વિષ કે વિષાણુ ? (વાર્તા) ~ માયા દેસાઈ

આજે ઘરમાં ગોંધાઈને ત્રણ મહિના થવા આવ્યા. એને કંટાળો આવી રહ્યો હતો. એણે વૃદ્ધાશ્રમમાં ફોન જોડ્યો. મનમાં ફડક સાથે કાન માંડ્યા, સામેથી ક્ષીણ પણ એ જ જાણીતો અવાજ સંભળાયો. એને જરા સારું લાગ્યું. ધ્રૂજતા અવાજને ઓળખી “બા” કહી સંબોધવા એની જીભ ન ઊપડી.એને શરમ નહોતી આવતી પણ જીભ સંકોચ અનુભવી રહી હતી.
કોરોના મહામારીની વાત શરૂ કરી સહજતા મેળવવાની કોશિશ કરતો હતો ત્યાં જ બાએ કહ્યું,”બેટા, આ કંઈ બહુ ખરાબ રોગચાળો ફાટી નીકળ્યો છે એવું સાંભળ્યું … સાચવીને રહેજે… બહુ ગિરદીવાળી જગ્યાએ નહીં જતો. મોં પર પેલું શું કહે છે… “માસ” પહેરજે હોં. ગરમ પાણીના, હું તને નાનો હતો ત્યારે કરાવતી એમ, હળદર-મીઠું નાખી કોગળા કરજે… મારા બાળગોપાળ… હવે તો મોટા થઈ ગયાં હશે ને? એમને સંભાળજે.”

એને લાગ્યું બા રડી રહી હતી.. પેલે પાર.. ત્યાં તો ફરી એ જ બોલવા લાગી. જાણે કેટલાય મહિનાઓથી દીકરા સાથે ન બોલ્યાનો બદલો લેવો હોય એમ, “તને તારી બાના સોગંદ, મને મળવા ન આવીશ. દસેક મહિનાથી તારા કોઈ સગડ નહોતા તો મને થયું કે તું મને સાવ ભૂલી ગયો છે. સાચું કહું બહુ સારૂં લાગ્યું તારો ફોન આવ્યો તો બેટા ! કહે છે બહારથી આવનારાથી આ કોરોના થાય, તે હું પણ હવે તમારા માટે બહારની જ ને. દીકરા, આ રોગ કહે છે કે ઘરડાંને જલ્દી થાય. તો અહીં તો બધાંને જ થશે કે શું ? વાંધો નહીં, આમેય અહીં આવનાર લગભગ બધાં જ ઘરના કચરાની જેમ જ બહાર ફેંકી દેવાયાં છે ને ?”
વળી પાછો ડૂમો ભરાયો હોય એમ ,બા થોડીક રોકાઈ. એને તો ફોન કર્યા બાદ શું બોલવું એ સૂઝતું જ નહોતું. લોકડાઉનમાં એ આર્થિક રીતે સાવ ભાંગી પડ્યો હતો. પત્ની , બાળકો પાસે ન કઢાય એવો બળાપો કાઢવા આજે એને બા સાંભરી હતી. કોઈ એનો વાંસો પસવારી કહે, “હરિ પર ભરોસો રાખ, સૌ સારાં વાનાં થશે…”એવું જ કંઈક એનું દિલ ચાહતું હતું.
ત્યાં તો વળી બા ખાંસતા ખાંસતા કહેવા લાગી, “બેટા, એમાં તારો કોઈ વાંક નથી. કલિયુગ છે ને, એમાં તો આવું થાય. ઘરની નકામી વસ્તુને કચરાપેટી કે એથી યે આઘે ફેંકી દેવાય. વચ્ચે નડતી હોય એવી વસ્તુને તો ખાસ.”
બાને દીકરાનું ડુસકુ કાને પડ્યું. એ બોલવા ગયો, “બા…મારી ઈચ્છા…”
સામેથી અવાજ આવ્યો,”બેટા, સાંભળ્યું છે કે એકબીજાને મળવાથી, બોલવાથી, છીંક ખાવાથી આ રોગ થાય. તે પ્રેમથી વાંસે હાથ ફેરવે તો ય થાય? સાચું કહેજે, આ ફોનમાં વાત કરવાથી તો એ ભયંકર રોગના જંતુઓ ન આવે ને? આજે તો આવી શકે એમ કહીશ તો ય હું આ ફોન મૂકવાની નથી… કેટલાં મહિને તારો અવાજ સંભળાયો.”
ડૂસકાંમાં બાની ખાંસી સમાઈ જતી હતી. એની હાંફ એના હરખની સાક્ષી બની રહી.
“દીકરા, વગર કામેબહાર ન જતો, બહાર અમારા જેવા હાનિકારક કીટકો તને ડસી ન જાય. નાકે જવાની તારી આદત છોડી દેજે. છૈયાઓને ઘરમાં જ રાખજે. બારણું બરાબર વાસજે, મને કાઢ્યા પછી વાસ્યું હતું તેમ.”
એને ખૂબ કહેવું હતું બાને. આ ભયંકર રોગ વિષે, એના લીધે આવેલા લોકડાઉન વિશે, પણ એની જીભને જ “લોક” લાગી ગયું હતું. એ હજુ શબ્દો ગોઠવે એટલામાં વળી બાનો વિષાદ ફોનમાં ઘૂંટાયો, “જો દીકરા, મને આ બિમારી લાગી જાય… હું તો ઈચ્છું પણ છું કારણકે લોકો કહે છે કે આ રોગના દર્દીઓની બધી જવાબદારી ઓલી મ્યુનિસિપાલિટીવાળા જ લે છે. તારે કંઈ ઉપાધિ જ નહીં ને! બધું મફત. એમાં ય હું જો મરી જાઉં તો ય તારે આવવાની તસ્દી જ નહીં. એ લોકો જ બધું આટોપી લે.”
પાછી બાને સખત ખાંસી ઊપડી પણ ફોન ન મૂકે, “કોઈ ખરખરો કરવા આવનાર પણ નહીં તેથી સૂતક , શ્રાદ્ધ, તર્પણ સઘળામાંથી તને મુક્તિ. મને તો આ સગવડ બહુ ગમી હો! તારા સંતાનોને… ,એકવાર મારા કહું તો ચાલશે ને? મારા પૌત્ર પૌત્રીને કહેજે કોઈ દૂરના સંબંધી ગુજરી ગયા. ઘરડાં જ હતા, આપણા સગપણમાં નહોતાં.”
બાના ગળે શબ્દો ભેરવાઈ ગયા હતા. જાણે સમયને મુઠ્ઠીમાં લઈને મેરેથોન દોડવાની હોય તેમ. એને ઘણું બધું કહેવું હતું. કદાચ પાછો ફોન ન આવે તો? પાછી આમ જ શબ્દપિપાસા બુઝાતા મહિનાઓ નીકળી જાય તો? બાએ કહ્યું,” દીકરા, આ વિષાણુઓ કેટલાં જીવલેણ છે નહીં! પણ આ સાવ ઝીણકા એવા આ વિષાણુ કરતાં માનવ વિષ કેટલું ભયાનક, કેટલું કાતિલ હોય છે નહીં! રિબાવી રિબાવીને મારે…”
એના હાથમાંથી ફોન પડી ગયો અને એ પણ ફસડાઈ પડ્યો. આંખો વરસી રહી હતી, પણ પેલા વિષને ધોઈ કાઢવા એ આંસુ સક્ષમ નહોતા ! બા કેમ આ વિષ જીરવતી હશે ? મનમાં કંઈક નિર્ણય લઈ એ નીકળી પડ્યો વૃદ્ધાશ્રમ ભણી. વિષાણુને તો માસ્ક અને સેનિટાઈઝરથી ધોવાશે પણ… બાને પિવડાવેલ વિષ તો દીકરાએ જ ધોવું રહ્યું .
~ માયા દેસાઈ (મુંબઈ)
well written
અત્યંત સુંદર રીતે રજૂ કરવામાં આવેલ આજની અત્યારની પરિસ્થિતિ💐👍😃
સરસ ✍️👍👌
Really very nice story .
Well said🙏🙏
સરસ વાત
કોરોના કાળમા અનુભવાયેલી માની લાગણી…
મા ની લાગણીઓ અમુલ્ય હોય, તેની કિંમત ન થાય…
બહુજ સરસ વાત કહી છે.
સરસ વાત મા તે મા જ હોય.