રામજી માલમ (ગીત) ~ મકરંદ દવે

હે રામજી માલમ, નજરું માંડી ક્યાંય,
ઘરડી તારી આંખથી પીતો, કોઈ નશીલા બેટની લીલી ઝાંય.

દરિયો તારી નસમાં, તારા શ્વાસમાં, તારા કાળજે, તારે રોમ, 
પગલાં મૂકે ત્યાંય તે તારા પગ નીચે તો કોઈ મોજાળી ભોમ. 
હે રામજી માલમ, જોઈ લીધું મેં આપણે ગામે 
હરતો ફરતો, હેતથી મીઠી વાત બે કરતો, કોઈની સામે 
ક્યાંય નથી ફરિયાદ ને તોયે પ્રીતની  ઘેરી 
આઘે આઘે વાંસળી વાગે – આ દેરાસર, આ દુકાનો, ધણની શેરી 
ઓગળી થાય અલોપ ને તારો રુદિયો રૂવે 
ઘૂઘવી રહે ઘોર સમંદર નેણને કૂવે.

વારંવાર આ જોઉં છું તારી જાય બુઝાતી મીટ ને મીટે
મેશ ખંખેરી, મોગરો ખેરવી જાય આ વારંવાર અદીઠે
બોલને બેલી, કોણ છે તારો રાંક દીવો અજવાળતી, સૂકી
ધરતી માથે ફીણમોજાં શી જાય છે ઝૂકી?
વાવડો મીઠો કોઈ દિલાસે વાય, વળી ઉપહાસની આંધી 
કોઈ મચાવે તો ય તે મૂંગી નજરું બાંધી 
સાચવી દોલત નહીં બતાવે? રામજી માલમ, સાવ અકારો  
મુલક ભેદી નાંગર્યો તેં ક્યાં બેડલો તારો?

હે રામજી માલમ, નેજવું માંડી  ક્યાંય 
ઘરડી તારી આંખતી પીતો, કયા નશીલા બેટની લીલી ઝાંય?

~ મકરંદ દવે 

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

 1. આ મકરંદ દવેનુ મધુરું ગીત
  યાદ આવે લોકગીત
  માલમ મોટાં હલેસાં તું માર,
  મારે જાવું મધદરિયાની પાર-
  સર ઍલેક્ઝાન્ડર બર્ન્સે ૧૮૩૪માં તેમને વિશે લખ્યું હતું કે: “રામસિંહ તેનો પિતા રૂપસિંહ મોટો નાખુદા (વહાણવટી) હતો અને એ અનેક ટંડેલ ગોલંદાજ અને ખારવાઓને લઈને પૂર્વ આફ્રિકાની મુસાફરી કરતો. તેઓ ચતુષ્કોણીય યંત્ર, આલેખો અને નકશાનો ઉપયોગ કરી વહાણો હંકારતા. રામસિંહ તો ખૂબ પ્રવીણ હતો.” ત્યારબાદ શ્રીમતી પોસ્ટાન નામની બ્રિટિશ લેખિકાએ 1838માં લખ્યું કે “રામસિંહ માલમને આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છના વહાણવટીઓ યાદ કરે છે અને એના નામના ઉલ્લેખો કરતાં લોકગીતો સમૂહમાં ગવાય છે.”
  શ્રીમતી પોસ્ટાનને મુંબઈથી માંડવી લઈ જનાર વીરજી નામનો માલમ હતો. તેણે અંગ્રેજી મહિલાને કહ્યું “મારા પૂર્વજ રામસિંહ માલમ હોકાયંત્રનો ઉપયોગ કરતા. ખગોળશાસ્ત્રના તેઓ પાકા જાણકાર હતા. તેઓ અનેક દેશો ઘૂમ્યા હતા અને કચ્છમાં તેમને યંત્ર વિષયવિદ્યા ખીલવી હતી.