પડઘા (સત્યઘટના) ~ જયશ્રી વિનુ મરચંટ ~ કટાર: જિંદગી ગુલઝાર હૈ

કોરોનાકાળના પ્રારંભમાં, કઈ રીતે અલગઅલગ સોશ્યલ મિડીયાના પ્લેટફોર્મ પર જૂના સ્કૂલ અને કોલેજના મિત્રોને શોધવા, એ શીખવાનું સંતાનો અને ગ્રાન્ડ ચિલ્ડ્રન ઘરે હોવાથી શક્ય બન્યું. આથી જ અનેક જૂના મિત્રોને પણ શોધી શકાયા અને સોશ્યલ મિડીયાના માધ્યમથી મળવાનું પણ થયું.

ગયા વરસે આમ જ હું મારા બે-ચાર કોલેજકાળના મિત્રોને શોધવા ફેસબુક પર સર્ફીંગ કરતી હતી ત્યારે મને અચાનક જ મિશીગનના કોલેજની મારી સહપાઠી કેથરીન હૅથવે યાદ આવી. એ મારી સાથે જ ફાર્મસીના પ્રોગ્રામમાં ભણતી, ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થીની હતી.

મેં ૧૯૭૧માં કોર્સવર્ક તો પૂરું કર્યું પણ પછી ફાર્મસીની ડિગ્રી માટે આવશ્યક એવા ૧૫૦૦ કલાકની ઈન્ટર્નશીપ મારાથી કોઈ કાળે નહોતી થતી. ઈન્ટર્નશીપમાં એ સમયે ટાઈપરાઈટર પર પ્રિસ્ક્રીપ્શનના લેબલ ટાઈપ કરવાના હતા. ન તો મને ટાઈપિંગ કરવામાં મજા આવતી હતી કે ન તો મને એમાં મારા ભણતરનો ઉપયોગ થતો હોય એવું લાગતું હતું. આથી, માત્ર માંડ ૧૦૦ કલાક જેટલી ઈન્ટર્નશીપ કરીને, બધું છોડીને, હું ડિગ્રી લીધા વગર જ અંતે વતન પાછી ફરી હતી.

પાછાં આવ્યા પછી, ૧૯૭૨ માં મારા લગ્ન થયા પછી થોડો સમય તો મારા મિશીગનના મિત્રો, – જેમાં કેથરીન પણ શામિલ હતી- સાથે સંપર્ક રહ્યો હતો પણ પછી ધીરે ધીરે એ છૂટતો ગયો. આજે ન જાણે કેમ આમ અચાનક જ કેથરીન યાદ આવી અને મેં સોશ્યલ મિડીયા પર એને શોધવાનું ચાલુ કર્યું.  

કેથરીન અને મારી મૈત્રી ખૂબ જ સરસ હતી એટલું જ નહીં, સદંતર ‘વન ઓન વન’ હતી. એના બે કારણો હતાં. એક તો અમે બેઉ કોઈ પણ જૂથમાં નહોતાં અને બીજું, લોંગ વીક એન્ડમાં અને સમર વેકેશન કે ક્રિસમસ વેકેશનમાં મોટા ભાગના સ્ટુડન્ટો પોતપોતાના ઘરે અથવા ફ્રેન્ડસ સાથે જતાં ત્યારે હું અને કેથરીન કેમ્પસ પર જ રહેતાં. હું ત્યારે અમેરિકામાં કોઈનેય ઓળખતી નહોતી આથી કેમ્પસ પર જ રહેવા સિવાય છૂટકો નહોતો અને કેથરીન પૈસા વાપરીને ક્યાંય જઈ શકે એવી સ્થિતિમાં નહોતી.

કેથરીન એક સાવ સામાન્ય પરિવારમાં ઉછરી હતી. એમના કુટુંબમાં એ પહેલી છોકરી હતી જે હાઈસ્કૂલ પછી કોલેજમાં ભણવા આવી હતી. એના માતા-પિતા રોડ કન્સ્ટ્રક્શનમાં લેબર જોબ કરતા હતા. એના માતા-પિતાનું ઘર ઈલીનોઈસ રાજ્યના મુખ્ય શહેર શિકાગોના સબર્બમાં હતું.

અમેરિકામાં ૬૦ અને ૭૦ના દસકામાં પબ્લિક ટ્રાન્સપોર્ટ તો નહિ બરાબર જ હતું. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ગ્રે-હાઉન્ડની બસ સર્વિસનું જ ચલણ હતું. કેથરીનને ઘરે બોલાવવા એના માતાપિતાને કોઈ કાળે બસ ભાડું પોષાય એમ નહોતું. કેથરીન પોતે પણ ફાયનાન્સિયલ મદદ અને સ્કોલરશીપ લઈને ભણતી હતી, એટલું જ નહીં, પણ કેમ્પસ પર જ પાર્ટ ટાઈમ કામ કરતી હતી.

એ કહેતી કે, “બસનું ભાડું ખર્ચીને હું ઘરે જાઉં એના કરતા એ પૈસા બચાવીને મારા મા-બાપને મોકલું તો મારા ત્રણ નાના ભાઈ-બહેનોને એ મદદરૂપ થાય. હું એકવાર ફાર્માસીસ્ટ થઈ ગઈ પછી તો બધું સરખું થઈ જશે.”

એ કાયમ હસતી રહેતી. મને કે બીજા કોઈ પણ સ્ટુડન્ટને જો કોઈ વિષયમાં કંઈ ન સમજાતું હોય કે તકલીફ પડે તો કેથરીન સદૈવ મદદ કરવા તત્પર રહેતી. અમુક વિદ્યાર્થીઓ એની મદદ લઈ લેતાં અને પછી એને સીધી જ અવગણતાં તોયે એ કદી મનમાં દુઃખ લગાડતી નહોતી.

મેં એને એકવાર પૂછ્યું હતું કે “તને આ કહેવાતાં “Elitist” – એક ખાસ સામર્થ્યવાન ગ્રુપની હિમાયત કરનારા તવંગર- પર ગુસ્સો નથી આવતો? જ્યારે એમને તારી મદદની જરૂર હોય ત્યારે મીઠા થઈને બોલાવશે અને નહીં જરૂર હોય તો તું કોણ ને હું કોણ જેવો વર્તાવ કરશે. ભગવાન જાણે તું આવા લોકોને કેમ બર્દાશ્ત કરે છે? એટલું જ નહીં, જ્યારે ફરી એમને સ્ટડીઝમાં તારી મદદની જરૂર હોય તો તું પાછી મદદ પણ કરે છે અને એ પણ હસીને? આ બધું મારી સમજની બહાર છે.”

કેથરીન એની એ જ હસમુખ મુદ્રામાં કહેતી, “મને હસીને રહેવાનું ફાવે છે અને એ લોકોને એમની આવશ્યકતા પ્રમાણે જ મીઠા રહેવાનું સહજ છે. જેને જે સહજ હોય તે કરવાનું.” 

કેથરીન ઑફ કેમ્પસ, લગભગ કેમ્પસથી પોણો માઈલ દૂર અંદરના ભાગમાં આવેલા કોઈકના ઘરમાં એક રૂમમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી હતી.

મિશીગનના શિયાળામાં ભરપૂર સ્નો અને -૨૫ ડિગ્રીમાં, કેથેરીન ઘણી વખત સામા ફૂંકાતા પવન સામે ચાલી, વખતસર કાયમ ક્લાસ માટે આવી જતી. ઘણીવાર હું બે ક્લાસની વચ્ચે જો વખત હોય તો એને કહેતી કે લાઈબ્રેરીમાં બેસવા કરતાં રૂમ પર આવીને થોડો આરામ કરી લે. પણ, કેથરીન જેનું નામ, કાયમ એવું કહીને ટાળી જતી કે, “સાંજના તો તારે અને મારે બેઉએ કામ કરવાનું છે તો હમણાં ભણી લેવાય તે સારું છે. તારી રૂમ પર આવીશ તો મારી સાથે તારું પણ ભણવાનું બગડશે. તું પણ જા અને તારો સ્ટડી કરી લે.” 

એક્ચ્યુઅલી અમારી દોસ્તી સાથે ભણતાં હતાં, માત્ર એટલે જ નહોતી થઈ. અમે બેઉ કેમ્પસ પર કામ પણ કરતાં હતાં. રોજ સાંજે અમારા ક્લાસ પતે પછી, સાંજના ચારથી આઠ, સોમવારથી શુક્રવાર હું માઈક્રોબાયોલોજીની લેબમાં લેબ આસિસ્ટન્ટનું કામ કરતી અને કેથરીન બાયોકેમેસ્ટ્રીની લેબમાં લેબ આસિસ્ટન્ટનું કામ કરતી.

બેઉ લેબ એકમેકની બાજુમાં જ હતી આથી બ્રેકમાં અને કામ વહેલું પત્યું હોય ત્યારે અમે અલક-મલકના ગપ્પા મારતાં. મિશીગનમાં ત્યારે માંડ દસ-બાર દેશી વિદ્યાર્થીઓ હતાં. ઈન્ડિયા અને ઈન્ડિયનો ત્યારે ‘નોવેલ્ટી’ ગણાતાં.

કેથરીન પણ પોતાના પરિવારની ખૂબ વાતો કરતી અને કહેતી કે એના દાદા-દાદી તો મૂળ તો સાઉથ અમેરિકાથી અહીં માઈગ્રેટ થયા હતા અને માનું ફેમિલી મેક્સિકોથી આવ્યું હતું. કેથરીન કહેતી કે, “મારી મા, ડેડ, દાદી અને દાદા હંમેશા અમને કહેતા કે મહેનત-મજૂરી કરવાથી ડરશો તો કદી ખુશ રહીને જીવી નહી શકો.” એણે એની પર્સમાંથી એના પરિવારજનોના ફોટા બતાવ્યાં. મેં મારા કુટુંબના અને અમારા મુંબઈ, મલાડના ઘરના ફોટા બતાવ્યાં. ફોટા જોઈને એણે મને કહ્યું, “હું સાચે જ ઈમ્પ્રેસ થઈ છું. તું સુખી ઘરમાંથી આવીને પણ અહીં કામ કરે છે એ બતાવે છે કે તારા મમ્મી-ડેડીએ તને સારી વેલ્યુ સિસ્ટમ સાથે મોટી કરી છે.”

મેં હસીને કહ્યું, “મારા મમ્મી-ડેડીએ તો વેલ્યુ સિસ્ટમ શીખવી છે જરૂર, પણ તું નહીં માને, મેં શું કર્યું છે! મેં મારા ડેડીએ મોકલેલી ટ્યુશન અને રહેવા-કરવાના ખર્ચાની રકમમાંથી અડધીથીયે વધુ રકમ મારો ફાર્મસીનો પ્રોગ્રામ શરૂ થાય તે પહેલાં, ઉત્સાહમાં અમેરિકા ફરવામાં વેડફી નાખી. એક તો અમારા દેશમાં ફોરેન એક્ષચેન્જ લિમિટેડ મળે અને ડેડી પાસેથી વધારે હજુ મગાવું તો મોકલવાની વ્યવસ્થા કરશે ખરા, પણ હિસાબ માગશે અને સાથે ગુસ્સો પણ કરશે. આ જ કારણસર મેં કામ કરવાનું ચાલુ કર્યું છે.”

એ હસીને બોલી, “જો, આ બિનજવાબદાર વર્તનમાંથી પણ તને જે શીખવા મળ્યું છે એ અણમોલ છે. તને પોતાની ભૂલ જોવાની અને એને સુધારવાની ક્ષમતા મળી એ કંઈ નાની-સૂની વાત નથી. આ વાત જિંદગીને આગળ વધારવા માટે ખૂબ જરૂરી છે.”

બધી જ વસ્તુમાં અને સારીનરસી પરિસ્થિતિમાં કેથરીનને કંઈક ને કંઈક પોઝિટીવીટી – હકારત્મકતા સદૈવ દેખાતી. ૫૦થી વર્ષો વિતી ગયા અને મેં કદી કેથરીનની ભાળ ન લીધી. અરે, છેલ્લા ૪૫ વર્ષોથી તો અમે અમેરિકામાં જ હતાં પણ પોતાના જીવનની નાવને આગળ વધારવાની લ્હાયમાં કદી પાછળ વળીને જોયું નહીં…! આજે બધાં જ સોશ્યલ મિડીયા પર હું શોધી રહી છું પણ એના કોઈ ખબર નથી મળતા.

હું ફેસબુક પર, મારી સાથે મિશીગનમાં ભણતાં હતાં એ બે-ત્રણ મિત્રોના સંપર્કમાં હાલમાં જ આવી હતી. મેં એમને પિંગ કરીને પૂછ્યું કે કેથરીન હૅથવે વિષે એમની પાસે કોઈ ખબર કે કોન્ટેક્ટ ઈન્ફોર્મેશન છે? તો એમણે કહ્યું કે યુનિવર્સીટીનું કેમ્પસ છોડ્યા પછી તેઓ કેથરીનના ટચમાં નહોતાં.

આમ સમય જતો હતો પણ કોરોના જવાનું નામ નહોતો લેતો. એવામાં ઓચિંતા જ, એક દિવસ મને ફેસબુક પર વિક્ટર સરાનોની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી. મને તરત ક્લિક ન થયું કે આ કોણ છે. એનું ફેસબુક પેજ જોયું તો હું ખુશીથી ઉછળી જ પડી. મને યાદ આવ્યું કે અમે ફાર્મસીના ચોથા વરસમાં ભણતાં હતાં ત્યારે કેથરીનને વિક્ટર સરાનો નામના એક મેક્સિકન રેફ્યુજી સાથે પ્રેમ થઈ ગયો હતો.

વિક્ટર કેમ્પસ પર ફૂલ ટાઈમ જેનેટરનું કામ કરતો હતો અને સાંજે લોકલ કમ્યુનિટી કોલેજમાં રજિસ્ટર્ડ નર્સનું ભણતો પણ હતો. તે સમયે તો રેફ્યુજી કેમ્પમાં રહેતો હતો. હું એને ઘણીવાર કેથરીન સાથે મળતી પણ હતી. સરસ છોકરો હતો. કેથરીનની જેમ જ એ પણ ખુશખુશાલ રહેતો. જેનેટરનું કામ કેમ્પસ પર ખૂબ ખંતથી કરતો.

મેં તરત જ એની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી. એના ફેસબુક પેજ પરથી મને ખબર પડી કે એ હવે રિટાયર્ડ નર્સ છે. મિશીગન છોડ્યા પછી એ શિકાગોમાં રહે છે. એનાં ફેમિલી પિક્ચર્સ પણ જોયાં અને ધેર ઈટ વોઝ…! કેથરીન અને એનાં લગ્નના ફોટા, એમના બે બાળકોના બચપણના ફોટા જોયાં પછી વધુ ફોટા જોવાની ધીરજ ન રહી. અમારી સાંજના પાંચ વાગ્યા હતા. શિકાગોના સાંજના સાત થયા હતા. મેં મેસેન્જર પર એને પહેલાં સંદેશો મોકલ્યો કે ‘હું ફોન કરું છું. પ્લીઝ ઉપાડજે.’ પાંચેક મિનિટ રહીને મેં મેસેન્જર પર જ ફોન કર્યો. 

“હલો વિક્ટર, કેમ છે? હોપ, તમે સહુ આનંદમાં હશો. સો, સો નાઈસ ઓફ યુ કે મને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. મેં તારા થોડાંક ફોટા જોયાં. કેથરીન અને તારા મેરેજના ફોટા પણ જોયાં. પછી કેથરીનને મળવાની તાલાવેલી એટલી લાગી હતી કે વધુ સમય ફેસબુક પર બગાડવા કરતાં તને ફોન કરવાનું નક્કી કર્યું. બેઝિકલી, હું કેથરીનને આ કોરોનાકાળ શરૂ થયો ત્યારથી યાદ કરું છું અને એની ભાળ મેળવવા કોશિશ કરું છું. ક્યાં છે મારી ફ્રેન્ડ?”

વિક્ટર હસીને બોલ્યો; “છે તો અહીં જ. પણ લેટ મી ગીવ યુ સમ બેકગ્રાઉન્ડ. હું આ કહી શકું એટલે જ એનાં રૂમની બહાર આવ્યો છું. અમારા ટવીન બાળકોને જન્મ આપ્યા બાદ કેથરીનનું ‘પોસ્ટ પાર્ટમ’ ડિપ્રેશન એટલું ખરાબ હતું, જેમાંથી એ કદી નીકળી ન શકી. શરૂઆતમાં તો એ બાળકોની સંભાળ લઈ શકતી હતી પણ પછી બાળકો સાત-આઠના થયા ત્યાં સુધીમાં એનું ડિપ્રેશન ખૂબ વધી ગયું અને પછી વધતું જ ગયું. ન જાણે કેટલાયે વર્ષોથી એ આમ જ ગુમસુમ બેઠી રહે છે.”

હું વચ્ચે જ બોલી, “તો શું એ મેન્ટલ હોમમાં છે? ઘરમાં તો એનું ધ્યાન રાખવાનું તો અઘરૂં પડે ને?”

વિક્ટર બોલ્યો; “મેન્ટલહોમમાં કેમ? હું છું ને? મેં નર્સ તરીકે આખી જિંદગી નાઈટ શિફ્ટ કરી જેથી દિવસના ભાગમાં બાળકોનું અને એનું ધ્યાન રાખી શકું. મારા બાળકો તો હવે મોટા થઈ ગયા છે અને સારું ભણીને પોતાની જિંદગી જીવી રહ્યા છે. મારા જેવા રેફ્યુજીને આટલી બધી, પ્રેમથી ભરપૂર જિંદગી આપવા બદલ હું કેથરીનની જેટલી કેર કરું એટલી ઓછી છે. મારા બાળકોને જન્મ આપતાં એની બિચારીની આ દશા થઈ છે. એને હું એકલી કઈ રીતે છોડી દઉં? ક્યારેક ક્યારેક જ, દવાની અસરમાં હોય ત્યારે કેથરીન થોડુંક નોર્મલી બોલે ચાલે છે અને આજે એ નોર્મલ દિવસ છે. હવે હું એના રૂમમાં જાઉં છું. એને મેં કહ્યું છે કે તારો ફોન આવવાનો છે. તો ખબર છે કે સામે છેડે તું છે. હું એના રૂમમાં પહોંચી જ રહ્યો છું. લે વાત કર..!” સહજતાથી જ વિક્ટર બોલ્યો.

કેથરીન સામે છેડેથી હજુ કંઈ બોલે એ પહેલાં, મારા જ શબ્દોના પડઘા મને શરમાવી રહ્યાં હતાંઃ “તો શું એ મેન્ટલ હોમમાં છે? ઘરમાં તો એનું ધ્યાન રાખવાનું અઘરૂં પડે ને?”  

~ જયશ્રી વિનુ મરચંટ

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. જીવન કેટલું જટિલ છે ! પણ માનવી સરળ હોય તો !

  2. વ્યક્તિને પૂરેપૂરા ઓળખ્યા વગર, પારખ્યા વગર જજ કરી તો લઈએ છે પણ એનો ડંખ જીરવવો અઘરો પડી જાય છે,

  3. .
    સુ શ્રી જયશ્રી વિનુ મરચંટ નો સત્યઘટના ~પડઘા સ રસ લેખ