રસ્તાની સામી બાજુએ (વાર્તા) ~ ભગવતીકુમાર શર્મા

‘આજ તમે ન જાઓ તો ?’

પ્રતાપરાય લાકડી ઠપકારતા ઓટલો ઊતરવા જતા હતા ત્યાં પાછળથી આશાબહેનનો ધીમો પણ સ્પષ્ટ અવાજ સંભળાયો, પ્રતાપરાય અટક્યા, તેમણે પાછળ વળીને જોયું. બંને આંખોમાં મોતિયા પાક્યા હતા એટલે પ્રતાપરાયને આશાબહેનનો ચહેરો ધુમ્મસમાં ઘેરાયો હોય તેવો વર્તાયો, છતાં તેમાં ન ઓળખાવાપણું કશું ન હતું. છેલ્લાં ચાલીસ વર્ષથી તેઓ એ ચહેરો જોતા આવ્યા હતા : પહેલાં તે સુકોમળ હતો, પછી તેમાં પાકટતા આવતી ગઈ હતી, હવે ત્યાં કરચલીઓનું જાળું રચાયું હતું, છતાં કશીક આભા તો હતી જ. પ્રતાપરાય અને આશાબહેન થોડીક ક્ષણો પરસ્પરની સામે જોઈ રહ્યાં, પછી કશું બોલ્યા વિના પ્રતાપરાયે ફરીથી લાકડીને ટેકે ઓટલાનાં પગથિયાં ઊતરવા માંડયાં.

‘કહું છું, તમારી તબિયત…’ ફરીથી આશાબહેનના શબ્દો વહી આવ્યા : ‘પાણીના રેલાની જેમ કે સાપોલિયાની માફક ?’ પ્રતાપરાય ફરીથી અટક્યા યંત્રમાનવની જેમ. આશાબહેન હવે તેમની તબિયતનું કેવું બયાન કરશે તે તેમના મનમાં શબ્દશઃ ફણગાઈ ઊઠ્યું: ‘હમણાં જ તમે પૅરેલિસિસના હુમલામાંથી સાજા થયા છો… પંદર દિવસ તો તમારે હૉસ્પિટલમાં રહેવું પડ્યું હતું… અઢી મહિના ફિઝિયોથેરપીની ટ્રીટમેન્ટ લેવી પડી હતી… હજીયે તમારા શરીર પર લકવાની અસર છે… અને તમારી બંને આંખે મોતિયા… શી રીતે જશો તમે ? મેઈન રોડ પરનો ટ્રાફિક તમે કેમ કરીને ક્રૉસ- ?…’ પ્રતાપરાયે આશાબહેનના આ સંભવિત શબ્દો વધુ એક વાર પોતાના મનમાં ઉપસાવી જોયા, પછી આશાબહેન તરફ એક વાર જોઈને ઓટલો ઊતરવા માંડ્યા ત્યારે ઘરમાંથી ઘડિયાળના છ ટકોરાનો ધ્વનિ લહેરાઈ આવ્યો.

છ ટકોરાની સાથે જ ઘરનો ઓટલો ઊતરવો એ ક્રમ પ્રતાપરાય માટે છેલ્લાં પાંત્રીસ વર્ષથી જળવાઈ રહ્યો હતો. ગંભીર બીમારી, બહારગામ જવાનું થયું હોય કે શહેરની નદીનાં મોટાં પૂરનાં પાણીથી રસ્તાઓ અવરોધાઈ ગયા હોય, તોફાનગ્રસ્ત નગરમાં કરફ્યુ નખાયો હોય – એવા નજીવા અપવાદો સિવાય સાંજે છ વાગ્યે પ્રતાપરાય ઘરનાં પગથિયાં ઊતરે ત્યારે અડોશીપડોશીઓ પોતપોતાની ઘડિયાળ મેળવતા, કોઈ મૂછમાં હસી લેતા, કોઈ કટાક્ષનાં વેણ ઉચ્ચારતા. આશાબક્ટુન ઉંબર સુધી આવી એક નિઃશ્વાસ નાખતાં, પ્રતાપરાય પોતાની આસપાસ કોઈ અને કશું નથી એવી તટસ્થતા કેળવીને પોતાને રસ્તે ચાલ્યા જતા…

જવાનું કાંઈ ઝાઝું દૂર નહોતું એમને. ઘરથી નીકળીને આ ડાબે હાથે વળ્યા એટલે નેળિયા જેવી એક ગલી આવે, પછી એક ચૉગાન. ત્યાં પહેલાં પાણીની ટાંકી અને જાહેર નળ હતાં, હવે નથી. આજકાલ ત્યાં ખુલ્લામાં સ્કૂટર અને ફ્રીઝ રિપેરિંગનું કામ ચાલે છે. લોટ દળવાની ઘંટી હજીયે છે અને વાસ મારતી કચરાપેટી. પાસે જ મંદિર અને દરગાહ જોડાજોડ આવેલાં છે. પછી જમણે હાથે એક ખડકીમાં મકાનો. થોડાં જૂનાં હજી બચ્યાં છે, કેટલાંક નવાં બંધાયાં છે. પાંત્રીસ વર્ષ પહેલાં બધાં જ જૂનાં હતાં, પણ આટલાં જૂનાં લાગતાં ન હતાં. ખડકી વળોટીએ એટલે એક પેટામાર્ગ આવે. જમણે હાથે દરજીની, ડાબે ધોબીની દુકાન. સામે વળી એક મંદિર. પહેલાં ત્યાં કિટ્સન બત્તીઓ હતી. હવે ઝળાંહળાં ધોબી કોલસાની અસ્તરી પરથી વીજળીની અસ્તરી પર આવી ગયો. દરજી હવે સુતરાઉ કપડાં ભાગ્યે જ સીવે છે… એક વધુ કચરાપેટી. જમણી બાજુની ગલીમાં ન વળવાનું, સીધા જ ચાલવાનું. ડાબે હાથે એક દેરી આવશે. કોક માતાની. પહેલાં કાચી હતી, હવે પાકી છે. ઉપર તાર-ટેલિફોનનાં દોરડાંનું જાળું છત્રની જેમ ફેલાયેલું છે. અગાઉ ન હતું. એ તરફ મુસલમાનોનાં ઘર વધારે છે, પછી મિશ્ર વસતિ. પહેલાં અહીં બધું ખાસ્સું સૂમસામ હતું. હવે તો… અને આ મેઇન રોડ ધમધમતો, ઝગમગતો, એંસી ફૂટ પહોળો તોય રોડ-ડિવાઇડર કે ઝિબ્રાક્રૉંસિંગની વ્યવસ્થા વિનાનો. પહેલાં ચાલીસ ફૂટનો હતો. એલાઇનમૅન્ટમાં મકાનોની હાર તૂટી. બહુ ઝાંખો હતો અગાઉ, અને રડ્યાંખડ્યાં વાહનો ધીમી ગતિએ દોડતાં હવે તો… બધું છેક બદલાઈ ગયું છે. જાણે એ રસ્તો જ નથી, પણ હતો તો એ જ – ભૂગોળને નાતે. બસ, એ ઓળંગી જઈએ એટલે સામેની ગલીમાં આગળ વધવાનું, જમણે હાથે ફરસાણની, ડાબે હાથે આઇસક્રીમ-કૉલ્ડ્રિંકની એમ થોડીક દુકાનો આવે, ફરસાણની દુકાનમાં ખાસ ફેર પડ્યો ન હતો, પણ આઇસક્રીમની દુકાન પાર્લર બની ગઈ હતી! પહેલાં આઇસક્રીમવાળો દુકાનને ઓટલે સંચો મૂકીને આખો દિવસ હાથ વડે તે ફેરવ્યા કરતો, હવે ઑટોમૅટિક પ્લાન્ટમાં બનેલાં ભાતીગળ વિદેશી નામો ધરાવતાં આઇસક્રીમોની આખી શ્રેણી .. પછી જમણી તરફની સાંકડી, અંધારી ગલીમાં ડાબે હાથે બત્તીના થાંભલા પાસેનું મકાન તે માલિકીની ઘર… થાંભલે પહેલાં લાઇટનો સાદો ગોળો રહેતો, હવે ટ્યૂબલાઇટ…

ગોખાઈ ગઈ હતી આ બધી ભૂગોળ – તેની રજેરજ વિગતો સાથે પ્રતાપરાયથી. વર્ષના ૩૬૫ દિવસને પાંત્રીસથી ગુણીએ અને જે આંકડો આવે એટલી વાર તેઓ આ જ સમયે, આ જ રસ્તેથી આવ્યા હતા, ગયા હતા. પહેલાં તેઓ સાઇકલ વાપરતા. ઘરથી માલિનીને ઘેર પહોંચતાં પૂરી પાંચ મિનિટ પણ માંડ થતી, પગ જોરથી પૅડલ મારતા, ફેફસાં શ્વાસ લેવાનુંયે મુલતવી રાખતાં, વાંકીચૂકી સાંકડી ગલીઓમાંથી ઘંટડીને આધારે સાઇકલને પૂરપાટ આગળ ધપાવતા પ્રતાપરાય આંખ મીંચીને ઉઘાડતાંમાં તો જાણે મેઇન રોડ ક્રૉસ કરી જતા. જુવાની હતી અને શહેર ત્યારે આટલું ગીચ, રઘવાયું ન હતું. માલિનીને ઘેરથી પાછા ફરતાં અંધારું થઈ જતું એટલે સાઇકલનું ફાનસ સળગાવવું પડતું. કોઈક વાર તેય ભૂલી જવાતું ત્યારે પોલીસવાળો તેમનું નામ લખી લેતો. પ્રતાપરાય તેને બે-ચાર આનાની લાંચ આપી છટકી જતા. ત્યારે રસ્તાઓ પર બત્તીઓનો આટલો ઝગમગાટ ન હતો. નિયોન સાઇન્સ તો હતી જ નહિ. અશોકકુમાર-લીલા ચિટનીસની ફિલ્મોનાં પોસ્ટરો ગરીબડી ભીંતો પર ફરફરતાં. કોઈ હોટેલમાંથી રેડિયોના સૂર વહી આવતા. ઘેરથી નીકળતી વખતે પ્રતાપરાયના મનમાં થોડોક અજંપો રહેતો. આશાબહેનના પડી ગયેલા મુખ સામે જોવાનું તેઓ બને ત્યાં સુધી ટાળતા. કોઈક વાર આશાબહેનના તીખા શબ્દો પણ તેમનો પીછો કરતા દોડી આવતા. પછી બાળકો ઊછરતાં ગયાં હતાં. જેને પોતે કદીક બાળમંદિરમાં મૂકવા જતા હતા તે પ્રણવે કૉલેજમાં જવા માંડ્યું હતું. પ્રીતિ હોમસાયન્સ લેવાની હતી. આ સંતાનોના કુતૂહલભર્યાં અને પછી ક્યારેક ઉદાસ, કદીક તમતમતા ચહેરાઓના ઘેરાને વીંધીને સાંજે છને ટકોરે ઘરના ઓટલાનાં પગથિયાં ઊતરવાનું કોઈક વાર પ્રતાપરાય માટે મુશ્કેલ પણ બની જતું અને છતાં તેઓ ક્યારેય એ ઘેરાને વીંધ્યા વિના રહી શક્યા ન હતા. માલિની ક્યારેક તેમને ટકોરતીય ખરીઃ ‘પ્રતાપ, હું-તમે હવે પ્રૌઢ થયાં, કાલે વૃદ્ધ બનીશું. મારે તો ઉલાળ-ધરાળ કશું નથી. પણ તમારાં બાળકો મોટાં થયાં છે. હવે આપણે સમજદારીથી વર્તવું જોઈએ.’ ત્યારે પ્રતાપરાય તેના મોઢા આડે હાથ ધરી કહેતા: ‘એ વાત કરીશ જ નહિ, માલુ! વર્ષો પહેલાં સિદ્ધેશ્વરીદેવીના ઠુમરીના કાર્યક્રમમાં આપણે મળ્યાં ત્યારથી મારા જીવનનો પ્રવાહ બદલાઈ ગયો છે. એમાં હવે કાંઈ મીનમેખ નહિ થાય.’

પ્રતાપરાય અને માલિની, બંનેને એ ઢળતી રાત યાદ આવતી. શહેરના એક જર્જરિત હૉલમાં સંગીતનો એ કાર્યક્રમ યોજાયો હતો. સિદ્ધેશ્વરીદેવીની ઠુમરીઓએ એ હૉલને જાણે ઇન્દ્રસભામાં અને રાતને પૂનમમાં ફેરવી નાખ્યાં હતાં. જોગાનુજોગ માલિની અને પ્રતાપરાય જોડાજોડ બેઠાં હતાં. ઠુમરી પૂરી થયે તાળીઓ પાડતી વખતે પહેલાં બંનેનાં હાથ અને પછી આંખો ભટકાઈ ગયાં અને પછી કશીક ન ગવાયેલી, અશ્રુત ઠુમરીઓનો અજસ્ર પ્રવાહ બંનેનાં હૃદયમાં વહી નીકળ્યો. મધ્યાંતરમાં ચા પીતી વખતેય તેઓ સાથે થઈ ગયાં. પ્રતાપરાયે માલિનીને ફરીથી મળવાની ઇચ્છા વ્યક્ત કરી. માલિનીએ એટલું જ કહ્યું: ‘મારે ઘેર આવશો ?’ પ્રતાપરાયે તેનું સરનામું માગ્યું અને પછી પૂછ્યું: ‘ક્યારે આવું? કેટલા વાગે?’

ઉત્તર મળ્યો: ‘બસ, કાલે સાંજે છ વાગ્યે.’ અને બીજે દિવસે સાંજે પ્રતાપરાયે તેમની સાઇકલ વહેતી મૂકી ત્યારે ઘરની ભીંત-ઘડિયાળમાં છના ટકોરા પડતા હતા. માલિનીનું ઘર શોધી તેના ઘરની મેડીનાં પગથિયાં ચઢી બારણે ટકોરા મારી તેઓ જ્યારે અંદર પ્રવેશ્યા ત્યારે મોગરાની સુગંધ, સિતારના સૂર અને ખુલ્લા પડેલા ગ્રામોફોને તેમનું સ્વાગત કર્યું. અડધો કલાક બેસી માલિનીએ આપેલી ચા પી તેઓ ઊઠ્યા અને દાદર ઊતરવા ગયા, ત્યાં માલિનીએ તેમની નજીક આવી કહ્યું: ‘હું બાળવિધવા છું હો !’ પ્રતાપરાયે કાંઈ પણ બોલ્યા વિના માત્ર ઉદાસ સ્મિત કર્યું અને તેઓ દાદર ઊતરી ગયા. તે પછીનાં પાંત્રીસ વર્ષમાં આ રીતે અસંખ્ય વાર એ દાદરની ચઢઊતર થતી રહી.

ઘણું-બધું બદલાઈ ગયું આ વર્ષોમાં. શહેર, શેરીઓ, માણસોની પેઢીઓ, બત્તીઓ, ગ્રામોફોન, રેડિયો, રેડિયોગ્રામ, ટ્રાન્ઝિસ્ટર, ટેપરેકૉર્ડર, ટી.વી. ફિલ્મો, તેનાં પોસ્ટરો, વાહનો… પોતે, માલિની, આશા, પ્રણવ, પ્રીતિ, પડોશીઓ… માથાના વાળ ઝરી ગયા હતા. માલિનીના વાળમાં સફેદ પટો આવી ગયો હતો. આશાબહેનનું શરીર સ્થૂળ બન્યું હતું. પ્રણવ સ્કૂટર પર દોડાદોડ કરતો હતો, પ્રીતિ મૉપેડ પર. અને પોતે સાઇકલ ચલાવવાનું છોડી દીધું હતું. રિટાયરમેન્ટને હવે દાયકો થવા આવ્યો હતો. આંખોમાં ઝાંખ વળવા લાગી હતી. માલિની અને આશાબહેનના ચહેરાઓ ધુમ્મસઘેર્યાં વર્તાતા હતા. ડૉક્ટરે કૅટેરેક્ટનું નિદાન કર્યું હતું. ઑપરેશન ગમે ત્યારે થઈ શકે. સાંજ પછીની દુનિયા બહુ ધૂસર બની જતી હતી. સામેથી ધસી આવતાં વાહનોની બત્તીના શેરડાઓ આંખોમાં જાણે છરી ફેરવવાનું કામ કરતા હતા. શિયાળુ સાંજ તો વેરણ જેવી લાગતી હતી. માલિનીએ તેમને ઘણી વાર કહ્યું હતું: ‘પ્રતાપ, તમે આમ રિસ્ક ન લો. હું તો તમારા ઘરમાં પગ મૂકી શકું તેમ નથી. તમે જ અહીં આવવાનું ઓછું કરો તો !” પ્રતાપરાય સુધી જાણે તેના શબ્દો પહોંચતા જ ન હતા.

માલિનીનો ફફડાટ સાચો પડ્યો અને આશાબહેનનો પણ. તે સાંજે પ્રતાપરાય ઘેરથી નીકળ્યા અને હજી મેઇન રોડ સુધી પહોંચ્યા ન હતા ત્યાં તેમને સ્ટ્રૉક આવ્યો. દુનિયા ચક્રાકારે ફરતી લાગી. દ્રશ્ય પદાર્થો બેવડાઈ ગયા, આખું જમણું અંગ જાણે પ્લાસ્ટરમાં મુકાઈ ગયું. ફસડાઈ પડ્યા. કોઈક ઓળખીતાએ રિક્ષામાં નાખીને તેમને ઘેર પહોંચાડયા. ત્યાંથી હૉસ્પિટલ…

ત્રણ મહિના પછી ઘડિયાળના ટકોરાની શ્રાવ્ય સાક્ષીએ, લાકડીના ઠપકારાની લયબદ્ધતા સાથે, ધીમે, ઠરડાતે પગે પ્રતાપરાય જ્યારે ઘરનો ઓટલો ઊતરી શેરીમાં આગળ વધ્યા ત્યારે શિયાળુ સાંજુકી વેળા તેની સકળ ઝાંખપ સાથે કોક વિરાટ પક્ષીની પાંખોની જેમ ચોમેર ફેલાઈ જતી હતી. હજી સ્ટ્રીટલાઇટો સળગી નહોતી, પણ ઘરોમાં બત્તીઓ ઝબૂકતી હતી. આસપાસ નવાં બંધાયેલાં ઊંચાં ઍપાર્ટમેન્ટો ધૂમિલ આકાશ સાથે સિલહુટ રચતાં હતાં. નાની, સાંકડી ગલીઓ, જે થોડાંક વર્ષ પહેલાં સૂનકારમાં ડૂબેલી રહેતી હતી, ત્યાં હવે સ્કૂટરો હડકાયાં કૂતરાંની જેમ વીંઝાયા કરતાં હતાં. ટી.વી.ના અવાજોમાંથી ગ્રામોફોનની રેકૉર્ડનો પાતળો સૂર પકડવાનું અશક્ય બન્યું હતું. દુકાનોના ઝગારા વધ્યા હતા અને પેટામાર્ગ ઓળંગતાં પણ છાતીના ધબકારા બેવડાઈ જતા હતા. ઠોકરો ખાતા મેઇન રોડ તરફ ઊઘડતી ગલીને છેડે આવીને ઊભા ત્યારે શિયાળુ સાંજેય તેમનું શરીર પરસેવે લથબથ બની ગયું હતું. સામે ફેલાઈને પડેલો રાજમાર્ગ વાહનો, બત્તીઓ અને માણસોને કારણે ઊછળતા દરિયા જેવો લાગતો હતો.

પ્રતાપરાય ગલીને નાકે ઊભા રહ્યા. તેમણે ઊંડા શ્વાસ લીધા. જમણે હાથે લાકડીની મૂઠ કસીને પકડી. ડાબે હાથે આંખો પર નેજવું કર્યું. ગતિ, ઘોંઘાટ અને ચકાચૌંધ અજવાળાં, અસ્તિત્વને સ્થગિત, શૂન્ય અને અંધારું કરી મૂકશે કે શું તેવો તેમને ભય લાગ્યો. આને જ શું પેરેલિસિસનો સ્ટ્રૉક કહેતા હશે ? થોડીક પળો માટે તો પ્રતાપરાયની હામ પરસેવાની સાથે ઝરી જતી લાગી, પછી મરણિયા થઈને તેઓ મુખ્ય માર્ગ પર ત્રણેક ડગલાં આગળ વધ્યા. માલિનીનું પ્રેમનીતરતું મુખ તેમની આંખો સમક્ષ ચાંદની રાતની જેમ તરવરી ઊઠ્યું. તેઓ ચોથું પગલું ભરવા ગયા ત્યાં વળી વાહનો મારકણા આખલાઓના ટોળાની જેમ વછૂટતાં તેઓ પાછા પડ્યા. તેમનાથી નિઃશ્વાસ નંખાઈ ગયો. પોતાની લાચાર સ્થિતિ અને પ્રતિકૂળ સંજોગો બધું આકરું લાગ્યું.

એક મેઘલી રાતે બિલ્વમંગળ ચિંતામણિને મળવા નીકળ્યો હતો. માર્ગમાં પૂરથી રમણે ચઢેલી નદી ઘૂઘવતી હતી. તેની પરવા કર્યા વિના બિલ્વમંગળ માણસના મડદાને તરાપો ગણી સામે કાંઠે પહોંચ્યો હતો. સર્પને દોરડું માની તેને આધારે તે ચિંતામણિના આવાસને ઝરૂખે ચઢ્યો હતો. ચિંતામણિએ તેની ઝંખના જોઈ કહ્યું હતું: ‘આટલી ઝંખના તમે ભગવાન માટે…’ બિલ્વમંગળનું સુરદાસમાં સ્વરૂપાંતર થયું હતું…

પ્રતાપરાયને કિંવદંતી સાંભરી આવી. તેમણે ફરીથી નિઃશ્વાસ નાખ્યો. આ સામે ગતિ, ઘોંઘાટ અને અંધ કરતાં અજવાળાનો જે દરિયો ઘૂઘવે છે તેને પાર કરવા કર્યું મડદું લાવવું ? તેમને પ્રશ્ન થયો: ‘હું જ શબ અને હું જ તેને તરાપો બનાવું તો કદાચ…’ અને સર્પ તેને રજ્જુ ગણવાનું સાહસ ? સર્પ તો રૂંવેરૂંવે ડંખેલો છે જ- પાંત્રીસ વર્ષ પહેલાં તેનો પહેલો દંશ અનુભવ્યો હતો. એનું લીલુંછમ ઘેન… કપાળ પરનો પ્રસ્વેદ લૂછી પ્રતાપરાયે ફરીથી થથરતે પગે, ધબકતે હૈયે, લાકડીને ટેકે આગળ વધવાનો પ્રયત્ન કર્યો અને એક મોટરસાઇકલ તેમને લગભગ અડીને બંદૂકના નાળચામાંથી છૂટેલી ગોળીની જેમ વહી ગઈ. એના ઘસરકાના થથરાટની કળ વળી તે પછી પ્રતાપરાય ધકેલાઈને પાછા ગલીના છેડાની અંદર આવી ગયા. ગળે ડૂમો આવ્યો. આજે, આટલે મહિને નહિ જ જવાય કે શું? તરત મનમાં જુસ્સો માથોડાપૂર મોતની જેમ ઊછળી આવ્યો. તેમણે વિચાર્યુંઃ શી વિસાત છે આ ટ્રાફિકની ? મને પાંખો ફૂટશે અને હું રસ્તાની સામી બાજુએ… અંધાધૂંધ તેઓ ત્રણ ડગલાં આગળ વધી ગયા અને ત્યાં જ હૉર્નની રાડારાડ, બ્રેકના ધસારા… પ્રતાપરાય અન્યમનસ્કતાની ક્ષણો નીચે પૂરેપૂરા કચડાય તે પહેલાં એ કોલાહલને વીંધતો એક પરિચિત, મીઠો સ્વર સંભળાયો :

‘ચાલો, હું તમને રસ્તો ક્રૉસ કરાવી આપું. આમ તો તમે ક્યાંક અથડાઈ પડશો….’

પ્રતાપરાયે ઝબકીને પાછળ જોયું. ધૂંધળી આંખોમાં પણ આશાબહેનનો ચહેરો સૂર્યની જેમ ઝળહળી ઊઠ્યો !

~ ભગવતીકુમાર શર્મા

9 comments

 1. જેટલા ઋજુ તેઓ તેટલા જ ઋજુ તેમના સંવેદનો. એક વાર લાગ્યું કે જાણે હું જ છું વાર્તાનો નાયક. એમની ઉપમાઓ લાજવાબ. દ્રશ્ય આંખ સામે આવે એ તો ઠીક પણ આપણે જાણે ત્યાં રસ્તા પર ઊભા હોઈએ એમ બધું જ અનુભવાય એ એમના સર્જનની ઉત્કૃષ્ટતા.

 2. વાર્તા તરીકે મૂલવીએ તો એકદમ જોરદાર એમાં બેમત નથી. આ વાર્તા મેં અગાઉ પણ બેવખત વાંચેલી છે. આ ત્રીજી વખત વાંચતી વખતે પણ મને સવાલ એ થાય છે કે અગાઉની ઘણી વાર્તાઓમાં એક સ્ત્રી પાસે જ સંપૂર્ણ સમર્પણ કરાવવામાં આવે એવી મોટાભાગની થીમ રહેતી. વાચક તરીકે વાર્તા આજે ફણ ગમી જ જાય એ હકીકત છે પણ આહ અને વાહ સાથે માનસિકતા પણ ન બદલવી જોઈએ? નાયકની જગ્યાએ નાયિકાને મૂકીએ તો પણ આપણાં વિચારો આટલા જ ઉદાર રહી શકે? આ મારો સવાલ છે માફ કરશો કોઈ દલીલ નથી. મારે આજના પરિપ્રેક્ષ્યમાં આ જ થીમ પરના અન્ય લોકોના વિચાર જાણવા છે.
  ધન્યવાદ!

 3. આ. ભગવતી કુમાર ની ખૂબ સ રસ વાર્તા
  અંત ખરેખર ચમત્કૃતિ સર્જે છે-
  વાહ

 4. ભગવતી કુમાર ની પ્રત્યેક વાર્તા વાંચી ને મોટો થયો છું..આ વાર્તા દિલો દિમાગ ને તર બ તર કરી મૂકે એવી છે..
  અંત ખરેખર ચમત્કૃતિ સર્જે છે

 5. વાર્તા બહુ જ સરસ છે.અંતમાં એવી ચમત્કૃતિ સર્જાય છે કે પત્ની જ વાર્તાના કેન્દ્રબિંદુમાં આવી જાય છે.

 6. વાર્તાનો શબ્દેશબ્દ તેમની અંતરગુહામાંથી નીકળે છે અને આપણી છેક અંદર પ્રવેશી જાય છે..પત્ની અને પ્રેયસી વચ્ચે મુકાયેલ નાયકની સંવેદનામાં ભગવતીભાઈનું સર્જકત્વ મહોરી ઊઠ્યું છે.એમને વાંચીને મોટી થઈ છું…શીર્ષક પણ એકદમ યોગ્ય અને અંત પણ…

 7. આશાબેન પ્રતાપરાયને રસ્તો ક્રોસ કરાવી માલિનીના ઘરે એમને પ્હોંચાડવા મદદ કરે એ વાત જ વાર્તામાં પરાકાષ્ઠા સિદ્ધ કરે છે.. વાહ

આપનો પ્રતિભાવ આપો..