મારી ભરસભામાં મશ્કરી? હું સ્ત્રી છું એટલે? (પ્રકરણ : 31) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા
(પ્રકરણ : 31)
કલકત્તાની ભારતીય ભાષા પરિષદ અત્યંત પ્રતિષ્ઠિત સાહિત્ય સંસ્થા. મારવાડી શ્રેષ્ઠીઓએ સરસ્વતીની આરાધના કરવા જ જાણે સ્થાપી હોય એવી ગૌરવવંતી.
સંસ્થાનું પોતાનું ભવ્ય, સુવિધાઓવાળું આધુનિક મકાન. અનેક સાહિત્ય પ્રવૃત્તિઓનો સતત વ્યાપ. દિલ્હી સાહિત્ય અકાદમીની જેમ જ ભારતની ભાષાઓમાંથી દર વર્ષે પ્રગટ થતાં વર્ષનાં શ્રેષ્ઠ પુસ્તકને નવાજે.

ઍવૉર્ડ ફંક્શન માટે હું કલકત્તા ગઈ. પુરસ્કૃત લેખકોનાં માનમાં દમદાર સમારંભ હતો કે દિલ ખુશ થઈ જાય. ઓહો! લેખકોનાં કાંઈ માનપાન!
ઍવૉર્ડ ફંક્શન પછી લેઇક વ્યૂ એરિયામાં આલિશાન બંગલામાં અમારે માટે ડિનર પાર્ટી હતી. પુષ્પોથી અલંકૃત લક્ઝરી કારનો કાફલો અમને બંગલા પર લઈ આવ્યો. લક્ઝુરિયસ બંગલો તો શું ઝાકઝમાળ!
સામે જ સરસ જળાશય. એમાં અસંખ્ય દીવડાઓ ઝગમગી રહ્યા હતા. જાણે દીપ મહોત્સવ! નજર બાંધી લે એવો અદ્ભુત નઝારો. પરિવારની મહિલાઓ સુંદર વસ્ત્રાભૂષણોથી સજ્જ અમને પુષ્પવર્ષાથી વધાવતી હતી.
કારમાંથી ઊતરી ઘડીભર તો અમે આખુંય દૃશ્ય માણતા ઊભા રહ્યા. સહુ બંગલાના પગથિયા તરફ વળ્યા, હું જળાશયને મન ભરીને જોતાં ઘડીભર થંભી ત્યાં અંધાધૂંધ વરસાદ તૂટી પડ્યો. દીવડાઓ બુઝાઈ ગયા.
પગથિયાં ચડતાં હું ભીંજાઈ પણ અંદર જતાં જ એક મહિલા મારો હાથ પકડી એના આલિશાન બૅડરૂમમાં લઈ ગઈ અને વૉર્ડરૉબ ખોલ્યો. હું સાડીપ્રેમી. આંખો અંજાઈ જાય એવું એમનું સાડી કલેકશન. એમણે એક કિંમતી સુંદર સાડી કાઢી પહેરવા આપી.
મારી ના ના છતાં એમણે ટુવાલથી પછી હેરડ્રાયરથી મારા વાળ સૂકવ્યા. મારી ભીની સાડી ઈસ્ત્રી કરવા આપી.
ડિનરમાં કંઈ કેટલીયે વાગનીઓ અને અમને સહુને આગ્રહ કરીને જમાડે. છલોછલ લક્ષ્મીની સમૃદ્ધિ વચ્ચે જાણે સરસ્વતી વંદના! મારી લેખિનીનું સન્માન પણ મારી ભાષાનાં પણ આ ઓવારણાં હતાં. આખો માહોલ જાણે કોઈ મધુર સ્વપ્ન જેવો હતો. હું એમની સાડી બદલવા ગઈ પણ એમણે એ સાડી પહેરેલી રાખી સાથે લઈ જવા મને આગ્રહ કર્યો. માંડ સમજાવી, મારી ઈસ્ત્રીબંધ સાડી બદલી.
કલકત્તામાં મારા સ્નેહીને ઘરે થોડા દિવસ રોકાઈ ગઈ. ગુજરાતી સાહિત્ય મંડળ, ભવાનીપુર મહિલા મંડળે પણ મારા માટે ખાસ કાર્યક્રમ કર્યો. મહેન્દ્રની સ્મૃતિમાં દક્ષિણેશ્વર ગઈ. પરમહંસની કુટિરમાં બેસી રહી. ધ્યાન નથી આવડતું. બસ, આંખો બંધ અને સુગંધની લહેર મને વીંટળાઈને વહી ગઈ, ભૂમિવંદન કરી હું નીકળી ગઈ.
હું થોડા દિવસ રોકાઈ ગઈ. ઘરે પાછા ફરવાની કશી ઉતાવળ નહોતી. બંધ ઘરમાં હવે કોણ પ્રતિક્ષા કરતું હતું! પાછી ફરી, લેચ-કીથી બારણું ખોલતાં બા યાદ આવી ગઈ. બા પણ પપ્પા વિનાના ખાલી ઘરને જોતી ઉંબર પર બેભાન થઈ ઢળી પડી હતી. ઘર ખોલતાં અંદર પુરાયેલો સૂનકાર હુહુકાર કરતો બહાર ધસી આવ્યો, પણ હું દૃઢતાથી ઊભી રહી. હવે મારે માત્ર મારી જ દુનિયામાં જીવવાનું છે, મારે માટે. મેં ઉંબર ઓળંગી મારી દુનિયામાં ગૃહપ્રવેશ કર્યો.
* * *
એક ઘેઘૂર વરસાદી બપોરે નાટ્યકાર સંજય ગોરડિયા પ્રસિદ્ધ અભિનેતા, દિગ્દર્શક શફી ઇનામદારને મારે ત્યાં લઈ આવ્યા. ટી.વી. સિરિયલ્સ, નાટકો, ફિલ્મ્સને લીધે શફીભાઈનું નામ જાણું પણ અમારો પરિચય નહીં.

શફીભાઈ વીમેન ઍમપાવરમૅન્ટનું નાટક એક લેખિકા પાસે લખાવવા માગતા હતા. ગિરેશ દેસાઈ પછી બીજીવાર એક પ્રતિભાશાળી દિગ્દર્શક નાટકની માગણી લઈ સામેથી ઘરે આવ્યા હતા.
શફીભાઈએ વનલાઇનર થીમ આપી, લાઇફ બિગીન્સ એટ ફોર્ટી. (હવે તો લાઇફ બિગીન્સ એટ સિક્સ્ટી, સેવન્ટી અને એઇટી પણ). પણ આ 1996ની વાત ત્યારે આપણે ફોર્ટી પર અટકેલા હતા. મેં એક અઠવાડિયાનો વાયદો કર્યો.
મેં ટૂંકી વાર્તા લખી. અઠવાડિયા પછી સંજય, શફીભાઈ ઘરે આવ્યા. (એમની ફરમાઇશ, હું જ્યારે આવું ત્યારે મને તીખ્ખું ગુજરાતી ફરસાણ ખવડાવવું. ઓકે ડન.).
વાર્તાનું કથાવસ્તુ એમને ગમ્યું. એક સીધીસાદી, ઓછું ભણેલી ગૃહિણી ધીમે ધીમે પતિ અને સંતાનો દ્વારા હડસેલાતી હાંસિયામાં જીવે છે. (બેસને હવે તને શું ખબર પડે!) પુત્રવધૂ સાસુની વહારે આવે છે, એને ભણાવે છે, પાકે ઘડે શારદા કાંઠલો ચડાવે છે. પોતે જ પોતાને ચૅલેન્જ આપી શારદા પોતાનું વજૂદ એવું બદલે છે કે ઘરનાને નોંધ લેવી જ પડે, પદ્મારાણીએ `શારદા’માં ખૂબ સરસ ભૂમિકા કરી હતી.
સાસુ-વહુના કંકાસ વિષે બહુ લખાતું-ભજવાતું આવ્યું છે, મેં એ બે વચ્ચે સ્નેહ અને સખ્ય કથાવસ્તુ લીધી હતી જે એ સમયે નવો જ કન્સેપ્ટ હતો, એક `દેશી’ કહેવાતી સ્ત્રીનું મેઇકઓવર પણ નવી વાત હતી. એક વહેલી સવારે અંતિમ દૃશ્ય લખ્યું અને સ્ક્રીપ્ટ ઝેરોક્સ કરાવું ત્યાં શફીભાઈ આવીને લઈ ગયા અને અચાનક જ એમનું અવસાન! સ્ક્રીપ્ટનાં સગડ મળે નહીં. મહેન્દ્રની પણ અચાનક ત્યારે જ વિદાય!
આખરે અનેક અવરોધો પાર કરી `શારદા’ના ભારત અને અમેરિકામાં શો થયા. ખૂબ લોકપ્રિય થયું.

ઘણાં પ્રેક્ષકોને નાટકમાં જીવનનું પ્રતિબિંબ દેખાતું. `શારદા’ નાટક પરથી બે-ત્રણ ગુજરાતી સિરિયલ બની. `સોની’ ચૅનલ પર હિંદીમાં સિરિયલ રજૂ થઈ. આ જ કથાવસ્તુ ઊંચકી લઈ અન્યોએ એના નવા અવતાર પોતાને નામે કર્યા. આમાં મૂળ નાટકની સ્ક્રીપ્ટ જ મારી પાસે ન રહી, એટલે પ્રગટ પણ નથી કરી શકી.
* * *
એ દિવસ અચાનક જ બારણે ટકોરા મારતો આવીને ઊભો રહ્યો, અણધાર્યા આવી ચડેલા અતિથિની જેમ.
`ચલો, ખોલ દો નાવ, જહાં બહેતી હૈ બહને દો.‘
ગાતાં ગાતાં નાવિક લંગર ખેંચી લઈ અનંત ભવસાગરમાં નાવ ઝુકાવી દે એમ મહેન્દ્રએ શાંતિથી આંખો મીંચી દીધી. હજી હૉસ્પિટલમાંથી સ્વસ્થ થઈ બે દિવસ પહેલાં જ અમે ઘરે આવેલાં. બધું સમુસુતરું હતું. એ દિવસે સવારથી જ મૌન. શાંત. મારી સામે પણ જાણે ખૂબ દૂર ચાલી ગયેલા હોય.

અચાનક રાત્રે 8 વાગ્યે એમણે ઉપર જોયું, હાથ ઊંચો કર્યો અને મોટેથી કહ્યું, મા તારી પાસે આવું છું અને માથું ઢાળી દીધું.
એમને હંમેશાં પ્રશ્ન થતો, હું શિવાનીને યાદ કરીશ ત્યારે એ તો દુનિયાના કોઈ દેશમાં ઊડી ગઈ હશે! હું એને કેવી રીતે મળીશ? પણ વિધાતાની કેવી અકળ લીલા! પપ્પાને મળી લઉં કહેતી શિવાની બે દિવસ માટે હોંગકોંગથી આવી હતી અને એ જ રાતની ફ્લાઇટમાં પાછી જવાની હતી.
માધવી મુંબઈમાં જે રોજ એના પિતાને મળતી હતી, એ શૂટિંગ માટે ઊટી ગઈ હતી. જે અહીં હતી તે અંત સમયે પાસે ન હતી અને જે અહીં ન હતી, હોવાની કોઈ શક્યતા પણ ન હતી તે મહેન્દ્રની પાસે હતી, એને જ ખભે અંતિમ શ્વાસ લીધા. જાણે ઇચ્છામૃત્યુ!
એવી જ એક બીજી ઘટનાએ અમે મા-દીકરીને સ્તબ્ધ કરી દીધાં.
માધવી કેમે કરી ઊટીથી મુંબઈ પહોંચી ગઈ અને બન્ને દીકરીઓએ પિતાને અગ્નિદાહ દીધો. માધવીનાં મનમાં ખટકો રહી ગયો. અંતિમ સમયે પપ્પાને મળી ન શકી. એ ઊટી શૂટિંગમાં પાછી ગઈ પણ રાત્રે હોટલમાં કેમેય ઊંઘ ન આવે. ન મળ્યાનું શલ્ય પીડતું હતું ત્યાં એનાં રૂમમાં ધુમાડો જોઈ એ ગભરાઈ.
મૅનેજર, ઇલેક્ટ્રિશિયને ગીઝર અને બધા વાયર્સ તપાસ્યા. બધું ઠીકઠાક હતું. તો ધુમ્મસ જેવો ધુમાડો ક્યાંથી! ત્યાં શ્વેત ધુમ્મસમાંથી એક આકૃતિ રચાઈ, માધવીના પલંગ પાસે ઊભી રહી. મનની ગુંબજમાંથી એક ધીમો સ્વર સંભળાતો હતો, માધવી ચિત્રવત્ બેસી રહી,
મારો શૉક ન કરીશ બેટા. હું પ્રસન્ન છું. મારી અધૂરી રહેલી યાત્રાને પંથે છું. વાંસાસિ જીર્ણાની.
માધવી બોલી રહી હતી અને હું સ્તબ્ધ અવાક! શું કહી રહી હતી માધવી! ભ્રમ? સ્વપ્ન? પણ જેણે કદી ગીતા વાંચી નથી તે શ્લોક બોલી રહી હતી! એ સ્વસ્થ અને શાંત હતી. એ મને સમજાવી રહી હતી, પપ્પાના અવસાનનો શૉક મને હવે નથી મા. એ જ્યાં છે ત્યાં પ્રસન્ન છે. તું પણ હવે ઉદાસ ન રહીશ. હા, મને પણ થયું મારો ઋણાનુબંધ હવે પૂરો થયો છે.
મહેન્દ્રના અવસાનના સમાચાર મળતાં બા અને ભાઈબહેનો આવ્યાં. દીકરીઓ પાસે હતી. ફોન, પત્રો, આશ્વાસનના સંદેશા…
હવે સ્વજનોને પણ જવાનો સમય થયો. ભાઈએ અમદાવાદ, બિંદુબહેને રાજકોટ રહેવા આવવાનો આગ્રહ કર્યો, પણ મારે ક્યાંય જવું ન હતું. જો જીવનની કેડીએ એકલા જ ચાલવાનું છે તો પોતાની સાથે રહેતા શીખી લેવું જોઈએ.
ભારે હૈયે સહુ ગયાં. હવે એ ક્ષણ આવી, હું ઘરમાં અને જીવનમાં એકલી પડી.
પહેલી રાત. ઘરમાં નીરવ ભેંકાર શાંતિ. હું ડ્રૉઇંગરૂમમાં દીવાન પર બેસી રહી. આ જ ઘરમાં પપ્પા-મમ્મી સાથે લાડમાં, આનંદમાં વિતાવેલા દિવસો ફિલ્મ જોતી હોઉં એમ દેખાવા લાગ્યા. કૉલેજ અને નાટકનાં બેફિકર, રંગીન પતંગિયા જેવા મનભર ઊડતાં દિવસો તાદૃશ્ય થતા હતા. પછી મારો સંસાર, મારી દીકરીઓનો કિલ્લોલ, મહેન્દ્રનો શાંત મૌન પ્રેમ, સ્રોત્ર ગાતો એનો ગુંજતો સ્વર…સપ્તપદીના સાત પગલાનાં સખા…

એક પછી એક કાળખંડમાં શ્વસતી, ફરતી હું અચાનક અટકી, હું કયા સમયમાં હતી! ત્યાં ડૉરબેલ રણકી. ક્યારથી વાગતી હશે! હું આ ક્ષણમાં, મારામાં પાછી ફરી. અત્યારે રાત્રે કોણ હશે? બારણું ખોલ્યું તો મારી સામે રહેતા મારા ખાસ પાડોશી સવિતા મલકાની. ચાદર-તકિયો લઈ ઊભેલાં.
`કબ સે બૅલ માર રહી હૂં. મેં રાત કો આપકે સાથ સોઉંગી.’
એમને માંડ સમજાવી મેં પાછાં વાળ્યાં, મને થયું જો હું આજે એકલી નહીં રહું તો પછી ક્યારેય નહીં રહી શકું, ઘણાં લોકો એકલા રહેતા હોય છે તો હું પણ કેમ નહીં! કેમે કરી સ્મૃતિમંજૂષાની પેટી બંધ થતી જ નથી. એનાં સોનેરી કિરણોનો અજવાસ મારા ખંડને અજવાળે છે.
મારા મનમાં મહેન્દ્રની ગુણાનુવાદ સભા ચાલી રહી છે. પહેલી વાર એને ક્યાં મળી હતી! કેમ લગ્ન કરવાનું નક્કી કર્યું? જીવનમાં દરેક વાત આંગળી મૂકીને કહી શકાતી નથી. સ્વાતંત્ર્યસંગ્રામની આબોહવામાં શ્વાસ લેતા મારાં માતાપિતાએ મુક્ત વાતાવરણમાં અમારો ઉછેર કરેલો. સાંઠ-સિત્તેરનાં દાયકામાં ગોઠવેલાં લગ્નો થતાં (આજે પણ ચિત્ર બહુ બદલાયું નથી.) અને સાદું સરળ સાંસારિક જીવન જીવાતું રહેતું. ત્યારે ભાતભાતની કૅરિયર્સ, અભ્યાસક્રમો, નાનીમોટી ડિગ્રીઓ ન હતી.
અમે આંતરસ્ફુરણાથી લગ્ન કર્યાં. ઘર-ગૃહસ્થીની સમજ કે કૌશલ્ય એ સમયે મારામાં ન હતાં. માતાપિતાનાં જીવનનો ચડાવ-ઉતાર, સંઘર્ષની હું સાક્ષી હતી પણ એની પાછળ જીવનની કેટલી નિસ્બત અને નિષ્ઠા હતાં એનો મારા મનમાં ધીમે ધીમે ઉઘાડ થવા લાગ્યો હતો. મને પણ એથી સંઘર્ષનું બળ મળ્યું. મને મારી રીતે જીવવાની મહેન્દ્રએ સ્પેસ આપી.
હું લખવા માટે જાતજાતનાં ઉધામા કરું, કોઈને મૂર્ખાઈ લાગે પણ એની કદી ના નહીં. જેલમાં, હૉસ્પિટલમાં, રક્તપિત્તગ્રસ્તોનાં આશ્રમમાં, મધ્યપ્રદેશનાં જંગલોમાં કે મુંબઈની ફૂટપાથો પર મૅગેઝિન્સ પુસ્તકોનાં ઢગલાં ફેંદું, પરિષદનાં અધિવેશન, જ્ઞાનસત્ર માટે ટ્રેન, એસ.ટી. બસોમાં ખત્તા ખાતી એકલી નાનાં શહેરો, ગામડાંમાં જાઉં પણ એથી કદી એ નારાજ ન થાય.
વણલખ્યા કરારની જેમ એનો સંસારમાં રસ ઓછો એથી સંસારની વ્યવહારિક જવાબદારીઓ હું વધુ ઉઠાવું પણ મને એનો જરાય રંજ નહીં. એ ગમે ત્યારે ગિરનાર જાય, હું જ બૅગ ભરી આપું. ઘણીવાર બહુ ચિંતા થાય. થોડા દિવસો કોઈ ખતખબર નહીં. મોબાઇલ તો હતા ક્યાં! દીકરીઓ નાની. નારાજ પણ થાઉં. એ પાછા ફરે ત્યારે એકબે દિવસ બોલું જ નહીં. પછી ચૉકલેટનું નજરાણું અને મરીનડ્રાઇવ અમારું આઇસક્રીમ સેલિબ્રેશન પૉઇન્ટ.
પૂનામાં સાહિત્ય પરિષદના અધિવેશનમાં હું ગઈ હતી. લંચ પછી, ઠંડીમાં તડકો ખાતું લેખકોનું એક ટોળું ગપ્પાગોષ્ઠી કરતું ઊભું હતું. હું થોડે દૂર કોઈની સાથે વાત કરતી ઊભી હતી. ત્યાં કૃષ્ણવીર દીક્ષિત એ ટોળામાંથી મારી પાસે આવ્યા.

એ જન્મભૂમિનાં વરિષ્ઠ પત્રકાર. મને પુત્રીવત્ ગણે. મને કહે, `વર્ષા, તારું લગ્નજીવન સુખી નથી એ જાણી મને દુઃખ થયું.’
અરે! હું નવાઈ પામી ગઈ. આ તે કેવી વાત! કોણે કહ્યું આવું જુઠાણું?
એમણે લેખકોનાં ટોળાં સામે જોઈને કહ્યું : `એ લોકો તારી જ વાત કરી રહ્યા છે. તું હંમેશાં સાહિત્યનાં આ કાર્યક્રમોમાં એકલી જ આવે છે, તારા હસબન્ડ સાથે નથી હોતા.’
`તો?’
`તારી નવલકથા `ખરી પડેલો ટહુકો’માં લગ્ન પછી પતિપત્ની એકબીજાથી ધીમે ધીમે દૂર જઈ રહ્યા છે એનું આલેખન એટલું આબેહૂબ છે કે એ તારા જ જીવનનું પ્રતિબિંબ છે. મને એથી દુઃખ થયું.’
મારી હથેલીમાં તો ચાંદ હતો ત્યાં અચાનક કોઈએ અંગારો મૂકી દીધો હોય એવી તીવ્ર પીડા થઈ. પણ મેં મનને શાંત રાખવાની કોશિશ કરી. કોણ હતા આ લોકો? મારા જીવન પર ટિપ્પણી કરવાનો એમને શો હક્ક હતો?
મેં દીક્ષિતજીને કહ્યું, `સારું, મારી સાથે મારા પતિ નથી હોતા એટલે સીધું તારણ એ કે મારા લગ્નજીવનમાં તિરાડ છે, બરાબર! પણ તો પછી એ ન્યાયે એ ટોળાના મહાન કવિઓ, લેખકો બધાંનાં જ જીવનમાં પણ તિરાડ હોવી જોઈએ કારણકે કોઈની સાથે એમની પત્ની નથી. ખભે થેલો ઝુલાવતા મોટે ભાગે એકલા જ અને પુરુષ લેખકોનાં ટોળાંમાં ભાળું છું. દીક્ષિતજી, હકીકત તો એ છે કે જીવન એક હોય, રસના વિષય અલગ ન હોઈ શકે?’
એમની પાસે કોઈ જવાબ નહોતો કારણકે એનો જવાબ જ નથી. વર્ષોથી અનેક કાર્યક્રમોમાં વક્તા – શ્રોતા રહી છું પણ મારો અનુભવ છે કે મનોરંજન સિવાયનાં બહુ ઓછા કાર્યક્રમોમાં પુરુષ લેખકો/શ્રોતાઓ/કલાકારો સાથે તેમની પત્ની હોય છે.
એનાં અનેક કારણો હોઈ શકે. પત્નીને રસ ન હોય, બાળકોનો અભ્યાસ, ઉછેર, સાસુસસરાને સંભાળવાના હોય, ઘરકામ, રસોડું… સ્ત્રીને સંસાર વધુ બાંધે છે. ઘરને આંગણે, તુલસીક્યારે સ્ત્રી ઊભી રહી જાય છે અને પુરુષ શ્વેત પાંખાળા અશ્વ પર સવાર થઈ આકાશે ઊડી જાય છે. પતિની સતત પ્રગતિમાં સ્ત્રી બે ડગલાં પાછળ રહી જાય છે. એનાં અસંખ્ય દાખલાઓ છે. મારા `શારદા’ નાટકની આ જ થીમ હતી.
લેખિકાઓને એક બીજી વાત પણ નડે છે. તેઓ જે લખે છે, એમાં તેમનાં જ જીવનનું પ્રતિબિંબ છે એમ મોટાભાગનાં લોકો એ માની લે છે. ધેય આઇન્ડેન્ટીફાય વીમેન વીથ ધેર રાઇટિંગ્સ.
આ મારી એકલીની ફરિયાદ નથી. ભલભલી લેખિકાઓને સહન કરવું પડ્યું છે. હૈદરાબાદમાં ત્રણ દિવસનું લેખિકા સંમેલન હતું. જુદી જુદી ભાષામાં લખતી, અલગ અલગ માહોલ, ધર્મમાંથી આવતી, જુદાં જુદાં શહેર ગામમાંથી અમે લગભગ દોઢસોથી બસો લેખિકાઓ હતી.

સહુએ પોતાના અનુભવો શેર કર્યા હતા. મોટાભાગની મહિલાઓનો પ્રધાન સૂર હતો કે ઘરનાં ઝીણાં ઝીણાં કામ તેમને વટસાવિત્રીનાં વડની જેમ સુતરનાં તાંતણે સંસારવૃક્ષ સાથે બાંધી દે છે. અમારું લેખન અમારા જીવનનું જ પ્રતિબિંબ છે. એ પૂર્વગ્રહભરી માન્યતા પણ તેમને અવરોધતી હતી.
Women’s World સાથે વિશ્વનાં અનેક દેશની મહિલાઓ જોડાયેલી છે. એ ઇન્ટરનેશનલ પેન વિમેન રાઇટર્સ કમિટીનું એક અંગ છે. તારસ્વરે સર્વ લેખિકાઓ કહે છે કે લિંગભેદ, સેન્સરશીપ, સ્ત્રીઓની અભિવ્યક્તિને રૂંધે છે.
અમારા હૈદરાબાદ અધિવેશનનાં મુખ્ય અતિથિ હતાં નવનીતાદેવ સેન, પ્રખ્યાત બંગાળી કવયિત્રી, અધ્યાપક.

એમણે પોતાના સ્વાનુભવની વાતો કરી; હું જ્યારે લખતી હોઉં છું ત્યારે મને ફીલ થાય કે મારી ખુરસી પાછળ મારી મા ઊભી રહી ડોકાય છે કે હું શું લખી રહી છું.
ઇન્દ્રા ન્યુયી પેપ્સિકોના ચીફ ઍક્ઝિક્યુટિવ હતા અને વિશ્વની સો શક્તિશાળી મહિલાઓની યાદીમાં સતત નામાંકિત થતી મહિલા.

એમણે ટી.વી. ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, હું ઑફિસેથી આવું ત્યારે મા કહેતી, તું દૂધ ન લઈ આવી? તું ભારે ભૂલકણી છે.
શું ઘરકામ પરથી જ સ્ત્રીનું મૂલ્ય અંકાય!
મારા લેખનનાં આરંભકાળનાં દિવસોમાં સિત્તેરના દાયકાનો એક અનુભવ હતો જેનો કડવો સ્વાદ દિવસો સુધી મારા મોંમાં રહ્યો હતો.
એ સમયે કવિસંમેલન અને ડાયરાનાં કાર્યક્રમો લોકપ્રિય હતા. ગદ્યનાં જુદાં જુદાં રૂપોનાં કાર્યક્રમો નહીંવત્. સ્ત્રીઓ પત્રકાર/સર્જક/શ્રોતાઓ તરીકે ઓછું દેખાતી.
મારા ઘરથી દૂરના પરામાં એક રવિવારની સવારે સાહિત્યનો કાર્યક્રમ હતો. મારી ટૂંકી વાર્તાઓ અને થોડી નવલકથાઓ પ્રગટ થયેલી. કૉલમો લખેલી. મને એ કાર્યક્રમમાં વક્તવ્યનું નિમંત્રણ હતું. હું ખુશ થઈ ગઈ. જાણીતા પુરુષ લેખકો સાથે હું એક જ સ્ત્રી વક્તા હતી.
હું ના પાડવાનું વિચારતી હતી. રવિવારની સવાર, બે નાની દીકરીઓ અને નોકરે મી નાહી આણાર સંદેશો મોકલ્યો. દીકરીઓની આયા પણ મોડેથી આવે, પણ મહેન્દ્રએ ખૂબ આગ્રહ કરીને મને મોકલી. સિંકમાં વાસણો અને રમણભમણ ઘર. અમે ઢોસો ખાઈ લઈશું, તું જા.
હું લોકલમાં સમયસર પહોંચી ગઈ. રવિવારની સવાર એટલે સભાગૃહમાં પણ પુરુષો વધુ, સ્ત્રીઓ ઓછી. સ્ટેજ પર પણ હું એક જ મહિલા. ત્રણચાર વક્તાઓ બોલ્યા પછી મારો વારો. મેં મારા નવલકથાલેખનનાં ફિલ્ડ વર્કનું સરસ વક્તવ્ય આપ્યું.
છેલ્લે સમાપન કરવા ગુલાબદાસ બ્રોકરે માઇક હાથમાં લીધું. એમણે વાતવાતમાં સહજતાથી કહ્યું, વર્ષા તો સરસ બોલી પણ હમણાં ઘરે જઈ કામે વળગી જશે. આ રમૂજ પર સ્ટેજ પરના વક્તાઓ હસ્યા, એકે વિશેષ ટિપ્પણી કરી, બિચ્ચારા એના વરનું શું થતું હશે! એને દહીંવડા ખાવા હોય તો શું કરે? શ્રોતાઓમાં હસાહસ.
મારી ચારે તરફ મજાકિયા ચહેરાઓ જોઈ મને ઝાળ લાગી ગઈ, મારી ભરસભામાં મશ્કરી? હું સ્ત્રી છું એટલે? મારી દીર્ઘ નાટકયાત્રા અને લેખનની નાની કૅરિયરમાં પણ આ સિનિયર વક્તાઓ કરતાં હું બે કદમ આગળ હતી. મારો પરિશ્રમ, આવડત એ આમ ખુલ્લેઆમ મજાકનો વિષય હતો! દહીંવડા કે કોઈ પણ વાનગીને લેખન સાથે શો સંબંધ હતો?
બ્રોકરસાહેબ હજી બોલી રહ્યા હતા અને હું તેમના ચાલુ ભાષણે ફટાક ઊભી થઈ એમની બાજુમાં જઈ ઊભી રહી ગઈ. ચાલુ વક્તવ્યે એકદમ વચ્ચે જ ઊભા થઈ, એમની પાસેથી માઇક હાથમાં લઈ લીધું, સહુ નવાઈ પામી ગયા.
(ક્રમશ:)
Ohh u r the best!!! No words to show my respect n live for u dear varsha mem ! Khub saras lakhan, jane aankho same aalhu દ્રશ્ય bhajvatu hoy evu lage che !!
વ્હાલાં વર્ષાબેન, સાઈટ પર કોઈ ટેકનીકલ મુશ્કેલીને કારણે ‘ગુર્જરી ડાયજેસ્ટ’ ના સંપાદક આદરણીય શ્રી કિશોરભાઈ દેસાઈનો પ્રતિભાવ એમના થકી પોસ્ટ નથી થયો. એમણે મને મેસેજ કર્યો છે તે અહીં નીચે અક્ષરસઃ મૂકી રહી છું.
કિશોરભાઈ દેસાઈ ‘ સંપાદકઃ “ગુર્જરી ડાયજેસ્ટ” લખે છેઃ
“જયશ્રી –
દીકરીને ધૂમ્રસેરમાંથી ઊપસતી આકૃતિ દેખાય એવા પ્રસંગમાં હું માનું છું. એવી ચમત્કારીક ઘટનાઓ પાછળ કોઈ જબરજસ્ત ઋણાનુબંધ હોય છે. બીજો પ્રસંગ જેમાં પડોશી બહેન રાત્રે સુવા માટે આવે ત્યારે લેખિકા ના કહે છે તે ગમ્યું. કોઈ અન્ય વ્યક્તિએ એ પ્રસ્તાવ સહજ રીતે સ્વીકારી લીધો હોત. આવા માઠા પ્રસંગે વ્યક્તિને જયારે એકાંતની પળ મળે છે ત્યારે મનની અંદર જે ભાવસૃષ્ટિ સર્જાય છે તે અલોકિક હોય છે. છેલ્લે હાથમાં માઈક લઈ શું બોલ્યા તે જાણવાનું કુતૂહલ છે.
નોંધ ; મારો પ્રતિભાવ લેખ નીચે સ્વીકારાયો નથી….”
વર્ષાબેન, આપની કલમની આ પ્રામાણિકતા – અને એ માત્ર આત્મકથાના આલેખન પૂરતી નહીં, પણ દરેકેદરેક કૃતિમાં છે. આ પ્રામાણિકતા પોતાના તરફ, પોતાની જિંદગીમાં એટલી તો ઘોળાઈ -Ingrain – છે કે એ જ આપના પ્રત્યેક લખાણને સોનાનો ઓપ ચડવીને ખાસ બનાવે છે, આજના આ પ્રકરણમાં આની ૧૦૦૦% પ્રતિતી ફરી થઈ. આપને અને આપની કલમને વંદન.
વાહ વર્ષાબેન. બ્રેવો. હેટ્સ ઑફ ટુ યુ.
સાહસે શ્રી: પ્રતિવસતિ! નું જીવંત ઉદાહરણ! એકલપંથીનો અનુભવ પણ હ્દયદ્રાવક !