હવે તો બહુ થયું કિરતાર (લેખ) ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે

કેટલાંક દુઃસ્વપ્નો લાંબી નવલકથાની જેમ લંબાયા જ કરે છે. હરકિસન મહેતા કે અશ્વિની ભટ્ટ જેવા જબરદસ્ત લેખકોની નવલકથાના હપ્તા વાંચવા વાચકો રીતસરના ટળવળતા. કોરોનાની નવલકથાને કારણે આ ટળવળવું તરફડવું અને ફડફડવું બની ગયું છે. ઘેર ઘેર માટીના ચૂલા કહેવતની બદલે ઘેર ઘેર કોરોનાના ઝૂલા કહેવું પડે એવી અનિશ્ચિત સ્થિતિમાં આપણે ઝૂલી રહ્યા છીએ. સુધીર પટેલની પંક્તિઓથી વિપરીત અવાંછિત મહેમાનને એન્ટ્રી ન મળે એવી દુઆ કરીએ…
કોઈ બનાવે ઘર અહીં એ પૂરતું નથી
ચાહું કે એ ઘરને કો મહેમાન પણ મળે

ઉપર ઉપરથી લાગશે એ શાંત બહુ ‘સુધીર
ભીતર જશો તો સામટા તોફાન પણ મળે 
અઠંગ હત્યારાની જેમ હવે કોરોનાનો ઝેણકો વાઈરસ ફેફસાં પકડી લે છે જેની જાણ પ્રારંભિક તપાસમાં મિ. ઈન્ડિયાની જેમ અદૃશ્ય રહેતી જણાય છે. એક ઓરડામાં એકાંતવાસ ભોગવતા દરદીની સ્થિતિ અચાનક ખરાબ થઈ જાય ને ઘરવાળાને પણ મોડી ખબર પડે એવી લાચારી અજગરની જેમ ભીંસ વધારી રહી છે. એમાં પણ ગૂંચવણ ઊભી થાય અને જિંદગી વેન્ટિલેટરને સમર્પિત કરી દેવી પડે. સ્વજન કે પરિચિતનું દુઃખદ અવસાન જેમણે જોવું પડ્યું છે તેમને ગૌરાંગ ઠાકરની વેદના વિશેષ સમજાશે…
વાયરો ને વહેણ તો સંમત હતાં
વહાણને જૂનો સુકાની બહુ નડ્યો

વાત કરવી એને બહુ ગમતી હતી
ભીંત પર પોતે છબી થઈને રહ્યો

કવિ સંદીપ ભાટિયાની સદાબહાર પંક્તિ કાનમાં વિષાદગ્રસ્ત સૂરો સાથે ઘૂમરાઈ રહી છેઃ માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય, એ કંઈ જેવીતેવી વાત નથી. જિંદગીને અકાળે આથમતી જોવાનું દુઃખ આંખો ઉપર ઉઝરડા પાડે છે. વિધિની વક્રતા એવી છે કે સદ્દગતના અંતિમ સંસ્કારમાં પણ સમાધાનો કરવાં પડે. સ્વજનની અંતિમ વિદાય વખતે પરિવારની હાજરી પણ શક્ય ન બને. ચિનુ મોદી કહે છે એવું મૌન અકળાવનારું બની શકે…
સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ?
જીવવા માટે બહાનું જોઈએ
એક જણ સાચું રડે તો બહુ થયું
મૌન ક્યાં આખી સભાનું જોઈએ?
સ્વયંસેવકો સન્માનપૂર્વક અજાણ્યા જણની અંતિમવિધિ પાર પાડે એવા સમાચાર આપણે છાપામાં વાંચીએ છીએ. આવા વિરલાઓ સમાજને જીવાડે છે. કોઈ ઓળખાણ વગર માત્ર ને માત્ર માનવતાને નાતે થતું આ કાર્ય ભગવદ્દકર્મ છે. આપત્તિમાં સંપત્તિ પણ કામ નથી આવતી એ આપણે જોઈ લીધું. ગમે એટલી પહોંચ હોય તોય એ ટૂંકી પડે છે તેનો અનુભવ પણ કરી લીધો. હજી તો સેકન્ડ વેવ ઓસરી નથી ત્યાં થર્ડ વેવની વાતો થવા લાગી છે. પરશુરામ ચૌહાણ કહે છે એ સાચું પડે એવી કામના કરીએ…
નગર આખું હવે ઘરમાં પૂરાયું છે ઘણા દિવસે
ને ખાલીખમ બધા રસ્તાઓ ભેગા થાય શેરીમાં

મળ્યા છે જે સમાચારો એ અફવા હોય તો સારું
વકરશે બહુ હજી વાવર અહીં ચર્ચાય શેરીમાં 

છેલ્લા થોડાક દિવસમાં આપણે કવિ આશિત હૈદરાબાદી, ગુણવંત ઉપાધ્યાય અને ચિરાગ પાધ્યાને ગુમાવ્યા. યાદીમાં નામ ઉમેરાતાં જોઈને હૈયામાં ધ્રાસકાઓ પડે છે. કોણ ગયું એ પ્રશ્નનો જવાબ હૃદયદ્રાવક પુરવાર થઈ રહ્યો છે. ‘હવે તો ભગવાન બચાવે’ એવું આપણે કહીએ છીએ. તો સામે શંકા એ છે કે આ મહામારી પણ તો ભગવાને જ મોકલી હશેને! શ્રદ્ધા કસોટીએ મૂકાય એવા માહોલમાં પ્રશાંત સોમાણીની વાત ગળે ઉતારવી રહી…  
કંકર ને શંકર છે એક જ
ફર્ક પડે શ્રદ્ધાની વચ્ચે

બહુ મોટું અંતર છે, વ્હાલા
કરશું ને કરવાની વચ્ચે 

આપણે ઘણું વિચારીએ કે સમાજ માટે કશુંક કરીએ. સોનુ સુદે જે કામ કર્યું એ આપણે કેમ ન કરી શક્યા? અન્નદાન, રક્તદાન, રૅશન સહાય, ટિફિનસેવા વગેરેમાં આપણે કેમ યોગદાન ન આપી શક્યા? એવું લાગે છે કે સેવક બનવા માટે પણ ઈશ્વરની કૃપા હોવી જોઈએ. સંવેદનની સચ્ચાઈ ઘણીયે વાર નક્કર પ્રયાસો અને પરિણામો નથી બની શકતી એ સચ્ચાઈ સ્વીકારવી રહી. બધા ઠેકડો ન મારી શકે. છતાં સંવેદન હોવું એ નાનીસૂની વાત નથી. કમ સે કમ સાચા દિલથી પ્રાર્થના કરી શકીએ તો એ પણ નાનું યોગદાન ગણાય. રાજેન્દ્ર શુક્લ એવી અવસ્થાની વાત કરે છે જે આધ્યાત્મિકતાની અટારીએ પહોંચીને કદાચ સમજી શકાય… 
એવોય કોક સૂરજ કે ઊગવા ન ઈચ્છે
ના આથમે કદી, બહુ ઝળહળ થવા ન ઈચ્છે

ઝીલી શકો કશું તો સદભાગ્ય એ અચિંત્યું
વ્હેતો પવન કશુંયે આલાપવા ન ઈચ્છે

ક્યા બાત હૈ!

બહુ થયું કિરતાર!
હવે તો બહું થયું કિરતાર 
વહેણ વચાળે ડૂબવા લાગ્યા લોકો અપરંપાર!
હવે તો બહુ થયું કિરતાર!

સુખદુઃખનાં પલ્લામાં પગને 
કેમ કરી ટેકવવા? 
મત્સ્યવેધની અહીં અપેક્ષા 
કેમ કરો ગિરધરવા? 
કરવત જેવી તલવારોને બન્ને બાજુ ધાર!
હવે તો બહુ થયું કિરતાર!

આજકાલ તો બચી ગયેલાં 
પાંખ વગરનાં પંખી 
ઉપરથી પહેરાવી એને 
એકલતાની બંડી 
ચાર દીવાલો વચ્ચે મહોરે ધગધગતા અંગાર!
હવે તો બહુ થયું કિરતાર!

– ગુણવંત ઉપાધ્યાય
(અંતિમ ગીત, અવસાનઃ ૪ મે ૨૦૨૧)

આપનો પ્રતિભાવ આપો..

7 Comments

 1. ખૂબ જ સંવેદન-સભર લેખ! ખરે જ હવે તો બહુ થયું કિરતાર!

 2. વાયરો ને વહેણ તો સંમત હતાં
  વહાણને જૂનો સુકાની બહુ નડ્યો….

  Need for the captain to be replaced because captain has lost ability to look at to the radar and listen to the whistles of accidents. We keep on praising the captain for too long as the greatest captain of the world.. but he is hitting the iceberg and sinking the boat. Stop praising, defending, and protecting him. Let us take control and replace him for survial.

 3. શ્રી હિતેન આનંદપરાનો-‘ હવે તો બહુ થયું કિરતાર’ સંવેદનશીલ લેખ
  આજકાલ તો બચી ગયેલાં
  પાંખ વગરનાં પંખી
  ઉપરથી પહેરાવી એને
  એકલતાની બંડી
  ચાર દીવાલો વચ્ચે મહોરે ધગધગતા અંગાર!
  હવે તો બહુ થયું કિરતાર!
  સ્વ ગુણવંત ઉપાધ્યાય ની વાત સંભળા ઇ નહીં અને તેઓ પણ કોવિદમા ગયા

 4. આ ખાલીપો હવે ખટકવા લાગ્યો છે
  હે ભગવાન હવે
  અટકાવ