ચાલ્યાં કરે છે.
અત્યાર સુધી તેઓ પોતાનાં ઘરમાંથી આ કામ કરતાં હતાં, હવે તેમને આ કાર્ય કરવા માટે અને આખા વરસ માટે જે મોડલ બને છે તેની સરખી રીતે સાચવણી કરવા માટે મોટી જગ્યા જોઈએ છે જે તેમની પાસે નથી આથી તેઓ ઘણાં સમયથી અલગ અલગ સંસ્થાઓ અને ગવર્મેન્ટમાં પત્ર લખી એક વિશાળ જગ્યા માંગે છે, પણ તેમની આશા પૂરી નથી થઈ.
તેથી અમે પહોંચ્યાં ત્યારે તેમણે અમને કોઈ સંસ્થાવાળાં જ સમજી લીધાં. પણ સંસ્થામાંથી અમે નથી તે જાણી તે થોડાં નિરાશ થયાં પછી હસીને અમને આવકાર આપ્યો. પછી તેમણે પોતે અને તેમનાં અબ્બાજાને માટીમાંથી બનાવેલ રેલ્વે બ્રિજ, ૧૧૦ વર્ષ જૂની ટ્રેઇન, પ્લેન, મિનારાઓ સહિતનાં અનેક આર્ટ ફોર્મ બતાવ્યાં.



ગામડાનાં આ નાનકડાં મ્યુઝિયમમાં તો અમે જેટલો સમય વિતાવ્યો, તેનાં કરતાં વધુ વખત અમે તેમની પાસે રહેલ માટીનાં વાસણોને ખરીદવામાં કાઢ્યો ત્યાર પછી અમે અમારા ગ્રૂપ પાસે પાછા ફર્યા જેઓ સાંજનાં નાસ્તાની અને બીજી મિટિંગની તૈયારી કરી રહ્યાં હતાં.
(ખાસ નોંધ:- મિસ હોમાય વ્યારાવાલા વિષે વધુ જાણવા માટેની લિન્ક):
https://birenkothari.blogspot.
© પૂર્વી મોદી મલકાણ ( યુ એસ એ )
purvimalkan@yahoo.com
excellent information for said pur & miss homay vyaravala.