મારું ગામ ~ મણિલાલ હ. પટેલ (જન્મદિનઃ ૯ નવેમ્બર)

નળિયે નળિયે સવારનો તડકો ઝરમરતો હશે
ફળિયે ફળિયે વ્હાલપનો નાતો ફરફરતો હશે

ડુંગર માથે જૂનો કિલ્લો નીચે ખાંડી વાવ હશે
બાળગોઠિયે મને દીધેલો કોક અધૂરો દાવ હશે

પૂજા તળસી ઢોર હડયાંની બૂમો પાડતો હશે
ખેતર વચ્ચે ખેડૂ સાંતી – સમાળ નાડતો હશે

મહીસાગરની સાખે ઊભું જૂનું મારું ગામ હશે
પડી ગયેલા ઘરને દ્વારે સૂનું મારું નામ હશે

કૂવા કાંઠે, ઊભી વાટે વહુવારુઓ લાજ કાઢતી હશે
ખેતર શેઢે ડોડા શેકી નણંદ ભાભીઓ ચાર વાઢતી હશે

હજી છોકરાં ધૂળી નિશાળે ટોળે વળતાં હશે
અને પ્રેમીઓ ભૂત આંબલી હેઠે મળતાં હશે

પડવા વાંકે ઊભું શિવાલય દિવસો ગણતું હશે
દિવસ રાતનું નવરું તમરું ત્યાં બણબણતું હશે

કાબર, હોલા, કીર, કબૂતર, સૂડા-કાગડા ચાસ હશે
બાંડો ડુંગર તડકે તપતો વાડે-વગડે ઘાસ હશે

ડુંગર માથે વીજ સળાવો ક્યારીમાં વરસાદ હશે
અંદર-બ્હારાં લોક પલળતાં ના કોઈ અપવાદ હશે

હોડી વચ્ચે સઢ છોડી ને રાંમો ભેળી ચૂપ હશે
કોતર ઢાળે રેત વળાંકે ખૂબ નદીનું રૂપ હશે

સાંજ પડે ને બધી કેડીઓ પાદર વળતી હશે
બાપુની જર-જર મેડી પર દીવી બળતી હશે

દૂર નદીના મસાણ આરે બળતી કોઈની લાશ હશે
પુરાકાળના વડલા માથે ભૂતપ્રેતનો વાસ હશે

ઊભા ગામમાં ઘૂઘરિયાળો બાવો ફરતો હશે
સાપ કાળવો છાનો-છૂપો દરમાં સરતો હશે

હજી ચરામાં બાવળ ડાળે ઝોલાં ખાતી રાત હશે
અંધારાં પહેરી ઊભેલી ડરામણી કોઈ વાત હશે

ચોરે બેસી ભીડી વીંટતો કણબી ખાલીખમ હશે
બધા ઘસાતા ગયા ખાંધિયા હુક્કામાં ના દમ હશે

માતાજીને પગે લાગતો અધમધરાતે ભૂવો ધૂણતો હશે
ભેદી ઘૂવડ મોભે બેસી મૃત્યુનો અણસાર સૂણતો હશે

ઊભી શેરીએ ફૂલેકાનો હજી વાગતો ઢોલ હશે
ત્રિભેટા પર છૂટી ગયેલો માનો છેલ્લો બોલ હશે

~ મણિલાલ હ. પટેલ

(સર્જક અંગેની વધુ વિગત માટે આ લિંક કોપી-પેસ્ટ કરી સર્ચ કરો ) https://gujarativishwakosh.org/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AA%AF/%E0%AA%AE%E0%AA%A3%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%B9-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2/

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

 1. ઊભી શેરીએ ફૂલેકાનો હજી વાગતો ઢોલ હશે
  ત્રિભેટા પર છૂટી ગયેલો માનો છેલ્લો બોલ હશે
  વાહ્
  સરસ રચના
  કવિશ્રી મણિલાલ હ. પટેલને જન્મદિનઃના અભિનંદન

 2. મને મારા ગામડે જવાનું મન થાય ત્યારે મારી ડાયરીમાંથી આ ગીત વાંચી લઉં છું.
  અદ્ભૂત કાવ્ય 👌