વિષયઃ પવન ~ અવાજ ~ ગુલાબ ~ વિષાદ /સુરેશ જોષી લિખિત લલિત નિબંધોમાંથી તારવેલા કેટલાંક અંશ

લલિત નિબંધ શિબિરના ભાગ રૂપે
લેખક: સુરેશ જોષી

૧. વિષયઃ પવન
પવન કવિને પડકારે એવું એક તત્ત્વ છે. આમ જુઓ તો એનાં કેટલાં રૂપ છે! દીપની સ્થિર જ્યોતને ભેટતો પવન, લજ્જાળ યુવતીના પાલવમાં ભરાઈને એને સઢમાં ફેરવી નાખતો પવન, બંધ કરેલાં દ્વારની ફાડમાંથી અંગને સંકોરીને ચોર પગલે દાખલ થઈ જતો પવન, અવાવરુ વાવના અંધારાના લેપવાળા પાણી પરની લીલની ઝૂલને હલાવી જતો પવન, બે મૂઢ પ્રેમી વચ્ચે ઘૂઘવતો પવન, સુકાયેલાં પાંદડાં વચ્ચેથી સાપની જેમ સરરર સરી જતો પવન, આકાશની નીલ જ્વનિકાને ઉડાડતો પવન, ઘણી વાર બેઠા બેઠા આ પવનને જોયા કરવાનું ગમે છે.

૨. વિષયઃ અવાજ
પૂજાવેળાની આરતીનો ઘંટનાદ વહેલી સવારે કામનાથ મહાદેવમાંથી અહીં આવીને મને ઢંઢોળીને જગાડે છે. શનિવારની સવારે એ ઘંટનાદ સાથે નિશાળનો ઘંટનાદ ભળી જાય છે. સાંજ વેળાએ ધીમે ધીમે બધા અવાજો જંપતા લાગે છે, પછી રાતે થોડા વિશિષ્ટ અવાજો સંભળાવા લાગે છે. તેમાં એક અવાજ તો કશીક મૂંગી મૂંગી ચાલી જતી ભૂતાવળનો અવાજ છે. ક્યાંક કોઈ અવાવરુ વાવનાં પગથિયાં ઊતરી રહ્યું છે, ક્યાંક કોઈનો ઘોડો દબડક દબડક કરતો પૂરપાટ દોડ્યે જાય છે. ક્યાંક કોઈના નુપૂર રણકી ઊઠે છે. માયાવી લોકના કાંઈ કેટલાય ધ્વનિઓ મને ઘેરી વળે છે.

બાળપણ વટાવીને કિશોરાવસ્થામાં પગ મૂક્યો ત્યારે સોનાપરી અને રૂપાપરીને ઉડાડી મૂકીને એની સાથે કેટલાય શબ્દોને પણ ઉડાડી મૂક્યા. પછી કિશોરાવસ્થામાંથી યુવાનીમાં ડગ મૂક્યો ત્યારે કેટલાક ઉત્તપ્ત ઉચ્છ્વાસ મને ઘેરી વળ્યા. હવે વળી અવાજોનું નવું પોત ઊઘડયું છે. હું ધ્વનિની લીલા જોયા કરું છું.

૩. વિષયઃ ગુલાબ
ગુલાબ ઊગ્યું એટલે આટલા વાગ્યા જ હશે એવું કહી શકાશે નહિ. રતાશ ભેગી થોડી કાળાશ દેખાય છે. કદાચ રાત્રિના છેલ્લા પ્રહરના ચાલી જતા અંધકારની થોડી પગલીની છાપ રહી ગઈ હશે! કોઈ વાર ઘણીબધી આંગળીઓનાં ટેરવાં ભેગાં થયાં હોય એવું લાગે છે તો કોઈ વાર રિલ્કેને દેખાયું હતું તેમ આંખોનાં બંધ પોપચાં જેવું લાગે છે. કોઈ વાર કોઈના નાજુક નમણા કાન જેવું લાગે છે. કોઈ વાર વાતાવરણમાં એકાએક પ્રગટી ઊઠેલા સૌન્દર્યના બુદ્બુદ જેવું પણ લાગે છે.

૪. વિષયઃ વિષાદ
એક જ ઈચ્છા છેઃ વિષાદ માનવીને અવાક કરી નાખે તેને વાચા આપવી. મુખની વાત લખનારા બડભાગી છો રહ્યા. મને એમની અદેખાઈ આવતી નથી. આ વિષાદને જો મૌનની શિલા ભેદીને વહાવી નહીં દઈએ તો એ પ્રલય સરજી દેશે. એક વાર એ વિષાદ ઉલેચાઈ જશે, પછી આનન્દનો સાગર ભલેને રેલાઈ રહે. વાલ્મીકિનું મહાકાવ્ય વિષાદથી શરૂ થયું ને વિષાદમાં પૂરું થયું. ભવભૂતિએ કરુણને જ એક માત્ર રસ કહ્યો. સીતા પોતે કરુણસ્ય મૂર્તિ બની રહી. સામૂહિક મૃત્યુ, વિધ્વંસ – આ બધાં તો હવે જાણે કોઠે પડી ગયાં છે. એ કાંઈ કરુણ રસની સામગ્રી નથી. એથી તો કેટલાક કહે છે કે આ જમાનામાં કરુણાન્તિકા સમ્ભવે જ નહીં. માનવીનું કાઠું જ કરુણની માંડણી માટે નાનું પડે છે. એ તો જે કહેવું હોય તે કહો, માનવીના વિષાદની સચ્ચાઈને નકારવાની કોઈ હિંમત કરી શકશે? 

(વિવિધ નિબંધોમાંથી તારવેલા અંશ)
લેખક: સુરેશ જોષી


આપનો પ્રતિભાવ આપો..