જિંદગી ચક્રવાત આપે છે (લેખ) ~ હિતેન આનંદપરા ~ “અર્ઝ કિયા હૈ” ~ ગુજરાતી મિડ-ડે, તા. ૩૦.૫.૨૦૨૧

ડોલી, મેલિસા, તાન્યા, હાના, લૉરા, ટેરેસા, જુલિયા, એમિલી, મારિયા, રીના, ફિયોના, સારા, લિસા, કૅટરિના… તથા ઍલેક્સ, ડોન, જેરી, ઓમર, ટેડી, હેનરી, નિકોલસ, વિક્ટર, રિચર્ડ, ક્રિશ, ફ્રેન્કલિન, માઈકલ, ઑસ્કર, ટૉની, વિલિયમ, રાફેલ,  બિલ, ડેની, સૅન્ડી… વાંચવામાં સારાં લાગે એવાં આ નામો તમારી દીકરા માટે કોઈ બ્રિટિશ કન્યા કે તમારી દીકરી માટે કોઈ અમેરિકન મુરતિયાનાં નામો નથી. આ બધાં વાવાઝોડાનાં નામો છે. એક મહિનામાં બે વાવાઝોડાં ભારત ઉપર ત્રાટક્યાં; તાઉ-તે અને યાસ. પંકજ વખારિયા કહે છે એવું કોઈક દર્દ નામો બદલી-બદલીને આપણને સતાવતું જ રહે છે…
કદી પ્રસંગોપાત હો તો ઠીક છે
દર્દ આ તો કેવું રોજિંદું થયું
નામ લેતા પણ ડરું છું સૂર્યનું
એવું માથાભારે અંધારું થયું

૨૬ મેએ ફૂંકાયેલું યાસ વાવાઝોડું ઓડિશા અને બંગાળને ધમરોળતું ગયું. યાસનો અર્થ થાય ચમેલીનું ફળ. સમુદ્રના ગર્ભમાં પાંગરતું તોફાન ધીરે-ધીરે આગળ વધી કિનારે માથું પટકે જેને લૅન્ડફોલ કહેવાય છે. ચક્રવાતનો કેન્દ્રભાગ આંખ (આઈ) તરીકે ઉલ્લેખાય છે. આ આંખ જેટલી મોટી એટલો ખાનાખરાબીનો વિસ્તાર વધારે. યાસના લૅન્ડફોલની પ્રક્રિયા ચારેક કલાક ચાલી, પણ એની વેદના ઓસરતાં મહિનાઓ થશે. દિનેશ દેસાઈની પંક્તિમાં વર્તાતું સત્ય ચક્રવાતનો શિકાર બની ગયું…   
કાચા મકાનો, માણસ સાચા હોય છે
ને ગામ લોકો સીધા સાદા હોય છે

તોફાનને કારણે લાખ્ખો કાચાં ઘરોનો ખો નીકળી ગયો. કસરતમાં ડાબી ને જમણી બાજુએ આપણે કમર વાંકી વાળીએ એ રીતે વૃક્ષો વાંકાં વળીને શરણાગતિ સ્વીકારતાં રહ્યાં. તૂટેલા આવાસ, વીજળીના ઊખડેલા ટાવર, ધરાશાયી વૃક્ષો, ખેતરમાં ફેલાયેલાં ખારાં પાણી, તિરાડોથી તિતરબિતર રસ્તા, ફંગોળાયેલાં છાપરાં, બટકેલી હોડીઓ… આ બધાં શાશ્વત દૃશ્યો ફરી એક વાર સર્જાયાં. રાકેશ હાંસલિયા નિરૂપે છે એવી પ્રતીતિ થઈ… 
બુંદના ભારે નમે એવું બને
પાંદડું હેલી ખમે એવું બને
સૂર્ય જેવો સૂર્ય પણ સંજોગવશ
ભરબપોરે આથમે એવું બને

નસીબજોગે વાવાઝોડું ત્રાટકે એ પહેલાં જ વીસ લાખથી વધુ લોકોનું સ્થળાંતર સલામત જગ્યાએ કરવામાં આવ્યું. આ અગમચેતીના કારણે મોટી જાનહાનિ ટાળી શકાઈ. ઑક્સિજનની કમી માટે જે રીતે સરકાર ઉપર હોલસેલમાં જરૂરી માછલાં ધોવાયાં એનાથી વિપરીત ચક્રવાતમાં કોસ્ટગાર્ડ, સેના, પોલીસ, આપદા મોચન દળ; ટૂંકમાં પ્રશાસનની પ્રશંસનીય કામગીરી માટે, રીટેલમાં પણ શાબ્દિક હારતોરા ન થયા. નકારાત્મકતા હકારાત્મકતા ઉપર એટલી હાવી થઈ ગઈ છે કે સેન્સેશનલ સંવેદનાના તત્કાલ ઉભરા સામે ઝીણી સંવેદના પામર, પોચકી, નિમાણી ને જાડી ચામડીની પૂરવાર થાય છે. કાશ, આપણને સ્કૂલથી જ મિલિટરી અને ફર્સ્ટ એઈડની પ્રારંભિક ટ્રેઇનિંગ આપવામાં આવી હોત તો આપણો સૂર ફરિયાદી નહીં પણ સંવાદી બનત. પાયાની એજ્યુકેશન સિસ્ટમમાં મહત્વના ફેરફારો દેશની શિકલ બદલી શકે. જો આવું કશુંક થશે તો હરીન્દ્ર દવેની પંક્તિઓમાં વણાયેલા આશા-નિરાશાના ભાવ સમજી શકાશે…
આ અરીસાના બધા ટુકડા વીણો તો શું થશે?
ત્યાં જે દેખાતો હતો ચહેરો હવે દેખાય નહીં
તું ભલે મઝધારનું તોફાન માનીને ઝૂઝે
ને કિનારે નાવ પહોંચી જાય તો કહેવાય નહીં
વાવાઝોડાં જેવી કુદરતી આપત્તિને રોકી શકાતી નથી, પણ એનો આગોતરો વરતારો મેળવીને નુકસાનને કાબૂમાં જરૂર રાખી શકાય. કોરાના જેવી મહામારી સામે લડવાનો અનુભવ ન હોવાથી સરકાર હારી. વાવાઝોડાં સામે લડવાનો અનુભવ હોવાને કારણે નક્કર બચાવકાર્ય થઈ શક્યું. સંજોગો ટીચર તરીકે કામ કરતા હોય છે. કુદરતની નજરમાં ક્યારેક રહેમ હોય તો ક્યારેક કહેર. લક્ષ્મી ડોબરિયા એને પારખે છે…
કેટલી લઈને મતા આવી ચડે
ચોરપગલે આપદા આવી ચડે
ખાલી ક્ષણને હું વખોડું કઈ રીતે?
આંખ ત્રીજી ખોલવા આવી ચડે

કુદરતની ત્રીજી આંખથી બચવું મુશ્કેલ છે. માત્ર સરકારી સ્તરે જ નહીં નાગરિકો માટે પણ નીવડેલી આફતો સામે ટક્કર લેવા માટેની વર્કશૉપ થવી જોઈએ. જનભાગીદારી શાસકના કામમાં અવરોધ સર્જવાને બદલે અવરોધ હટાવવામાં કામ આવી શકે. બાકી પ્રવીણ શાહ કહે છે એમ આપત્તિઓ તો ચાલુ જ રહેવાની… 
વાદળો કંઈ ઘેરાય છે એવાં
રાત પર બીજી રાત આપે છે
જીવવું લાગે ભાર કે જ્યારે
જિંદગી ચક્રવાત આપે છે

ક્યા બાત હૈ

જળની છરીઓ

ભાર નથી કૈં જેવો તેવો
ખમી શકે ના ઝાડ
નભને ટેકો દેવા જાતાં
નમી ગયાં રે તાડ

વરસે-દહાડે રુવે વાદળાં
આંખો દદડી જાય
જળની છરીઓ ગોરમટીની
કાપે લથબથ કાય
રચે બારણાં આડે નેવાં
ઝરમર જળની વાડ

કટક ચડીને લાવે નળિયા
ને નાવણનું વ્હાણું
નીકો વહીને જાય અમસ્તી
ભરી ન શકીએ ભાણું
રહીસહી ભીની સંપત પર
તડકે પાડી ધાડ

~ ઉજમશી પરમાર

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. જીવવું લાગે ભાર કે જ્યારે
    જિંદગી ચક્રવાત આપે છે
    સ રસ રીતે અભિવ્ય્ક્ત