સૂરજ નામે એક ઘટના ~ નંદિતા ઠાકોર ~ કટાર: ફિલ્ટર કૉફી

 
સૂરજની એક તકલીફ છે. મારા જાગતા પહેલા જ જાગીને કામે લાગી જાય છે. પછી હું ઊઠું ત્યારે જરાક રતાશ પકડતી આંખો ઊંચકીને મારી સામે તીરછી નજરે જોઈ લે છે. મને તો એવો મોકો મળતો જ નથી કે હું ઊઠીને કામે લાગું અને એ સાહેબ પ્રગટે ત્યારે ભવાં ઊંચકીને પૂછી શકું – કેમ આ સમય છે પધારવાનો? આ એક મોટ્ટો ગેરફાયદો ખરો પણ બીજા તો ફાયદા જ ફાયદા છે.

મારા ઊઠતાં પહેલાં જ્યાં જ્યાંથી જગ્યા મળી હોય ત્યાં ત્યાંથી ઘરના ખૂણેખાંચરે પોતાનું સ્થાન શોધી લઈ એ અડિંગો જમાવીને બેસી જાય. આંખ ખૂલ્યા પછી મારે તો બસ ઠેકઠેકાણે બિરાજેલા અજવાળાના નાના મોટા ઝૂમખાંઓને મીઠું સ્મિત આપીને ‘હેલો’ જ કહેવાનું હોય છે.      

મારા ઊઠવાનો સમય સહેજ આઘોપાછો થયા કરે એ રીતે મને રોજ એની અલગ રમત જોવા ય મળે. ક્યાંક દિવાલો પર એણે મઝાની ઓકળી પાડી હોય તો ક્યાંક ઝબકી જતાં આભલાંની જેમ એનાથી ઘર સોહી ઊઠે. ઘરમાંથી કચરો વાળતી વખતે એનું એકાદું કિરણ સાવરણીની સામે પલાંઠી વાળીને બેસી જાય અને ‘મને તું કચરા ભેગું વાળી તો જો’ એવા ભાવનું માર્મિક સ્મિત વેર્યા કરે.              

કિરણોની વધઘટ થતી લીલાની ભાતથી દિવસને ઝીણાં ઝીણાં ટાંકા લઈને સીવ્યા કરે સૂરજ. સમયના ખેતરમાં એના ચાસ પડતા રહે અને દિવસ ખેડાતો જાય. આખું વિશ્વ એના ઉજાસના ઘૂંટડા ભરતું જાય.

ક્યારેક સૂરજ વાદળ પાછળ સંતાયેલો હોય કે આકાશની ઝાંખપે એને સંતાડી રાખ્યો હોય તો ય ‘સૂરજ ઊગ્યો’ એવું જ કહીએ છીએ ને આપણે? એ ન દેખાય, એની ઝગમગતી કાંતિ ના પરખાય તો ય દિવસ ઊગે છે, જીવતર ઊગે છે. નજર સામે ન હોય તો પણ એના હોવાનો અહેસાસ સતત આપણી સાથે રહે છે – પ્રેમના કે ઈશ્વરના અહેસાસની જેમ જ.  

ઘરની બહાર નીકળું તો લાંબી કાળી સડક પર પ્રવાસે નીકળેલો એ મને મળી જાય.

લીલાછમ વૃક્ષોની ડાળ  પર હીંચકા ખાતો હસતો હોય કે સરોવરના જળમાં ડૂબકી દાવ રમ્યા કરતો હોય એ પણ દેખાય. રોજ બારસાખે ઝૂલતો, બારીની ફ્રેમમાં મઢાયેલો સૂરજ ઘરની  બહાર પગ મૂકતાં જ પગમાં ઝાંઝરની જેમ વીંટળાઈ વળે પછી તો દિવસ આખો ય બસ રણઝણ રણઝણ!   

હું તો તડકાનું, અજવાળાનું માણસ. મારે માટે તો સૂરજ એ તો સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વનું ઉપનિષદ. એ મારો ઈશ્વર. મારી તાકાત, શ્રદ્ધા અને મારો અંગત, પૂર્ણ મહાગ્રંથ. મારી ભીતરનું બળ અને મારા હોવાનો ઉત્સવ. સમગ્રને અજવાળતો રહે પણ મને અનુભવાતો રહે માત્ર મારી રીતે, મારો થઈને.

એની ઝળહળથી હું જીવું, જીવી ઊઠું. એ જીવનની ઝળહળનો ખોબો ભરીને ઘૂંટડે ઘૂંટડે જીવન પીતાં રહેવાનું વિસરી જાઉં એવી હું તો નથી. તમે છો? 

~ નંદિતા ઠાકોર 

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. તારો સૂરજ અદ્દલ મારા સૂરજ જેવો જ …! ખૂબ સરળ શૈલી… જીવંત લેખ… કોફી પીતાં વાંચવાની મજા વધુ આવી..

  2. સૂરજ સાથેની આ પ્રીતભરી ગોષ્ઠિથી સુંદર કાવ્યાત્મક ગદ્ય સર્જાય છે.