“મા …!” ~ જયશ્રી વિનુ મરચંટ

(“ગુર્જરી ડાયજેસ્ટ” / એપ્રિલ ૧૯૯૪ના સૌજન્યથી)

મા વિષે હું આ સિવાયના બીજા કોઈ શીર્ષક હેઠળ લખી શકું એમ નથી. મા વિષે આજે વિચાર કરવા થોભું છું તો થાય છે કે એંશી વર્ષની વયોવૃદ્ધામાં આટલી બધી જીવનસભરતા ક્યાંથી આવતી હશે?

હું નવ ભાઈબહેનોમાં સૌથી નાની. બે ભાઈ અને બે બહેન સગીર અવસ્થામાં અવસાન પામ્યા હતાં. મારા જન્મ પછી મા બિમાર રહેતાં હતાં. મને મા કરતાં મોટીબહેન સાથે ગુજારેલી શૈશવની એ લાડકોડ અને રમતિયાળ સ્નિગ્ધ પળો વધુ યાદ છે. કદાચ આથી જ મા સાથે એક અણકથ્યા વિભાજનની સ્થિતિ કાયમ રહી છે.મા સાથે સીધેસીધો સંવાદનો તંતુ હું સાધી શકી નથી. માને તો એમના દરેક સંતાન માટે તો ઊંડી લાગણી હોય જ. મનેય મા માટે ખુબ જ પ્રેમ હોવા છતાં અમે સદા એક અદીઠ વાડની આજુબાજુ જ રહ્યાં છીએ. અમારી વચ્ચેની Generation Gapની ખીણ કદી પાર નથી કરી શકાઈ, છતાં પણ અમને પાંચેય ભાઈ-બહેનોને મા માટે વ્હાલ સાથે અત્યંત આદરની અને કદરની ભાવના હંમેશ રહી છે.  
(મા, અમે પાંચ ભાઈ-બહેનો અને બન્ને બહેનોનાં સંતાનો)

કોઈ પણ ફરિયાદ કર્યા વિના, માને, મેં અસંખ્ય બીમારીઓથી, કાયમ ઝઝૂમતાં જ જોયાં છે. આવા કથળેલાં આરોગ્ય સાથે પણ માને મેં પરિવારની, સામાજિક વ્યવહારની અને બાળકોના ભણતર કે ઘડતરની વ્યવસ્થા ખૂબ જ સતર્ક રહીને કરતાં જોયાં છે. એટલું જ નહીં, ક્યારેક એમાંથી પેદા થતી વિષમ પરિસ્થિતિઓને અત્યંત કુશળતાથી મેનેજ કરતાં પણ જોયાં છે.

સંયુકત પરિવારમાં સૌના ભલા માટે ક્યારેક કોઈ કઠોર નિર્ણય લેવાનો હોય તો મા કદી વિચલિત થયાં હોય કે એમનો વિશ્વાસ ડગમગ થયો હોય એવી એક પણ ક્ષણ મને યાદ નથી. જિંદગીમાં કપરા સમયે, કોણ જાણે એમનામાં ક્યાંથી ધીરજ અને કુનેહ આવતી કે તેઓ જરા પણ મૂંઝાયા વિના, વિષમ સમયમાંથી પોતે તો પાર ઊતરતાં જ, પણ સાથે, અમને સૌને પણ પાર ઊતારતાં. આજે મને થાય છે કે મા ભણ્યા હોત તો એક બાહોશ એડમિનિસ્ટ્રેટર અને કદાચ, One of the Best Entrepreneurs of the Century થાત.

મા માટે સાંભળેલી વાતોની પણ મારા પર ઊંડી છાપ રહી છે. લગ્નનાં થોડાં જ વર્ષોમાં અમેરિકા આવી જતાં, મા મારી સાથે મૂંઝવણ કે મુસીબતના સમયમાં પ્રત્યક્ષ રીતે શામિલ તો નથી થયાં પણ મનમાં રહેલી એમની મૂક મૂર્તિ મને સતત માર્ગદર્શન આપતી રહી છે.

મા જ્યારે આઠ વર્ષની હતી ત્યારે નાનાજી ગુજરી ગયા. મારા સગા નાની તો માને એક મહિનાની મૂકીને સ્વર્ગલોક સીધાવ્યાં હતાં. સાવકી મા અને સાવકા ભાઈ-બહેનોની અવહેલના અને જુલ્મોમાં માનું બાળપણ વીત્યું હતું. નિશાળે જઈને તાલીમ પામવાનો તો પ્રશ્ન જ નહોતો ઊભો થતો. છતાં પણ સાવકા ભાઈ-બહેનોની ચોપડીઓમાંથી ચોરી-ચોરી ખપ પૂરતું વાંચતા-લખતાં શીખી ગયા હતાં.

મા પોતે ગુજરાતીમાં સહી કરી શકતા અને એ સમયમાં ‘મુંબઈ સમાચાર’ માં આવતી મૃત્યુ-નોંધ જાતે વાંચી શકતાં એમાં જ એ ખુશ પણ થઈ જતાં! હું મોટી થઈ પછી એમને મજાકમાં કહેતી કે “શું મા, આટલી ફાઈટ મારીને વાંચતાં-લખતાં શીખ્યાં તો સહી કરવા અને માત્ર આ મૃત્યુ-નોંધ વાંચવા?” તો જવાબમાં કોઈ પણ છોછ અનુભવ્યા વિના કહેતાં, “બધું મોટું-મોટું વાંચવા જેવું મને નથી આવડતું, પણ આ બધું વાંચીને છેલ્લે તો જીવન સત્યથી જ જીવવાનું છે. મને મારો અંતરાત્મા કહે છે એમ, સત્યથી જીવવામાં કોઈ વાંધો આવતો નથી. મને મારા પરિવારને કેમ આગળ કરવો એનો રસ્તો કાઢવામાં પણ હજી સુધી, શ્રીજીબાવાની કૃપાથી તકલીફ પડી નથી. એટલે મારું તો કામ ચાલી જાય છે. તમને બધાંને એટલે જ તો ભણાવું છું કે તમે બધાં મારા કરતાં વધુ સારી રીતે વિચારી શકો, જીવી શકો.”

માની આ વાતનો મારી પાસે ત્યારે કોઈ જવાબ નહોતો. અને આજે જીવનની સમી સાંજના ઉંબરે આવ્યા પછી, અમેરિકાની માસ્ટર્સ ડિગ્રી અને ૪૧ વર્ષોના અમેરિકાના અનુભવ પછી પણ હું કહી નથી શકતી કે હું મા કરતાં વધુ સારી રીતે વિચારી શકું છું કે જીવી શકું છું!

મા એમના નાનપણની વાત કરતી વખતે કહેતાં કે ૬-૭ વર્ષની ઉંમર હતી ત્યારે બપોરના ઉનાળાની ગરમી ન સહેવાતાં, સાવકા નાની ડેલીનું બારણું ખુલ્લું મૂકીને, બપોરે સૂઈ જતાં. માને લાકડી આપી કૂતરું કે ગાય હાંકવા ડેલીના બારણે બેસાડતાં. ભૂલમાંયે માને ઝોકું આવી જતાં, જો કૂતરું આંગણામાં પેસતું ને નાનીની ઊંઘમાં ખલેલ પડતો તો એ જ લાકડી માના બેય હાથના Knuckles પર ફટકારતાં. પાછળથી આ ચૂરો થઈ ગયેલા આ Knucklesમાં ટી.બી થવાથી બેઉ હાથના Knuckles ઓપરેશન કરીને કાઢી નાખવામાં આવ્યાં હતાં. આ વાત મારા જન્મ પહેલાંની છે. કદાચ ઓપરેશન સમયે એમની ઉંમર ૩૨-૩૩ની હશે. મેં તો એમને કાયમ સતત ધ્રૂજતા બેઉ હાથે, કોઈ પણ પરવશતા અનુભવ્યા સિવાય કે ફરિયાદ કર્યા વિના, ઘરનું બધું જ કામ કરતાં જોયાં છે.

મને એક બીજો પ્રસંગ યાદ આવે છે. અમે મલાડમાં રહેતાં હતાં. મારી બેઉ મોટી બહેનો સાસરેથી આવી હતી અને અમે બધાં બપોરે કેરમ રમતાં હતાં. મા ત્યારે ગમગીન ચહેરે આવ્યાં અને કહે, “હું મુંબઈ જવા નીકળું છું. હમણાં જ સમાચાર આવ્યાં કે તમારી નાનીને રસ્તો ઓળંગવા જતાં અકસ્માત થયો છે. ચંદુમામાએ એમને ઘરમાંથી કાઢી મૂક્યાં છે અને એક ઓરડીમાં તેઓ એકલાં રહે છે. બિચારા એકલાં ક્યાં જશે, શું કરશે?”

મારા મોટાબેનથી બોલાઈ જવાયું, “એમણે આખી જિંદગી તમને દુઃખ જ આપ્યું છે. કદી ખોટા મોઢે પણ તમારી ખબર નથી પૂછી. શું કામ જવું છે હવે?”

માએ બહુ ટૂંકો જવાબ આપ્યો; “મનખો અવતાર મળ્યો છે તો કોઈ અજાણ્યાના દુઃખમાં પણ સામે ચાલીને મદદ કરવી. ભલે સાવકી તો સાવકી, આ મારી મા છે. સારા પ્રસંગે ન જાઉં પણ માઠાં સમયે આમંત્રણની રાહ જોઉં તો મનખા દેહને લજવું.” માએ જિંદગી આખી આ સિદ્ધાંત પાળ્યો છે અને એમનાથી જ્યારે જ્યાં કંઈ પણ મદદ થઈ શકી છે ત્યાં ચૂપચાપ કરી છે.

આજે અમેરિકામાં જુદાં જુદાં શહેરોમાં, અનેક પ્રસંગે અમારી મલાડની શાળાના વિદ્યાર્થીઓ મળી જાય અને વાતો કરતાં કેટલાંક પૂછે; “મા કેમ છે?” કોઈ પૂછે; “માસી કેમ છે?” અમે મોટાં થઈ રહ્યાં હતાં ત્યારે મલાડ નાના ગામ જેવું જ હતું. સહુ એકમેકને ઓળખે. પાછું વળતી બપોરે, મા પાસે ઓટલે બેસનારાંઓની પણ અવરજવર રહેતી. એ જોઈ મને લાગ્યું કે આ લોકો નાનાં હશે ત્યારે પોતાનાં મમ્મી સાથે, મારી મા પાસે બેસવા આવતાં હશે. એટલે આપસની ઓળખાણને લીધે પણ પૂછતાં હશે. હું કહેતી, “સારાં છે.” તો એ કહેતાં; “એમને અમારી ખાસ યાદી અને પ્રણામ લખજે હં. એમણે દસ-દસ વરસો સુધી મારી સ્કૂલ અને કોલેજની ફી ન ભરી હોતને, તો હું ભણી જ ન શકત.”

આવા એક નહીં, પણ અનેક ડોક્ટર, એન્જિનિયર કે વિવિધ વ્યવસાયના લોકો મને આજે પણ ક્યાંક ક્યાંક મળી જાય છે તો અવશ્ય, અલગ-અલગ રીતે પણ આ જ વાત કહે છે. ત્યારે મને નવાઈ લાગતી.

એ જમાનમાં અમારી શાળાની ફી તો બે રૂપિયાથી માંડીને દસ રૂપિયાની અને કોલેજની ફી બસો રૂપિયાની હતી. આ બે-પાંચ રૂપિયા પણ ગરીબ છતાં ખૂબ મહેનતુ અને હોશિયાર બાળકોના મા-બાપ ભરી નહોતાં શકતાં. આવા અનેકને માએ પ્રાથમિક અને કોલેજના ભણતરમાં મદદ કરી હતી. ભલે આ મદદ આટલી નજીવી રકમની હતી પણ એમના આ વિદ્યાદાનની તોલે કોઈ રાજા-મહારાજાનું બે-પાંચ ગામનું દાન પણ ન આવે.

બેએક વાર મેં એમને વતનમાં હતી ત્યારે આવા પ્રસંગો નામ-ઠામ સાથે કહ્યાં તો એમનો, હંમેશની જેમ, સાવ સાદો જવાબ હતો. “મેં કોઈને મદદ કરી હોય તોયે મારે તો કંઈ યાદ નથી રાખવું. ઈશ્વરે કદાચ મને નિમિત્ત બનાવી હોય તો પણ દાન આપતી વખતે મેં ક્યારેય મનમાં ચહેરાની કે વહીખાતામાં નામની નોંધ નથી રાખી. તમે પણ આટલું કરજો, ‘નેકી કર, દરિયા મેં ડાલ.”

મા, તમારી આવી શિક્ષા હોવા છતાં, આ પારકા દેશમાં મેં કોઇને મદદ કરી હોય તોય છાતી ઠોકીને હું કહી શકું તેમ નથી કે ‘મેં કોઈને મદદ કરી છે તોયે મારે યાદ નથી રાખવું…’ અથવા તો મેં મદદ કરતી વખતે મારા મનમાં ચહેરાની કે નામની નોંધ નથી રાખી. મને લાગે છે કે હું કાયમ મા કરતાં મુઠ્ઠીભેર નાનેરી જ રહેવાની!

મારા પિતાજીને – ભાઈને વાંચવાનો શોખ ઘણો. હું બચપણથી જ ઘરમાં પુસ્તકો વચ્ચે મોટી થઈ છું. ભાઈ Self-Taught હતા અને એમનું વાંચન પણ વિશાળ. રોબર્ટ ફ્રોસ્ટથી માંડીને બર્ટ્રાન્ડ રસેલ, કાલિદાસથી માંડી ટાગોર ને ઉમાશંકરથી માંડીને શિવકુમાર જોષીનું ને મહાદેવી વર્માથી માંડી પ્રેમચંદનું સાહિત્ય ઘરમાં વસાવતા. પોતે હોંશે-હોંશે વાંચતા, વાગોળતાં અને સમય મળે ત્યારે અમને એમણે જે વાંચ્યું હોય એમાંથી એમને ગમેલાં પ્રસંગો પણ ટાંકતા.

મારો જન્મ થયો ત્યારે ભાઈ અને મા તકલીફના દિવસોનો દરિયો પાર કરી ગયા હતાં. માને ભલે વાંચતાં-લખતાં વધુ આવડતું નહોતું પરંતુ જિંદગીએ અને એમની કોઠાસૂઝે માને ઘડ્યાં હતાં. આજે મને સમજાય છે કે મા ભણ્યા નહોતાં તોયે જ્ઞાની હતાં. મેં માને જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં લાચારીથી કે કાયરતાથી પીછેહઠ કરતાં કદી જોયાં નથી.

એમનો આત્મવિશ્વાસ અને આત્મસૂઝ અનોખા હતાં. પોતાની આટલી માંદગીઓ છતાં, માને મેં એમનાં જીવનના ધોરણોમાં છૂટછાટ લેતાં કે ચલાવી લેતાં કોઈ દિવસ નથી જોયાં. અમારી ઘરમાં સ્વચ્છતા, વ્યવસ્થા અને આચારના કાયદા-કાનૂનમાં એમણે કોઈ દિવસ બાંધછોડ નથી કરી. જેટલું પોતે કરે એવી જ અને એટલી જ અપેક્ષા બાળકો પાસે રાખે.

પોતે શિસ્તના ખૂબ આગ્રહી હતાં. ભાઈને આજની તારીખમાં પણ બાળકો રડે એ ક્યારેય ગમતું નથી, આથી જ, માએ અમને પાંચેયને એવી રીતે કેળવ્યાં હતાં કે મને યાદ નથી કે અમે કોઈ વસ્તુ માટે ખોટી જીદ કરી હોય કે નાહકના કજિયા કર્યા હોય. નાના હતાં ત્યારે એકમેક સાથે, ભાઈ-બહેનો જેમ લડે એમ, લડ્યાં હોઈશું પણ મા-ભાઈને ત્રાસ થાય એવું નથી કર્યું.

એકવાર અમારા ઘરના બધાં જ હેલ્પર્સ કોઈ ને કોઈ કારણસર જતાં રહ્યાં હતાં અને એક મહિના સુધી કોઈ પાછું આવે એવા આસાર પણ નહોતાં. કોઈ દેશમાં ગયા તો કોઈ બિમાર પડ્યા કે કોઈના કુટુંબમાં મૃત્યુ થયું હતું. અમારે ત્યાં એક નવા કામવાળા ભાઈ હતા જે અમારું જૂનું, મોટું મકાન સાફ કરવા આવતા હતા. સમય જોઈને એમણે પણ કામમાં વેઠ ઊતારવા માંડી. માએ એમને બોલાવીને શાંતિથી કહ્યું કે “ભાઈ, અમને આવું અસ્વચ્છ કામ પોષાશે નહીં. કાયમ જે સફાઈ થાય છે એવી જ સફાઈ જોઈએ છે. તમે મહેરબાની કરીને ધ્યાન આપીને ઝાડુ-ઝપટાં કરો.” તો પેલા ભાઈને ખબર હતી ઘરનું કામ કરવા માટે એમના સિવાય કોઈ બીજું નથી તો એમણે જરાક તોરમાં કહ્યું કે; “મારાથી આવું જ કામ થશે. કટકટ કરશો તો કાલથી નહીં આવું. કાલે મારો હિસાબ કરી આપજો.”

માએ એ જ વખતે જરા પણ ઉશ્કેરાયા વિના કહ્યું, “ઠીક છે ભાઈ, આજે અને અત્યારથી જ જતા રહો. હું હમણાં જ હિસાબ કરી આપું છું.” અને માએ એમને ઊભા થવાનું કહ્યું. પેલા ભાઈ ડઘાઈ ગયા. માને કહે, ”માજી, આટલું મોટું ઘર કોણ સાફ કરશે?” મા કહે; “એ અમારું કામ છે. ચિંતા કરવાની જરૂર નથી. અમારા સૌના ભાગે થોડું-થોડું આવશે તે કરી લઈશું.”

અમારા સહુના ભાગે તત્કાળ પુરતું થોડું-થોડું સાફસૂફીનું કામ આવ્યું. મારા મોટાભાઈને ભાગે દિવાનખાનામાં ઝાડુ-પોતાં કરવાનું કામ આવ્યું. એમને થોડો કચવાટ થયો અને એ બોલ્યા, “મા, આ એક મહિના પૂરતું જો થોડુંક ચલાવી લીધું હોત તો શું ખાટું-મોળું થઈ જાત?” માએ એમની ટેવ મુજબ ટૂંકો જવાબ આપ્યો; “થોડી વધુ મહેનત ન કરવી પડે એટલે આજે ગંદુ કામ ચલાવી લેજો અને કાલે તમારા આત્મા સાથેની બાંધછોડ પણ ચલાવી લેજો!” મોટાભાઈ છોભીલાં પડી ગયા હતા. 

માએ કદી અમને માર્યા નથી. એમની નજર ફરે અને અમે સમજી જતાં કે આગળ અમારે શું કરવાનું છે! પિતાજીને ધંધામાં સફળતા મેળવવા અને મળ્યા પછી પણ આગળ પ્રગતિ કરવા ખૂબ જ મહેનત કરવી પડી હતી. ભાઈ કાયમ કહે; “હું એકચિત્તે ધંધો કરી શક્યો એનું કારણ તમારી મા છે. એણે કદીયે વ્યવહારની, બાળકોની અને કુટુંબની રોજિંદી જવાબદારી મારા માથે નાખી નથી.”

મા ~ દમયંતિ દ્વારકાદાસ કાપડિયા

મારી અભણ માએ અમને સહુ બાળકોને ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવ્યાં, ગણાવ્યાં અને સંયુક્ત પરિવારની બધી જ જવાબદારીઓ સંપૂર્ણપણે નિભાવી. મને થાય છે કે એમણે ક્યાંથી આટલી હિંમત એકઠી કરી હશે? કોણે એમને માર્ગદર્શન આપ્યું હશે? બાળઉછેરના વિજ્ઞાનથી સદંતર અજાણ છતાં કોઈ જાતની બૂમો પાડ્યા સિવાય અને હાથ ઉપાડ્યા સિવાય એમણે અમારા સહુમાં સંસ્કારનું સિંચન સાવ સહજતા અને સરળતાથી કર્યું. આજે આટલી બધી બાળઉછેરની જાણકારી હોવા છતાં અને ઉચ્ચ ભણતરને લીધે મળેલી So Called સમજણ હોવા છતાં, મને લાગે છે કે કાશ, હું મારાં બાળકોનો ઉછેર મારી મા જેટલી સહજતા અને સરળતાથી કરી શકી હોત.

મા પોલિટિશિયન, મુત્સદી અને જબરા ગણાતાં. પોતાનાથી થતી બધી જ મદદ સૌને કરે. પોતે કોઈનું નુકસાન ન કરે પણ કોઈનેય પોતાના ઘર, વર કે બાળકોના ભણતર કે ઘડતરનું નુકસાન પણ ન કરવા દે. જ્યારે ભાઈ સ્પષ્ટવક્તા, નિખાલસ અને પ્રખર બુદ્ધિજીવી ગણાતા. ભાઈ પોતે ભણવામાં ખૂબ હોશિયાર પણ ઘરના સંજોગોને કારણે એમને શાળા ૧૫ વર્ષની ઉંમરે ત્યજવી પડી હતી.

મા અને ભાઈ બેઉ કાયમ એક એકમ હતા. બેઉ સત્યને હૈયે અને વર્તનમાં રાખીને આજ સુધી જીવ્યાં છે. ભાઈ પોતે કદી ખોટું ન કરતાં અને કોઈ કરે તો એમનાથી પોતાને અલગ કરી દેતા અને કડવું સત્ય કહેતાં અચકાતાં નહીં. મા સત્ય કહેતાં પણ સાચા સમયની રાહ જોઈને કહેતા. મા પોતાને જે કહેવું હોય તે નિર્ભયતાથી કહી દેતાં પણ સાચા સમયે કહેતાં જેથી એમના બોલની કિમત વધુ થતી.

અમારા પાંચેય ભાઈ-બહેનોમાંથી માની નિર્ભીકતા, સમયની સમજણ અને મુત્સદીપણું મારામાં સૌથી ઓછાં આવ્યાં છે. જ્યારે હું ભાઈની નિખાલસતા, સ્પષ્ટવક્તાપણું સાથે માના આ ગુણો આત્મસાત કરી શકીશ ત્યારે અત્યારે પણ અનેક કપરા પ્રસંગોમાં હજુયે અનુભવાતી હ્રદય અને મનની અસંવાદિતામાંથી ઊગરી શકીશ. ત્યાં સુધી દિવાદાંડીની જેમ મા પાસેથી દિશાનો પ્રકાશ પામતી રહું તોયે મારી જાતને ધન્ય સમજીશ.

(આ લેખ ૧૯૯૪માં “ગુર્જરી ડાયજેસ્ટ” ના માતૃદિન વિશેષાંક માટે ખાસ લખ્યો હતો. મા આજે હયાત નથી. મને જે મોટીબહેને લાડકોડથી મા જેટલું જ વ્હાલ આપીને મોટી કરી હતી, એ મોટીબહેન પણ આજે નથી. એ બેઉને મારી અશ્રુભરી શ્રદ્ધાંજલિ. તમે જ્યાં પણ હો, હેપી મધર્સ ડે મા. હેપી મધર્સ ડે ભાનુબહેન.)  

આપનો પ્રતિભાવ આપો..

7 Comments

  1. NICE ARTICLES BY JAYSHREE BEN FOR HER MOTHER & SISTER, BROTHER. THAT TIME WAS GONE. NOW THE TIME IS SELFISHNESS. MA NI SAMAZ -SHAKTI BHANYA VINA TOP UPER CHE. BHANYA HOT TO AJ SAMAYA MA COMPANY ‘S CEO. HAPPY MOTHER’S DAY.

  2. ૨૭ વર્ષ પછી ફરી આ લેખ વાંચી આનંદ થયો. તમે નિખાલસતાથી માનું ચિત્ર રજુ કર્યું છે અને એ જમાનામાં આપણા માતાપિતા ભણેલા ન હોવા છતાં જીવનમૂલ્યોની જાળવણી કેવી સરસ રીતે કરતા હતા એ પાઠ શીખવા જેવો છે.

  3. જયશ્રીજીનુ મા નુ મધુરુ મધુરુ શબ્દચિત્ર માણી આનંદ

  4. માતાની ચિત્તાકર્ષક છબી જયશ્રીબેને શબ્દચિત્ર દ્વારા આપી.