દિલ અપના ઓર પીડ પરાઈ ~ કટાર: બિલોરી (૧) ~ ભાવેશ ભટ્ટ

આજથી લોકપ્રિય કવિ ભાવેશ ભટ્ટની કટાર “બિલોરી”નો પ્રારંભ થાય છે. ભાવેશ ભટ્ટ બારીક સંવેદનાના કવિ છે. હવે એમના અંતરની વાત ગદ્યસ્વરૂપે માણવાની પણ વાચકોને ચોક્કસ મજા આવશે એવી આશા છે. આપની કોમેન્ટ્સ આપવા વિશેષ વિનંતી.

દિલ અપના ઓર પીડ પરાઈ

આજથી સડસઠ-અડસઠ વરસ પહેલાં બ્લેક & વાઈટ ફિલ્મોના જમાનામાં ‘બૂટ પોલિશ’ નામની એક હિન્દી ફિલ્મ આવી હતી.

Boot Polish Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News & Videos | eTimes

જેની વારતામાં બેલુ અને ભોલા નામના બે અનાથ બાળકો પ્રત્યે ગરીબ પાડોશી જોનચાચા જ્યારે સહાનુભૂતિ બતાવે છે ત્યારે એ બાળકોની સારસંભાળ રાખતી ચાચી/કાકી જે બાળકો સાથે ભીખ મંગાવવા માંગતી હોય છે, એ જોનચાચાને ધમકાવતા આ બાળકોથી દૂર રહેવાનું કહે છે, અને એક ડાયલોગ બોલે છે કે ‘ऐसी दिलदारी और जेब खाली, बहुत देखी है मैंने…’

આમ તો આ ડાયલોગ અને સીન બન્ને પતી જાય છે અને ફિલ્મ આગળ વધી જાય છે. પણ આ ડાયલોગ આગળ રોકાઈ જવાનું મન થાય છે. આમાં જે વાત કહેવામાં આવી છે એ એક એવા દુઃખ અને લાચારીની છે જેનો ઉલ્લેખ ખૂબ ઓછો થતો હોય છે.

જે મદદ કરવામાં સક્ષમ ન હોય તો શું એને બીજા પ્રત્યે લાગણી વ્યક્ત કરવાનો અધિકાર નથી? સંવેદનામાં પણ ઇજારાશાહી ચાલે છે? આ એવું દુઃખ છે જે દુઃખનો દરજ્જો પામવામાં જોઈએ એવું સફળ નથી રહ્યું. જ્યારે સચ્ચાઈ એ છે કે આ દુઃખ જે ભોગવે છે એ જ જાણે છે કે આ પીડાનું અસ્તર જીવને ધીરે ધીરે કેવું છોલે છે.

મરીઝ સાહેબે એટલે જ કહ્યું હતું કે,
શું એમાં દર્દ છે એ અમુક જાણતા હશે
છે હાથ મારા તંગ અને દિલ ઉદાર છે

આ દુનિયા બે વર્ગમાં, બે ખાનામાં વહેંચાયેલી છે, અમીર અને ગરીબ. (અહીં મિડલ ક્લાસને પણ અત્યારના જીવનના ધારાધોરણ મુજબ ગરીબ જ ગણ્યા છે.)

The Great Divide | The GroundTruth Project

આ બે વર્ગ ઈશ્વર, કુદરત, સમય, સંજોગ કે નસીબ જે નામ આપો, એમના તરફથી નિર્મિત છે. આ બે વર્ગ વચ્ચેનો તફાવત જ ઈશ્વર કે બાકીના નામોના અસ્તિત્વનો પાયો છે. એના સિવાય જેટલા વર્ગ કે ભેદભાવ છે એ બાય પ્રોડક્ટ છે, જે લોકોએ પોતાના અહમને પોષવા અને અન્ય સ્વાર્થથી બનાવ્યા છે.

આવા અહમમાંથી બાકાત દુનિયાનો કોઈ માણસ નથી. દરેક જણ ક્યાંક ને ક્યાંક ભેદભાવ કરે છે અને ક્યાંક એનો શિકાર પણ બને છે. દરેક વ્યક્તિ ક્યાંક ફાયદો પામીને ક્યાંક નુકસાન ભોગવતો જ હોય છે. ત્યાં સુધી કે, સંવેદના પણ અમીર ગરીબ એમ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે.

કોઈ ધનવાન આર્ટ ગેલેરીમાં દારુણ ગરીબીનું પોટ્રેટ જોઈને જે સિસકારા બોલાવે છે, એનાથી એને મહાનતાના માર્ક્સ આપવવાળા હેડમાસ્તરોની લાઈન લાગી જાય છે. પણ ક્યાંક કોઈ સાધારણ માણસ અન્ય કોઈ ગરીબની ભૂખ પૂરી ન કરી શકતા જે ઊંડા નિશ્વાસ ભરે છે એને માર્ક્સ આપનારા નહીં પણ હડધૂત કરનારાઓની લાઈન લાગી જાય છે.

Painting Of A Poor Child and Baby | DesiPainters.com
courtesy: https://www.desipainters.com/

પેલા ઢોંગી સિસકારા સામે ખરા નિ:શ્વાસો મામૂલી અને બેકાર સાબિત થાય છે. કોઈ શ્રીમંત એની દયા આરસની તકતીઓમાં મઢાવી સંવેદના સામે પ્રસિદ્ધિનો વિનિમય કરી લેતો હોય છે. પણ એક ગરીબ બીજા ગરીબનું દુઃખ જોઈ લાચારીની જે આંતરિક યાતનામાંથી પસાર થાય છે એનું વર્ણન લોકોને મન જુઠ્ઠાણું, ફાલતું નૌટંકી ને નાટકવેડાથી વધુ નથી હોતું.

એક ગરીબને ખાવાપીવા, રહેવા – ઓઢવાના જ નહીં, ઈશ્વરનાય સાંસા પડતા હોય છે. ત્યાં સુધી કે પોતાની લાગણીને લાગણી મનાવડાવવાના પણ એને તો સાંસા પડે છે.

જયાં એક અમીર પારકા દુઃખની ચિંતા કરીને વધારે પ્રભાવશાળી બને છે, ત્યાં જ એક ગરીબ એ જ ચિંતા કરીને દુનિયાની અને પોતાની ય નજરમાં વધારે નકામો બને છે. જો કે,આવો તફાવત હોવા છતાં ય બંને વર્ગની સંવેદના છેવટે તો નિરર્થક બનીને જ રહી જાય છે.

અમીર ચાહે તો કોઈ જરૂરી – બિનજરૂરી એવી નગણ્ય સખાવત કરીનેય પોતાના સિસકારાને સંતોષની શાલ ઓઢાડી દેતા હોય છે. પણ ગરીબને થયેલી અરેરાટીની નોંધ લેવાની ફુરસદ ક્યાં કોઈને હોય છે!?

આપણી દુનિયામાં તો જાહેર માર્ગ પર જો કોઈ નિરાધાર માણસ લોકોને ના દેખાતો હોય, જો ક્યાંક કોઈ ધારદાર આધારથી પીડાતો માણસ ના દેખાતો હોય, તો એમના દુઃખે દુઃખી થતો માણસ તો ક્યાંથી દેખાવાનો! પણ સાવ નિરાશ થવા જેવુંય નથી. આ નિરર્થકતાની જમીન પર ખેતી કરીને કશું ઉગાડનારા પણ છે. એ છે કવિ, લેખક, નાટ્યકાર કે ફિલ્મમેકર.

આ લોકો સામાજિક ચેતના અને માનવ ધર્મના નામે ગરીબના કદરૂપા દુઃખને પોતાની સર્જકતાથી ચમકતું, રંગીન,અને સુગંધીદાર બનાવીને વેચે છે. (અહીં વેચવાના અર્થમાં દાદ લેવી, વખાણ મેળવવા સુધીની ગણના છે.)

આ કામથી મળતાં પૈસા, પ્રશંસા, પ્રસિદ્ધિ કે એવોર્ડ ક્યારેય કોઈ ગરીબને નથી મળ્યા જે આ સર્જનનું પાત્ર હોય છે. એ કેવળ એ સર્જકને જ મળે છે જેને ગરીબીની જમીન પર આ ખેતી કરતા આવડે છે. આ સર્જન કરીને એ લોકો ગરીબ માટે રોટી, કપડાં ઔર મકાનની વ્યવસ્થા કરી દીધી હોવાનો સંતોષ કલ્પી લે છે. પણ એવું અસલમાં બનતું નથી, હકીકત સાવ જુદી અને વરવી હોય છે.

આ સર્જકોમાં અમુક બાકીનાની જેમ મોટા ઇનામો કે નામના નથી મેળવી શકતા, પણ એય પરપીડા માટે પોતે કૈંક કરી છૂટ્યાનો ખોટો અને ફિક્કો સંતોષ તો મેળવે જ છે.

અહીંયા કોઈ સર્જકને એ જે કરે છે એ અયોગ્ય, સ્વાર્થપૂર્ણ કે કૈં ભૂંડું કરે છે એવો કહેવાનો જરા પણ ઉદ્દેશ નથી. ઉલ્ટાનું બાકીના જે કરે છે અથવા કૈં જ નથી કરતા એના કરતાં તો એ કૈંક સારું જ કરે છે ને! એટલા માટે આપણે એમનો આભાર તો માનવો જ રહ્યો. કેમ કે આવા કોઈ મુદ્દાની વાત કરવી હોય તો એમના કામનો ઉલ્લેખ કરવાથી વાત વધારે અસરદાર બને છે.

આ લેખમાં પણ વાતને હૃદયસ્પર્શી બનાવવા બે સર્જકોના શેર અને એક લેખકનો ડાયલોગ ટાંકવામાં આવ્યો છે. છેલ્લે આ સમસ્યાનું નિવારણ લાવી શકે એવા શાહિદ મીરના એક પ્રાર્થનારૂપી શેરથી વાતને અટકાવીએ.

ए ख़ुदा रेत के सहरा को समंदर कर दे
या छलकती हुई आँखों को भी पथ्थर कर दे

~ લેખક: ભાવેશ ભટ્ટ

આપનો પ્રતિભાવ આપો..

14 Comments

 1. વાહ…મિત્ર કવિશ્રી ભાવેશભાઇ
  પ્રથમ એપિસોડથી જ બરોબરની પકડ જમાવી !
  બહુ સરસ વાત…અભિનંદન 💐

 2. ઘણીવાર ઇચ્છીએ પણ મદદ નથી કરી શકાતી પણ સંવેદના અને પ્રાર્થના જરૂર કરી શકીએ.

 3. ખૂબ જ ચોટદાર વાત કહી …એમાં પણ અંતિમ હિન્દી શેર લાજવાબ

 4. ખૂબ જ સુંદર આલેખન .આ વાંચીને ગઝલ ‘મને એ જ સમજાતું નથી ‘ નો એક શેર યાદ આવે છે,
  ” છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું
  ને અમીરોની કબર પર ઘીનાં દીવા થાય છે. ”
  આગળની કટારની પ્રતિક્ષા સહ અભિનંદન🙏

 5. વાહ ખૂબ સુંદર મજાનું હ્દય સ્પર્શી આલેખન

 6. કેવો સરસ લેખ! ભાવેશ ભટ્ટ બહુ સૂક્ષ્મ મીનાકારીના કલાકાર છે.જેવા કુશળ ગઝલકાર એવા જ સંવેદન અને ઊંડાણવાળો આ લેખ.