આવો, કરીએ નવા વર્ષમાં પ્રવેશ (ગીત) ~ એષા દાદાવાળા

દુ:ખને પહેરાવી સુખનો પહેરવેશ
આવો, કરીએ નવા વર્ષમાં પ્રવેશ

થોડું હસીશું, થોડું રડીશું
સપનાંઓને સાચા કરીશું
ઇચ્છાઓને ગજવે મૂકી
સંબંધોનો પ્રવાસ કરીશું

આંસુઓને પહેરાવી વરસાદી ગણવેશ
આવો, કરીએ નવા વર્ષમાં પ્રવેશ

ગમતા નામમાં ડૂબકી લગાવી
વહાલની રચીશું પૂરણપોળી
ચીતરીશું કાગળ પર દરિયા
જળને સૂકવવા બાંધીશું દોરી

વાદળોની હોડીમાં બેસી લગાવીશું રેસ
આવો, કરીએ નવા વર્ષમાં પ્રવેશ

ગુગલ નામનાં નકશા ઉપર
ઉમ્મીદોનું શહેર દોરીશું
તકલીફોમાં ખુદની પાસે
સૌથી પહેલા પહોંચીશું

અરીસા સામે ઊભા રહી ખુદને કરીશું ફેસ
આવો, કરીએ નવા વર્ષમાં પ્રવેશ

~ એષા દાદાવાળા

Leave a Reply to Balubhai J Shah Cancel reply

5 Comments

  1. જસુભાઈ શાહનું ગીત સમજવા માટે પહેલાં તો તુળપદી ગુજરાતી નો શબ્દકોશ વસાવવા પડે.આવું ગીત બ્લોગ પર મૂકવાનો કોઈ અર્થ ખરો?