બોખલી ડોશી (ગીત) ~ પારુલ ખખ્ખર ~ (ઓડિયો સાથે)

કવયિત્રી દ્વારા પઠન

બોખલી ડોશીને ભાવે રે લાડવા
ને ભાવે કંઈ લચપચતા પાક
વાદિલી વઉં રાંધે ગુવારના શાક

ડોશી તો પેલ્લેથી પહોંચેલી માયા
ને માથે ઠાકોરજીની છાયા
એકએક પડકારે પાંદડાની જેમ કંઇ
ધ્રૂજતા ડોશીના જાયા!
આખ્ખાયે ફળિયામાં ડોશીના નામની
બેઠેલી સજ્જડબમ ધાક
વાદિલી વઉં રાંધે ગુવારના શાક

ડોશીને અંતરથી વ્હાલેરો નાનકો
ને નાનકાને વ્હાલેરી ડોશી
નમણી નાગરવેલ ગોતવા દોડાવ્યા
ડોશીએ જાણતલ જોશી
કામરુ દેશથી આણેલી કન્યા તો
ડોશીથી અદકી ચાલાક
વાદિલી વઉં રાંધે ગુવારના શાક

પરથમ તો ડોશીની કેડેથી ચાવીનો
ઝૂડો ગ્યો રૂપલીની કેડે
હળવે રહીને પછી ડોશીના તેજ-તાપ
બંધાયા પાલાવના છેડે
સવ્વા બશેર ઘી ખાધેલી ડોશીને
મળતું નથી રે નવટાંક
વાદિલી વઉં રાંધે ગુવારના શાક

ચમચમતાં હથિયારો તળિયે મેલીને પછી
પેટીનાં ઢાંકણાં વાખ્યાં
નાનેડી વઉંને પાસે બેસાડીને
સમજણનાં તેલ-ધૂપ નાખ્યાં
એમ કરી ડોશીએ સાચવી લીધા
કંઈ મોટેરા ખોરડાના નાક
નાનેડી વઉં રાંધે કંઈ લચપચતા શાક

પારુલ ખખ્ખર

કાવ્યસંગ્રહઃ કરિયાવરમાં કાગળ
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરની આર્થિક સહાયથી પ્રકાશિત

Leave a Reply to બ્રિજેશ પંચાલCancel reply

3 Comments

  1. સુ શ્રી પારુલ ખખ્ખર ની બોખલી ડોશી મધુર ગીતનુ કવયિત્રી દ્વારા સુંદર પઠન

  2. પારુલ બેન, અતિ ઉતમ, Excellent, no more Words for Praise..