|

ઘાસ (લલિત નિબંધ સ્પર્ધામાં વિજેતા નિબંધ) ~ નીલેશ રામજીભાઈ ગોહિલ (ગામ: હાથસણી, તાલુકો:વિંછિયા)

(લલિત નિબંધ સ્પર્ધામાં વિજેતા નિબંધ)

લેખક પરિચય: નીલેશ રામજીભાઈ ગોહિલ ~ B.R.S પૂરું કર્યા બાદ B.A અભ્યાસની સાથે સાથે ખેતી કરે છે. મધમાખી પાલન, મધ ઉત્પાદન કરે છે. આધુનિક ખેતી સિવાય સેવાકીય પ્રવૃત્તિનો આરંભ કર્યો છે જેમાં ખેડૂતોને માર્ગદર્શન આપવું, આજુબાજુ સીમ વિસ્તારના બાળકોને ભણાવવા…પર્યાવરણ પ્રત્યે જાગૃતતા લાવવી વગેરેનો સમાવેશ થાય છે.)

ઘાસ (લલિત નિબંધ)

તમે ભણેલગણેલને એટલે સા’બ ઘાસ ક્યો, બાકી મારે મનતો ઈ ‘ખડ’ હો. ‘હા… ખડ’. અમે ઘાસને ખડ જ કે’વી.

વરસાદ વરસે કે તરતોતરત ઊગી જ નીકળે આખી’ય વાડીમાં – શેઢે, પાળે, ધોરિયામાં, ચાસમાં… કાંઈ કરતાં કાંઈ બાકી નો મે’લે. ભોં ફાડીને ઊગી નીકળે લા…ગઠ, લાજશરમ વગર… ખડને  તે વળી કોની લાજ ‘ને કોની શરમ હેં ભૈ ? ઈ’ને તો મારાં ભૈ ‘સબ ભૂમિ ગોપાલકી…’ ઈમાં’ય ઓછામાં પૂરા બે તણ વરસાદ ઉપરાઉપર ખાબકી જાય તો પછી ‘રામ ભજો ભાઈ રામ.’ છેય વાતે આરોવારો નો આવવા દે. ઉતાવળ કરવા જાવી તો સામુનું લેતનું દેત થાય. તોડિયા વસોડિયા કરવામાં માલ નૈ ઈ વાતને ગાંઠે બાંધી લેવાની પે’લાં પરથમ અને હશે બાપા કરીને કામ કઢાવવાનું. તોય કો’ક કા’રેક ખડનો છોડવો તૂટી જાય ઈ બીજે દી’ પાછો ફૂટે રાતી રાયણ જેવો થઈને એટલે ખડનું બી પાકે ઈ પે’લાં ઝડમૂળમાંથી કાઢવાનો એક જ ઇલમ.

કા’રેક તો મૂળપાકનો અત્તોપત્તો જ નો રે’વા દે, શું વાવ્યું’તું ઈ’જ કાંઈ નો સૂઝવા દે. ખડનાં ઘૂંઘટામાં માથું નાખીને ગોતો તંય ખબર પડે કે ફલાણું ફલાણું વાવ્યું સે. અને ખડની વેરાયટી’ય લાટ હો સા’બ…સાટોડી, ઊભડી સાટોડી, લુણી, બડઘલી, ડમરો, ડુંઘળો, કણજરો, બાકરકાયો, ખારિયુંખડ, કાળિયુંખડ, ગંધારુંખડ, કુંતેલા, પાણાફાડ, અમરવેલ, દુધેલો, સૈયા, ધ્રો, ઉંદરડી, વેકરવો, માખણી, લામડી, કૂબો, ખીજવણી, ઝીંઝવો, તાંદળિયો, મહટી, રિસામણી, ઊંધાફૂલી, પીલુડી, લાપડું વગેરે વગેરે ખડતો  ઊભું જ હોય ટેશથી, ઈ’ને કાંઈ ખરું મારા ભાઈ! રાતે’ય વધે ને દીયે’ય વધે, ઈ’ને ક્યાં બાજરો વાઢવાં જાવું’તું ? ઈ તો ઈ’ની મતે મન મેલીને ફૂલેને ફાલે. અને જો કોઈ વાર હેલી થાય તો સમજી લેવાનું કે હવે ‘વેગડી વિયાય ગઈ’…હવે દહ-બાર દી’ વાડીમાં પગ નો મેલાય ‘ને ખડ ભડું મારી જાય. બી પાકીને વાડીમાં જ ખરે પછી હોય ઈ’ની કરતાં સત્તર ગણું ઊગે ઈમાં’ય બે મત નૈ હો.

એક વાત ખરી હો સા’બ માલઢોરની ચિંતા નૈ… ઢોરને તો લેર જ પડી જાયને ! વાડીમાંથી ખડની ફાંટુ ભરી ભરીને ઢોરનાં ખીલ્લા આગળ ઠલવી દઉં…તાં લગણ ઝીકામઝીંક કરું કે ઢોર ઢમઢોલ થઈને ઓગઠ કાઢી જાય તાં લગણ. ઈ’માય આ કવલી ગા તો સાંજ સવાર છબછબાવીને ફીણ સોતું બોઘરણુંય ભરી દે… પણ એક વાતે ક્યાંય કરતાં ક્યાંય સખ નૈ…જે ખડ ઢોર ખાઈ ઈ’ની ભેગાં પાકી ગયેલાં ખડનાં બીય ઢોરનાં પેટમાં અગ્નિ પરીક્ષા આપી અમરપટો લઈ પોદળા ભેગા જાય ઉકરડે અને ઉકરડેથી પાછા વાડીમાં…ને ઈમાંથી પાછું ખડ લા…ગઠ ઊગી નીકળે. આ ચકરડું આમને આમ વરસો વરસ ફરતું જ રે…અને એક વખત ખડ અગ્નિપરીક્ષામાં પાસ થઈને અમરપટો લઈ લે પછી કોનાં બાપની ત્રેવડ સે કે, ખડનાં મૂળિયાં ઉખાડી શકે ?

આ ખડ કાઢવાની લાયમાં ભુરિયા ઢાંઢાનાં મોંઢે ફીણ આવી જાય સે…લાંબી રાસે સાંતી જોડીને દાંતા સડાવી, સાંતી માથે મૂકી દઉં અધમણનો મોટો પાણો અને હુંય સાંતી માથે સડી જાવ પણ સમ ખાવા હરામ બરોબર જો દાંતા એક આંગળ ભોંમાં ખૂંતતાં હોય તો… ઉથલ વળીને પાછો શેઢે આવું તાંતો ઢાંઢા પરસેવે રેબઝેબ નિતરતાં હોય. દંતાળ હાંકીને રાપ સડાવું… પણ રાપમાં’ય ઢસરડા જ થાય… ઉપર ઉપરથી ખડ કપાતું જાય… ક્યાંક ક્યાંક રાપ ખૂંતે… ઈ’ય ખૂંતે તો ખૂંતે બાકી તો-

એકના એક ચાસમાં તણ વખત સાંતી ફરે તંય માંડ ડોઢ આંગળનો પાહ થાય…સાંતી તો પાટલામાં જ હાલે ચાસમાં તો ખડ ઊભું જ હોય…ઈમાતો દાંતરડી જ લેવી પડે…દાંતરડીએથી છોડવા ફરતું ગોડવાનું…છોડવાની કાળજી રાખવાની…ખડ ભેગો ક્યાંક મૂળપાકનો છોડવો નો આવી જાય. જોકે એક છોડવામાં કાંઈ ખાટું મોળું નો થઈ જાય પણ ઓલી વાત જેવું થાય ‘લાખના બાર હજાર…’ એક તો ખાલા પેલેથી જ હોય ઈમાં એક વધારે એટલે સમજો ને કે ‘પડ્યા માથે પાટું.’ ભૂલે ચુકે કા’રેક ખડ ભેગો મૂળપાકનો છોડવો આવી જાય તો ઈને ખડની કોળી ભેગો સંઘરવો પડે… જોકે કોઈ ભાળે તો આમ કાંઈ વાંધો નૈ પણ મૂર્ખામાં ખપવું થોડું પોસાય ?

દાંતરડીથી નિંદણ કરવામાં હાથમાં ફરફોલો ઊપડી જાય… કૂણા માખણ હાથની તો સમજોને કે ઠામુકી દેવાઈ જ જાય…હાથ એવા તે આળા થઈ જાય કે ડિલે ખંજવાળ આવતી હોય તંય નખની જરૂર ય શું પડે ? ખરડાયેલો હાથ ફરે તોય ‘કાફી…’ દાંતરડી સારી ભાયગમાં આવી હોય તો ઠીક નકર ધાર વગરની બુઠ્ઠી અને સખળડખળ હાથા વાળી તો ઘડીમાં પરસેવો વાળી દે…અરે ! છેયવાતે કારી ફાવેજ નૈ ને…ખડનો છોડવો ઘા’માં જ નો આવે પછી ક્યાં વાત જાય ? કા’રેક નિંદતા હોવી તંય કારમૂક ઝેરું-ઝાપટું આવી જાય તો મજા બગડે ને થાય જોયા જેવી, ગારે ગારો કરી મે’લે પછી એકેય વાત નો થાય…કા’રેક તો જીવ ગળોગળ આવી જાય…ભાદરવાનો તમતમતો તીખો તડકો ધોળા દી’એ તારા દેખાડી દે…ભાદરવે મયને મોલય એન એન મોટો થઈ ગ્યો હોય…આખા ડિલે પરસેવો રેબઝેબ જાય…એક પવનની લેરખી સાટું જીવડો તલપાપડ થઈ જાય… પણ એવે ટાણે પવનની લેરખીય હાળી લાડે જાય…

ખડ કાઢવામાં કા’રેક ભડ જેવા ભડ ય ભૂ પીતાં થઈ જાય…ખડ હારે બથોડા ભરવા કાંઈ નાનીમાનાં ખેલ થોડા સે ? પણ હવે ખડ હારે પનારો પડ્યો સે તે કાંઈ સૂટકો થોડો સે ?

સા’બ તમે જેને ઘાસ ક્યો સો ઈ મારી ખો કાઢી નાંખે સે. હવે તમે જ ક્યો આવી ‘સીસીવીસન’ (સિચ્યુએશન)માં ક્યાંથી ખડને ઘાસ કેવાનું માન થાય ?

~ નીલેશ રામજીભાઈ ગોહિલ
ગામ: હાથસણી, તાલુકો:વિંછિયા
જિલ્લો: રાજકોટ-360055
મો. નં: +91 72658 76307

Leave a Reply to સંજય પંડ્યાCancel reply

12 Comments

  1. નીલેશભાઈ, ખરા ભૂમિપુત્ર છો.લીલાછમ ઘાસ જેવો નિબંધ ્્.

  2. અરે આવો સરસ નિબંધ લખવા ગામડે જ વસવું અને ગામડાને આપણામાં વસાવવું પડે. બાકી લાખ કરો તોય મારાથી આવું સરસ ન જ લખી શકાય. અભિનંદન નિલેશભાઈ.

  3. ખડ વિષે વાંચતી ગઈ અને સમાંતરે મનમાં ખડ જેવા “નિભંર” માણસોનું (એ પણ ખડ જેમ અનેક પ્રકારનાં હોં!) રેખાચિત્ર, શબ્દે શબ્દે ઘડાતું ગયું. આહ અને વાહ બેઉની સાથેર બે હાથે સલામ!

  4. કવિતાઓમાં ભલે ઘાસને લાડ લડાવે પણ ખેડુ ને મન તો ખૂંચે ઇ ખડ.

  5. ખૂબ સરસ . ગામઠી બોલીમાં લાલિત્યસભર વર્ણન.

  6. ખૂબ સરસ, ‘ઘાસ’ અનુભવી જ આવું મજાનું લખી શકે.

  7. Wah! ખુબ સરસ લખાણ, ખડ વિશે નવું નવું જાણવા મળ્યું!
    ગ્રામ્ય જીવન ની વાર્તા ઓ નું વર્ણન યાદ આવી ગ્યું, શ્રી રઘુવીર ચૌધરી, પન્ના લાલ પટેલ ની વાર્તા ઓ માં વાંચ્યું છે

  8. ખૂબ જ સુંદર ઘાસનું વૃતાંત. દૂરથી ભોળા નિર્દોષ લાગતાં તૃણમૂલ “ખડ” રુપે જબરાં માથાભારે હોય એ જાણવા મળ્યું.

  9. વાહ…ખડપુરાણ માટે લેખકને અભિનંદન .ધરતી સાથે એમના મૂળ જોડાયેલા છે તો જ આ કૃતિ સર્જાય .
    મજા જ મજા .