‘ઝેર તો પીધાં જાણી જાણી’ ~ (પ્રકરણ : 19) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

પ્રકરણ : 19

સૂરતના શોમાં પબ્લિક રિસ્પોન્સથી અમે ખૂબ નિરાશ થયાં હતાં. આ નાટક તો અમારી યશકલગી અને નવલકથા અત્યંત લોકપ્રિય કૃતિ હતી. અમને પ્રેક્ષકો પાસેથી, એમને અમારી પાસેથી કેટલી અપેક્ષા હશે! અમારી મહેનત અને નિષ્ઠા પૂરી હતી તો થયું શું!

શો પછી હંમેશાંની જેમ રાતની ગાડી પકડી. ઉપેન્દ્ર, સુરેન્દ્ર, હું અને બધેકા અમે સાંકડમોકડ થર્ડ ક્લાસની ભરચક્ક ગિરદીમાં ઘૂસીને નીચે બેઠાં. સૂરત રંગઉપવનમાં નર્મદના સ્ટેચ્યૂની જેમ અમેય લમણે આંગળી મૂકી, કંઈ સૂઝકો પડે છે? ન પડ્યો. એક તો થાકેલા, અડધી રાત અને ચોતરફ ઝોકાંનું સામ્રાજ્ય!

ભારે હૈયે મુંબઈ પહોંચી, મિટિંગ કરી. પંદર દિવસમાં તેજપાલ થિયેટરમાં મુંબઈનો પ્રથમ પબ્લિક શો. જાહેરખબર આપતાં હાઉસફૂલ થઈ ગયો હતો. ઉપેન્દ્રએ અમારા સહુ સાથે મિટિંગ કરી. ઉપેન્દ્ર લેખક અને દિગ્દર્શક તરીકે મોકળા મનના. કાપકૂપ કરી સ્ક્રીપ્ટને ચૂસ્ત કરી. પછી અમને થયું, સારું થયું સૂરતમાં નાટકને સારો રિસ્પોન્સ ન મળ્યો એથી અમે નાટકમાંથી કસ્તર દૂર કરી કમ્પલીટ સ્ક્રીપ્ટ બનાવી શક્યા.

1962ના નવેમ્બર અગ્યાર. થિયેટર પહોંચતા હાઉસફૂલનું બૉર્ડ ઝૂલતું જોઈ મને એ દિવસો યાદ આવી ગયા. જ્યારે 2 રૂપિયાની ટિકિટ વેચવા હું ઘરે ઘરે ફરી હતી, ઘણાએ દયાભાવે, તો કોઈએ આંખની શરમે ટિકિટ ખરીદી હતી. આજે મારું નાટક હાઉસફૂલ હતું અને તારીખોનું લિસ્ટ મારા હાથમાં.

શો પહેલાં પ્રાર્થના કરી. આ વખતે ખાતરી હતી કે શો પછી જયજયકાર થશે જ. પડદામાંથી જોઈ લીધું,

મોરારજી દેસાઈ

ઓહો! પહેલી જ હરોળમાં દર્શક તો ખરા જ પણ કેટલાય પ્રધાનો, સેલિબ્રિટિઝ અને ફાઇનાન્સ મિનિસ્ટર મોરારજી દેસાઈ બિરાજમાન! મારો પરિવાર, કેટલાય જાણીતા નાટ્યપ્રેમીઓ!

અમે બધાં જ ચાર્જ્ડઅપ. પડદો ખૂલતા જ હું જાણે સ્વયં રોહિણી. ગોપાલબાપાનું મૃત્યુ, પ્રિયતમ સત્યકામનું ચાલ્યું જવું, એનો પત્ર… એક પછી એક કરુણ હૃદયદ્રાવક પ્રસંગો. રોહિણી પહેલાં તો રમતિયાળ કિશોરી, વહાલી દીકરી પછી સત્યકામ સાથેનાં મધુર પ્રણયદૃશ્યોની પ્રેમિકા, આજ્ઞાંકિત પુત્રી, સમર્પિત પત્ની, ત્યાગમૂર્તિ વિધવા અને ફરી ભગ્નહૃદયી પ્રેમિકા.

એક પછી એક કાળખંડ વટાવતા, જુદા જુદા ભાવ અનુભવતા એક આખું જીવન જીવવાનું હતું. એક વખત જેને ખૂબ ચાહ્યો હતો, જીવનસંગિની બનવાની હતી, એ એને છોડીને ચાલ્યો જાય છે. વર્ષો પછી ફરી એના જીવનમાં પ્રવેશે છે. અંધ બૌદ્ધ ભિક્ષુ બનીને. ફરી સઘળું ત્યજીને એ ચાલી નીકળે છે. હૈયાફાટ આક્રંદ કરતા રોહિણી (હું) સાચ્ચે જ અર્ધબેભાન અવસ્થામાં સ્ટેજ પર ઢળી પડી. મારી સાથે પ્રેક્ષકોની આંખો પણ આંસુથી છલછલ. સભાગૃહના સન્નાટામાં દબાયેલાં રુદનના અવાજો.

પડદો પડતા જ કેટલાય પ્રેક્ષકો સ્ટેજ પર ધસી આવ્યા હતા. દર્શકે હેતથી મને બેઠી કરી. એમને ખભે માથું મૂકી હું રડી પડી, કહો મને, નિયતિ આટલી ક્રૂર કેમ હોઈ શકે!
* * *
“ઝેર” મેઇડ હિસ્ટ્રી. હા, ઇતિહાસ રચ્યો. ઑવર ધ ટોપ જાહેરાતો અને સોશિયલ મીડિયાની અનુપસ્થિતિમાં પણ એક જ જાહેરાતથી શો હાઉસફૂલ થઈ જતો હતો. ઘણાં લોકો એકથી વધુ વાર જોતા. એક ભાઈ વ્હીલચૅરમાં આવતા પ્રથમ હરોળની સમાંતર ચૅર મુકાવતા. એમણે કોણ જાણે કેટલી વાર જોયું હશે!

મોરારજી દેસાઈને લઈને દર્શક અંદર આવ્યા હતા, અમારા સહુ સાથે મુલાકાત કરાવી કહ્યું, મોરારજીભાઈને એક અગત્યની ઍપૉઇન્ટમૅન્ટ છે એટલે ઇન્ટરવલમાં ચાલી જશે. મારાથી બોલાઈ ગયું, નાટક અધવચ્ચેથી છોડીને જઈ શકે તો જરૂર જાય. મોરારજીભાઈ સખત શિસ્તપ્રિય વ્યક્તિ. સાચ્ચે જ ન જઈ શક્યા. પૂરું નાટક જોઈને જ ગયા.

નાટકમાં એવા કેટલાય પ્રસંગ હતા જે મને અત્યંત વ્યથિત કરતા. રોહિણીની કુંડળીમાં વૈધવ્યયોગ જોઈને સત્યકામ કોઈને કહ્યા વિના જ ચાલી જાય છે. યોગાનુયોગ હેમંત સાથે લગ્ન થાય છે, પણ એનું અવસાન થતાં રોહિણીને વૈધવ્યયોગ તો આવ્યો જ!

ઉપેન્દ્રે ટૂંકા સંવાદોથી દરેક પ્રસંગને તીખી ધાર કાઢી હતી. રોહિણીનો દેર અચ્યુત અંધ બૌદ્ધ ભિક્ષુને લઈને આવે છે, એ જ તો છે સત્યકામ! કેવી સ્થિતિમાં બંનેનું મિલન! અચ્યુત રોહિણીને પૂછે છે, `તમે એમને ઓળખો છો ભાભી?’ ઉપેન્દ્રનો સાવ નાનકડો સંવાદ,

`હા, હું એમને ઓળખું છું.’

આ નાનકડા વાક્યમાં કેવી અકથ્ય પીડા! મારું હૃદય વલોવાઈ જતું.

સાંસ્કૃતિક મંડળો શો ખરીદવા હજી મેદાનમાં ઊતર્યા ન હતા. અનેક હાઉસફૂલ શોની હારમાળા. બીજા પ્રોડક્શન હાઉસનાં નાટકો પણ સરસ ચાલી રહ્યાં હતાં. કૉમર્શિયલ થિયેટરના દરવાજા ખૂલી ગયા હતા, પણ હજી વિશ્વરંગમંચના દ્વાર ભીડેલા હતા. ‘રંગભૂમિ’માંથી પહેલીવાર વીસ-પચ્ચીસ રૂપિયાનું કવર મળતું હતું. હજી એ જ પરંપરા જળવાતી હતી. હીરોઇન કે હીરોને ખાસ માનપાન નહીં અને કમાણી પ્રમાણે સહુને સરખો હિસ્સો.

હાઉસફૂલ શો જોઈ હું ખૂબ હરખાતી, પોરસાતી, ધીસ ઇઝ માય શો. આઇ ઑન ઇટ. આ નાટક માટે હું ખૂબ પઝેસીવ હતી. નાટકનું ઍનાઉન્સમૅન્ટ પણ લાઇવ હું જ કરતી. નહીં તો પરંપરા એવી છે કે મેલ બેઝ વૉઇસમાં જ નાટકનું ઍનાઉન્સમૅન્ટ થાય. આજે પણ. પરંતુ એક મહિલાના અવાજમાં ઍનાઉન્સમૅન્ટ એ પ્રથમ જ વખત અને અંતિમ પણ.

મેં જ્યારે પહેલા જ શોમાં ઉપેન્દ્ર પાસે ઉદ્ઘોષણા કરવાની રજા માગી કે એમણે તરત જ જરાય હિચકિચાહટ વિના હા પાડી હતી. નહીં તો નાટક એમનું સંતાન. એ પણ પ્રથમ. જ્યારે નાટકે ડંકો વગાડી દીધો ત્યારે પણ એમણે મારી પાસેથી માઇક પરત માગ્યું નહીં. સહુને સરખે ભાગે ક્રેડિટ આપતા.

નાટકના ખૂબ સરસ રીવ્યૂઝ લખાયા હતા, પણ કટિંગ કાપીને આલ્બમ કદી અમે કોઈ બનાવતાં જ નહીં. એવું મને કદી સૂઝ્યું નહીં. ત્યારે ‘ટાઇમ્સ’માં મધુકર ઝવેરી ગુજરાતી નાટકના રીવ્યૂ લખતા. ઝેરના રીવ્યૂની આરંભની બે લીટી યાદ રહી ગઈ છે, ‘ઑડિયન્સ ફાઇલ્ડ આઉટ ઑફ ઑડિટોરિયમ વીથ ધ લમ્પ ઇન ધેર થ્રૉટ. હાઉવેવર ઇટ વૉઝ વર્ષા આચાર્ય હુ ડોમિનેટેડ પર્ફોર્મન્સ ઑલ ધ વે…’

અનેક પ્રયોગોની હારમાળા. પપ્પાએ ઉપેન્દ્રનાં નાટ્યરૂપનું પુસ્તક પ્રગટ કર્યું હતું. એમાં બંનેની સરસ પ્રસ્તાવનાઓ છે અને ત્યાં સુધી થયેલા નાટ્યપ્રયોગોની તારીખો પણ છે. ક્યારેક એક જ દિવસમાં બે શો, ત્રણ અને છ વાગ્યે.

એટલે જ આ નાટક મારું પોતીકું અને વિશિષ્ટ. અત્યાર સુધી ઘણી મહેનતને અંતે સરસ નાટકો કર્યાં હતાં, પણ થોડા શો માંડ થાય. પણ હવે સારાં નાટકો ટિકિટબારી પર ચાલતાં હતાં. ગુજરાતનાં શહેરોમાં પણ અમેબીજાંઓ પણ શો કરવા જતાં હતાં.

‘ઝેર તો પીધાં જાણી જાણી’ કરતાં હું મૅચ્યોર થઈ ગઈ હોઉં એવું મને લાગતું, જીવનનાં વિવિધ રૂપોનું મેં દર્શન કર્યું. મને દર્શકનો પણ અઢળક સ્નેહ મળ્યો, આજીવન.

મારા લગ્ન પછી પણ નિયમિત ઘરે આવે, સોફામાં પલાંઠી વાળી જમાવે. મહેન્દ્રને આદેશ, ઑફિસે પછી જજે. મારા લેખનમાં ખૂબ રસ લે. મારી વાર્તા, નવલકથા વાંચે તો પોસ્ટકાર્ડ આવેઃ ‘નવનીત સમર્પણ’માં તારી ‘ચંદ્રનું અજવાળું’ વાર્તા વાંચી. એમાં ટૂંકી વાર્તાનાં ઉત્તમ ગુણો છે. લિ. મનુભાઈના આશિષ.’ આ જ તો મારો ઍવૉર્ડ!

એમનો ખૂબ આગ્રહ, તું ‘લોકભારતી’ રહેવા આવ.

લોકભારતી પરિસર

કોઈ ઇનામનાં નિર્ણાયક તરીકે હું, ઘનશ્યામ દેસાઈ અને હસુ યાજ્ઞિક ત્યાં નિરાંતે રહેલાં તેનું સ્મરણ છે.

એક વખત રાત્રે મૃદુલાબહેન પારેખનો ફોનઃ ‘કાર મોકલું છું. ઘરે જમવા આવો. દર્શક આવ્યા છે. એ કહે છે, વર્ષાને બોલાવો પછી સાથે જમીશું.’ બળવંતભાઈ પારેખના ઘરની ટૅરેસમાં પછી અમે સહુ સાથે જમ્યાં.

પરિષદના અધિવેશનમાં કે કોઈ સાહિત્યિક કાર્યક્રમમાં મળે તો ખૂબ હેતથી મળે.

દર્શક સાથે  

પહેલાં એક શો થતો તો અમે ખુશ થતા, હવે એક જ દિવસમાં બે શો. (આજે ધબકતી રંગભૂમિ માટે એ સામાન્ય છે.) હું રોહિણીની એક જિંદગી જીવતી, લાગણીઓનાં વમળમાં અટવાતી, હવે એક જ દિવસમાં બબ્બે વાર જીવનનાં ચડાવઉતાર જીરવવાનાં થતાં.

મૅથડ ઍક્ટિંગ પ્રમાણે પડદો પડે/કૅમેરા શૉટ ઓકે થાય પછી કલાકાર પાત્રનો અંચળો ઉતારી દે. હા, એવા ઉત્તમ કલાકારો છે. દિલીપકુમાર જેવા કલાકાર પણ છે જે ગંભીર, કરુણાંત ભૂમિકા ભજવીને સાઇકિયાટ્રિકનું કાઉન્સિલિંગ લેવું પડેલું પછી ‘કોહીનૂર’, ‘આઝાદ’ જેવી હળવી ભૂમિકાઓ પણ મસ્ત ભજવેલી.

ક્યારેક ઉપરાઉપર બે શો અને ફરી બીજે દિવસે પણ. મારા શરીર અને અવાજ પર પણ અસર પડી રહી હતી.

એક સવારે ઊઠી તો મારો અવાજ ગૂમ! આડે હાથે મુકાઈ ગયેલી ચીજ શોધવાથી મળી આવે, પણ આવાઝ કો કહાં ઢૂંઢું? ઍનાઉન્સરનું કામ અને મારા હાથમાં શોનું લિસ્ટ! તરત પપ્પા ઇએનટી પાસે લઈ ગયા. નિદાન અને દવા? સંપૂર્ણ મૌન. પૂરા ત્રણ મહિના. એમણે કહ્યું, ગળાને આરામની જરૂર છે, ગળામાં નોડ્યુલ્સ-ફોડલીઓ થઈ ગઈ છે.

વર્ષો પછી ફરી પાટીપેનને શરણે અને ઇશારાની ભાષા. બહાર જવાનું નહીં, જાઉં તો વાતો થાયને! હવે સંકટ સમયની સાંકળ ચિત્રા. મારી મિત્ર અને ‘રંગભૂમિ’ની કલાકાર. કેટલા નાટકો સાથે કરેલાં અને થર્ડ ક્લાસની મજેદાર મુસાફરીઓ.

હવે એ રોહિણી હતી, પણ મને થાય કે આ નાટક તો મારું જ! મારું સુવાંગ. એ બીજું કોઈ કરે! આવું પહેલી જ વાર કે મારું પાત્ર કોઈ ભજવે તે પણ પ્રિય પાત્ર રોહિણી! શોને દિવસે પપ્પામમ્મીથી છાનું રડી લેતી. ઘડિયાળને તાકી રહેતી ઘરે બેસી મનોમન સંવાદો બોલી દુઃખી થતી. સભાગૃહમાં ભજવાતાં દૃશ્યોની કલ્પના કરી હું અકળાતી. આ નાટક મારું જ છે, બીજું કોઈ ભજવી જ કેમ શકે!

એ દિવસે મને દીનાબહેનની ‘ઢીંગલીઘર’ની વાત યાદ આવી. મેં મનોમન એમની ક્ષમા માગી, અદેખાઈની ઝીણી ફાંસ ખૂંચી રહી હતી તે મેં માંડ ખોતરીને કાઢી, જોકે એ સહેલું નહોતું.

ત્રણ મહિના અને સ્વરનિકાલ સમાપ્ત. મેં સવારે ઊઠતાં કેલેન્ડરમાં ટીક કરી મોટેથી બૂમ પાડી, મ…મ્મી…! અરે વાહ! જડ્યો, મારો અવાજ જડ્યો. મમ્મીને ભેટી પડી. પપ્પા બોલતા આખા ઘરમાં ફૂદરડી ફરતી રહી. રોહિણી બનવા થનગની ઊઠી.

ચિત્રાનો મેં હૃદયપૂર્વક આભાર માન્યો અને હું ફરી રોહિણી બની ગઈ. એણે પણ ગ્રેસફૂલી આવું દમદાર પાત્ર પાછું આપ્યું, પછી ચિત્રાને પણ શો આપતા હતા. મને થયું, હા, એનો પણ અધિકાર હતો.

ચિત્રા ભજવતી હતી ત્યારે હું દુઃખી હતી, ઈર્ષ્યા થઈ હતી એ વાત પપ્પાને મેં કહી નહોતી. કદાચ મારે જ મારી મેળે પાઠ શીખવાનો હતો, કોઈ પણ પરિસ્થિતિનો સ્વીકાર કરવાની એક ભૂમિકા મનમાં બંધાતી જતી હતી. એ સત્ય મને બહુ મોડે મોડે સમજાયું હતું.
* * *
કોઈ પણ ઉત્કૃષ્ટ કથાનકને પારખી લેવું અને એને સરસ નાટ્યદેહ આપવામાં ઉપેન્દ્ર ત્રિવેદીની હથોટી હતી હવે. આ વખતે ફરી ક્લાસિક નવલકથા પસંદ કરી, મેઘાણીની ‘વેવિશાળ’.

લોકહૃદયે જડાયેલી કૃતિ. હુંસુશીલા, ગ્રામ્ય-દેશી પરિવેશમાં શાંત અને મક્કમ મનોબળ ધરાવતી યુવતી. આ વખતે સાથે અરવિંદ ત્રિવેદી, લીલાબહેન, વીણા પ્રભુ હતાં. મેઘાણીની કથા, ઉપેન્દ્રનું નાટક અને સુશીલાની ભૂમિકા. ‘વેવિશાળ’ના પણ હાઉસકૂલ શો અને મનને પરિતૃપ્ત કરતી ભૂમિકા. અંગત કારણસર મેં નાટક છોડ્યું પણ એનો વસવસો કાયમ રહ્યો.

ઉપેન્દ્ર ‘ઝેર તો પીધાં જાણી જાણી’ પરથી ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યા હતા ત્યારે પણ મને તક હતી, પણ એ દિશા મેં બંધ કરી હતી.

ગુજરાતી ફિલ્મક્ષેત્રે તો પછી ઉપેન્દ્રયુગ હોય એમ નાટક અને ફિલ્મો એમ બંને ક્ષેત્રે જ્વલંત સફળતા અને લોકપ્રિયતા મળી.

ઉપેન્દ્ર ત્રિવેદી અને તનુજા. ફિલ્મ: માલવપતિ મુંજ

* * *
હવે કલાત્મક ફિલ્મો અને નાટકોની નવી દિશાના દ્વાર ધીમે ખૂલી રહ્યા હતા. એ માટેનો પ્રેક્ષકવર્ગ પણ તૈયાર થઈ રહ્યો હતો. સૂર્યોદય પહેલાંનું આ ભળભાંખળું.

એ સમયે અમરભાઈએ મને એક સપનું આપ્યું. દિલ્હી નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાનું ફૉર્મ લઈ અમરભાઈ ઘરે આવ્યા. તું એનઆઇડીમાં પ્રવેશ લે.

ઇબ્રાહીમ અલ્કાઝી જેવા નાટ્યકાર પાસેથી તને ઘણું શીખવાનું મળશે. આ નાના દ્વારમાંથી તું બહાર નીકળીશ.

એનઆઇડી એક પાસપોર્ટ, નવી દુનિયાનો. નવું શહેર, નવા મિત્રો. વિશ્વસાહિત્યનો પરિચય. એક અલગ જ કેડી, મારા રાજમાર્ગથી જુદી.

‘ભૂમિકા’, ‘મંથન’ વગેરે ફિલ્મો હજી હવે આવવાની હતી, પણ સમય બદલાતો હતો એ નિશ્ચિત. હા, વિવિધ પ્રકારની ભૂમિકાઓ કરી હતી, પણ વિશ્વસાહિત્ય, જગતનાં ઉત્તમ નાટકો, મારા જ દેશની ભાષાઓની કલા વિષે મને ખબર નહોતી. હું ખૂબ ઉત્સાહિત હતી. અત્યાર સુધી મારા નિર્ણયો હું જ લેતી હતી, બટ ધીસ વોઝ અ ડિફરન્ટ સ્ટોરી.

મેં પપ્પામમ્મીને પૂછ્યું : `હું જાઉં? મારે દિલ્હી રહેવું પડે. તમે હા પાડો તો જ. અહીં રેડિયો અને નાટક તો છે જ.’ પપ્પાએ વળતું પૂછ્યું : `તારે જવું છે?’ મારો તરત જ જવાબ, `હા. પણ તમે…’ પપ્પામમ્મીએ એકમેક સામે જોયું. મને હતું કદાચ મને દૂર મોકલતાં મમ્મીનો જીવ કોચવાશે, પણ પપ્પાએ કહ્યું : `તારે જવું હોય તો ખુશીથી જરૂર જા.’ મમ્મીએ હસીને મૂક સંમતિ આપી.

બંનેનો એક જ સૂર. હંમેશાંની જેમ. અમને વિચારવા દે એવું પણ કશું નહીં. 1962-63ના સમયમાં કેટલાં ગુજરાતી માતાપિતા યુવાન પુત્રીને, બેટા, આ સંસાર માંડવાનો સમય છે એમ સમજાવવાને બદલે અનિશ્ચિત કેડી પર ડગ માંડવા દે! તે પણ કલાનું સપનું સાકાર કરવા! જરૂર હશે, એવા અન્ય માતાપિતા પણ હશે, પણ હું તો મારાં માતાપિતાને જાણું.

ફૉર્મ ભર્યું. ઇન્ટરવ્યૂના કૉલની પ્રતિક્ષા ત્યાં ચં. ચી.નો પત્ર આવ્યો, મને ફાર્બસમાં મળવા આવ. નવાઈ પામતી મળવા ગઈ. એમણે ફોડ પાડ્યો, મારા ઇન્ટરવ્યૂ વખતે એ જજીસની પેનલ પર હતા. મને કહે, તને બે વાત કહેવા બોલાવી. તું આચાર્યની દીકરી અને ગુજરાતી છો, પણ મારી પાસેથી કોઈ આશા નહીં રાખતી, મેરિટ પર જ, બહુમતીથી પ્રવેશ.

ઓકે. પછી? તું અમુક તારીખની, અમુક ટ્રેનની જ ટિકિટ લેજે. હું એમાં સાથે છું અને હા, ઇન્ટરવ્યૂ વખતે આપણે એકમેકને ઓળખતા નથી. (અમે બંને અભિનેતા). પપ્પાએ મારી અને ઈલાની એ તારીખની ટિકિટો કરી આપી. કહે, તમે બે એકલા જ જાઓ. ઘાટકોપર વખતના પાડોશી દિલ્હી હતા તેટલી ખબર. તેમને પત્ર લખ્યો. વળતો જવાબ, જરૂર મારે ત્યાં આવો, હું સ્ટેશને લેવા આવીશ.

ચં. ચી. મહેતા

દહેરાદૂન એક્સપ્રેસમાં અમે સામાન મૂકીએ છીએ ત્યાં ચં. ચી. ડોકાયા, કેમ છો છોકરીઓ? ઈલાને જોઈ ખુશ થઈ ગયા. એ નામ જ એમને અત્યંત પ્રિય. અમે રાજકોટ હતા ત્યારે પપ્પાને મળવા આવેલા અને ઈલાને જોઈ એટલા રાજી કે ત્યારે જ ‘ઈલાકાવ્યો’ મંગાવી ઈલાને ભેટ આપેલા.

એમને જીવનમાં ત્રણ ત્રણ ઈલા નામે મળેલી, બેનું અવસાન થયું હતું. ત્રીજી પર ઓળઘોળ. ભગિનીહેતને નામે નવું બ્રહ્માંડ ઈલાને નામે રચવાની એમણે કલ્પના કરેલી.

એવી સાક્ષાત ઈલા મારી સાથે! એ કહી ગયા, અમુક સ્ટેશન પછી ગાડી ખેતરમાં ઊભી રહે છે, હું તમને લેવા આવીશ. ઊતરી પડજો. ત્યાંથી સૂર્યાસ્ત ખૂબ સરસ દેખાય છે. અમે તો ગભરાયાં. આપણે સૂર્યાસ્ત જોતાં ઓહો કહીએ અને ગાડી ઊપડી ગઈ તો? પણ ચં. ચી. એટલે અલકમલકની ચીજ. એ માને? હું હંમેશાં સૂર્યાસ્ત જોવા ઊતરું છું, ગાડી ઊભી જ રહે છે.

ગાડી સાચ્ચે ઊભી રહી. ચં. ચી. આવ્યા. ચાલો ઊતરો. પ્લૅટફૉર્મ તો ક્યાંથી હોય! અમે માર્યો ભૂસકો. એ તો મંડ્યા ચાલવા. સલૂણી સંધ્યાનો ઢળતો સૂરજ. લહેરાતાં ખેતરો. દૃષ્ટિને અવરોધે એવું કશું નહીં. થોડું ચાલી ઊભા રહ્યા અને હાથ લાંબો કર્યો. ખરેખર અદ્ભુત દૃશ્ય હતું એ! ચોમેર લીલુંછમ્મ વનાંચલ, એની પર સૂરજે છાંટેલાં ઝગમગતાં સોનેરી રંગછાંટણાં. થોડું ભૂરું આકાશ ચાંચમાં લઈ માળામાં પાછાં ફરતાં પક્ષીઓ. માત્ર અમે અને પ્રકૃતિનું અનવદ્ય રૂપ!

ચં. ચી. નિરાંતે અદબ વાળી દૃશ્ય માણી રહ્યા હતા. અમારો જીવ છૂક છૂક ગાડીમાં. આખરે સમાધિમાંથી જાગ્યા અને ચાલવા લાગ્યા. અમે ઝટ પગ ઉપાડ્યા. અમને કહે, ગભરાઓ નહીં, ગાડીને થોડી વાર છે. અમને ટેકો આપી કમ્પાર્ટમૅન્ટમાં ચડાવ્યાં, ત્યાં સુધી અમારો શ્વાસ અધ્ધર. અમારે માટે દિલ્હી ઍડવેન્ચર ટ્રીપની આજ તો શરૂઆત.

દિલ્હી હેમંતભાઈને ત્યાં રહ્યા. ચં. ચી.એ ઇન્ટરવ્યૂના થોડા દિવસ વહેલા જ બોલાવેલા એટલે અમે બે બહેનોએ ટૂરિસ્ટ બસમાં ફરી દિલ્હી જોયું.

રવિન્દ્રભવનમાં ઇન્ટરવ્યૂ. જોયું તો કાશ્મીરથી કન્યાકુમારી સુધીનાં દોઢસોએક થનગનતાં યુવકયુવતીઓ! સવારથી ઇન્ટરવ્યૂનો દોર શરૂ થયો.

રવિન્દ્રભવન, દિલ્હી

એક પછી એક નામ બોલાતા જાય. બહાર નીકળે એને બધા કંઈ ને કંઈ પૂછે. કોઈ નિરાશ થઈ જવાબ આપ્યા વિના સીધા ચાલતા. કોઈને બેસવાનું કહેવામાં આવે. મારી હિંમત અને ધીરજ ખૂટતી હતી. આમાં મારો ગજ ક્યાંથી વાગે!

હું એકવીસબાવીસની, ઈલા બે વર્ષ મોટી. પહેલી જ વાર આવો સ્પર્ધાત્મક નેશનલ ઇવેન્ટ જોયો. ઈલા ધરપત આપે, સિલેક્ટ ન થઈ તો શું થયું! આપણે દિલ્હી તો જોયું, આપણે એકલા બે ક્યારે અહીં આવત!

ત્યાં મારું નામ બોલાયું અને છૂટી પડતી હિંમત બે હાથે જકડી લઈ ટટ્ટાર ખંડમાં પ્રવેશી. છ નિર્ણાયકોમાં ચં. ચી.. અમારા બંનેનાં ચહેરા પર ઓળખાણનો અણસાર નહીં.

ફટાફટ ધાણી ફૂટે એમ પ્રશ્નો વારાફરતી બધા ફૂટતા હતા, થિયરી કરતાં પ્રૅક્ટિકલ વધારે. માઇમ… સોલિલોકવી, સિચ્યુએશન આપીએ, સંવાદો સાથે દૃશ્યો ભજવો…

એકોક્તિમાં મેં પપ્પાના નાટક ‘અલ્લાબેલી’ની દેવબાઈની એકોક્તિ તૈયાર કરી હતી. ક્રાંતિકારી નારીની જોમભેર બોલાતી એકોક્તિ અભિનેત્રી માટે કસોટીરૂપ છે. છાતીમાં શ્વાસ ભરીને અવાજનો થ્રો, લાંબાં વાક્યોનાં આરોહઅવરોહ, શબ્દભાર, પૉઝ…

‘અલ્લાબેલી’ના એક દ્રશ્યમાં

વિષ્ણુભાઈ નાટ્યતાલીમનાં વર્ગોમાં, નવા એક્ટર્સને તૈયાર કરતાં ‘અલ્લાબેલી’ની એકોક્તિઓ શીખવાડતા. હાથમાંની અદૃશ્ય તલવાર વીંઝતા મેં દેવબાઈની એકોક્તિ પર્ફોર્મ કરી. નિર્ણાયકોને ગમી હશે એમ મને લાગ્યું. મને પણ બેસવાનું કહેવામાં આવ્યું. બપોર પછી ઈન્ટરવ્યૂનો બીજો દોર શરૂ થયો. એકેક પછી એક પછી જવા લાગ્યા, તમને પછી જણાવશું.

મારો વારો આવ્યો. મારું જૉબ, અભ્યાસ રુચિ એકબે નાટકને લગતા પ્રશ્નો, પછી એક નિર્ણાયકે અચાનક મને કહ્યું : ‘તમે લગ્ન કરી લેશો તો? એક સીટ નક્કામી જ જાય ને!’

હું ચમકી ગઈ. આ તે કેવો પ્રશ્ન! જાણે હું ચોરીએ ચડવા સજીધજીને સામે ઊભી હોઉં! મેં જાત સંભાળતા કહ્યું : `ના જી, સર. મેં મારાં માતાપિતાને ના પાડી છે અને એમની રાજીખુશીની સંમતિથી જ હું આવી છું.’

આજે આ લખી રહી છું ત્યારે એ દૃશ્ય તાદૃશ્ય થાય છે, વિચારું છું ફાઇનલ રાઉન્ડમાં બીજી યુવતીઓ હતી, બધાને આ પ્રશ્ન પૂછ્યો હશે? શું આવો પ્રશ્ન યુવાનને પણ પૂછ્યો હશે ખરો?

અમે બહેનો હરીફરી ખુશહાલ પરત આવ્યાં. ચં. ચી. મુંબઈમાં એક વાર મળ્યા, તારો ઇન્ટરવ્યૂ બધાને ગમ્યો છે, તું સિલેક્ટ તો થશે, પછી હું તને ફ્રાન્સ મોકલવાની કોશિષ કરીશ.

હું તો સપનામાં રોજ લૂવ્ર મ્યુઝિયમમાં મોના લિસા સામે હું પણ સ્મિત કરતી ઊભી છું.

રોજ પ્રેમપત્રની જેમ દિલ્હીથી પત્રની પ્રતિક્ષા. વાગી સ્વયંવરમાં હાક. ઓ ટપાલી આવ્યો રે! પત્ર આવ્યો, ઍડમિશન મળ્યું છે. સાથેનું ફૉર્મ ભરો, ફલાણી તારીખે હાજર થઈ જાઓ.

પપ્પામમ્મી, ઈલા બધાં ખુશ થયાં. સાથે ઉદાસ પણ. ભાઈ અને બહેનને પત્રો લખ્યા, શું લઈ જવું, શું નહીં. એ રોજ વિચારતી. પણ જીવનમાં એક નવો જ, સાવ જ અણધાર્યો વળાંક આવવાનો હતો એથી બિલકુલ હું બેખબર હતી.

હથેલીની નાનકડી રેખાઓ ક્યારેક પગદંડી બની જીવનને દોરી જાય છે. એનું જ નામ નિયતિ હશે!

(ક્રમશ:)

Leave a Reply to Hirabhai BhaktaCancel reply

3 Comments

  1. આખી વાત યથાતથ સામે જ બની રહી છે એવું વર્ણન…ખૂબ મઝા પડે છે…

  2. મેઘાણી ની વેવિશાળ નવલકથા છ માસ અગાઉ વાંચી.સરસ છે.એના પરથી નાટક ભજવાતું જોવાની મઝા કઈક અદભુત હસે.અને સુશીલા ના પાત્ર માં તમે¡!!¡!!!!!

  3. વર્ષાબેન સાથેની આ જીવંત ક્ષણો આહ્લાદક છે.