પુનરાવર્તન (સોનેટ) ~ જશવંત દેસાઈ ~ છંદગાન: જ્હોની શાહ

આજેય એ સ્મરણ શૈશવનુંઃ પિતાજી
દાદાતણી છબિ વિશાળ કરે ગ્રહીને
ઊભા હતા લઘુક મેજ પરે, દીવાલે
લંબાવી હસ્ત છબિ ગોઠવી દીધ, શીર્ષ
નીચું નમ્યું, ચખથી મોતીની સેર… ગેહે
વ્યાપી ગયો ઘડીક તો ઘન અંધકાર
એ એ જ દૃશ્ય ફરી આજ, નટો પરંતુ
જુદા, જૂની છબિ ખસી આવ પાર્શ્વ ખંડે
હું ગોઠવું છબિ પિતાજીની ખાલી સ્થાને
ને ભક્તિપૂર્ણ હૃદયે રહું વંદી તાત.
આ એ જ આંસુ નયને, ઉર એ જ ડૂમો
ને ઊંડી કો ગમગીની તણી એ જ છાંય
બે દાયકા સરકતા ક્ષણ અર્ધમાં ને
હું જોઉં દૃશ્ય ફરી એ જ…

~ જશવંત દેસાઈ   

Leave a Reply to Jayshree Merchant Cancel reply

2 Comments

  1. ત્રણ પેઢીને આવરી લેતી શૃંખલાની શાશ્વત સચ્ચાઈ હ્રદયની આરપાર ઊતરી ગઈ.

  2. શ્રી જશવંત દેસાઈ નુ પુનરાવર્તન (સોનેટ) નુ જ્હોની શાહ દ્વારા મધુર ગાન