શ્રીમદ્ ભાગવત કથા ~ સ્કંધ ત્રીજો ~ અધ્યાય સાતમો ~ જયશ્રી વિનુ મરચંટ

સ્કંધ ત્રીજો – સાતમો અધ્યાય – ““વિદુરજીના વિશેષ પ્રશ્નો”

ૐ નમો ભગવતે વાસુદેવાય

 (ત્રીજા સ્કંધના અધ્યાય છઠ્ઠા – “વિરાટ પુરુષની વ્યુત્પત્તિનું વિશિષ્ટ જ્ઞાન” અંતર્ગત આપે વાંચ્યું કે, આ વિરાટ પુરુષ ભગવાનની કાળ, કર્મ અને સ્વભાવશક્તિથી યુક્ત યોગમાયાના પ્રભાવને કારણે નાનામાં નાના અંશરૂપે પ્રગટ કરવા શક્તિમાન છે. આથી જ પ્રભુના સંપૂર્ણ સ્વરૂપનું વર્ણન કરવાનું સાહસ કોઈમાં નથી. શ્રી હરિના સુયશનું વર્ણન કરવું અને એમના યશોગાનમાં તલ્લીન રહીને જીવની સાથે જોડાયેલાં કર્મો સદ્‍ભાવનાથી કરતાં રહેવામાં જ જીવનની સાર્થકતા છે. મૈત્રેયજી વિદુરજીને કહે છે કે “આદિકવિ બ્રહ્માજી પણ એક હજાર દિવ્ય વર્ષો સુધી પોતાની યોગ પરિપક્વ બુદ્ધિ થકી શ્રી હરિના અસીમ મહિમાને પામવા કોશિશ કરતા રહ્યાં પણ તેઓ એનો તાગ પૂરો ન પામી શક્યા તો હું અને તમે તે કોણ કે ભગવાનને સંપૂર્ણપણે પામીએ? આપણે મનુષ્યો તો આપણા વર્ણો સાથે સંકળાયેલાં ધર્મોમાં જ લિપ્ત રહીએ છીએ અને ભગવાનની સેવાથી વિમુખ થઈ જઈએ છીએ. આપણા મનુષ્યો માટે તો નારાયણ સુધી પહોંચવાનો જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય યુક્ત મન કરવું, એ જ એક માત્ર ઉપાય છે. નિસ્વાર્થ ભાવની સેવા, સર્વ સાથે સમભાવ અને ‘હુંપણાં’ જેવા અભિમાનનો ત્યાગ કરીને ભગવાનની કૃપાને યોગ્ય બની શકાય છે. જેમનો પાર પામવામાં સર્વ ઈન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ પણ સમર્થ નથી એવા શ્રી ભગવાનને નમસ્કાર.” હવે અહીંથી વાંચો આગળ, સ્કંધ ત્રીજાનો અધ્યાય સાતમો, “વિદુરજીના વિશેષ પ્રશ્નો”)

સૂતજી કહે – હે શૌનકાદિ મુનિઓ, વિદુરજીને મૈત્રેયજી પાસેથી બોધ તો મળ્યો પણ હજી વધુ જ્ઞાન પ્રાપ્ત કરવાની એમની જિજ્ઞાસા સંતુષ્ટ થઈ નહોતી. હું આગળનું વૃતાંત હવે તમને જણાવું છું. જ્યારે રાજા પરીક્ષિત શુકદેવજીને પૂછે છે કે મૈત્રેયજીની જ્ઞાન અને ભક્તિસભર વાણી સુણીને વિદુરજીએ આગળ શું કર્યું કે શું કહ્યું ત્યારે શુકદેવજી નીચે પ્રમાણે કહે છે.

શુકદેવજી કહે – મૈત્રેયજીના મુખેથી આ જ્ઞાનવાણી સાંભળીને વ્યાસપુત્ર વિદુરજીએ નીચે પ્રમાણે કહ્યું

વિદુરજી મૈત્રેયજીને પૂછે છે – હે મહાઋષિ મૈત્રેયજી, હે બ્રહ્મન! મને થોડાંક સવાલો મનમાં આવે છે જેનું આપ સમાધાન કરો, એવી હું આપને હાથ જોડીને વિનંતી કરું છું.

પ્રશ્ન ૧ – ભગવાન તો શુદ્ધ, બોધસ્વરૂપ, નિર્વિકાર, અને નિર્ગુણ છે તો તેમનો લીલાપૂર્વક ભલે પણ ગુણ અને ક્રિયા સાથે સંબંધ કઈ રીતે હોઈ શકે?

પ્રશ્ન ૨ – ભગવાન સ્વયં નિત્યતૃપ્ત-પૂર્ણકામ અને નિસંગ છે તો તેઓને ક્રીડા કરવાનું મન શા માટે થાય?

પ્રશ્ન ૩- ભગવાન પોતે તો આ સંસાર સમસ્તનો સર્જનહાર છે અને એમના જ્ઞાન, વૈરાગ્ય અને નિર્મોહપણાનો લોપ દેશ-કાળમાં પણ થઈ શકતો નથી તો તેમનો માયાની સાથે સૃષ્ટિની રચના પૂરતો સંયોગ પણ કઈ રીતે થઈ શકે?

પ્રશ્ન ૪ – એકમાત્ર આ ભગવાન જ ચર-અચર સહુમાં રહેલા છે તો સ્વયં એમને દુર્ભાગ્યની કે કર્મજન્ય ક્લેશની પ્રાપ્તિનું કારણ શું? રામાવતારમાં એમને વનવાસ અને સીતાના વિરહનું દુઃખ સહેવું પડ્યું. કૃષ્ણને પારધિના તીરની પીડા મૃત્યુ પામતાં પહેલાં સહેવી પડી. નંદજી અને યશોદામૈયા તથા રાધાનો વિરહ સહેવો પડ્યો. આ બધાંનું કારણ શું?

હે મહાભાગ મૈત્રેયજી, તમે મારા મનના મોહરૂપી ઘોર અજ્ઞાનને દૂર કરો પ્રભુ.

મૈત્રેયજી વિદુરજીની શંકાઓનું સમાધાન કરતાં કહે – મહાત્મા વિદુર, તમે સંસારની ભલાઈ અર્થે જ આ પ્રશ્નો પૂછ્યા છે તો એ સર્વના જવાબો હું આપીશ.

તમારા પહેલા અને બીજા પ્રશ્નોના ઉત્તર હું એકસાથે જ આપીશ. આત્મા તો સર્વદા મુક્ત સ્વરૂપ છે, નિરાકાર છે અને નિર્ગુણ છે. ઈશ્વર આત્મામાં જ રહેલો છે. પણ મનુષ્ય સુધી પહોંચવા એને લીલા થકી માયા, ગુણ અને ક્રિયા સાથે સંકળાવું પડે છે. સામાન્ય માનવગણ અને પ્રાણીઓ સુધી ઈશ્વરની અસીમતાનો આવિર્ભાવ અને અનુભૂતિ પહોંચડવાનું અઘરૂં છે આથી જ નિર્ગુણ અને નિરાકાર આત્મા રૂપે શરીરસ્થ ઈશ્વરને પણ લીલારૂપે માયા અને માયારૂપે લીલા કરવી પડે છે.

તમારો ત્રીજો પ્રશ્ન ખૂબ જ માર્મિક છે. ઈશ્વર પોતે શા માટે માયા સાથે લીલા કરે છે એ તો ઉપર મેં અપને જણાવ્યું પરંતુ પોતે નિર્ગુણ અને નિરાકાર હોવા સાથે માયા સાથે સંયોગ શી રીતે સાધે છે એનું રહસ્ય પણ હું તમને કહીશ. ચર-અચરમાં જેમ ઈશ્વર પ્રવેશે છે એમ જ માયારૂપી વિચારમાં પણ ભગવાન પોતાનો અંશ મૂકે છે અને માયા એમના અંશના થકી જ લીલા અને ક્રીડામાં પરિવર્તિત થાય છે. માયાના અસંખ્ય આવરણો હોય છે અને આ દરેક આવરણોને ક્રીડાની અને લીલાની

આવશ્યકતા પ્રમાણે ભગવાન અનાવૃત કરે છે. આ જ ફરક છે પ્રભુની માયા અને મનુષ્યોની રચેલી માયા સૃષ્ટિમાં. ઈશ્વરની લીલા અને ક્રીડા છેલ્લે તો જીવ માત્રના કલ્યાણની ભાવનાથી પ્રેરિત છે. ઈશ્વરની લીલા અને માયા થકી અંતિમ પ્રસ્થાન તો અજન્મા આત્મા સુધી જ અંતે થાય છે. પણ માનવી માયાનું સર્જન પોતાના ઐહિક અને ભૌતિક બેઉ મિથ્યા સુખ માટે કરે છે. આ વિરોધાભાસ અને આ રહસ્ય સમજાય છે ત્યારે બધાં જ મોહના બંધનો તૂટી જાય છે અને આત્મા સ્વયં પરમ આનંદની હેલીમાં પરિતૃપ્ત થઈને ભીંજાય છે.

હવે આપના છેલ્લા સવાલનો ઉત્તર પણ આપું છું. હે વિદુરજી, ભગવાન જ્યારે માનવદેહ ધારણ કરે છે ત્યારે એમને પણ દેહ સાથે જોડાયેલાં કર્મો અને એનો હિસાબ ચૂકવો પડે છે. શરીરને સર્વ માયારૂપી બંધનો નડે છે. દેહની અંદર ઈશ્વરના અંશરૂપે રહેલા, નિરાકાર ને નિર્વિકાર આત્માને ન કોઈ માયા નડે છે, ન મોહ, ન તો ત્રિગુણ કે ન તો દુઃખ કે ન તો સુખ. રામ અને કૃષ્ણ અવતારમાં જે કષ્ટ પામે છે તે તો એમનાં શરીર છે. વિરહ અને દુઃખ-સુખની અનુભૂતિ તો એમનાં મનને કે ચિત્તને થાય છે, આત્માને નથી થતી. આ જ કારણ છે કે મન મનુષ્યની બુદ્ધિ અને અહંકારથી પીડિત થઈ શકે છે અને એ મનની પીડાનો પ્રભાવ પણ સહુ પ્રથમ શરીર પર જ કોઈને કોઈ પ્રકારના રોગ તરીકે દેખાય છે. આત્મા પર એનો ન તો કોઈ પ્રભાવ પડે છે કે ન તો આત્માને એથી કષ્ટ પડે છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય પણ અનુભૂતિ છે જેના થકી મન, બુદ્ધિ અને અહંકારરૂપી વિકારોને દૂર કરી શકાય છે. ભગવાનના યશોગાનથી આ વિકારમાંથી મુક્તિ મળે છે અને ઈન્દ્રિયો પર એક રીતે કાબૂ મેળવી શકાય છે. આમ ઈન્દ્રિયો જ્યારે વિષયોથી પર થાય છે ત્યારે પ્રાણતત્વ કે આત્માનો સાક્ષાત્કાર થવાના માર્ગ ખૂલી જાય છે અને એટલું સમજાય છે કે આત્મામાં જ પરમાત્મા રહે છે.

આત્મા સદૈવ કોઈ પણ જીવમાં કાયમ નૈસર્ગિક છે અને એની ચેતનામાં કોઈ વિકાર પેદા થતો નથી કારણ ભગવાને એમાં પોતાનો એક અંશ નિરૂપિત કર્યો છે.

તો હે વિદુર, હવે આપને ઉત્તર મળ્યો હશે કે બધા કષ્ટ રામાવતારમાં અને કૃષ્ણાવતારમાં અનુક્રમે રામ ને કૃષ્ણના શરીર તથા મનને સહેવા પડ્યા હતા. એમના આત્માને નહીં. આ કષ્ટ સહુ જન્મધારી પ્રાણીઓ અને માનવીઓને એમના કર્મોના બંધન પ્રમાણે સહેવા જ પડે છે પણ એને જેમ રામ અને કૃષ્ણ શરીર ને મનને આત્માથી અલગ રાખીને નિર્મોહપણે હસતાં, હસતાં સહે છે અને સ્વધર્મનું પાલન કરે છે એમ જ દરેકે કરવું જોઈએ.

સૂતજી કહે – હે શૌનકાદિ મુનિઓ, આમ શુકદેવજી પરીક્ષિતને મૈત્રેયજીએ વિદુરજીના પ્રશ્નોના જવાબો આપી રહ્યા ત્યારે પરીક્ષિત શુકદેવજીને વધુ જિજ્ઞાસાથી પૂછે છે.

પરીક્ષિત કહે – હે વ્યાસસુત ભગવાન શુકદેવજી, શું વિદુરજીના બધા જ સંશયોનું આ જવાબથી નિવારણ થયું?

શુકદેવજી કહે – રાજન્‍! જ્ઞાનનો માર્ગ તો હવે દેખાયો હતો પણ એનો નકશો નહોતો મળ્યો. વિદુરજી આગળ મૈત્રેયજી સાથે જે સંવાદ કરે છે તે હવે હું કહું છું ધ્યાનથી સાંભળજો.

વિદુરજી કહે – આપની અસ્ખલિત જ્ઞાનગંગા સમી વાણી દ્વારા મારા સંશયો દૂર થઈ રહ્યાં છે. મને ધીરેધીરે એ સમજાઈ રહ્યું છે કે મન, ચિત્ત, બુદ્ધિ, અને અહંકારથી પર થયા વિના આત્મસ્થ થવાનો એટલે કે ભગવાનને પામવાનો રસ્તો મળતો નથી. આપ સમા મહાત્માઓ તો ભગવાનને પામવાનો સાક્ષાત માર્ગ છે કારણ આપનો જીવ હંમેશાં જ દેવોના દેવ શ્રી હરિના ગુણગાનમાં જ મગ્ન હોય છે. તમે આગળ મને જણાવ્યું કે વિરાટ પુરુષને ઉત્પન્ન કર્યા પછી ભગવાન સ્વયં તેનામાં પોતાના એક અંશરૂપે પ્રવેશ્યા. એમાંથી જ બ્રહ્માજી, પ્રજાપતિ, મનુઓ વગેરે ઉત્પન્ન થયા. તો હે મૈત્રેયજી, મને એ સહુના વંશો અને ભૂલોકના અન્ય પ્રાણીઓ જેવા કે જરાયુજ, (ગર્ભાશયમાંની ગર્ભને વીંટળાઈને કે ઓર સાથે જન્મ લેનારું, દા.ત.  માનવ, પશુ વગેરે પ્રાણી), સ્વેદજ (પરસેવાથી પેદા થતાં), અંડજ (ઈંડામાંથી જન્મ પામતાં) અને ઉદ્‍ભિજ્જ (ઝાડ, વનસ્પતિ, જમીન ફોડીને બહાર આવનારી કે જન્મનારી) કઈ રીતે ઉત્પન્ન થયાં? શ્રી હરિએ સર્જન કરતી વખતે જગતના ઉદ્‍ભવ, સ્થિરતા અને સંહાર માટે પોતાના અંશાવતાર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના રૂપમાં કેવી લીલાઓ કરી? આ સાથે જ્ઞાનમાર્ગ, યોગમાર્ગ અને તેના સાધનભૂત સાંખ્યમાર્ગ, વેદ, ગ્રહો, નક્ષત્રો અને તારાગણ અને અન્ય શાસ્ત્રો સહિત અન્ય ગુણ, કર્મોથી થતી ગતિ વિષે પણ મારું અજ્ઞાન દૂર કરો. હે દ્વિજોત્તમ, જીવનું તત્વ, પરમેશ્વરનું સ્વરૂપ, ઉપનિષદ્‍ પ્રતિપાદિત જ્ઞાન તથા ગુરૂ-શિષ્યનું પ્રયોજન શું છે? હે પુણ્યમય મૈત્રેયજી, મારા મોહમાયાના આવરણો સંપૂર્ણપણે નાશ પામે અને હું જ્ઞાનમાર્ગે આગળ વધી શકું એ માટે હે વિદ્વન! મને શ્રી હરિની લીલાઓનું સંપૂર્ણ જ્ઞાન આપો. હું આપને વંદન કરીને વિનંતી કરું છું.

શુકદેવજી કહે – હે રાજન્‍! કુરુશ્રેષ્ઠ વિદુરજીએ જ્યારે આવા પ્રશ્નો પૂછ્યા ત્યારે મૈત્રેયજી પ્રસન્ન થઈને એમને એ વિષે ઉત્તર આપવા ઉદ્યત થયા.

શ્રીમદભાગવત મહાપુરાણનો ત્રીજા સ્કંધ અંતર્ગત, સાતમો અધ્યાય – “વિદુરજીના વિશેષ પ્રશ્નો” સમાપ્ત થયો.

શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. .’ પ્રભુની માયા અને મનુષ્યોની રચેલી માયા સૃષ્ટિમાં. ઈશ્વરની લીલા અને ક્રીડા છેલ્લે તો જીવ માત્રના કલ્યાણની ભાવનાથી પ્રેરિત છે. ઈશ્વરની લીલા અને માયા થકી અંતિમ પ્રસ્થાન તો અજન્મા આત્મા સુધી જ અંતે થાય છે. પણ માનવી માયાનું સર્જન પોતાના ઐહિક અને ભૌતિક બેઉ મિથ્યા સુખ માટે કરે છે’ખૂબ સમજવું અઘરું રહસ્ય ની સરળ સમજુતી
    ધન્યવાદ