“હરપ્પાની શોધ” ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ –7 ) ~ પૂર્વી મોદી મલકાણ

      સાગર સમાન વિરાટ સિંધ નદી જે પ્રદેશમાંથી વહેતી હતી તે પ્રદેશ સિંધ પ્રાંત અને ત્યાં વસેલી સભ્યતાને સિંધ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવી. આ સંસ્કૃતિનું સૌથી પ્રખ્યાત નામ છે મોહેં-જો-દારો. પણ વિભાજન પછી પાકિસ્તાને મોહેં-જો-દારોની સંસ્કૃતિને સિંધ સંસ્કૃતિ અને હરપ્પાની સંસ્કૃતિને રાવી સંસ્કૃતિ કે ઇન્ડ્સ વેલી સંસ્કૃતિ તરીકે નામ આપ્યું અને કહ્યું કે; આ ઇન્ડ્સ વેલી નામ તે અમારા રાજા – સુલતાન દેવ ઇન્દ્ર ઉપરથી છે. (પાકિસ્તાને આપ્યું, આ શબ્દ પર ભાર મૂકવામાં આવે. )
 
હરપ્પાની શોધ:-
ચાર્લ્સ મેસન જેણે હરપ્પા સંસ્કૃતિને શોધી પણ એને સિકંદરની સંસ્કૃતિ સમજી.
ચાર્લ્સ મેસન
     ૧૮૨૬નો સમય ચાલી રહ્યો હતો. “ચાર્લ્સ મેસન નામનો એક અંગ્રેજ લાહોરની એક ગલીની હાટડીમાં ચા પી રહ્યો હતો. આ હાટડી પર જમા થયેલ માણસો પાસેથી તેને જાણવા મળ્યું કે; લાહોરથી અમુક અંતર પર આવેલ હરપ્પા ગામમાં સદીઓ જૂનો ઇતિહાસ દટાયેલો છે.
     આ સાંભળી આ વાતની ખાતરી કરવા ચાર્લ્સ હરપ્પામાં આવ્યો અને આ જગ્યાની શોધખોળ કરવા લાગ્યો. ત્રણ-ચાર અઠવાડિયાની રખડપટ્ટી પછી તેની નજરમાં માટીમાં દબાયેલી આ સંસ્કૃતિ આવી. તેણે આ સંસ્કૃતિનાં એરિયાની રૂપરેખા સાથે અહીં રહેલ મિનારા અને દીવાલોની નોંધ કરી.
     ચાર્લ્સનું માનવું હતું કે આ સંસ્કૃતિ તે ગ્રેટ રોમનની છે તેથી તેણે બ્રિટિશ લાઈબ્રેરીમાં આ વાતની નોંધ મૂકી કે તેણે એલેકઝાંડર ધ ગ્રેટના સમયનાં કેટલાક ઇતિહાસને શોધી કાઢ્યો છે. પણ આ સમયમાં હજુ ભારત – પાકિસ્તાનમાં અંગ્રેજ સામ્રાજ્યનો સૂરજ ઊગવાની શરૂઆત થઈ રહી હતી. તેથી ચાર્લ્સની આ વાતને બહુ મહત્વ આપવામાં ન આવ્યું.
     જોવાનું એ કે મોહેં-જો-દારોની સંસ્કૃતિ હરપ્પા સંસ્કૃતિથી વધુ જૂની હોવા છતાં આ સંસ્કૃતિ હરપ્પાની સંસ્કૃતિ બાદ શોધવામાં આવેલી ને એય છેક ૩૫ વર્ષ પછી.
જનરલ એલેકઝાંડર કનિંઘમ:
હરપ્પાની સંસ્કૃતિ અને અન્ય સંસ્કૃતિના અવશેષો મોહેં -જો – ડેરો, લોથલ  અને ધોળવીરામાંથી શોધી કાઢ્યાં.
    સર ચાર્લ્સ મેસનની નોંધને ધ્યાનમાં રાખી ઈ.સ. ૧૮૬૧માં સર કનિંઘમે હરપ્પામાંથી જે સંસ્કૃતિ શોધી તેવી જ અન્ય સંસ્કૃતિનાં અવશેષો તેમણે મોહેં-જો-દારો, લોથલ અને ધોળાવીરામાંથી શોધી કાઢ્યાં અને કહ્યું કે આ સંસ્કૃતિનો સમયગાળો ૫૦૦૦ વર્ષ કે તેથી વધુ જૂના સમયમાં લઈ જાય છે.
     સર કનિંઘમની આ વાતથી વિશ્વ આંચકો ખાઈ ગયું, જો આટલી જૂની સંસ્કૃતિ હોય તો તેનો અર્થ એ થયો કે આ સંસ્કૃતિનાં મૂળ ઈજિપ્ત અને મેસોપોટેમિયા જેટલા જ ઊંડા છે. સર કનિંઘમે હરપ્પા, મોહેં -જો-દારો, ધોળાવીરા, લોથલની આ રૂપરેખાને અખંડ ઈન્ડિયાનાં નકશામાં ગોઠવ્યાં.
     આ રૂપરેખા ઉપર જનરલ એલેકઝાંડર કનિંઘમના નેતૃત્વ નીચે ઈ.સ. ૧૮૬૧માં જ આર્ક્યોલોજિકલ સર્વે ઓંફ ઇન્ડિયાની સ્થાપના થઈ પણ ત્યાર પછી આ આર્ક્યોલોજિકલ સાઇટ્સ પ્રત્યે દુર્લક્ષ્ય સેવવામાં આવ્યું. ૧૮૬૩માં જીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા GSIના અધિકારી રોબર્ટ બ્રુસફૂટે પ્રાચીન યુગનાં ખોદવામાં કામ આવે તેવાં ઓજારો શોધી કાઢેલા, પણ આ સમયે પણ ઉત્ખનનનાં આ કાર્યને ખાસ વેગ મળ્યો નહીં.
સર જોહન માર્શલ આર્કિયોંલોજિસ્ટ :
ઉત્ખનન કરાવીને વિવિધ સમયની હરપ્પન સંસ્કૃતિ શોધી.
     ઇ.સ ૧૯૨૧-૨૨નો એ દિવસ અદ્ભુત હતો. આ સમયે લાહોર હરપ્પા વચ્ચે રેલવે લાઇન બની રહી હતી. આ રેલવે લાઇન પર એક એંજિનિયર અને સર જોન માર્શલ જેઓ એક આર્કિયોંલોજિસ્ટ હતાં તેઓ પોતાની ટીમ અને ગામલોકો સાથે કામ કરી રહ્યાં હતાં. (ઈન્ડિયામાં તેમનો કામ કરવાનો સમયગાળો ૧૯૦૨થી ૧૯૨૮.)
     આ કામ દરમ્યાન ઈંટોનો સ્ટોક ખલાસ થઈ ગયો. આથી રેલવે લાઇનનાં એંજિનિયરે વધુ ઈંટો લાવવા માટે કહ્યું. આ ઈંટો લાવવામાં પણ આવી પણ જે રીતે તેનો સ્ટોક આવી રહ્યો હતો અને મૂળ બ્રિક્સથી ભિન્ન ડિઝાઇન જોઈ એંજિનિયરની સાથે ઊભેલ સર જોન માર્શલને કોઈ શંકા ગઈ. તેણે ઈંટો લાવનારને પૂછ્યું કે આ ઈંટો ક્યાંથી આવે છે? જવાબ મળ્યો કે; અહીંથી થોડે દૂર અમુક ટિંબાઓ છે અને આ ટીંબાઓ નીચે અનેક ઈંટો દટાયેલી છે. આ દટાયેલી ઈંટોને બહાર કાઢી અહીં લાવવામાં આવી છે.
     આ સાંભળી સર માર્શલને શંકા ગઈ કે સર કર્નિઘમ જે ઇતિહાસની વાત કરતાં હતાં તે ઇતિહાસ કદાચ આ જ હોઈ શકે. આથી તેમણે રેલવે લાઇનનું કામ સ્થગિત કરાવ્યું અને પોતે તે ટિંબા તરફ ચાલી નીકળ્યાં. સાથે આવનાર વ્યક્તિને તેમણે તે જગ્યા બતાવવાનું કહ્યું. આ જગ્યા જોઈ ત્યાં માર્શલે ઉત્ખનન કરાવતાં “વિવિધ સમયની” આ હર્પ્પિયન સંસ્કૃતિ બહાર આવી.    
 
હરપ્પા મ્યુઝિયમ:- 
     હરપ્પા મ્યુઝિયમમાં અમને સ્ત્રીઓની મૂરત વધુ દેખાઈ, જેથી અમે અનુમાન લગાવ્યું કે આ સંસ્કૃતિ સ્ત્રીસત્તાત્મક હોવી જોઈએ. આ ઉપરાંત અહીં માછલીનો શિકાર કરવા માટેનાં સાધનો, તે સમયનાં ઘરેણાં, માટીનાં વાસણો, કપડાં, માટીની મહોરોસીલ, ટેરાકોટાનાં રમકડાં, માટીના સિક્કા, પથ્થરનાં સિલવટા, સહિયારા સ્નાનગૃહો, અનાજના કોઠારો, પથ્થરનાં મોતી, અનાજની અને પાણીની કોઠી, ગટરનું ઢાંકણું, વહાણ માટેનાં રિંગ સ્ટોન, વાળ કાપવા માટે ઉપયોગમાં આવતાં તાંબાનાં સાધનો જેવા કે અસ્ત્રો- દાંતિયા, વાળ બાંધવાની શત્તિ (ક્લિપ) વગેરે, ચૌપડનાં પ્યાદાઓ, ટેરાકોટાના રમકડાંઓ વાઘ, સિંહ, ઘેંટા, મોર, ચકરડી, ભમ્દ્ર્તુ વગેરે, છીપલામાંથી બનાવેલ પ્લેટ્સ, આઇવરી, શંખ, હાથીદાંત, વાઘનખ, વ્હેલ માછલીનાં દાંતમાંથી, છીપમાંથી અને ટેરાકોટામાંથી બનેલ આભૂષણો, વિવિધ પ્રકારનાં જેમ સ્ટોન્સ (પન્ના, રૂબી જેવા) વગેરેના અવશેષો જોવા મળ્યાં. 
     આ સંસ્કૃતિની પ્રજા શાંતિપ્રિય હોય તેમ પણ અમને લાગ્યું, કારણ કે અહીં રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ સિવાય અન્ય કોઈ ધારદાર કે અણીવાળા સાધનો કે હથિયાર અમારા જોવામાં આવ્યાં નહીં જેથી અમે અનુમાન લગાવ્યું કે આ પ્રજા શાંતિપ્રિય હશે.
 
સીલધન:- 
     મ્યુઝિયમમાં ફરતાં અમે પાકી માટી અને ટેરાકોટામાંથી બનાવેલ મહોર જોઈ જેને તેઓ સીલ તરીકે ઓળખતા હતાં. આ સીલ મહોર પર લિપિ કોતરવામાં આવેલ હતી અને તે શંખાકાર,  ગોળાકાર,  ચોરસ,  લંબચોરસ,  વેલણાંકાર,  ઢોલાકાર  એમ વિવિધ આકાર બનાવવામાં આવેલ હતાં.
     આ સાઇટમાં થતી શોધખોળ દરમ્યાન ગામલોકોની અહીં સતત અવરજવર થતી જ હશે તે આ મુદ્રાઓ જેવી અમુક બીજી મુદ્રાઓ ગાઈડ પાસે હતી. જે તેમણે નીકળતી વખતે અમને વેચી દીધી. આ મુદ્રાઓનું ભલે એટલું મૂલ્ય ન હોય પણ અમારે માટે આ મુદ્રાઓનું મૂલ્ય આંકી ન શકાય તેવું છે, જેણે અમને એ સંસ્કૃતિ અને સમય સાથે બાંધી રાખેલ છે. 
     મ્યુઝિયમમાં ફરતાં જેને જોતાં ઈજિપ્તનાં મમીઝની યાદ આવી જાય અને જેનાં પરથી નજર પીડા સાથે પાછી ફરી જાય છે તેવા બે-ત્રણ હાડપિંજર પણ જોવામાં આવ્યાં, જે કાચની પેટીમાં રાખવામાં આવ્યાં હતાં. આ હાડપિંજરમાંથી એક પિંજર એક પ્રેગ્નેંટ સ્ત્રીનું હતું જેનું ડિલિવરી દરમ્યાન મૃત્યુ થયેલું હતું.
     આ પિંજર પછી બીજું પિંજર એક પ્રૌઢનું હતું, જેની ખોપરીઓ સાંધેલી હતી એટ્લે કે તે વ્યક્તિનાં માથા પર માર લાગેલો હશે અને તેનું સ્કલ ફાટી ગયેલું હશે. આ વ્યક્તિનાં સ્કલનાં એક ભાગ પર ખીલા અને લાકડાની ચૂરીઓ લાગેલ હતાં એટ્લે કે આ વ્યક્તિ કોઈ વહાણવટી હશે અને એ પડ્યો હશે ત્યારે ખીલા અને લાકડ આ બંને તેનાં માથામાં ઘૂસી જતાં તેનું તત્કાળ મૃત્યુ થયું હશે. આ વ્યક્તિનું પિંજર માટી અને પથ્થર વચ્ચેથી મળી આવ્યું હતું. આ વ્યક્તિનું પિંજર એ પણ દર્શાવતું હતું કે તે સમયમાં ધાતુ બનાવવાની શરૂઆત થઈ ગઈ હતી. જ્યારે ત્રીજું પિંજર એક બાળકનું હતું જે બીમારીમાં મૃત્યુ પામેલ.
રોબર્ટ બ્રુસફૂટે – જેણે પ્રાચીન યુગનાં બ્લોક્સ ખોદવામાં કામ આવે તેવાં ઓજારો શોધી કાઢ્યાં.

     આ મ્યુઝિયમમાં ઘણોસમય આંટાફેરા કર્યા પછી અમે મુખ્ય સાઇટ ઉપર ગયાં જ્યાં અમને ઠેર ઠેર ઇતિહાસ વેરાયેલો દેખાયો.

~ પૂર્વી મોદી મલકાણ,  યુ.એસ.

આપનો પ્રતિભાવ આપો..