મારા પપ્પા, સમર્પિત પતિ, ઈનોવેટિવ ઍન્જિનિયર અને નખશીખ સાહિત્યપ્રેમી (સ્મૃતિવંદના) ~ ભાવેશ દાવડા

(સ્વ. પી. કે. દાવડાને આ બ્લોગ સમર્પિત કરવામાં આવ્યો છે. એમણે સર્જેલા આંગણામાં અમે તો બસ નવાં ફૂલો ઉગાડવાનો નમ્ર પ્રયાસ કરીએ છીએ. દાવડાસાહેબની વિદાયને 19 જૂને એક વર્ષ થયું છે. આજના દિવસે દાવડાસાહેબના પુત્ર ભાવેશભાઈએ એમની નાનકડી જીવન-ઝરમર અને થોડીક સ્મૃતિઓ વાચકો સાથે શૅઅર કરી છે તેનો અંશ વાંચવા નમ્ર વિનંતી. ~ સંપાદકઃ જયશ્રી વિનુ મરચંટ * હિતેન આનંદપરા
—————————

વાત હજી પણ માનવામાં નથી આવતી કે પપ્પાને ગયાને એક વર્ષ થઈ ગયું. કોવિડ-19ની મહામારીને કારણે વિશ્વભરમાં કેટલાય પરિવારોએ પોતાના અંગત સ્વજન ગુમાવ્યા છે. પરિવારના કોઈ સભ્યની અણધારી ઍક્ઝિટે બધાને હતપ્રભ કરી નાખ્યા છે.

લૉકડાઉનના લાંબા સમયગાળામાં મેં પપ્પા અને મમ્મીને સતત મિસ કર્યા છે. પપ્પાના છેલ્લા દિવસોમાં તેમની સાથે જે સંવાદ થયો તેમાં એક ક્વોલિટી સમય મને એમની સાથે ગાળવા મળ્યો. એ ક્ષણોને હું આપ સૌ સુજ્ઞ ભાવકો સમક્ષ પ્રસ્તુત કરવા માગું છું કારણકે આપ સૌએ જ પપ્પાની બ્લોગની પ્રવૃત્તિ એમના ગયા પછી પણ જીવંત અને ધબકતી રાખી છે.

તેઓ એક જવાબદાર, કાળજી લેનાર અને સમર્પિત પિતા હતા. બાળપણથી મારી બહેન જાસ્મીન અને મારા પિતા તરીકે, મારી પત્ની કવિતાના સસરા તરીકે અને મારી દીકરીઓ પ્રીશા અને ગીતિના દાદા તરીકે તેમની વ્હાલપ સદાય વિસ્તરતી જ રહી. એમને હંમેશા શ્રેષ્ઠ જ પસંદ હતું. અમે ભારતમાં હતા ત્યારે થાણાની શ્રેષ્ઠ સ્કૂલમાં ઍડમિશન માટે તથા મુંબઈની શ્રેષ્ઠ કૉલેજમાં ઍડમિશન માટે તેઓ લાઈનમાં ઊભા રહ્યા અને તે માટે મથામણો કરી.

અમેરિકામાં પોસ્ટ-ગ્રેજ્યુએશન માટે અમારી પસંદગીની યુનિવર્સિટીમાં પ્રવેશ મળે એ માટે તેમની ચિંતા અને ચિંતન તેમના સ્નેહની નિશાની છે. મને ભારતથી અમેરિકા મોકલવા માટેનો નિર્ણય તેમના માટે અઘરો હતો. પ્રારંભમાં મને વિદેશ મોકલવાની વાત તેમને ગળે નહોતી ઉતરી, પણ મમ્મી તથા અન્ય મિત્રો સાથે લાંબી ચર્ચાઓ પછી તેઓ આ નિર્ણય ઉપર આવ્યા હતા, જેથી અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે એક નવી દિશા ખૂલી શકે.

પપ્પા અને મમ્મીએ પણ 2010માં મુંબઈથી અમેરિકા આવવાનો નિર્ણય લીધો. હું અને મારી પત્ની કવિતા; દીકરીઓ સાથે પાછા ભારત ફરી તેમની સાથે રહીએ તેની બદલે તેઓ જો અમેરિકા આવી જાય તો સમગ્ર પરિવાર માટે એ એક રાહતનો શ્વાસ પૂરવાર થાય. પરિવારને એકતાંતણે બાંધી રાખવા પપ્પા ભારતનું ઘર વેચી તથા જીવનભરની કમાણી કહી શકાય એવી પ્રાપ્તિને અલવિદા કહી દીધી. ભારતમાં ગાળેલાં વર્ષોને માત્ર બે સુટકેસમાં સમેટી તેઓ જાન્યુઆરી 2012માં અમેરિકા આવી ગયા.  

જે સાહિત્યરસિકો અને વાચકો પપ્પાને વ્યક્તિગત રીતે ઓળખે છે તેમને ખબર છે કે તેઓ બીઈ સિવિલ સ્ટ્રક્ચરલ ઍન્જિનિયર હતા. આરસીસી મકાનો માટે તેઓ નિષ્ણાત હતા. તેમણે સેંકડો રહેણાંક મકાનો તથા હૉસ્પિટલ, હોટલ જેવા કમર્શિયલ મકાનો ડિઝાઈન કર્યા હતા. 1980ના દાયકામાં પોતાની કારકિર્દીના વ્યસ્ત ગાળામાં મુંબઈના પરાંવિસ્તારો તથા થાણાના ઘણા બધા પ્રોજેક્ટસમાં તેઓ જોડાયેલા હતા.

જીવનના આખરી અઠવાડિયાઓમાં તેઓ પથારીવશ હતા. સ્ટ્રક્ચરલ ઍન્જિનિયર તરીકે તેમણે જે કેટલાક નાવીન્યપૂર્ણ પ્રયોગો કર્યા હતા તેની વાત તેમણે આ અરસામાં મને કરી હતી.

તેઓ જ્યારે લાર્સન ઍન્ડ ટુબ્રો માટે કામ કરતા હતા એ સમયનો એક પ્રસંગ યાદ કર્યો હતો. આરસીસીનો ઉપયોગ કરી જળસંચય માટે પાણીની ટાંકી બનાવવાની હતી.  એ સમયે પ્રવર્તમાન નિયમો પ્રમાણે ટાંકીની દીવાલો કોંક્રિટથી બનાવવાની હતી જેથી તે પાણીનો માર ઝીલી શકે. તેમણે સૂચન આપ્યું કે ટેંકનું તળિયું અને તેની જાડાઈ જ એટલી વધારવી જોઈએ કે સારું પરિણામ આવી શકે. તેનાથી નિર્માણનો મોટી રકમનો ખર્ચ બચાવી શકાય. તેમના ઉપરીઓ આ પ્રકારના નવીનતમ વિચારથી પ્રભાવિત થયા. ત્યાર પછી પાણીની ટાંકીની ડિઝાઈન આ જ પ્રકારે બનાવવાની પ્રણાલી શરૂ થઈ.

શરૂઆતમાં જે થોડા સ્વતંત્ર આરસીસી કન્સલ્ટન્ટસ બન્યા તેમાં પપ્પાનો સમાવેશ થતો હતો. તેમણે મકાનની અગાશી ઉપર લંબચોરસ ટાંકીઓની ડિઝાઈન તૈયાર કરી, જે ટ્રેન્ડ આજકાલ ભારતભરમાં એકદમ કૉમન થઈ ગયો છે.  તેમણે પહેલી ટાંકીની ડિઝાઈન તૈયાર કરી કોન્ટ્રાક્ટર્સ ડરી ગયા હતા કારણકે ટાંકીની નીચેથી સહાયક સ્ટ્રટ્સ કાઢવાના હતા અને તેમણે આ પ્રમાણે અગાઉ કર્ય઼ું નહોતું. ફરી એક વાર, તેમણે પોતાના વિશ્લેષણાત્મક વિચારોનો ઉપયોગ કરી જે સર્જન કર્ય઼ું તે એક સ્ટાન્ડર્ડ તરીકે અપનાવવામાં આવ્યું.

દાવડાનું આંગણું બ્લોગ વાંચતા વાચકમિત્રો પપ્પાને સાહિત્ય અને કલાને ફાટફાટ ચાહનારા એક પારખુ વ્યક્તિ તરીકે જાણે છે. જો કે એમના છેલ્લા વર્ષોમાં તેઓ બ્લોગ માટે વર્ષો ધરી દેશે એવો એમને કે અમને પણ  ખ્યાલ નહોતો. કલા અને સાહિત્ય પ્રત્યેનો તેમનો પ્રેમ સતત છલકાતો રહ્યો.

નિવૃત્ત થયા પછી તેમણે અનેક શોખ વિકસાવ્યા. હોમિયોપેથીમાં તેઓ એટલા ઊંડા ઉતરેલા કે  ડૉક્ટર બનવાનું જ બાકી રાખ્યું હતું. મમ્મીની કૉલેજકાળની બધી બુક્સ તેમણે વાંચી લીધી હતી. મમ્મી હોમિયોપેથી ડૉક્ટર હતી પણ સામાજિક પરિસ્થિતિઓને કારણે તેમણે લગ્ન પછી પ્રેકટિસ બંધ કરી હતી. પપ્પાએ જ્યોતિષનો પણ વિશદ અભ્યાસ કર્યો હતો.    

તેમની જિંદગીના એક અગત્યના વળાંકમાં તેઓ ગુજરાતી સાહિત્યનો પ્રચાર અને પ્રસાર કરતા ઑનલાઈન વ્યક્તિ એટલે કે દાવડાસાહેબ તરીકે ઓળખાયા. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે કૉમ્પ્યુટર પહેલી વાર ભારતમાં આવ્યા ત્યારે તેઓ પ્રારંભની કેટલીક વ્યક્તિઓમાં હતા જેમણે આ વસાવેલું. તેમનું પ્રથમ કૉમ્પ્યુટર કેસિયો-પીબી-100 હતું જેના પર હું પ્રોગ્રામ શીખ્યો. તેઓ આ કૉમ્પ્યુટર પર બેઝિક લઁગ્વેજમાં (આ એ જ પ્રોગ્રામિંગ ભાષા છે જેનો ઉપયોગ કરી બિલ ગેટ્સ પ્રખ્યાત થયા) પ્રોગ્રામ લખતા હતા. સ્ટ્રક્ચરલ ઍન્જિનિયરિંગના કામ માટે તેઓ તેનો ઉપયોગ કરતા. ધીરે ધીર તેમાં ટેકનિકલી ઊંડા ઉતરતા ગયા.

તેમણે અંગ્રેજીમાં લેખો લખવાનું શરૂ કર્ય઼ું જેમાં સામાજિક અને સાંસ્કૃતિક બાબતોનો સમાવેશ થતો હતો. સંબંધોના વિવિધ પાસાઓ તેઓ આવરી લેતા. આ લેખો તેમના વધી રહેલા ઈમેલ લિસ્ટમાં સમાવિષ્ટ લોકોને તેઓ મોકલતા રહ્યા. પછી તેમને ગુજરાતી ફોન્ટ્સમાં રસ પડયો જે સી-ડેક દ્વારા ડેવલપ કરવામાં આવ્યા હતા. તેઓ ગુજરાતી ટાઈપિંગની પ્રેકટિસ પણ કરતા હતા.

2012માં તેઓ અમેરિકા આવ્યા ત્યારે તેમણે સમાન રૂચિ ધરાવતા મિત્રો સાથે સંપર્ક બનાવ્યો અને મમ્મી સાથે તેઓ વિવિધ ઈવેન્ટ્સ, કાર્યક્રમોમાં જતા. તેમણે વિવિધ વિષયો ઉપર વકતવ્ય આપવાનું શરૂ કર્ય઼ું. ધર્મ, ભાષા, સાહિત્ય, બાળપણના સ્મરણો આવરીને તેઓ પ્રવચનો આપતા થયા. તેઓ ટેકનોસેવી હતા એટલે ઘણા લેક્ચર પોતાની યુટ્યુબ ચેનલ પર મૂક્યા. તેમણે ઘણી ઈ-બુક્સ પણ લખી. તેમાં મમ્મી સાથે મળીને લખેલી ‘મળવા જેવા માણસો’ ને કારણે વિશ્વભરમાં ફેલાયેલા અનસંગ હિરોઝ સાથે તેમનો પરિચય થયો.

પપ્પા અને મમ્મી

16 માર્ચ 2015ના રોજ એક આકરો વળાંક આવ્યો. પપ્પા અને મમ્મી ભારત થોડો સમય માટે આવ્યા હતા. એ સમયે મમ્મી કોલકાત્તામાં હૉસ્પિટલ અવસાન પામ્યા. 70મા જન્મદિને જ થયેલા અવસાનને કારણે અમે બધા તૂટી પડયા, પણ જિંદગીના 45 વર્ષ સાથે રહેનાર પપ્પા માટે તો આઘાત જીરવવો બહુ આકરો હતો. નિવૃત્તિ પછીનો ઘણોખરો સમય તેમણે મમ્મીની સંધિવાની બિમારી માટે ગાળ્યો હતો. આ રોગને કારણે લગભગ ત્રણ દાયકા સુધી હેરાન થયાં. પપ્પાએ  કોઈ સારવાર બાકી નહોતી રાખી. વૈક્લ્પિક ઉપચારો, ગોલ્ડ ઈંજેક્શન્સ અથવા બાયોમેડિસિન પણ ટ્રાય કરી જોઈ.

પપ્પાનો રસ જાહેર પ્રવચનો આપવામાં, લેખો લખી ઈમેલથી મોકલવામાં, મિત્રોને મળવામાં રસ ઘટવા લાગ્યો. એ જ વર્ષે ડિસેમ્બરમાં તેમણે બ્લોગ શરૂ કરવા વિશે પૃચ્છા કરી કારણકે તેઓ લેખો કેટલાક બ્લોગ્સમાં મોકલતા જ હતા.

કોઈ અનુભવ નહોતો છતાં મેં અને પપ્પાએ વર્ડપ્રેસ.કોમ ઉપર બ્લોગ બનાવ્યો. વાત નામની આવી તો તેમણે બૅકયાર્ડ તરફ જોઈને કહ્યુંઃ દાવડાનું આંગણું કેવું લાગે છે? એવું આંગણું જ્યાં સમાન રસ ધરાવતા લોકો ભેગા થાય. પછીની વાત તો ઉલ્લેખનીય ઑનલાઈન પ્રવૃત્તિઓમાં એક પ્રદાન તરીકે નોંધાઈ ગઈ છે. આ બ્લોગ https://davdanuangnu.wordpress.com/ બહુ જ પ્રચલિત થયો. પ્રારંભમાં તેઓ અનેક પોસ્ટ લખતા.પછી તેમણે જાણીતા લેખકોની પોસ્ટ મૂકવાનું શરૂ કર્ય઼ું. તેમણે પ્રમાણમાં અપ્રચલિત લોકોના સર્જન વિશે પોતાની પોસ્ટમાં લખવા માંડયું.

તેમના બાળપણ વિશે, 1944માં મુંબઈ ગોદીમાં થયેલા મોટા ધડાકા વિશે લખવાનું તો હજી બાકી છે. તે વખતે પપ્પા નજીકના વિસ્તારમાં જ રહી સ્કૂલમાં ભણતા હતા. તેમના પિતા કેવી રીતે બૅન્કરપ્ટ થયા, તેના કારણે તેઓ ગરીબાઈમાં ધકેલાઈ ગયા, કોલેજની ફી ભરવા માટે પણ લૉન લેવી પડી… મને લાગે છે આવી અનેક ઘટનાઓને આવરવી હોય તો બાયોપિક બની શકે એવી તેમની જીવનસફર છે.

હું અહીં જ અટકું છું. આશા છે વાચકોને આ પોસ્ટ દ્વારા પપ્પાની જિંદગી વિશે થોડુંક જાણવા મળશે. તેમના મૂલ્યો, તેમની સલાહ હું રોજ યાદ કરતો રહું છું. મમ્મી-પપ્પા ભલે આ દુનિયામાં નથી પણ સ્વર્ગમાંથી તેઓ આશિષ વરસાવતા રહેશે એની અમને પૂર્ણ શ્રદ્ધા છે.

~ ભાવેશ દાવડા

આપનો પ્રતિભાવ આપો..

9 Comments

 1. Pleasant remembrances recollection by a proud son about his family centred about his father.
  Gives an insight into life’s various innings of our intelligent but very warm hearted jijaji.
  This blog also highlights the fact that obedient son has started following footsteps of his beloved father.
  Thanks and stay blessed.
  Best wishes for the entire family.
  👍👍

 2. આદરણીય અને સાહિત્યપ્રેમી દાવડા સાહેબને આ સાથે હાર્દિક શ્રધ્ધાંજલી અર્પણ કરતા ઘેરા શોકની લાગણી અનુભવું છું. ફેસબુક ઉપરથી મારી બે રચનાઓ એમને “દાવડાનું આંગણું” માં સમાવેશ કરીને મારી લખવા માટેની પ્રેરણા ને મજબૂત કરી હતું અને એ પણ કોઈ જ ઓળખાણ વગર.ત્યાર બાદ મેસેન્જર માં એક બે વખત એમની સાથે વાત થયેલ ત્યારે એમની વિનમરતાં અને ઉંમરના અનુભવની પ્રખરતાનો મને પરિચય થયો.
  પરમાત્મા આ મહાન આત્માને સદગતિ આપે એ જ પ્રાર્થના🙏🙏

  ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ)-સુરત

 3. I can’t write in Gujarati fonts. Yes, I and my wife Kusum have always enjoyed Davdabhai’s writings, his knowledge, his wisdom and his dedication. His son Bhaveshbhai has paid him tribute with good memory.
  Unfortunately we do not receive ” aapnu anganu”. We would be happy to receive it.
  Our best wishes to Jayashriben for continuing it in new form and best wishes to Bhaveshbhai and his family.
  Radhekant & Kusum Dave

 4. દાવડા સાહેબની સ્મૃતિઓ તેમના પુત્ર પાસેથી પ્રાપ્ત થાય તે આપણા માટે સરસ છે.બે વખત તેમની સાથે ફોન પર વાત થયેલ. તેમની કાળજી અને ઉત્સાહ અનન્ય હતા.વંદન.

 5. આ પુરુષોતમ દાવડાજી અંગે પુત્રની ભાવભીની સ્મરણાંજલી
  આંખ નમ
  કશુંક કહેવા મથતા હોઠો વચ્ચે
  શબ્દો મૌન બનીને સમાતા જાય છે…..
  બોલી નથી શકતા એ જયારે ,
  આંખોથી કૈંક હકીકત કહેતા જાય છે….
  ——————-
  એમનું ચાહવું પૂરતું ક્યાં મિત્રો,
  રક્તમાં રક્ત થઈ દોડવું જોઈએ
  .
  Happy Fathers Day…………………

  https://www.youtube.com/watch?v=mX7zFoaZlYI&feature=youtu.be

 6. પ્રેમપૂર્વક દાવડાસાહેબને યાદ કરતા રહીએ.
  સસ્નેહ, સરયૂ પરીખ

 7. Bhaveshbhai, excellent article and memorial on your father on his death anniversary as well as on the father’s day. We became very good friends in a very short time. We have picked him up from your home
  to spend time with us at our home and we had enjoyed his life interesting stories and we also learned many things from him. He had invited us to attend his public’s lectures several times in temples and at the seniors gathering. We are missing him too.

  Bhupendra & Urvashi Shah, Fremont, CA

 8. BHAVESH BAHI. DAVDA SAHEB NA DAVDANU AGNU MALEKH VACHI NE GUJARATI BLOCK VACHVA NI TALAVELI JAGI. AJ SO MANY BLOG VACHU CHE RETIEMENT MA TIME SARAS PASAR THAI JAY CHE. SAV. SHRI DAVDA SAHEB NE HARDIK SHRADHNJLI. VADHU TAMARA PAPPA VISHE MAHITI APSHO. OM NAMO SHIVAY. JAI SHRI KRISHAN.