ચૂંટેલા શેર ~ શાયર: અશરફ ડબાવાલા ~(જન્મદિન: ૧૩ જુલાઈ)

(વિવિધ ગઝલોમાંથી તારવેલા શેર)
_________________________________
જો સરું ઊંડે તો તું તળથી સલામી આપજે
ને જો માગું ચાલવા તો તું સપાટી આપજે
મૌનના સાતેય કોઠા ભેદી જો આવી શકું
મીર, મીરાં યા તો ગાલીબ કે કલાપી આપજે
~
ઘરમાં એવા કો’ક દિવસ ચોઘડિયાં આવે
ખૂટે આંખમાં પાણી ત્યારે ખડિયા આવે
શબ્દોની હુંડી લઈ ભાષા સામે ઊભો
પાછો વળવા જાઉં અને શામળિયા આવે
~
મૂળથી ઊંચે વિકસવા આ જનમ લીધો હતો
પાંદડાંની જેમ ખરવા આ જનમ લીધો હતો
તું ભલે ને મોક્ષ પાછળ ફર હવે જન્મોજનમ
મેં તને રસ્તે જ મળવા આ જનમ લીધો હતો
~
મને સપનાંએ ભેગાં થઈ મનાવ્યો જીવવા માટે
ઘણી મેં ના ભણી રાતે, સવારે સહી કરી દીધી
તમે લઈ પ્રેમનો ખરડો ફર્યા’તા ગામ આખામાં
અભણ એક જ હતો અશરફ, હજારે સહી કરી દીધી
~
નથી જે કથા કે કથનથી મરાયો
એ બીડેલા હોઠે દગાથી મરાયો
ઉપેક્ષામાં જીવી ગયા છે એ જીવન
અને હું જતનની કળાથી મરાયો
~
આયખું અજવાળા જેવું હોય છે
આંખના પલકારા જેવું હોય છે
એક માણસ કેટલું હાંફી શકે
શ્વાસને મર્યાદા જેવું હોય છે

~ અશરફ ડબાવાલા (શિકાગો)

Leave a Reply to હરીશ દાસાણી.Cancel reply

2 Comments

  1. નથી જે કથા કે કથનથી મરાયો
    એ બીડેલા હોઠે દગાથી મરાયો
    ઉપેક્ષામાં જીવી ગયા છે એ જીવન
    અને હું જતનની કળાથી મરાયો
    વાહ