|

જૂનાં ચશ્માં, નવી નજર (આસ્વાદ-લેખ) ~ હિતેન આનંદપરા ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ ગુજરાતી મિડ-ડે

દરેક નવું વર્ષ અચરજનો અરીસો અને કલ્પનાની કાયનાત લઈને આવતું હોય છે. જીવવા માટે કોઈ હૈયાધારણ ન હોય તો ઇચ્છાઓનું મારણ ક્યારે થઈ જાય એની ખબર ન પડે. વીતેલી વેદના સાથે આવનારી આશાનું સંતુલન જિંદગીને ધબકતી રાખવા જરૂરી છે. સમય પારખા કરવા માટે પંકાયેલો છે. આ પારખામાં તે સ્વજનોને પારકા કરી મૂકે અને સગાઓને સાવકા કરી નાખે. તણખામંડળમાંથી એક તણખો આપણી ચામડી પર પડે અને સતર્ક થઈ જઈએ એવું તારણ સંદીપ પૂજારા આપે છે…  
સમૃદ્ધિના શિખર મેં પછી સર બધાં કર્યાં
જે ભાગ્યમાં હતા જ નહીં, એ જતા કર્યા

માંગે ગઝલ મિલનની, એ પણ દૂરદૂર રહી
વાહ રે સનમ! તે પારખા પણ આકરા કર્યા

સંતોષી માની પૂજા કર્યા વગર પણ જીવ સંતોષી હોઈ શકે અને શીન જિનપિંગનું મોઢું જોયા વગર પણ માણસ મહત્ત્વાકાંક્ષી હોઈ શકે. કેટલાક મૂળભૂત ગુણ કે અવગુણ સિક્કાની બે બાજુની જેમ આગળ-પાછળ જ હોય. એક જ વ્યક્તિમાં બે વિભિન્ન મનોદશા અલગ અલગ સમયે હોઈ શકે. અડધી જિંદગી પૈસાની પાછળ ભાગ્યા પછી કેટલાય માલેતુજારોને તમે દીક્ષા લેતા કે સંન્યાસી જીવન તરફ વળતા જોયા હશે. સાહિલ વિરોધાભાસને વણી લે છે… 
સાવ સાચુકલી નદી પણ સાવ નિર્જળ નીકળે
ઊઘડે જો રેતની મુઠ્ઠી તો કૂંપળ નીકળે
કૂલગુલાબી સ્વપ્ન લઈને આવ્યો છું સાહિલ અહીં
શું ખબર કે આ નગરથી કેવાં અંજળ નીકળે
માણસો સાથેના, વતન સાથેના, કર્મભૂમિ સાથેના અંજળ હોય છે. સંબંધો સહજ રીતે એ પ્રમાણે વિકસતા જાય. સાવ ખોબા જેવા ગામમાંથી નીકળેલો માણસ અમેરિકાના ન્યુ યોર્ક શહેરમાં મોટું ઍમ્પાયર ઊભું કરે એ કઈ રીતે શક્ય બનતું હશે? અંગ્રેજી વાંચતા ન આવડે એવા કેટલાય હીરાના વેપારીઓએ કોઠાસૂઝથી કરોડોનું સામ્રાજ્ય ઊભું કરી બતાવ્યું છે. કેટલીક વાર પાટીમાં ન ઉપસતી વાત કુંડળીમાં લખાયેલી હોય છે. જયવદન વશી આ વિસ્મયને નિરૂપે છે…
જિંદગી કેવી અગમ છે, મારી કને તારી કને
લાગણી વ્હેતું ઝરણ છે, મારી કને તારી કને

સોળમા વર્ષે નવા સ્વપ્નાં સપ્ત રંગોના મળ્યા
એ જ બસ આજે ચલણ છે, મારી કને તારી કને

સપનાં વાસ્તવિકતા નથી છતાં સપનાં વગર જીવી ન શકાય. બાળકને કંઈ ન થયું હોય છતાં હાંફળાફાંફળા માબાપના સંતોષ ખાતર ડૉક્ટર દવા તરીકે પીપરની ટીકડી આપે એમ સપનાંઓ પીપરમીંટની ગરજ સારે છે. પોષણ મળે કે ન મળે, ચગળવું ગમે. સધિયારાનું પણ આગવું મનોવિજ્ઞાન હોય છે. મનોજ ખંડેરિયા સાચી મિરાત શું છે એ સમજાવે છે…
નથી આવ્યો હું ખાલી હાથ તારા દ્વાર પર આજે
કવિતાથી સભર દિન રાત લઇ દરવાજે ઊભો છું

તમે જેના અભાવે વાસી દીધા દ્વાર વર્ષોથી
હું એ વિશ્વાસની મિરાત લઇ દરવાજે ઊભો છું

દરવાજા પર નવું વર્ષ અયોધ્યાના લાખો દીવાઓનો ઉજાસ લઈને આવ્યું છે. ભગવાન રામને પોતાને પણ આશ્ચર્ય થાય એમનું એટલું મહત્વ કેટલાક વામનોએ મને-કમને વધારી દીધું છે. અરવિંદ કેજરીવાલ, રાહુલ-પ્રિયંકા જેવાઓ પૂજા અને આરતીના દંભદેખાડા કરવા મજબૂર બન્યા છે. આવા લોકો કરતાં તો એંસી વર્ષના કોઈ કમળાડોશી સારા જે ભવાડા કર્યા વગર મંદિરમાં જઈને ભાવથી ભગવાનને ભજે છે. એને અયોધ્યા નથી જોઈતી, એને રામ જોઈએ છે. ગૌરવ અને ગણતરી, અલખસાધુ અને તકસાધુ, દર્શન અને પ્રદર્શન, સાચા આંસુ અને મગરના આંસુ વચ્ચેનો ભેદ પ્રજાએ તારવતા શીખવું પડશે. અનિલ ચાવડા કુશળ શિક્ષકની જેમ ટૂંકમાં સમજાવે છે…
ભેદરેખા પાતળી લાગે પરંતુ છે નહીં હો
એ કહે સૂરજ ડૂબે છે; હું કહું સંધ્યા ઊગે છે

ભાઈ સમ પથ્થર મળ્યા વર્ષો પછી મંદિરમાં બે
એક ને લોકો પૂજે છે ને બીજા પર પગ લૂછે છે

ચશ્માં બદલાવવા તમે અલંકાર ઓપ્ટિશિયન્સમાં જઈ શકો, દૃષ્ટિ બદલવા આંખને જ કેળવવી પડે. 

ક્યા બાત હૈ

એ બંધ બારી ખોલતાં વર્ષો વહી ગયાં
સૂરજને ઘરમાં લાવતાં વર્ષો વહી ગયાં

આખા ગણિતમાં ક્યારનું ભટકે છે શૂન્ય પણ
એ એકડાને જોડતાં વર્ષો વહી ગયાં

માથાની વચ્ચેથી હવે ફૂટ્યો છે પીપળો
ને બોધિજ્ઞાન લાધતાં વર્ષો વહી ગયાં

ભડકે બળી રહ્યો છે લક્કડકોટ છાતીએ
ફાયર બ્રિગેડ આવતાં વર્ષો વહી ગયાં

રોકી શકે તો રોક ને તોડી શકે તો તોડ
પત્તાનું ઘર બનાવતાં વર્ષો વહી ગયાં

~ હેલ્પર ક્રિસ્ટી

આપનો પ્રતિભાવ આપો..