જો રહેશે તો મળીશું (ગઝલ) ~ રશીદ મીર (અવસાન: ૧૧ મે ૨૦૨૧)

ઉપવન મહીં નિવાસ જો રહેશે તો મળીશું
આ રંગ ને સુવાસ જો રહેશે તો મળીશું
છે એટલો વિશ્વાસ જો રહેશે તો મળીશું
આ શ્વાસ ને ઉચ્છવાસ જો રહેશે તો મળીશું
તારી જ આસપાસ જો રહેશે તો મળીશું
મળવાની લગન ખાસ જો રહેશે તો મળીશું
કળીઓ તો ઉઘડવાને છે આતુર અહર્નિશ
ઝાકળના સમી પ્યાસ જો રહેશે તો મળીશું
રસ્તામાં વળાંકો તો ઘણાં આવતા રહેશે
આ આપણો પ્રવાસ જો રહેશે તો મળીશું
અંધારની ભ્રમણામાં સતત જાગતા રહીશું
કે ભોરનો ઉજાસ જો રહેશે તો મળીશું
રહેવાના સમું જગ તો હવે મીર ક્યાં રહ્યું?
પયગંબરી લિબાસ જો રહેશે તો મળીશું
~ રશીદ મીર (વડોદરા)
છે એટલો વિશ્વાસ જો રહેશે તો મળીશું
આ શ્વાસ ને ઉચ્છવાસ જો રહેશે તો મળીશું
રશીદ મીર જી
સમય જિંદગીનો ઓછો હશે ક્યાં ખબર હતી,
વિદાય તમારી અણધારી હશે એ ક્યાં ખબર હતી,
સર્વત્ર સુવાસ ફેલાવી સંભારણા સૌના દિલમાં રાખી ગયા.
પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના
શ્વાસ ને ઉચ્છવાસ રહેશે તો મળીશું- એ કવિતાને બદલે વાસ્તવિક ઉદગાર બની ગયો.ડૉ.રશીદ મીરને સ્નેહાંજલિ.