વો સુબહ કભી તો આયેગી! ~ જયશ્રી વિનુ મરચંટ ~ કટાર: જિંદગી ગુલઝાર હૈ

મને યાદ છે, તે દિવસે, ૨૦૧૬ની નવમી ડિસેમ્બરની વહેલી સવારે બે વાગ્યે ઊંઘ ઊડી ગઈ. વિનુના જીવલેણ અકસ્માતને ત્યારે બે વરસ થયા હતા. મને એવો ભાસ થયો કે વિનુ અહીં મારી આજુબાજુ જ છે! પછી તો કેટલાયે પાસા ઘસ્યા પછી પણ ઊંઘનું નામોનિશાન નહોતું. 

હું મારા ક્લોઝેટમાં મૂકેલા ફોટોગ્રાફના આલબમ લઈ આવી. બહુ ધીમા અવાજે, સોની ટીવી ચાલુ કર્યું અને મેં, મારા બેડ પર બેસીને ફોટા જોવાનું ચાલુ કર્યું. ઘરમાં સહુ સૂઈ ગયા હતાં. અમે દંપતીએ જૂના આલબમો વરસ પ્રમાણે ગોઠવ્યાં હતાં.

મેં ૧૯૮૦ના વરસનું આલબમ લીધું હાથમાં. અમુક જૂના ચહેરાઓ વિસ્મરણની ગુફામાં ખોવાઈ ગયા હતાં. આજે એ બધાના ફોટા જોતાં જોતાં અનેક નાના-મોટાં પ્રસંગો યાદ આવવા માંડ્યાં. આમ, સ્મરણોની કેડીએ હું ફોટા જોતાં વિચરતી હતી કે, મારી નજરે એક ફોટો પડ્યો. એક બંગ્લાદેશી, વિનુ, મારો અને મારા બેઉ બાળકોનો. આ ફોટો એટલાન્ટિક સિટીના બોર્ડવોક પર લીધો હતો. પાછળ એટલાન્ટિક સમંદરના ઉછળતા મોજાંના ફીણ આટલા વરસો પછી પણ અકબંધ હતાં. આજે આ ફોટો જોતાં, ઘણું બધું યાદ આવતું હતું, પણ એ ભાઈનું નામ યાદ નહોતું આવતું!

હું એમનું નામ યાદ કરવાની કોશિશ કરતી હતી. એવું ભાગ્યે જ બનતું કે હું નામ અને ફોન નંબર ભૂલી જાઉં પણ વિનુના ગયા પછી હવે નામે ભૂલી જવાનું પણ એક જાણે રુટિન થઈ ગયું હતું. મેં ઊભા થઈ બેડરુમની બારી ખોલી. સામે પર્વતો પર છૂટા-છવાયા ઘરો પથરાયેલાં હતાં. એમાં ક્યાંક-ક્યાંક રોશની હતી. હું આ દ્રશ્ય ક્યાંય સુધી અપલક જોતી રહી. એકદમ મારા મનમાં ઝબકારો થયો, “યસ, યાદ આવ્યું આ ફોટાવાળા ભાઈનું નામ રોશન અહેમર.”

અમે સિત્તેરના દાયકામાં, અમેરિકા આવ્યા અને ફિલાડેલ્ફીયામાં વસ્યા. ૧૯૭૫માં એટલાન્ટિક સિટીનો નવો જન્મ થયો હતો. અમેરિકામાં આવેલા અમારા જેવા ઈમીગ્રન્ટો માટે અને અહીં વસતી પ્રજા માટે પણ એટલાન્ટિક સિટીની ઝાકઝમાળ અને કસીનોનું કૌતુક તથા આકર્ષણ ખૂબ હતું. આ સિટીનો ઇતિહાસ પણ જાણવા જેવો છે, પણ એ વિગતો ફરી કોઈ વાર. આજ, તો, મને એક સાવ જ સાદી સીધી વાત રોશન અહેમરનો ફોટો જોતાં યાદ આવી.    

હું હજુ બારી બહાર તાકતી હતી. વહેલી સવારના અઢી થયા હતા. મારી નજર સામે અતીતની ઈસ્ટમેન કલર ફિલ્મના દ્રશ્યો કોઈ પણ એડિટીંગ વગર તાદશ્ય થવા માંડ્યાં. રોશન અહેમર! માંડ સવા પાંચ ફૂટની ઊંચાઈ, એકવડો બાંધો, ચાર્લી ચેપ્લીન જેવી નાની મૂછો, શામળો રંગ, સાદા પેન્ટ-શર્ટ, કોઈ ખાસ એવી વાત નહોતી; પણ એમના મુખ પર સતત રહેતું સ્મિત, આવતાં-જતાં સહુને એકવાર એમની નોંધ લેવડાવતું હતું.

મને યાદ છે, ૧૯૮૦માં છોકરાઓની ઉનાળાની રજા શરુ થઈ હતી અને અમે એટલાન્ટિક સિટી ગયાં હતાં. નાના બાળકો સાથે કસીનોમાં રમવા તો નહોતાં દેતાં પણ બહારથી ગેમ રૂમ જોવા દેતાં. અમે “સેન્ડ” કસીનો જોઈને પછી બહાર બોર્ડવોક લેતાં હતાં.  હું અને વિનુ, અમારા સંતાનો સાથે પહેલીવાર આ શહેરમાં આવ્યાં હતાં, એટલે અમારા સહુની નજરો પોતપોતાની શક્તિ પ્રમાણે, જેટલું પણ સંઘરી શકાય એટલું અંતર-મનના સરોવરમાં ભરી રહી હતી. 

બપોરના બે વાગી ગયા હતાં. લંચ ટાઈમ થઈ ચૂક્યો હતો અને બાળકો પણ ભૂખ્યા થયા હતાં. અમે લંચ માટે કોઈ પરવડે એવી અને વેજીટેરિયન ફૂડ હોય એવી જગ્યા શોધતાં હતાં. વિનુએ એક નાની ફૂડકાર્ટના હેન્ડ-રીટન કાર્ડબોર્ડ પર, “વેજીટેરિયન સેન્ડવીચ વિથ ડ્રીન્ક એન્ડ ચીપ્સ – $૪.૫૦” વાંચ્યું અને અમે ત્યાં નવાઈથી અટકી ગયા. એ સમયે બે ચીજોથી અમે નવાસવા દેશીઓ ખૂબ જ ઉત્સાહિત થતાં. એક, વેજીટેરિયન ફૂડ મળી જાય ને બીજી, ક્યાંક જો કોઈ “દેશી” મળી જાય, (જોકે એ સમયે, ભારતીય, પાકિસ્તાની, સિલોનીઝ, નેપાલી કે બંગ્લાદેશી, બધા જ “દેશી”માં ગણાતાં) અને અમને એની સાથે ભારતીય ભાષામાં નહીં ને, ઈંગ્લીશમાં પણ વાત કરવા મળી જાય તો તે દિવસ અમને તો સોનાનો લાગતો હતો!

વિનુએ ઉત્સાહથી કહ્યું, “ચાલ જોઈએ, શું છે ત્યાં!” મારી આઠ વરસની દિકરીએ કહ્યું, “ધેર ઇસ અ દેશી એલર્ટ, વોટ એલ્સ!” અને હસતાં હસતાં, અમે રસ્તો ક્રોસ કરીને ત્યાં પહોંચ્યા. આગળ, ત્રણ જણ પોતાના ઓર્ડરની રાહ જોતાં હતાં. રોશનભાઈ એકલા જ ઓર્ડર લઈ, પોતે જ સેન્ડવીચ બનાવીને આપતાં હતાં. અમે શાંતિથી ઊભા રહ્યા. તડકો સારો એવો હતો.

રોશનભાઈ કાર્ટની બારીમાંથી માથું બહાર કાઢીને કહે, “સા’બ, પાંચ-દસ મિનિટ હો જાયેગી. ભાભીજી ઓર બચ્ચોંકો યહાં બાજુકી બેન્ચ પર બૈઠનેકો બોલો. થક ગયે હોંગે.” વિનુએ કહ્યું, “થેંક યુ ભૈયા.” પછી, મારા તરફ અને બાળકો તરફ ફરીને કહે “તમારે બેસવું હોય તો બેસો.” અમે ના કહી અને ત્યાં જ ઊભા રહ્યા. દસેક મિનિટમાં અમારો નંબર આવ્યો. ખૂબ જ welcoming and infectious smile સાથે રોશનભાઈએ અમને પૂછ્યું, “ક્યા સા’બજી, આપ હમારે વતનસે હો? ક્યા લેંગે આપ, ભાભીજી ઓર બચ્ચે? બડે હી પ્યારે હૈં, બેટા ઓર બિટીયા.”

વિનુએ કહ્યું, “હાં, હમ ઈન્ડિયાસે હૈં. ભાઈ, ચાર વેજીટેરિયન સેન્ડવિચ, ચીપ્સ ઓર કોકોકોલા દીજિયે.” વિનુ બહુ જ ઓછું બોલતાં અને જરુર ન હોય તો ન બોલતાં. મેં વાત ઉપાડી લીધી.

“આપ ભી હમવતન લગતે હો. કહાંસે આયે હો ભાઈસા’બ? કબસે હો ઈસ કન્ટ્રીમેં હો?” રોશનભાઈની આંખોમાં થોડી ભીનાશ તરવરી જે આટલા તડકામાં પણ પોતાનું અસ્તિત્વ સાચવી રહી હતી. સેન્ડવીચ બનાવતાં ગળગળા અવાજે કહ્યું, “હમ તો બંગ્લાદેશસે હૈં. વહાં કોઈ કામ થા નહીં રોજીરોટીકા. પાકિસ્તાનકી લડાઈમેં હુઈ બમ્બબારીમેં હમારી છોટીસી કુટિયા ભી રાખ હો ગઈ. હમ બચ ગયે. અબ્બુ-અમ્મીકે સાથ, મૈં જબ ૧૭ સાલકા થા, તબ રેફ્યુજીકે ક્વોટામેં ઈન્ડિયા આયે. હમેં કોઈ ઢંગકા રોજગાર નહીં મિલા. બડી જિલ્લતકી જિંદગી ગુજારતે રહે. અબ્બુ-અમ્મીકો ઈસ તરહ નાઉમ્મીદ દેખ, બહુત બુરા લગતા થા. અમ્મી-અબ્બુકે સાથ, હમ જહાં ભી મિલે વહાં મજદૂરી કરતે રહે. ઔર કરતે ભી ક્યા? સાત કક્ષાસે જ્યાદા પઢે-લિખે નહીં હૈં. ખુદકા ઓર અમ્મી-અબ્બુકા પેટ મુશ્કિલસે ભર સકતે હૈં. બીવી-બચ્ચે નહીં હૈ ઔર વો અલ્લાહ કા શુક્ર હૈ!”

વાતો કરતાં અમારી સેન્ડવીચ તૈયાર થઈ ગઈ હતી. એમણે ચીપ્સ અને કોકોકોલા સાથે ચાર બ્રાઉન બેગો ભરીને આપી. વિનુએ $૨૦ની નોટ આપી તો રોશનભાઇએ $૧૧ પાછાં આપ્યાં. વિનુએ કહ્યું, “અરે, ભાઈસા’બ, આપને ગલતીસે જ્યાદા પૈસે દે દિયે. $૧૮ હુએ તો સિર્ફ દો ડોલર વાપસ દેને હૈં”.

અમારી પાછળ લાઈનમાં કોઈ નહોતું, અઢી વાગી ગયા હતાં. લંચનો સમય જતો રહ્યો હતો. રોશનભાઈએ ગળગળા અવાજે કહ્યું, ‘ભાઈજી, આપ તો હમસે બડે હો પર બચ્ચોંસે તો હમ બડે હૈં. તો, ચાચાકે હિસ્સેમેં ઈતના હક તો આતા હી હૈં કિ બચ્ચોંકો હમ સેન્ડવીચ તો દે સકે!” વિનુ કહે, “ભાઈસા’બ, ઐસે મત કિજીયે. હમ આપકી કદર કરતેં હૈં લેકિન…”

રોશનભાઈએ વિનુનો હાથ પકડી લીધો અને ભારે અવાજે કહ્યું, “આજ ચાર સાલસે ઈસ કન્ટ્રીમેં ગૈર-કાનુની તરીકેસે રહતા હું. મેરા યહાં કોઈ નહીં. યે કાર્ટ ભી કિસી ઓરકી હૈ! આપને ઓર ભાભીજાનને ઈતને પ્યારસે હમેં ઈન્સાન સમજકર બાત કી. બહુત અચ્છા લગા. મુઝે બચ્ચોંકે લિયે ઈતના કરને દિજિયે, પ્લીઝ!”

વિનુએ પણ થોડા ભીના અવાજે કહ્યું, “અરે, આપ ભી ભૈયા, ઐસી ભી ક્યા બાત હૈ! આપકા શુક્રિયા. કભી ભી હોમ-સિકનેસ લગે તો ફિલાડેલ્ફિયા હમારે ઘર આઈયેગા.” અને એમણે એમના ઓફિસના કાર્ડની પાછળ અમારા ઘરનું સરનામું અને ફોન નંબર લખી આપ્યો. રોશનભાઈ વિનુને ભેટી પડ્યા. એમની આંખોમાંથી આંસુ વહેતા હતા. વિનુ એમની પીઠ પર હાથ પસવારતા રહ્યા.

એકાદ મિનિટ પછી, રોશનભાઈ સ્વસ્થ થઈ કહે, “હમેં જબ રેફ્યુજી ક્વોટામેં ઈન્ડિયા જાને કો મિલા તો ઐસા લગા કિ હમ અપને લોગોંમે જા રહેં હૈં, ઐસા સમજકર ઈન્ડિયા બસનેકો આયે. દિલ્હી, આગ્રા, જમશેદપુર, ઓર ફિર કલકત્તા..! હર જગહ, જિલ્લત હી મિલી, કોઈ કહેતા, “સાલે બંગ્લા-દેશી, હરામ કા ખાના હૈ, રેફ્યુજી હૈં,” ઔર ઐસી ઐસી ગાલીયાં સહી હૈં કિ, ભાભીજાન કે સામને હમ બોલ ભી નહીં સકતે! ઈન્ડિયા ગયે હમેં પચીસ સાલ હો ગયે પર હમ આજ તક, બકાયદા વહાંકે હોકર ભી, રેફ્યુજી હી રહેં. મુઝે અમેરિકામેં ગ્રીન-કાર્ડ મિલ જાયેગા, મૈં અમેરિકન ભી હો જાઉંગા, લેકિન, રેફ્યુજીકા લેબલ હટાકર, હમેં ઈન્ડિયામેં, લોગ, ઈન્ડિયન માને ઐસા કભી ભી હોનેવાલા નહીં હૈ! હમેં બંગ્લાદેશસે ભી ખદેડ દિયા ગયા ઓર ઈન્ડિયામેં કભી અપને ન સમજે ગયે! ચલો, ખુદાકી મરજી!”

વાત ચાલતી હતી ત્યાં એક અમેરિકન કપલ સેન્ડવીચ લેવા આવ્યું. રોશનભાઈએ વિનુને કહ્યું, “ભાઈજાન, બસ મેરે લિયે, પાંચ મિનિટ ઠહેર જાઓ, પ્લીઝ.” વિનુએ કહ્યું, “હાં ભાઈ, હમ રુકતે હૈં”. રોશનભઈ કાર્ટની અંદર ગયા. અમે કાર્ટની બાજુની બેન્ચ પર બેસી લંચને ન્યાય આપતાં હતાં. પેલા અમેરિકન કપલે ઓર્ડર આપ્યો અને રોશનભાઈને પૂછ્યું, “વ્હેર આર યુ ફ્રોમ?” જેટલું સાનંદાશ્ચર્ય અમને દેશીને મળીને થતું, એવું જ એ સમયે, રોજિંદી જિંદગીમાં અમેરિકનોને દેશીઓને જોઈને થતું! રોશનભાઈ પોતાનું કામ કરતાં, હસીને બોલ્યાં, “ફ્રોમ ઈન્ડિયા.” બ્રાઉનબેગ તૈયાર થઈ ગઈ. પૈસા આપતાં અમેરિકને કહ્યું, “વેલકમ ટુ અમેરિકા. ગુડલક.” અને પોતાની લંચબેગ લઈ જતાં રહ્યાં. 

રોશનભાઈએ વિનુને ખૂબ જ ભાવવિભોર અવાજે, વિનંતી કરતાં પૂછ્યું, “આપકે હાથોંમેં યહ કેમેરા હૈ, તો, આપકે ફેમિલીકે સાથે ક્યા મૈં મેરી એક તસવીર નિકાલનેકી ગુજારીશ કર સકતા હું? મેરે અબ્બુ-અમ્મીકો બહુત હી ફિકર રહતી હૈ કિ યહાં કિસી હમવતનોસે મેરા ઊઠના-બૈઠના હૈ કિ નહીં. મૈં અગર યહ તસવીર ભેજુંગા તો ઉન્હેં તસલ્લી હો જાયેગી!”

વિનુએ કહ્યું,”બિલકુલ. ઈસ રોલકે ફોટોંકી એક ઓર કોપી બનાકર આપકો ભેજ દૂંગા” અમે પાછળ ઉછળતા સમંદરના બેક્ગ્રાઉન્ડમાં આ ફોટો આવતાં-જતાં કોઈ અમેરિકનને વિનંતી કરીને લીધો હતો. વિનુએ પૂછ્યું, “આપ કહાં રહેતે હો?” રોશનભાઈએ પોસ્ટબોક્ષ નંબરવાળું એડ્રેસ આપતાં, હસીને કહ્યું, “જહાં ભી કમ સે કમ પૈસે રહેનેકો લગે વહાં પેઈંગ ગેસ્ટ બન કર, યહીં, એટલાન્ટિક સિટીમેં હી રહતા હું. સિર્ફ એક-દો મન્થ કે લિયે હી મિલતા હૈં. એક મેક્સિકનને મદદ કર દી ઓર પોસ્ટબોક્ષ નંબર લે લિયા હૈ, યહાં મુશ્કિલસે દો-ચાર દેશી પરિવાર રહેતે હૈં. સબ કામ કરને બહારસે હી આતે હૈં.”

પછી મારી અને વિનુ તરફ જોયું. બાળકોના માથા પર હાથ ફેરવતાં, એમણે આંખના આંસુ લૂછ્યાં. પછી બેઉ બાળકોને ઊંચકીને વ્હાલ કર્યું અને “અલવિદા” કહી વિદાય લીધી.  અમે પાછા ફરતાં હતાં, અમારી કાર તરફ, ત્યારે, મારા સંતાનોએ પૂછ્યું, “પપ્પા, અંકલ તો આપાણા જેવા જ લાગે છે, આપણી જ ભાષા બોલે છે, તો, ઈંડિયામાં, લોકો એમને કેમ રેફ્યુજી છે એવું કહેતાં હતાં?”

અમારા બેઉ સંતાનો ભારતમાં જન્મ્યા હતાં. મારી દીકરી-દીકરો પાંચ અને ચાર વરસના હતાં ત્યારે અમે અમેરિકા ગ્રીન કાર્ડ મળતાં આવ્યાં હતાં. નાનપણથી એમને હિન્દી અને ગુજરાતી બોલતાં આવડે છે. વિનુ કે મારી પાસે એનો કોઈ જવાબ નહોતો. અમે બેઉએ એકમેકની સામે જોયું અને વિનુ બોલ્યાં, “દીકરા, અંતકડીમાં છેલ્લે કોણે ગાવાનું હતું?” મારો દીકરો બોલ્યો, “મમ્મીનો વારો હતો. “વ” પરથી ગાવાનું હતું.”

અમે કાર સુધી આવી પહોંચ્યાં અને કારમાં ગોઠવાયાં. મેં “વ” પરથી ગાવાનું ચાલુ કર્યું, “વો સુબહ કભી તો આયેગી.” 

~ જયશ્રી વિનુ મરચંટ                     

                                                        

આપનો પ્રતિભાવ આપો..

7 Comments

  1. ખૂબ સરસ. લોકો પ્રેમના ભૂખ્યા હોય છે. વો સુબહ કભી તો આવેલી.

  2. અચાનક મળેલી સાવ અજાણી વ્યક્તિ પણ દિલની એટલી નજીક પહોંચે અને ઘણાં લાંબા અરસા સુધી એની સ્મૃતિ મનમાં સચવાયેલી રહે… એ કેટલી મઝાની વાત!

  3. Unbelievably brilliant conclusion. વાહ વાહ ને વાહ . સાવ સાદી વાત … પણ રજુઆત !!! માશાલ્લાહ ⬆️✅

  4. આ કટારની સત્યવાતો બહુ સ્પર્શી જાય છે. સ્મૃતિઓની લટાર ખૂબ સરસ રીતે રજૂ કરતી કલમ જયશ્રીબહેન 👏🙏

  5. વો સુબહ કભી તો આયેગી! ~ જયશ્રી વિનુ મરચંટ ~ કટાર: જિંદગી ગુલઝાર હૈ—બધી વાતો અમારી નાનીબેન અને અમે અનુભવેલી–ફરી ફરી વાંચતા આંખ નમ