બે કાંઠાની અધવચ (નવલકથા) પ્રકરણ: ૪૦ ~ પ્રીતિ સેનગુપ્તા
ઇટાલિનું વૅનિસ શહેર સદીઓથી ફાઇન ગ્લાસ-મેકિન્ગને માટે વિશ્વભરમાં વિખ્યાત છે. કૉન્સ્ટૅન્ટિનોપલથી છેક વૅનિસમાં, તેરમી સદીથી આ કાચ-કળા આવી, અને પછી તો ખૂબ વિકસી.
કહેવાય ‘વૅનિશિયન ગ્લાસ’, પણ પછી, એ બનવા માંડ્યો નજીકના, મુરાનો નામના, નાના ટાપુ ઉપર. પણ શું આ કાચ, શું એની શોભા, અને શું એની નાજુકાઈ.
નાનેથી મોટી અસંખ્ય વસ્તુઓ, તપાવેલા કાચને ફુલાવી-મ્હલાવીને બનવવામાં આવે. જો બરાબર સંભાળો ને સાચવો નહીં, તો જરાકમાં તડો પડે, ને તરત તૂટી પણ જાય.
સુજીત બિચારો વૅનિસ ગયો તો નહતો જ, પણ એને આ વિશિષ્ટ ગ્લાસ વિષે કશી ખબર પણ નહતી. એ તો એટલું જ જાણવા લાગેલો, કે આ હૃદય કાચનું જ બનેલું હોવું જોઈએ, નહીં તો, એમાં જરાકમાં, કેવી રીતે પડે આટલી તડો?
એણે ઊંડી આશા સાથે, અને તીવ્ર સ્નેહ અનુભવતાં, એ પરબીડિયું ખોલેલું. સચિનના બે-ચાર શબ્દોએ એને તાર્યો હોત, પણ એમાં, ફક્ત બિનઅંગત જેવો એક ચેક જોતાં, એ ઘોર નિરાશામાં ડૂબવા લાગ્યો.
છોકરો ખબર પૂછી નથી શકતો, પણ પૈસા મોકલતાં અચકાતો નથી?
સાવ ભિખારી જેવો થઈ ગયેલો માનતાં હશે, બધાં મને?
આમ ને આમ હૃદય ચૂર ચૂર થતું રહેશે મારું, અને છેલ્લે રહેશે ફક્ત, એક ખોબામાં આવે તેટલી, કાચની ભૂકી. છેક ત્યારે જ નિરાંત થશે, આ લોકોને?- મારા આ કહેવાતા કુટુંબને?
મહિનાએક પછી ખલીલે સચિનને ફરી ફોન કરેલો.
હા બોલ, ખલીલ. પાપા મળે છેને? કેમ છે એ? એમને કહેજે, કે હું આવતે મહિને આવી જાઉં છું ન્યૂયૉર્ક. મારી નોકરીનું પાકું થઈ ગયું છે ત્યાં.
સચિન, અંકલ તો —
શું? શું થયું એમને?
તારા બંને ચેક મારી પાસે છે. પહેલું કવર ખોલ્યું હતું એમણે, પણ બીજું તો, ખોલ્યું પણ નથી. હવે તું બંને ચેક કૅન્સલ કરાવી દેજે.
પણ કેમ — કેમ નહીં ખોલ્યું હોય? કેમ નહીં વટાવ્યો હોય એક્કે ચેક એમણે?
છેક હવે સચિનને ખ્યાલ આવ્યો, કે કેટલી મોટી ભૂલ થઈ હતી એનાથી. આમ તે ચેક મોકલાતો હશે? એણે જાતે જ જવાનું હોય. તરત જ. ચેક આપવા જ નહીં, પણ પાપાને મળવા, એમને ભેટી પડવા. ને મેં તો એક ચીઠ્ઠી પણ સાથે લખી મોકલી નહીં.
કોઈ પણ સ્વમાની વ્યક્તિ ના સ્વીકારે આવી ભીખ.
ખલીલે આગળ કહ્યું, અને સચિન, અંકલે લિમોઝીન કંપનીની નોકરી છોડી દીધી છે. એ ક્યાં જતા રહ્યા, તે હવે કોઈ જાણતું નથી.
દોડતાં દોડતાં એ કોઈ દીવાલ સાથે અથડાઈ પડ્યો હોય, એવું સચિનને લાગ્યું. હવે આગળ કેવી રીતે જવાનું? એ જાણે માંડ માંડ મોટો થયો હતો, જવાબદાર ઍડલ્ટ બન્યો હતો. હવે એને પોતાની પાછલી ભૂલો દેખાતી હતી, અને એમને સુધારવા એ તત્પર હતો.
માંડ માંડ એ તક મળી, ને એની પોતાની મૂર્ખામીને કારણે, પાછી છૂટી પણ ગઈ.
પાપાની સાથે સંપર્ક કરવાનો સંજોગ બન્યો હતો, કેટલો નસીબદાર થયો હોત પોતે, જો એ સંજોગને સાચવી લઈ શક્યો હોત.
સચિન મૅચ્યૉર બન્યો, ઇન્વૅસ્ટમૅન્ટ બૅન્કિન્ગ જેવા મહત્ત્વાકાંક્શી ક્શેત્રમાં સફળ થયો, પણ અંગત શરમ, અને પાપાની ગેરહાજરીની નિરાશા, એના દિલમાંથી ખાલી ના થઈ શકી.
એના મનના એક ખૂણામાં કટુતા આવી વસી, ને એ હંમેશાં વ્યક્ત થતી રહી એની આઇની દિશામાં.
કેતકીની સાથે સચિન, આનંદથી અને આરામથી, ક્યારેય વાત કરી ના શકતો. કેતકી પ્રયત્ન કરતી – વહાલનાં વાક્યો, નારકોળના લાડુનાં પાર્સલ, તહેવાર પર શુભેચ્છા, એને ખુશ કરવાની મહેનત- પણ એ બધું શિલાઓ પરથી સરકી જતા પાણી જેવું હતું.
અંજલિની સાથે પણ, સચિનને આત્મીયતા નહતી. સચિન હંમેશાં, પાપાની સાથેના નાનપણના પ્રસંગો યાદ કરતો, યાદ કરીને ખુશી અને ગ્લાનિ બંને અનુભવતો. અંજલિ પાપાનું નામ પણ ના દેતી. એ તો હંમેશાં પાપાની હાંસી કરતી રહેતી હોય, જૂની યાદોના એના ઉલ્લેખો પર કટાક્શ કરતી રહેતી હોય.
માતા અને સંતાનો- ત્રણેય રહેતાં જુદાં, ને મળવાનું ભાગ્યે જ થતું. ક્યારેક કૉન્ફરન્સ કૉલ થતા, ને ત્યારે પણ ભાઈ-બહેન ઉતાવળમાં જ હોય. કેતકી વિચારોમાં અટવાઈ જાય, તો ફોન મૂકી દઈને બંને ચાલવા માંડ્યાં હોય.
કેતકીએ પોતે સાધારણ જિંદગીની આશા રાખી, અને આ બધી બાબતોનો સામનો કર્યા કર્યો. સંતાનો તરફથી મળતી કટુતા અને ઉપેક્શાથી યે વધારે, એનું મન પીડાતું રહેતું, પોતે સુજીતને કરેલા અન્યાયના ભાનથી.
કાળક્રમે એણે સુજીતને માફ કરી દીધેલો, બલ્કે ગુનેગાર તો એ પોતે જ હતી. એ વખતે, મહેશભાઈએ અને બાપ્સે આપેલી સલાહ માની નહીં. થોડી પણ માનવીયતા હું દાખવી ના શકી, જેની સાથે પચીસ વર્ષ ગાળ્યાં હતાં, તે માણસની પ્રત્યે.
કદિ પણ મને સુજીતની માફી મળી શકશે?
ક્યાંથી?, કઈ રીતે?, સુજીત ક્યાં છે, તે તો કોઈ જાણતું નથી.
કેતકીને પેલી નવી નોકરી મળી ગયેલી. એ કંપની મોટી હતી, મૉડર્ન હતી, કામ સારું હતું, અને કામ કરનારાં પણ સારાં હતાં. હવે એ નિરાંતે સ્કર્ટ-બ્લાઉઝ જેવાં મૉડર્ન કપડાં પહેરી શકે તેમ હતી. પણ કશામાં કશો ફરક, જાણે હવે પડતો નહતો.
આગલી નોકરી, એણે પાર્ટ ટાઇમના હિસાબે, ચાલુ જ રાખી. જે લોકો જાતે ના કરી શકે તેમ હોય તેમનાં ફૉર્મ ભરી આપવાનું કામ, ફક્ત ટૅક્સની સીઝનમાં, વર્ષના ત્રણેક મહિના માટે પણ કરી શકાય તેમ હતું.
શરૂઆતમાં જ, એવી સલાહ એને આપેલી તો સુજીતે જ, પણ ત્યારે તો—
હા, સુજીતે અમુક બાબતોમાં કન્ટ્રોલ રાખ્યો હશે, પણ બીજું કેટલુંયે, એણે કેતકીના વિકાસ માટે, કુટુંબના હિત માટે જ કર્યું હતું.
મેં એની નબળાઈ પર જ ભાર મૂક્યો. એને આધાર આપવાને બદલે એને છેહ દીધો.
વર્ષ પછી વર્ષ નીકળતાં જતાં હતાં, ને તોયે, જે ભૂતકાળથી કેતકીને ભાગવું હતું, બચવું હતું તે, આવા વિચારો અને પસ્તાવાના રૂપમાં, એની સાથે ને સાથે જ રહેતો હતો.
બાપ્સ અને માઇની એને ઘણી ઓથ રહી આ સઘળાં યે વર્ષો દરમ્યાન. ફોનમાં વાત તો રોજ થતી, અને દરેક વીક-ઍન્ડમાં કેતકી એમને મળવાનું ચૂકતી નહીં. આમે ય, બીજું કરવાનું યે હવે શું હતું?
સચિનની જેમ અંજલિ પણ, પહેલી જ તકે ઘર છોડીને નીકળી ગઈ હતી. એણે ભણવા માટે થોડી સ્ટુડન્ટ લોન લીધી, બાકીના ખર્ચા માટે થોડી સ્કૉલરશિપ મળી. ને અહીં તો, નાની નોકરીઓ પણ મળતી જ હોય છે.
એણે કહેલું, કે એ અને સૅફ્રૉનિયા એક રૂમમાં રહેવાનાં હતાં. પણ કૉલૅજના કૅમ્પસ પર ગયા પછી કોણ શું કરતું હોય, તેની ખબર પૅરન્ટ્સને તો પડતી જ નથી હોતી. દરેક ઇન્ડિયન પૅરન્ટ્સ તો, પોતે હેરાન થઈને પણ, સંતાનનું ભલું જ ઇચ્છે.
કેતકીનો પ્રેમ, સચિન અને અંજલિને માટે, કદિ પણ ઘટવાનો નહતો.
કેતકી અને દેવકીએ થઈને, બાપ્સ અને માઇને એક વાર દેશ જવાની ટિકિટ લઈ આપી હતી. બંનેને ગમ્યું તો ઘણું, પણ ના પણ ગમ્યું ત્યાં. હવે ખૂબ ગંદકી લાગી ત્યાં, ભીડ અને ઘોંઘાટ સહન ના થયાં ત્યાંનાં. ઉપરાંત, ઘણાં ઓળખીતાં પણ હવે રહ્યાં નહતાં.
એથીયે વધારે, એમનું ઘર દીજીની ગેરહાજરીથી નિર્જીવ બનેલું હતું. ઘર એકલું એકલું રહીને સાવ નિસ્તેજ અને જર્જરિત થઈ ગયું હતું. બંનેનો જીવ સતતબળ્યા કર્યો.
બંને દીકરીઓની સાથે અમેરિકામાં રહેવાનું કેટલું વધારે સહેલું અને નિરાંતનું હતું, તે એ બંને હવે સમજ્યાં.
પણ અમેરિકા પાછાં આવી ગયાં પછી, થોડા જ મહિનામાં, અચાનક, સહેજ જેવી માંદગીમાં બાપ્સ ચાલી નીકળ્યા ત્યારે, નિરાંતના એ ભાવમાં મોટી ખાઈ ઊભી થઈ ગઈ. કેતકીને તો, બાપ્સને ક્યારેક દુઃખી કર્યા હશે, ને એમની સલાહ નહતી માની, એ સ્મરણો પણ ઉદાસ કરતાં રહેતાં હતાં.
માઇ તો સાવ નંખાઈ જ ગયાં હતાં. પંચાવન વર્ષોથી બંને સાથે હતાં, અને પરીણિત દંપતી તરીકે ખૂબ સુખી હતાં. હવે મારે પણ જીવીને શું કરવાનું?, માઇ કહેવા લાગેલાં.
દેવકીની સાથે ચર્ચા કર્યા પછી, કેતકીએ નોકરી પર રજા મૂકી, ઇન્ડિયા જવાની બે ટિકિટો ખરીદી, અને માઇને ફરી એક વાર ઇન્ડિયા જવા પરાણે તૈયાર કર્યાં.
એમનું ઘર તો એમાં રહી શકાય તેવી હાલતમાં હતું જ નહીં. બંને હોટેલમાં રહી શક્યાં હોત, અને હા, દુઃખી પણ થયાં હોત, કે તો ઇન્ડિયા આવ્યાં એનો અર્થ શું?
પણ નીલુએ બંનેને પોતાને ત્યાં રહેવા ઇન્વાઇટ કર્યાં. તુકી, તું અને માઇ હોટેલમાં રહો, તો અમને પણ એટલું જ દુઃખ થાય, હોં.
કેતકીએ પોતાના જૂના ઘરની હાલત જોઈ, અને નક્કી કર્યું, કે હવે લાગણીશીલ થવાનું નિરર્થક છે. આ ઘરમાં કોઈ કદિ રહી નહીં શકે. એ ગમે ત્યારે તૂટી કે ખરી પડે એમ છે. તેથી, ઘરને વેચી જ નાખવું પડે.
રસોડામાંનાં સ્ટીલનાં વાસણો, ઘેર પિંજાવેલી રજાઇઓ, અને દીજીના સારા રહેલા સાડલા, વગેરે ચીજો આસપાસ કામ કરવા આવતી સ્ત્રીઓ લઈ જશે. જે ફર્નિચર સારું રહ્યું હોય તે પણ આપી દેવાનું. ઘોડા પર ગોઠવાયેલી રહેલી ચોપડીઓમાં તો સખત ઊધઇ લાગી ગયેલી, ને ફેંકી જ દેવી પડે એમ હતી. એમાંની એક ‘ગીતાંજલિ’ હતી. એની હાલત જોઈને તરત કેતકીને રડવું આવી ગયું.
હાય, આટલાં વર્ષો પછી યે? જીવનમાં આટલું વીતી ગયું, ને તે પછી યે વિકાસની યાદ પર આંસુ વહી આવે છે? માઇને એમ, કે ઘરની હાલત પર રડે છે તુકી. એમની પોતાની આંખો પણ વહેતી જ હતીને.
નીલુના મામાના દીકરાએ જ ઘરને વેચી દેવામાં મદદ કરી. કેતકી અને દેવકીને કોઈ લોભ નહતો. એમને આ કામ પતાવી દેવું હતું. જે પૈસા મળ્યા, તે બાપ્સના નામે, બંને બહેનોની સ્કૂલમાં દાન કરી દેવાયા. એમનો ઉપયોગ ગરીબ ઘરની છોકરીઓના શિક્શણ માટે કરવાનું નક્કી થયું.
માઇના કહેવાથી કેતકીએ સુજીતને ઘેર તપાસ કરી હતી. એના ફાધર હવે નહતા રહ્યા. એકલો પ્રજીત જ હવે ત્યાં રહેતો હતો. કેતકીને જોઈને કહેવા માંડ્યો, ભાભી, તમે સુજીતભાઈને કહેજો, કે જ્યારે અહીં ફરવા આવે ત્યારે, મારે ત્યાં, મારા મહેમાન બનીને જ, રહે થોડા દિવસ.
એ ઘર પણ સુજીતનું નહતું રહ્યું.
મોટી પછાડ ખાધી હોય તેમ, હવે કેતકીને લાગ્યું, કે સુજીતના અત્યારના દુર્ભાગ્યનું મોટું કારણ એ પોતે જ હતી, નહીં કે એનો વંશ.
ફરી ક્યારેય સુજીત ઇન્ડિયા નહીં આવી શકે. કશું જ નથી રહ્યું અહીં, એનું હોય એવું. પણ સુજીતનું પોતાનું કહેવાય એવું, કશુંયે, ક્યાં રહ્યું હતું? અહીં કશું નહતું, તો ત્યાં પણ ક્યાં કશું રહ્યું હતું એનું?
ન્યૂયૉર્કમાં, એક દિવસ, સાવ અચાનક જ, જે ફોનનો જવાબ રૉબર્ટે આપ્યો, તે ફોન સુજીતનો હતો.
અરે, સુજીત, કેમ છે? ક્યાં છે આટલા વખતથી? શું કરે છે?, જેવા પ્રશ્નો રૉબર્ટથી પુછાઈ ગયા.
સુજીતે વામાના ખબર પૂછ્યા.
વામા મઝામાં છે. હવે તો ઇફી ખરીને.
સુજીત ગુંચવણમાં પડ્યો હશે. ઇફી? એટલે અંગ્રેજીના ‘ઇફ’ શબ્દનું ઇફી? હવે વામા ઇફી છે?
ઓહ, ના, ના, રૉબર્ટ હસી પડ્યો. સૉરી, મારે તને સરખો જવાબ આપવો જોઇતો હતો. આઇ મીન, કે વામા આજકાલ ઇફીમાં, એટલેકે અમારી દીકરી ઈફિજૅનાયામાં, બિઝી રહે છે.
ઈફિજૅનાયા? ઓહ, દીકરી? વામા ઇઝ એ મધર નાઉ? વૅલ, કૉન્ગ્રૅચ્યુલેશન્સ, તમને બંનેને. તો તો હવે તમારું કુટુંબ બન્યું કહેવાય. ચાલો, ઘણી ઘણી શુભેચ્છાઓ.
પણ સુજીત, તેં ફોન કર્યો, તે શેને માટે?
ઘણા સંકોચથી, અને એમને ડિસ્ટર્બ કરવા બદલ ઘણી માફી માંગતાં, સુજીતે એક વાર રૉબર્ટ સાથે મળવાની વાત કરી.
હા, ચોક્કસ મળીએ.
પણ આપણે બંને જ.
રૉબર્ટ સમજી શક્યો, કે સુજીત વામાને મળવાથી સંકોચાતો હતો. અનહદ શરમ જ અનુભવતો હતો, તે સ્પષ્ટ હતું. વર્ષો પહેલાંની એ વર્તણૂંકને કારણે હશે? ના, ના, આટલા બધા વખત પછી, એમ તો ના હોય. તો પછી, એના જીવનની બીજી કોઈ બાબત હશે?
વામા અને રૉબર્ટને, કેતકી અને સુજીતના જીવનમાં જે બધું ઘટી ગયું, અને સુજીત પોતાને કેવો નિષ્ફળ ગયેલો સમજતો હતો, વગેરે વાતની કશી ખબર નહતી. ચંદાબહેને સુજીતને મંદિરમાં અસ્તવ્યસ્ત દેખાવે જોયો હતો, તે જ જાણ હતી.
કદાચ, સુજીતને ફરી કશી સલાહ જોઈતી હતી? જે હોય તે, પણ રૉબર્ટે એની સાથે દિવસ અને ટાઇમ નક્કી કર્યા. સુજીતે ફોન મૂક્યો તે પછી રૉબર્ટને ખ્યાલ આવ્યો, કે સામે એનો ફોન નંબર નહતો લીધો.
( ક્રમશઃ)