બે કાંઠાની અધવચ (નવલકથા) પ્રકરણ: ૪૧ ~ પ્રીતિ સેનગુપ્તા

નક્કી કરેલા દિવસે, અને ટાઇમે, સુજીત આવ્યો. એ સૂકાઈ ગયેલો. કદાચ થોડો માંદો પણ રહેતો હોય. એના મોઢા પર, રૉબર્ટને જોતાં, સ્મિત ફેલાઈ ગયું. એને ઘણું કહેવાનું હતું. ને એ જાણતો હતો, કે એક રૉબર્ટ જ હતો એની પાસે, કે જે ધ્યાનથી, સમજણથી, અને મિત્રતાથી એની વાત સાંભળશે.

રૉબર્ટ એને રસ્તાની પેલી બાજુ, રિવરસાઇડ પાર્કમાં, લઈ ગયો. પાકા ચણેલા સરસ પથ પર, બંને તરફ ખૂબ ઊંચાં ઝાડનો છાંયો હંમેશાં હોય. અને બાજુમાંથી હડસન નદી વહી જતી દેખાય. કેટલો પહોળો એનો પટ, અને કેટલું છલોછલ પાણી.

એ પાર્કમાં અવરજવર પણ બહુ ના હોય, એટલે વાત કરવા માટે યોગ્ય એવી શાંતિ મળશે, એમ રૉબર્ટ જાણતો હતો. સુજીતના જીવને, આ જગ્યામાં થોડી નિરાંત મળી હોય, એવું લાગ્યું.

મારી અને કેતકીની જિંદગીમાં શું શું બની ગયું, તે તને અને વામાને ખબર નથી, રાઇટ?, કહી, પહેલાં તો એણે પ્રોટેક્શન-ઑર્ડરની, અને પછી હોમ-ઍવિક્શનની, ઘરમાંથી નીકળી જવાની, વાત કરી.

હું આઘાત અને હતાશાને કારણે ગાંડા જેવો થઈ ગયો. સચિન દૂર જતો રહેલો, અંજલિ ક્યારેય જોવા નહીં મળે, કેતકી એક શબ્દની પણ આપ-લેને માટે તૈયાર નહીં. કેટલી હોંશથી બનાવેલો માળો, કેટલી મહેનત કરીને રચેલું ઘર, ને રાતોરાત, હું ઘરબાર વગરના ફકીરથી પણ ખરાબ હાલતમાં આવી ગયો.

સુનીતા અને મહેશે મને બહુ સ્નેહ આપ્યો. બીજું કોઈ મને સહાનુભૂતિ બતાવવા, સહારો આપવા આગળ ના આવ્યું. એ બંનેએ મને એમને ત્યાં રહી જવા ઘણો આગ્રહ કર્યો, પણ એ તો બે-ચાર દિવસ માટે રહેવાય, બાકીનાં વર્ષો કાંઈ કઢાય એ રીતે?

ત્રણેક દિવસ હું, ખરેખર, મરવા પડેલા માણસ જેવો થઈ ગયો હતો. કેટલાં માથાં કૂટ્યાં હશે, કેટલું રડ્યો હોઇશ, જાતને કેટલો દોષ દીધો હશે. એક વાર પણ, કેતકીનો ફોન મહેશ પર આવ્યો નહતો. એને માટે હું ખરેખર મરી પરવાર્યો હતો.

સુનીતાએ મને, પરાણે પણ, નિયમિત ખવડાવ્યા કર્યું, મહેશે બે દિવસ રજા લીધી.

ચોથી બપોરે, મહેશની સાથે, એ ખાલી ઘરમાં ફરી એક વાર, બસ, એક છેલ્લી વાર, મેં પગ મૂક્યો. મારે ચોતરફ જોવું નહતું, કોઈ યાદોને શોધવી નહતી. મારે તો, જલદીમાં જલદીથી, ત્યાંથી નીકળી જવાનું હતું, મારી બધી નિશાની કાઢી નાખીને.

ને સાચે જ, બધું ભેગું કર્યું, તો થયું કાર્ડબૉર્ડના ત્રણ બૉક્સમાં માઇ જાય એટલું. બસ, એટલું જ. મહેચ્છાથી, અને મહેનતથી પૂંજી ભેગી કરતાં જઈએ, ને જોવા જોઇએ તો ખાસ કશું નહીં. બધી યે મહેચ્છાઓ અને મહેનતો વ્યર્થ હોય છે, તે મને ત્યારે સમજાયું.

પછીના બે દિવસ, મેં ઑફીસમાં કાઢ્યા. અને બે રાત પણ. ક્લાયન્ટ હતા એટલા કૅન્સલ કર્યા, અમુક પેપર્સ ફાડી નાખ્યા, અમુક ફાઇલો બાળી નાખી. મેં પહેલો નિર્ણય ન્યૂજર્સીની ઑફીસ બંધ કરી દેવાનો લીધેલો. ઘરબાર વગરનો, કુટુંબથી તરછોડાયેલો હું, ઓળખીતાંની વચ્ચે રહી શકું તેમ નહતો.

મારી સમગ્ર દુન્યવી સંપત્તિના એ બૉક્સ ગાડીમાં મૂકીને હું, બને તેટલો દૂર જવા નીકળી ગયો. આશરે જ કહી શકાય. એમ કરતાં, છેક બ્રૂકલિન આવી પહોંચ્યો, ને નાની ગલીઓમાં વળતાં-અટવાતાં મને એક મંદિર દેખાયું. પહેલેથી જ મને મંદિરમાં જવામાં કશો રસ નહતો. ન્યૂજર્સીના મંદિરમાં, કુટુંબને લઈને, હું બે કે ત્રણ વાર માંડ ગયો હોઇશ.

પણ એ દિવસે, સાવ એકલા, ને દુઃખિયારા એવા મને, કશુંક અંદર જવા પ્રેરી ગયું. કદાચ ભગવાનને ફરિયાદ કરવી હતી, કદાચ એની કૃપા પામવી હતી.

બસ, મંદિરમાં દાખલ થવાની એ ક્રિયાએ મારું ભાગ્યું-તૂટ્યું જીવન સાચવી લીધું.

બધું જ મળી ગયું મને, ત્યાંથી, ત્યારે. પૂજારીજી પોતે જ ભગવાનનું રૂપ હતા, મને ખાતરી છે. મને જોઈને જ એમને ખ્યાલ આવી ગયો, કે મને સહાયની જરૂર છે. પછી એમણે મારે માટે, નજીકમાં રહેતાં એક માશીના ઘરના ભડંકિયાના નાના રૂમમાં રહેવાની સગવડ કરી આપી. એ જમાડશે પણ ખરાં, એવી ગોઠવણ થઈ.

રૂમની નાની જાળીમાંથી, મને, રસ્તે ચાલીને જનારાંના પગ દેખાતા, અને નમીને જોઉં, તો જરાક અમથું આકાશ દેખાતું.

ત્યાર પછીથી, બને એટલો વખત, હું મંદિરમાં ગાળવા લાગ્યો. રવિવારે તો ખાસ પૂજા થાય, અને કીર્તન થાય. બધાંની સાથે ગાવા લાગવાનું, તાલ સાથે ડોલવાનું. સાચું સુખ હવે મને મળ્યું- જાતનો ખ્યાલ ભૂલવાનું સુખ.

થોડા વખત પછી, મેં ન્યૂયૉર્કની ઑફીસ પણ કાઢી નાખી. ક્લાયન્ટ શોધવા જવા જેટલું માનસિક જોર મારામાં રહ્યું નહતું. વળી, ગુનો કરનારાઓનો બચાવ કરવાનો વિચાર પણ હવે સહન થતો નહતો.

એક લિમોઝીન કંપનીમાં ડ્રાયવર તરીકેની નોકરી ખાલી છે, તે માહિતી મને પૂજારીજી તરફથી જ મળી. એ મારું જ નહીં, બીજા ભક્તોનું મન પણ વાંચી શકતા હશે ને.

સારું હતું નોકરીમાં. મારે ભરવા હોય તેટલા કલાકો ભરવાના. એ પ્રમાણે પગાર મળે. અને પૅસૅન્જર સારા હોય તો ટીપ પણ સારી આપી દે. એ માટે કૉર્પૉરેટ ઑફીસોના ક્લાયન્ટ બહુ લાભકારક નીવડે. રસ્તાઓ હું બહુ સારી રીતે જાણું તેથી હશે, કે મારી વિવેકી વાતચીતને કારણે હશે, પણ મારે આવી ઑફીસોની ડ્યુટી ભરવાનું ઘણું વધારે આવતું.

એમાં જ એક વાર હું પકડાઈ ગયો, એટલેકે ઓળખાઈ ગયો, સચિનના ફ્રેન્ડ ખલીલ દ્વારા. પાંસઠ-સિત્તેર લાખની ગણાતી વસ્તીવાળા શહેરમાં કોઈ ઓળખીતું આમ મળી જાય, તે માનવું પણ મુશ્કેલ છે, નહીં?

ખલીલના આમ મળી જવાને લીધે શું થશે, નહીં થાય, તે વિચારું, તે પહેલાં તો લિમોઝીનની ઑફીસમાં મારે માટે એક કવર પડ્યું હતું. એક ઘડીમાં મનની બધી પીડા સરી જાય, અને આખા અસ્તિત્વમાં આનંદ છવાઈ જાય, એવું મેં ક્યારેય કલ્પ્યું નહતું.

કવર પર સચિનનું નામ જોઈને, એવું જ થયું મારા મનને, હૃદયને, શરીરને, જીવને. ઓહો, દીકરો મને ઘેર પાછો બોલાવે છે, મેં વિચાર્યું.

અલબત્ત, કવર ખોલતાંની સાથે, અસ્તિત્વ એક ઘડીમાં, ભયંકર કંપનથી, કેવું ધરાશાયી થઈ જાય, તે પણ મેં અનુભવ્યું.

પસ્તાવાના કે માફીના તો શું, પણ સ્નેહના ય એક્કે શબ્દ નહીં. કવરમાં ફક્ત એક ચેક. રકમનો આંકડો તો મેં જોયો પણ નહીં. સાપનો દંશ લાગ્યો હોય એમ, હાથમાંથી ફેંકી દીધું એ કવર.

આવો ભિખારી માન્યો મને?

એના બાપ તરીકે ના જોઈ શક્યો, એ મને?

આ પછી, ફરીથી મેં બધું જ જતું કર્યું – લિમોઝીન કંપની, માશીના ઘરની ઓરડી, મંદિર. ફરીથી નીકળી ગયો હજી વધારે દૂર. લૉન્ગ આઇલૅન્ડના ઉત્તરના એક છેડે, સાવ ગામડા જેવી જગ્યાએ, મેં ઓરડી શોધી. ત્યાંના એરિયામાં, સદ્ભાગ્યે, મને એક એવી સંસ્થા મળી ગઈ, જ્યાં બ્લૅક કમ્યુનિટીનાં, ગરીબ બૅકગ્રાઉન્ડમાંથી આવતાં, કિશોરવયી છોકરા-છોકરીઓને માટે જુદી જુદી પ્રવૃત્તિઓ ચાલતી હતી.

મારું ભણતર બહુ કામમાં લાગ્યું એમને માટે. ઍન્જિનિયરિન્ગ અને વકિલાત – બંનેમાં અભ્યાસ કર્યો, એટલે એ વિષયો શીખવાડવાનું મને ફાવે. એમાં પગાર કાંઈ નહીં, પણ મારાથી પણ વધારે બૂરી હાલતમાં હોય એવાંઓને હું મદદ કરી શકતો હતો. મારાં નહીં, તો પારકાં છોકરાંને તો હું કામમાં આવી શક્યો, એનો મને બહુ સંતોષ થયો.

હું ઘણી વાર વિચારું છું, કે કેટલી મહત્ત્વાકાંક્શા રાખી હતી જીવનભર. એક નહીં, પણ બે ડિગ્રી લીધી; બીજી કેટલીયે જાણકારી મેળવી, ઘર વસાવ્યું, બે ગાડીઓ રાખી. શું નહતું મારી પાસે.

બધું જ હતું, ત્યારે મુસીબતો અને સંઘર્ષો પણ કેટલાં બધાં હતાં.

આજે જ્યારે કશું નથી, ત્યારે બહુ જ હળવાશ લાગે છે.

નાનપણથી જ મને ઉપેક્શા મળતી આવી હતી, તો સામે હું ઓવર-કૉન્ફિડન્ટ બનતો ગયો. વધારે પડતો ઘમંડ, અને બુદ્ધિ ઉપર વધારે પડતો ભરોસો રાખ્યો.

ઠોકરો ખાઈ ખાઈને, હવે સમજ્યો છું, કે બુદ્ધિ અને જાણકારી – ઇન્ટલિજન્સ અને નૉલૅજ – અત્યંત જરૂરી છે, પણ એ સિવાય પણ એવાં તત્ત્વો છે, કે જેમને, જરૂર પડે તે પ્રમાણે, વર્તનમાં પ્રયોજવાં પડે. વિવેક, સાદગી, નરમાશ વગેરે પણ, એટલા જ અગત્યના ગુણ છે.

રૉબર્ટ, ક્યારના ચાલ્યા કરીએ છીએ આપણે? મને ખ્યાલ નથી રહ્યો. બહુ લાંબું લૅક્ચર આપ્યું મેં, નહીં? બહુ ફીલસૂફી ડહોળી નાખી, એમ લાગતું હશે તને.

ના, ના, એવું કાંઈ નથી લાગ્યું, રૉબર્ટે કહ્યું. પણ તું શું કરવા માગે છે હવે? કશી પણ આવક વગર —-

વાત ખરી છે, કે અત્યારે મારી પાસે પૈસા નથી. ઇન્ડિયા જવાની ટિકિટ જેટલા માંડ રહ્યા હશે. વિચારું છું, કે પાછો ઇન્ડિયા જતો રહું.

આ દેશમાં આવ્યા પછી, એક જ વાર દેશ પાછો ગયો છું. સચિન સાવ નાનો હતો ત્યારે ગયેલાં. ત્રણ દસકા થવા આવ્યા એ વિઝિટને. કેવું યે બદલાઈ ગયું હશે બધું જ, ત્યાં.

હવે અમ્મા ને ફાધર નથી રહ્યાં, અને પ્રજીતે ત્યાંનું ઘર પચાવી પાડ્યું છે, એટલે આમ તો, ત્યાં જઈને પણ મારે એ જ જૂની ભૂતાવળની સામે આવવું પડવાનું છે.

એક કાંઠો છોડીને બીજે કાંઠે આવ્યો – સુખ અને સંપત્તિની આશામાં. પણ હું ક્યાંયનો નથી રહ્યો. વહેણની અધવચ ડૂબકાં ખાઈ રહ્યો છું. કદાચ આમ જ ડૂબી પણ જઈશ.

રૉબર્ટે એને અટકાવ્યો. સાંભળ, સુજીત, તું ઉતાવળ ના કરતો. છેક આટલે પહોંચ્યો છું, તો હવે સાવ નાસીપાસ ના થતો. મને ટ્રાય કરી જોવા દે. કદાચ હું કશી નોકરીની વ્યવસ્થા કરી શકું. ભલે પગાર બહુ ના હોય, પણ તું ફરી પગભર થવા માંડી શકે.

અને હવે, ભૂલ્યા વગર, આજે મને તારો ફોન નંબર આપી રાખ, રૉબર્ટે કહ્યું.

રૉબર્ટ ઘેર આવ્યો પછી, બધી વાત જાણીને, વામાએ બહુ વહાલથી કહ્યું, રૉબૅર, તું કેટલી ધીરજથી અને કરુણાથી સાંભળી શકે છે કોઈની કથની. આટલું વીતી ગયું એ લોકોની જિંદગીમાં. આપણને ખબર જ નહીં. પણ હવે ખ્યાલ આવે છે, કે કેતકીએ પણ સંપર્ક કેમ ના રાખ્યો.

સુજીતની સાથે રૉબર્ટ મળ્યો તેના થોડા જ દિવસ પછી, વામા અને રૉબર્ટ પાછાં બહારગામ જવાનાં હતાં. એટલેકે પરદેશ, એટલેકે યુરોપ અને ઇન્ડિયા.

પહેલાં તો, ગ્રીસ જવાનું હતું. ત્યાંના તિનોસ ટાપુ પરના પેલા ચર્ચમાં ઈફીને પગે લગાડવી હતી. ત્રણ પેઢીનો વારસો હતો, એ ઈફિજૅનાયા સુધી પહોંચાડવાની ઇચ્છા વામા અને રૉબર્ટ બંનેને હતી.

મૉમ અને થિયો ગ્રીસ આવવાનાં હતાં, એટલે તિનોસ તેમજ ઍથૅન્સમાં, ત્યાંનાં ઓળખીતાં અને મિત્રોને મળવાનું થવાનું. વામા, હંમેશાં, આ વિશિષ્ટ કુટુંબમાં હોવાનું ઊંડું સુખ અનુભવતી હતી.

ડૅડને માટે હવે આટલી લાંબી મુસાફરી કરવી સારી નહતી, તેથી એમને અને મમ્મીને મળવા, ઇફીને લઈને વામા અને રૉબર્ટ દિલ્હી જવાનાં હતાં. ત્યાં પણ ઓળખીતાં અને મિત્રો ભેગાં થશે, ને એ પ્રસંગ પણ વિશિષ્ટ જ થવાનો.

ન્યૂયૉર્કના ઍરપૉર્ટ પર, બે જણની નજર એક સાથે જ એકમેક પર પડી. વામાને થયું, કે કદાચ એ દંપતીને પહેલાં જોયું છે. વિશ તો વામાને એક પળમાં ઓળખી ગયો. આવી સુંદર સ્ત્રી ક્યારેય ભૂલાય? અને માતા બન્યા પછી તો, એની સુંદરતામાં ઉમેરો થયેલો લાગે છે.

નંદા બાજુમાં જ હતી, તેથી વિશ લાંબું તાકી તો ના શક્યો, પણ તરત, વામાની સાથે વાત કરવા લાગી ગયો ખરો. હા, હા, આપણે કેતકીને ત્યાં મળ્યાં છીએ. પણ કેટલાં વર્ષો પહેલાં. તમને સારું યાદ રહ્યું છે. પછી વામાએ પૂછ્યું, કેતકીના શું ખબર છે? મારી પાસે તો, હવે એનો ફોન નંબર પણ નથી.

વિશની પાસે કેતકીનો નંબર હતો. કદાચ એમના જીવન વિષે એ બધું જાણતો પણ હશે. એણે કહ્યું, અરે, ચાલો, હમણાં જ નંબર જોડી આપું.

હમણાં? અહીં પબ્લિક ફોન શોધવો પડશે ને?, વામા બોલી.

અરે, ના રે, આ સૅલ્યુલર ફોન છેને આપણી પાસે.

વામાને હજી બહુ ખબર નહતી, પણ રૉબર્ટ જાણતો હતો, કે હજી તો શરૂ જ થયા હતા, છતાં સૅલ ફોન હવે ઘણા પૉપ્યુલર થવા માંડ્યા હતા.

વામાએ તરત કહ્યું, ના, ના, અત્યારે નહીં. અહીં ઘોંઘાટ કેટલો છે, અને બહુ વખત પછી વાત થશે, એટલે જરા નિરાંત હોય ત્યારે કરવી છે.

કેતકીની પાસે ઇ-મેલ સરનામું પણ થઈ ગયું હોવું જોઇએ, ઑફીસોમાં તો હવે બધે કમ્પ્યુટર આવી જ ગયાં છે, વિશ દેખાવ કરતાં બોલ્યો.

હા, કમ્પ્યુટર તો હું પણ વાપરું છું ક્યારની, વામાએ જણાવ્યું.

જમાનો કેવો બદલાઈ ગયો છે, નહીં?, નંદાએ કહ્યું.

અરે, આ તો શરૂઆત. હજી તો જમાનો કેટલોયે બદલાશે, જોજો ને, વિશે જાહેર ઘોષણા કરી.

છૂટાં પડતાં પહેલાં, વામાએ કેતકીનો ફોન નંબર લખી લીધો હતો.

( ક્રમશઃ)

આપનો પ્રતિભાવ આપો..