બે કાંઠાની અધવચ (નવલકથા) પ્રકરણ: 30 ~ પ્રીતિ સેનગુપ્તા

કેતકી સાથે ચોખવટ થઈ ગઈ પછી, સુજીતના મન પરથી ભાર જાણે ઊતરી ગયો. હવે કશું છુપાવવાની જરૂર નહતી. ક્લાસમાંથી આવતાં રાતે મોડું થાય, તો હવે ચિંતા નહતી. ઑફીસમાંથી વહેલાં નીકળીને લાયબ્રેરીમાં જવું પડે, તો જાણે હવે એને ડર નહતો. શું કરશે, પ્રમોશન નહીં આપે? કાઢી તો નહીં મૂકે ને. સુજીતના કામ માટે એના ઉપરીને કોઈ ફરિયાદ નહતી.

વખત આવ્યે, સુજીત પોતે જ નોકરી છોડી દેવાનો હતો, પણ લૉ ડિગ્રી મળી જાય પછી. એમ તો પ્રાંતમાં પ્રૅક્ટીસ કરવા માટેનાં લાયસન્સની પરીક્શા બાકી રહે. એ માટે ઘેર રહીને કલાકોના કલાકો ભણવું પડે. વળી, સુજીત તો ન્યૂજર્સી તેમજ ન્યૂયૉર્ક, એમ બે પ્રાંત માટેનાં લાયસન્સ લઈ લેવા માગતો હતો.

બસ, એ પછી પોતે રાજ્જા.

આ બધું ક્યારનું વિચારેલું એણે. ને એ પ્રમાણે બધું થતું પણ ગયું. એણે નોકરી છોડી દીધી ત્યારે, એના ઉપરી અને બીજા કલિગ આભા બની ગયા. કઈ રીતે પહોંચી વળશે બધા ખર્ચાને?, એમણે અંદર અંદર ચર્ચા કરી. કોઈને એ ફૂલિશ લાગ્યો, તો ઘણાને એની ઇર્ષા થઈ.

પછી, એ ઘેર રહીને, અને લાયબ્રેરીમાં જઈ જઈને, લાયસન્સને માટે તૈયારી કરવા લાગ્યો. આ દરમ્યાન, કેતકી હોંશે હોંશે નોકરી કરવા લાગેલી. એણે કલાકો વધારી દીધેલા. સચિનને સ્કૂલેથી લઈને બાળ-કેન્દ્રમાં મૂકી આવતી. પાછી ઑફીસે જતી રહેતી. છ વાગ્યે, કેન્દ્ર બંધ થાય તે પહેલાં જઈને, બંને બાળકોને લઈ લેતી, અને બધાં છેવટે ઘેર પહોંચતાં. એને ખૂબ સંતોષ થતો, કે પોતાની આવક પર ઘર ચાલે છે.

ભાગ્ય એવું, કે માઇ અને બાપ્સને વિઝિટર વિઝા મળી ગયા. સારી તક જોઈને કેતકીએ સુજીતને પૂછેલું, એ બંનેની ટિકિટોનો ખર્ચો આપણે જ ઉપાડી લઈએ તો?

અરે, તું શું બોલે છે? એક તો, મારે હમણાં નોકરી નથી, કોઈ લિક્વિડ ઇન્કમ નથી; પેલી બાજુ, દેવકી પણ ક્યારની કામ કરવા માંડી છે. એમને તો બે ઇન્કમ છે. જગત પણ સારું કમાતો હશે. ખરેખર તો, એમણે જ આપી દેવા જોઇએ બંને ટિકિટોના પૈસા.

દેવકી અને જગતનો ફ્લૅટ એક જ બૅડરૂમનો, અને નાનો હતો. કેતકીનું તો સરસ ઘર હતું. માઇ અને બાપ્સ, અલબત્ત, પોતાને ઘેર જ રહેશે, એમ જ માન્યું હતું કેતકીએ.

સુજીતના મનમાં બીજો આઇડિયા હતો, તે એણે કોઈને હજી જણાવ્યો નહતો.

પૅરન્ટ્સ ઇન્ડિયાથી ન્યૂજર્સી આવી ગયાં. નુઅર્ક ઍરપૉર્ટથી જ બધું ગમવા માંડી ગયું એમને. આહા, શું પહોળા રસ્તા છે, ને કેટલા ચોખ્ખા. અને સાલું, અહીં કોઈ હૉર્ન ના મારે. એવું કોણ શીખવાડતું હશે, આખી પ્રજાને અહિંયાં?

કેતકીનું ઘર જોઈને તો બંને બહુ ખુશ થયાં. આટલું મોટું? વાહ ભઈ. સુજીતકુમારના ટેસ્ટ પહેલેથી જ બહુ સરસ છે, ભઇ હોં.

કેતકી જાણે, કે કાંઇ એટલું મોટું નહતું એનું ઘર, પણ એ લોકોએ આ પહેલું જ ઘર જોયેલું અમરિકામાં. એટલે કેવું યે સરસ જ લાગેને. પણ સાંભળીને એ ખુશ તો થઈ જ. વખાણ સાંભળવાં સુજીતને પણ બહુ ગમ્યાં. ઘરમાંની સગવડો શોખથી બતાવી.

કેતકીએ શીખવાડ્યા પ્રમાણે, સચિન નમન કરીને ભાગી ગયો. નવાં આવેલાં મહેમાનોની સાથે એ તરત વાત કરી ના શક્યો. એણે કેતકીને પૂછ્યું, આ બાપ્સ કોણ છે?

અરે, એ તારા ગ્રાન્ડફાધર થાય.

તો મારાથી એમને ગ્રાન્ડપા ના કહેવાય? મારા ક્લાસમાંના છોકરાઓ ગ્રાન્ડફાધરને એ રીતે બોલાવે છે.

સાંભળીને બાપ્સ તો ખુશ થઈ ગયા. હા, હા, મને બંને છોકરાં ગ્રાન્ડપા જ કહેશે. હાશ, આટલાં વર્ષે મને એક નવું નામ તો મળ્યું.

માઇએ જે રિસ્પૉન્સ આપ્યો તેનાથી કેતકીને નવાઇ લાગી, ને મઝા પણ પડી.

એ બોલ્યાં, જેને જે કહેવું હોય તે કહે, પણ મારે કોઈ નવું નામ જોઈતું નથી. ને મારે નામ બગાડવું પણ નથી. મને હંમેશાં માઇ તરીકે જ ઓળખાવવાની.

કેતકીને હસવું આવી ગયેલું. કોણ કહે, આ લેડિ પહેલી વાર દેશની બહાર નીકળ્યાં છે? દેશમાં તો આવી મક્કમ રીતે, ભાગ્યે જ ક્યારેક બોલ્યાં હશે. દીજીની સામે તો ક્યારેય નહીં. વળી, એમને ખબર પણ છે, કે અમેરિકામાં ઇન્ડિયન નામો સરખી રીતે ઉચ્ચારાતાં નથી હોતાં. પોતાના નામની શું હાલત હતી, તે કેતકી જાણતી હતી, ને એ બાબતનો ઉલ્લેખ પણ કરવા માગતી નહતી.

નાની અંજલિને આઇ અને માઇમાં થોડી મુંઝવણ થઈ, પણ શરૂઆતમાં જ. પાપા અને ગ્રાન્ડપા પણ સરખાં નામ લાગ્યંા એને, પણ તેય પહેલાં પહેલાં. પછી તો, એ બોલાવે તો એવું મીઠું લાગે નાના-નાનીને.

શનિ-રવિ દરમ્યાન તો બહુ સારું લાગ્યું પૅરન્ટ્સને. બંને દીકરીઓને સુખી  જોઈ. બધાં સાથે ને સાથે. બહુ વાતો કરી. દીજીને યાદ કરીને જીવ બાળ્યો. તારું ઘર જોઈને તો એ કેવાં ખુશ થયાં હોત, માઇએ જરા આંખ લુછી.

કેતકીએ કહ્યું, માઇ, દીજી અહીં જ છે. એમને ગમતું ભજન ગાઉં ત્યારે એમના આશીર્વાદ હું અનુભવતી હોઉં છું. જોજો, તમને પણ અનુભવાશે એમની હાજરી.

સોમવારથી તો કામના દિવસો શરૂ થઈ ગયા. બધાંને સવારથી દોડાદોડ, અને આખો દિવસ બધાં બહાર. જોકે, માઇ અને બાપ્સ ઘેર હતાં, એટલે હવે કેતકી સચિન અને અંજલિને બપોરે ઘેર મૂકી જતી હતી. એટલી વાર બંનેને જરા મળી પણ લેતી. બેએક વાર તો, બાપ્સ એની સાથે બહાર નીકળી ગયા. કહે, જરા બજાર જોઉં.

બાપ્સ, અહીં એને બજાર ના કહેવાય. એ એરિયાને ડાઉનટાઉન કહે. ત્યાં દુકાનો, બૅન્ક, ખાવાની જગ્યાઓ વગેરે હોય. ચાલો, આમતેમ આંટા મારજો મારી ઑફીસની પાસે. બે કલાક તો ક્યાંયે નીકળી જશે.

ઘરમાં એકલાં રહેતાં માઇ જરા ગભરાયાં. પણ એ બપોરે સુજીત ઘેર આવી જવાનો હતો, એટલે બાપ્સને પણ નિરાંત થઈ. એ પછી ટેલિફોન વાપરતાં, બારણું લૉક કરતાં, રસોડામાં ગૅસ ચલાવતાં, વગેરે બાબતો એમને સમજાવી દીધેલી.

છતાં, અઠવાડિયું પૂરું થતાં થતાંમાં તો, બંને જરા ઉદાસ થઈ ગયાં હતાં. આને તે જિંદગી કહેવાય? બધાંને દોડાદોડ જ. નિરાંતે બે ઘડી બેસવાનો ટાઇમ જાણે કોઈને નહીં.

હા, આવું જ છે અહીંનું જીવન, પણ બધાં ટેવાઈ જાય છે, અને પછી, આ જ ગમવા માંડે છે, કેતકીએ કહ્યું.

શુક્રવારની સાંજ સૌથી સારી. કામના દિવસો પૂરા થયા હોય, સામે શનિ-રવિની બે રજાઓની હોંશ હોય, ને તેથી લગભગ બધાં, શુક્રવારની રાતે બહાર જવું, પાર્ટી કરવી, વગેરે વધારે પસંદ કરે.

માઇ અને બાપ્સને આવ્યે ત્રણ અઠવાડિયાં થવામાં હતાં. એ શુક્રવારે, દેવકી અને જગતને પણ સાથે જમવા બોલાવ્યાં હતાં. સુપરમાર્કેટ જોઈને માઇ આભાં બની ગયેલાં. ઓહોહો, આટલું બધું એક સામટું? એ કહે, આમાં શું જોવું, ને શું ના જોવું? અરે, શું ખરીદવું, એ પણ ના સમજાય.

બધાં નિરાંતે જમી રહ્યાં પછી, એના મનમાં જે પહેલેથી હતી તે વાત સુજીતે ઉપાડી. જુઓ, બધાંને ફાયદો થાય તેવો આઇડિયા મેં વિચારી રાખ્યો છે.

એણે જે કહ્યું, તે બધાંને અવાક્ કરી ગયું. સુજીતે નક્કી કર્યું હતું, કે બાપ્સ અહીં રહે, અને માઇ દેવકીને ત્યાં રહે.

બંનેને આમ છૂટાં પાડી દેવાનાં? સુજીતની આ વાતથી કેતકી લજવાઈ ગઈ. દેવકીને ચીડ ચઢી ગઈ મનમાં.

અરે, કારણ તો સાંભળો. જુઓ, દેવકીને બેબી આવે ત્યારે એને માઇની જરૂર પડશે, ખરું કે નહીં? અને અહીં બાપ્સને, હું સચિનની સ્કૂલમાં એક નાની નોકરી અપાવી દઈશ. એ રીતે, એમને આવક થશે, અને સચિન ગ્રાન્ડપાની સાથે ઘેર આવશે. અંજલિ પણ બપોર પછી ઘરમાં સચવાય, એટલે કેતકી આખો દિવસ નોકરી ચાલુ રાખી શકશે.

સુજીતનો પ્લાન પર્ફેક્ટ હતો, આમ તો. વળી, એની દલીલોની સામે કોઈનું કશું ચાલે તેમ હતું નહીં. પાકું એમ થઈ ગયું, કે પછીના રવિવારે બધાં દેવકીને ત્યાં જશે, જમશે, અને માઇને મૂકતાં આવશે.

અને લાગે, કે તમે છૂટાં પડી ગયાં, પણ અઠવાડિયું તો ક્યાંયે જતું રહે છે, તમે જુઓ છોને? પછી વીક-ઍન્ડમાં તો તમે, અથવા આપણે બધાં, સાથે જ હોવાનાં. અમેરિકા છે આ તો, અહીં તો આ જ રીતે જીવવું પડે. તો જ પોસાય, અને તો જ પૈસા વધે ઘર ખાતે.

બરાબરને?, સુજીતે કેતકીનો મત માગેલો. કેતકીએ કૈંક જુદી જ રીતે માથું હલાવેલું. એના બે અર્થ થઈ શકે, હા, હા, એમ જ સ્તો, અથવા હા ભઇ, તમે કહો તેમ.

પણ સુજીત, વીક-ઍન્ડ દરમ્યાન, સચિન અને અંજલિ સાથે સમય ગાળવાનું ચૂકતો નહીં. ક્યારેક એ એકલો જ બંનેને લઈને પાર્કમાં જતો, હિંચકા-લપસણી ખવડાવતો, બંનેને હસતાં સાંભળીને ખુશ થતો. હવે એ અંજલિને ખભા પર બેસાડતો. સચિન, તું તો હવે બિગ બૉય થઈ ગયો છું, હવે સિસનો વારો, ખરું ને?

અંજલિને સિસ્ટરમાંથી સિસ કહેવાનું ચાલુ થયું હતું. સચિન સિસનું ધ્યાન રાખતો, અને અંજલિ ભાઈ-ભાઈ કરતી પાછળ ફર્યા કરતી.

ઘેર આવીને, એ કેતકીને કહેતો, તુકી, છોકરાં સાથે ગાળેલો આ સમય મને હંમેશાં ઉષ્મા આપ્યા કરશે, બંને મોટાં થઈ જાય પછી પણ. એમનાં બાળપણનાં વર્ષો મારે બીલકુલ ચૂકવાં નથી.

કેતકી કહેતી, એ બંનેને પણ આ બધું યાદ રહેશે, સુજીત. મને ખાતરી છે.

સુજીત એક શ્વાસ લઈને કહેતો, આઇ હોપ સો. મોટાં થઈને, એ બે પણ યાદ રાખે તો સારું, કે મેં હંમેશાં એમનું હિત જ જોયું છે. મારી મુશ્કેલીઓ દરમ્યાન પણ.

વકિલાતનું ભણવાનું પૂરું કર્યા પછી, સુજીતે ખૂબ મહેનત કરી લાયસન્સ મેળવવામાં. એને અભિનંદન તો આપવાં જ પડે. ન્યૂયૉર્ક અને ન્યૂજર્સી – એમ બંને સ્ટેટ માટેનાં, મેળવવાં ઘણાં અઘરાં કહેવાય તેવાં લાયસન્સ એણે પહેલી ટ્રાયલે મેળવી લીધાં. હાશ, હવે બંને સ્ટેટમાં એ પ્રૅક્ટીસ ચાલુ કરી શકશે.

એણે પહેલી જે ઑફીસ ન્યૂજર્સીમાં ભાડે કરી, તે કેતકીના કામની જગ્યાથી બહુ દૂર નહતી. બંને એક ગાડીમાં ઘેરથી નીકળવા માંડ્યાં. ભઇ, પૅટ્રૉલ બચે, ટાઇમ બચે. ફાયદો થાય ને?

પણ કેતકીનું કામ વધી ગયું. નોકરી પરથી નીકળીને એ સુજીતની ઑફીસે જતી, ત્યાં કાગળો કૉપી કરવાના હોય, કશું ટાઇપ કરવાનું હોય, ક્યારેક પોસ્ટ ઑફીસે જવાનું હોય- આવું બધું કામ એને માથે આવતું.

પછી ઘેર જઈને ઘરનું કામ. રાત પડ્યે એ થાકીને ઠૂસ થઈ જતી. એ તરત ઊંઘી જવા માગતી, પણ રોજ નહીં, તોયે અઠવાડિયાંમાં ત્રણ-ચાર રાતે તો સુજીત સાથે સમાગમ કરવો જ પડતો.

ઘરમાં, અને જીવનમાં, એવું આનંદનું વાતાવરણ પ્રસરેલું રહેતું હતું, કે એ મનથી પણ એને નજર લગાડવા માગતી નહતી, કે નહતી એ ફરિયાદનો ભાવ મનમાં લાવવા માગતી.

એક લાંબા વીક-ઍન્ડ દરમ્યાન, સુજીતે બધાંને માટે, એક ટ્રીપનો પ્લાન કર્યો. બે ગાડી લઈને બધાં સાથે નાયગરા ધોધ જોવા જઈએ, એણે કહ્યું. બે રાત માટે, ત્રણ રૂમ પણ એક મોટેલમાં ભાડે કરી દેવાયા. એક ગાડી જગત અને દેવકી ચલાવશે, બીજી ગાડી સુજીત અને કેતકી ચલાવશે. દેવકીની નાની બેબી માઇ સાચવી લઈ શકશે. બાપ્સ પણ ભલે એ ગાડીમાં જાય. એટલો વખત એમને માઇની સાથે વધારે મળે.

સ્થાન દૂર ખરું, પણ રસ્તા સરસ. અને દુનિયામાંનો આ પ્રચંડ જળ-પ્રપાત જોવાની આભિલાષા કોને ના હોય? કેતકીનું મન તો અગમ્ય આનંદ અનુભવતું હતું. કેટલો વેગ હશે એનાં પાણીનો, અને કેવું અદ્ભુત પરિમાણ. આવી જ ધોધમાર નહતી એની જિંદગી પણ?

નાયગરાનો ધોધ જોયા પછી, એ નિઃશબ્દ રહી. ના, ના, મારી સાધારણ જિંદગી સાથે તે સરખામણી હોય આ અમાપ ઉર્જાની? આ તો સાચે જ એક દર્શન છે, ખરેખર દૈવી ઉપસ્થિતિ છે અહિંયાં. સર્જનહારનો સ્પર્શ ક્શણે ક્શણે પામી શકાય છે અહીં.

બધાં લાગણીવશ થઈ ગયાં હતાં નાયગરાનાં વિવિધ દૃશ્યો જોઈને. સુજીતના આ પ્લાન બદલ, વારાફરતી બધાંએ એનો આભાર માન્યો. કેતકીને માટે, એ પરમ ચેતન-તત્ત્વને પામ્યાની અનુભૂતિ હતી.

(ક્રમશઃ)

આપનો પ્રતિભાવ આપો..