“તાજા કલામને સલામ” (૨) ~ કાવ્યનો આસ્વાદ ~ કવયિત્રી: અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’ ~ આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

ગઝલ.. –“શું એવું થઇ શકે?”

હું તને બોલાવું, તું આવે, શું એવું થઇ શકે?
સાથે વીતેલી પળ લાવે, શું એવું થઇ શકે?

મેં ઘણી ભૂલો કરી છે, ખોટી સંગતમાં છતાં,
તું બધું ભૂલીને અપનાવે, શું એવું થઇ શકે?

રાગ જે પણ છેડી દીધો છે તેં મારા ચિત્તમાં,
તે તને પણ ખૂબ ડોલાવે, શું એવું થઇ શકે?

ચુંદડી તો ક્યારની મેં ઓઢી તારા નામની,
આભલા એમાં તું ટંકાવે, શું એવું થઇ શકે?

એ ગયા છોડી મને ખુદની જ મરજીથી છતાં,
એ ફરી સામેથી બોલાવે, શું એવું થઇ શકે?

કવયિત્રી: અંજના ગોસ્વામી અંજુમ આનંદ”
આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

કવયિત્રી અંજના ગોસ્વામીનું તખલ્લુસ “અંજુમ આનંદ” જેટલું કોમળ અને મજાનું છે એટલી જ નજાકતભરી એમની આ ગઝલ છે.

સાથ અને વાત બેઉમાં અન્યોન્યનું, ‘હોવું અને ન હોવું’ ની મૂંઝવણના હિંચકે મન તો સતત ઝૂલ્યા કરે છે. કોઈક કારણસર અબોલા થઈ ગયા છે. બોલાવવાની પહેલ કરવામાં પણ વાંધો નથી પણ બોલાવીને ન આવે તો એ અબોલાનું તૂટવું અને સંબંધોનું ફરી યથાવત થવું વધુ મુશ્કેલ બની જાય છે.

કોઈને પ્રેમથી બોલાવવામાં જરા પણ અચકાટ ન થાય પણ મનનું સંધાન છૂટી ગયું હોય પછી સતત એક પ્રકારના Rejection – અસ્વીકારનો ભય ઊંડેઊંડે રહ્યા કરે છે કે આટલું વ્હાલથી બોલાવ્યા પછી નહીં આવે તો? અને ધારો કે કદાચ આવી પણ જાય તો જે સમય સાથે વીતાવ્યો હતો એ મોજની, મજાની, રજામંદીની અને ‘ગીલા-શિકવાની’ એ પળો શું પોતાની સાથે લઈને આવશે સાથે કે પછી એક પ્રકારની વિવેકપૂર્ણ ઉપેક્ષા- ‘બેરુખી’ નું મ્હોરું પહેરીને આવશે? અહીં અનાયસે ‘મરીઝ’ યાદ આવે છે.

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ?,
પણ ‘ના’ કહો છો એમાં વ્યથા હોવી જોઈએ?

અહીં ભૂલોની કબૂલાત કરવાનો કોઈ છોછ કવયિત્રી રાખતાં નથી. હા, પણ એમાં “ખોટી સંગતમાં” કહીને એક છટકબારી જો કે સિફતથી ગોઠવી દે છે.

એક સમયના રિસાયેલા પ્રેમીને ભાવનાત્મક અને વૈચારિક લાઘવ – Pettiness – છોડવા માટે કવયિત્રી આહવાન કરીને રનવે પણ તૈયાર કરી આપે છે કે ‘હું તો મારી કરેલી ભૂલોની કબૂલાત કરીને, કોઈ અભિમાન રાખ્યા વિના તારા સુધી બધી જ જૂની મખમલી યાદો સાથે આવીશ, તને બોલાવીશ. પણ શું તું મારી બધી જ ભૂલોને ભૂલી જઈને ફરી એ જ વ્હાલથી અપનાવવા સક્ષમ છે?” આ એક Million Dollars – કરોડ રૂપિયાનો સવાલ છે જેનો જવાબ હાલ તો સવાલમાં જ રહી જાય છે.

અહીં પસ્તાવો પણ છે કે જીવનમાં કોઈક અકળ કારણસર ખોટી સંગતમાં સારા સંગી-સાથીને ખોઈ બેસીએ છીએ અને પછી જ્યારે સમજાય છે ત્યારે ઘણીવાર સવાલો બની ગયેલા સંબંધો ફરી કદી જવાબોમાં પરિવર્તિત થતાં નથી. આનંદ બક્ષી સાહેબ યાદ આવે છે;

કુછ લોગ એક રોજ જો બિછડ જાતે હૈં,
વો હજારોં કે આને સે મિલતે નહીં,
ઉમ્રભર ચાહે કોઈ પુકારા કરેં ઉન કા નામ ,
વો ફિર નહીં આતે…

જેઓ જતાં રહ્યાં છે  એમનાં વિચારો, એમણે અંદર છેડી દીધેલી પ્રેમની સરગમ જમાનો વીતી ગયા પછી પણ મનની ઝીણી સિતારી પર વાગ્યા જ કરે છે. શું એમની સાથે ફરી કદી એ ધૂન પર ડોલવું શક્ય બની શકે ખરું? એમાં કદાચ એક છાની ફરિયાદ પણ સંભળાય જાય છે કે જેમના રાગ પર જિંદગી આખી ઝૂમતાં રહ્યાં, એમની સાથે અને એમના ગયા પછી પણ ડોલતાં રહ્યાં, તો શું એમને આ બધું યાદ નહીં આવતું હોય?

ત્યારે ક્યાંક એવું ‘સેલ્ફ પિટી’ માં અંદર તો લાગ્યા જ કરતું હોય કે;  (શાયરનું નામ યાદ નથી)

“હમમેં ન થી કોઈ બાત, યાદ ન ઉસકો આ સકે,
ઉસને હમેં ભૂલા દિયા, હમ ના ઉસે  ભૂલા સકે”

પ્રિયપાત્રને યાદ અપાવવા કવયિત્રી શરમ અને મલાજો બાજુ મૂકીને, પ્રેમીનો ઈગો સંતોષાય એટલે ખુલ્લું કહે છે કે ચુંદડી તો હજી એના નામની જ ઓઢી છે, કોઈ બીજાના નામના છૂંદણાં આ હૈયા પર હવે શક્ય નથી. બસ, એના આવવાની રાહ જોવાય છે. કાશ, એવું કંઈક થાય અને તેઓ પણ એટલાં જ વ્હાલમાં તરબોળ થઈને આવે અને એના  નામની ઓઢી રાખેલી આ ચુંદડી પર પોતાના પ્રણયના આભલાં ટંકવીને આ નંદવાયેલાં સંબંધ પર ચાર ચાંદ સ્વીકૃતિના લગાવી દે, તો તો વાત જ શી?

ગઝલમાં અલગ અલગ રીતે ભલે, કવયિત્રી ભૂલ કબૂલ કરીને એમની કમી ખૂબ લાગે છે, એવું કહે છે. અને એમના નામની ચુંદડી ઓઢીને હજુ પણ રાહ જુએ છે. અને,  આ બધું જ  શરમ અને લોકલાજ નેવે મૂકીને કહે છે કે એમના ગયા પછી જિંદગીમાં એવું કોઈ આવ્યું નથી કે જે એમના ગયા પછીનો ખાલીપો પૂરી શકે. પણ, છેલ્લા શેરમાં કવયિત્રી ઘૂંઘટના છેડેથી એક હળવો “હુંકાર” તો કરી જ લે છે કે આ બધું જ સાચું પણ એ  પણ પોતાની મરજીથી છોડી ગયા હતાં તો કંઈક જવાબદારી તો એમની પણ બને છે ;

“એ ગયા છોડી મને ખુદની જ મરજીથી છતાં,
એ ફરી સામેથી બોલાવે, શું એવું થઇ શકે?”

આ છેલ્લા શેરમાં કવયિત્રી વિદાય અને વિરહની બેડીમાંથી મુક્ત થઈને, પ્રેમની ગરિમાને પગમાં પડી જતાં બચાવી લે છે એટલું જ નહીં પણ જતાં જતાં એક મેસેજ તો આપી જ દે છે કે, ”બસ, હવે તો તમે સામે ચાલીને આવો, કાશ, એવો જાદુ થાય!”

‘ગાલિબ’ યાદ આવે છે…

“હમેં માલૂમ થા,  તગાફુલ ન કરોગે  લેકિન,
ખાક હો જાયેંગે હમ તુમકો ખબર હોને તક!

બહુ સાદી, સરળ લાગતી આ ગઝલમાં પ્રેમ છલકાય છે,  કરેલી ભૂલોનો પસ્તાવો છે, રિસાયેલા પ્રેમીના મનામણાં છે અને એ પણ દરેક શક્ય હોય એવા મીઠા બોલ, આજીજી, વિનવણી કરીને પ્રેમીનો ઈગો સંતોષીને કરેલાં મનામણાં છે, માત્ર દેખાડા માટે કરેલાં મનામણાં નથી! પણ, અંતે, એક અભિસારિકા Resigns – રાજીનામું આપે છે અને એક સ્ત્રીનું આગવું સ્ત્રીત્વ અને એની ગરિમા અંતે એવો પ્રસ્તાવ મૂકી જ દે છે કે હવે તો તું સામેથી બોલાવ. જો એવું થાય ને તો જ, આ સાંજેદારીનો કોઈ અર્થ છે. અને, બસ, આખી ગઝલ અહીં આ છેલ્લા શેરને કારણે માત્ર લાગણીઓમાં સિમિત ન રહેતાં, મુઠ્ઠી ઊંચેરી બની જાય છે. બહેન અંજનાને અભિનંદન.

***

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. વાહ…ખૂબ આસ્વાદ્ય…ગઝલને વધું ને વધું ઊંચાઈ પર લઈ ગયા જયશ્રીબહેન…ખૂબ જ ગમ્યું આપનું આ ગઝલનું આંતરિક નિદર્શન…મજા આવી ગઈ…ને સમગ્ર ગઝલ પણ એક જ વિચાર કે એક જ બાબત કે જે નાયિકાના પક્ષે છે…તે સમગ્ર રચનામાં અંત સુધી જીવે છે…એ પણ કવયિત્રીની કલમની કસબ છે…જયશ્રીબહેન અને ‘અંજુમ આનંદ’ – અંજના ગોસ્વામી બંનેને હૃદયથી અભિનંદન….રમેશ મારૂ “ખફા” જાફરાબાદ