બે કાંઠાની અધવચ (નવલકથા) પ્રકરણ: ૩૧ ~ પ્રીતિ સેનગુપ્તા

પહેલેથી સચિન ભણવામાં આગળ હતો, પણ એ આઠેક વર્ષનો થયો એટલાંમાં, એનું વાંચન, એની વિચાર-શક્તિ, એની સમજણ, એના શોખ, વગેરે બહુ વિકસી ગયાં હતાં. સાથે જ, એનાં મંતવ્યો, અને એની દલીલો. એ બાબતે એ નાના સુજીત જેવો હતો, એમ કહી શકાય, છતાં સુજીતને એ બધું ગમતું નહીં.

બહુ ઇન્ડિપૅન્ડન્ટ વ્યૂઝ નહીં સારા, સચિન.

કેમ નહીં સારા, પાપા?, તરત સામે પ્રશ્ન થતો.

મોટે ભાગે સુજીત હસી કાઢતો, પણ એ જાણતો હતો, કે સચિનના બધા પ્રશ્નોના જવાબ એ આપી નથી શકતો, અને સચિનની બધી દલીલોમાં, એને હરાવી કે સમજાવી નથી શકતો.

કેતકી ગર્વ લેતી, કે બહુ હોંશિયાર થતો જાય છે સચિન, કેમ?

સુજીતને ચીડ ચઢતી, ને મનમાં એ બબડતો, તું જાણે બહુ સમજે બધું. આમ જ છોકરાં માથે ચઢી જતાં હોય છે, તને શું ખબર?

આ ચીડ, પાતળાં પડ થઈ થઈને, એના મનમાં ખડકાતી જતી હતી, તેની જાણ સુજીતને પોતાને પણ, ક્યાંય સુધી થઈ નહતી. ચીડનું બીજું પણ એક કારણ હતું, ને તે પણ, બહુ ધીરે ધીરે પીંડ બાંધતું જતું હતું.

સચિને એક વાર વાત કરેલી, કે સ્કૂલમાંથી એક સાયન્સ પ્રોજેક્ટ માટે ન્યૂયૉર્ક શહેરની મોટી લાયબ્રેરીમાં લઈ ગયા હતા, ને ત્યાં અમને એક મશિન બતાવવામાં આવ્યું હતું. ખૂબ મોટું. દીવાલ જેટલું મોટું. ઇલેક્ટ્રીકથી આખું ચાલે, અને તમારે જે જાણવું હોય, તે મિનિટોમાં કહી આપે.

એવું મશિન તે કાંઈ હોતું હશે? આ તે કાંઈ માણસનું મગજ છે?

હા, પાપા, એવું મશિન છે. હમણાં જ નીકળ્યું છે, એમ કહ્યું અમને. બહુ અજબનું ને ગજબનું છે. ખરેખર. એનું નામ– શું કહ્યું? કમ્પિ ટર, કે કમ પિટર, કે એવું કંઇક. હું કાલે ટીચરને ફરી પૂછી લઈશ. પણ ટીચર કહેતા હતા, કે આટલું મોટું તો વર્ષો પહેલાં બન્યું હતું. હવે તો ઘેર વાપરી શકાય એવાં મશિન પણ બનવા માંડ્યાં છે. પણ બહુ મોંઘાં, હોં, સચિન અટક્યા વિના બોલી ગયો.

સુજીત જરા ભોંઠો પડી ગયો. આવું મશિન નીકળ્યું હોય, ને બાપના પહેલાં છોકરો જાણી લાવે? સ્કૂલવાળા પણ ખરા છે. બહુ ઉતાવળ એમને, યન્ગ સ્ટુડન્ટ્સને બધી જાણકારી આપવાની.

એને ગુસ્સો કેમ ચઢી ગયો તેની, પોતાને પણ, સમજ ના પડી. એ જાણે, કે સંતાનના વિકાસથી મા-બાપે ખુશ જ થવાનું હોય. પણ નાનપણથી પોતાને કરવી પડેલી મહેનત એને હંમેશાં કશીક નાનમનો ભાવ આપ્યા કરતી. જાણે દુનિયામાં બધાંની જિંદગી સહેલી હતી, ને પોતાને ભાગે સતત સંઘર્ષ અને શ્રમ લખાયેલા હતા.

ને ખરેખર, સુજીતનો શ્રમ ચાલુ જ હતો. એણે વકિલાત શરૂ કરવા માટે ઘણી મહેનત કરી. લોકલ છાપામાં જાહેરખબર છપાવી; ફ્લાયર બનાવીને દુકાનો, બૅન્કો, લાયબ્રેરી વગેરેમાં મૂક્યાં; દરેક ઓળખીતાને જાણ કરી, નજીકના ઇન્ડિયન સેન્ટરના એક ફંક્શનમાં જઈને, પોતાની નવી ખુલેલી ઑફીસ માટે, સ્પીચ આપી આવ્યો.

થોડી રાહ જોયા પછી, એની ધીરજ ફળી લાગી. એને ક્લાયન્ટ મળવા લાગ્યા. એ કૉર્ટમાં જવા માંડ્યો, ને કેસ જીતતો પણ ગયો. એવી સાંજે ઘરમાં ખુશીની હવા રેલાતી. સુજીત બધાં માટે કેક લેતો આવતો, કે પછી જુદી જુદી ફ્લેવરના આઇસ્ક્રીમ. તાળી પાડી પાડીને અંજલિ અને સચિન કહેતાં, પાપા, તમે દુનિયાના બૅસ્ટ પાપા છો, હોં.

વળી બીજો એક આઇડિયા, સુજીતના મગજમાં ક્યારનો આવી ગયો હતો. એ વિચારે, કે હું એક જણ, ને ન્યૂયૉર્ક-ન્યૂજર્સી બે સ્ટેટમાં ઑફીસ કરું તો ખરો, પણ બે જગ્યાએ પહોંચી વળવું અઘરું નહીં? ને તો તો કેસ મળવા ઓછા થઈ ના જાય? એટલે એ જરૂરી નથી, કે કેતકી પણ વકીલ બની જાય?

આ પ્રશ્નો પહેલાં તો એના જ મગજમાં ઊઠતા, અને પૂછાતા રહ્યા. જવાબ પણ એ જ આપતો ગયો. એમ કરતાં કરતાં, એને સો ટકા વિશ્વાસ પડી ગયો, કે આ ઉત્તમ ઉપાય છે, ને બધાંના લાભમાં છે.

કેતકીને વકિલાતનું ભણવાની ઇચ્છા હશે કે નહીં, એવી આવડત એનામાં હશે કે નહીં, એ માટે એની પાસે સમય છે કે નહીં, ઘર અને છોકરાં સચવાશે કે નહીં, જેવા પ્રશ્નો એને સુઝ્યા જ નહીં.

કેસ જીત્યાની ખુશીની, અને પીસ્તાં આઇસ્ક્રીમની એક રાતે, બેડરૂમમાં ગયા પછી, સુજીતે બહુ ઉત્સાહથી કેતકીને આ વાત કરી. બોલ, છે કે નહીં ગ્રેટ આઇડિયા? તું ને હું, એક જ ફીલ્ડમાં. પછી આપણી ફર્મનું નામ, આપણાં બંનેનાં નામ પરથી  ‘ઍસ. ઍન્ડ કે. લૉ ફર્મ’ રાખીશું. કૉર્ટમાં આપણે બંને કેસો લડીશું. ને જીતીશું. મને તો આ પ્રૅક્ટીકલ જ નહીં, બહુ રોમાન્ટીક આઇડિયા લાગે છે.

કેતકીએ બધું સાંભળ્યું, પણ એ સમજી જ ના શકી, કે સુજીત કહેવા શું માગે છે? એટલેકે, એ શબ્દો તો સમજી, પણ એમનો અર્થ એના માથામાં હથોડા મારવા લાગ્યો.

આ શું કહો છો, સુજીત? એમ ને એમ કાંઈ લૉ કરવા બેસાતું હશે? અને દરેક જણ કાંઈ ભણવા માંડી શકે, લૉ જેવો સબ્જેક્ટ? આ કાંઈ સહેલી વાત છે? એ સબ્જેક્ટમાં રસ પણ હોવો જોઇએને? ના, મારાથી નહીં થઈ શકે.

સુજીતે પહેલાં તો કેતકીની દલીલ હસવામાં લીધી. એ તો માની જ જવાની. એણે ક્યારે મારું કહ્યું નથી માન્યું, એણે મનમાં વિચાર્યું. આ તો એનું પહેલું રિઍક્શન છે, પછી સમજી જશે.

એણે કહ્યું, અરે, તું તો આટલી હોંશિયાર છે. તને લૉ ભણવામાં કોઈ તકલીફ જ નહીં પડે, અને હું છુંને તને હૅલ્પ કરવા માટે. જો, લગભગ બધી ટૅક્સ્ટબૂક તો ઘરમાં છે. મેં લીધા એ જ કોર્સ લેવાના છે. હું જાણું છું શું વાંચવું, પરીક્શામાં શું પૂછાય છે, કેવી રીતે જવાબ આપવા વગેરે. ઉપરાંત, તું ઘેરથી ભણી શકીશ. કૅમ્પસ પર ભાગ્યે જ જવાનું, એટલે બીજો કોઈ ટાઇમ જ નહીં કાઢવો પડે.

કેતકી કહે, ના, આ શક્ય જ નથી. તમે કહ્યું તે બધું મેં કર્યું. ક્યારે ને કેટલાં છોકરાં જોઈએથી માંડીને, ક્યારે ને કેવી નોકરી કરવી મારે – અરે, મારાં મા-બાપ સુદ્ધાંને ક્યાં ને કઈ રીતે રાખવાં તે પણ – મેં બધું તમારી ઇચ્છા પ્રમાણે કર્યું, પણ ના, મારી કૅપૅસિટીની પણ હદ હોય ને.

એ રાતે સુજીતને પાછું ઝનૂન ચઢ્યું. પથારીમાં કેતકી નમતું આપતી નહતી, તો એનો તમાચો કેતકીને ખાવો પડ્યો, અને પછી, પુરુષના શારીરિક બળની સામે, એનું કાંઈ ચાલ્યું નહીં.

સવાર સુધીમાં, તમાચાની નિશાની તો નહતી રહી એના ગાલ પર, પણ લાંબો સમય વહેલાં આંસુને કારણે, એની આંખો સુજી ગઈ હતી. બાપ્સની નજરે ના ચઢે એવી કોશિશ તો એણે કરી, પણ જરાક જૂઠું તો કહેવું જ પડ્યું- અરે, મસાલાવાળા હાથે ભૂલમાં આંખો ચોળાઈ ગઈને, એટલે.

એ પછી, એક સાંજે, સુજીત સચિનને લઈને સ્કૂલની બાસ્કેટ બૉલ ગેમ જોવા ગયો હતો. ફાધર-સન સાથે પ્રવૃત્તિઓ કરે, તેવા કાર્યક્રમો સ્કૂલ તરફથી ખાસ યોજવામાં આવતા.

અંજલિ ઘરમાં એની ડૉલી સાથે રમતી હતી. કેતકી રસોઈ કરતી હતી. દીકરી સાથે એકલાં પડ્યાની પળોનો લાભ લઈને, બાપ્સ ધીરેથી બોલ્યા, તુકી, બધું બરાબર તો છેને?

કેમ આમ બોલો છો, બાપ્સ?

ના, ના, એટલે એમ, કે સુજીતકુમારના મૂડ ઘણી વાર સમજાતા નથી. ક્યારેક એમ લાગે, કે એ ગુસ્સામાં છે, કે ટૅન્શનમાં છે, કે — રખેને એમને અણગમતું કશું થઈ જાય, એની બીક લાગતી રહે છે. મને. એટલે થયું, કે તને પૂછું, કે તને તો એવી બીક નથી હોતી ને?

કેતકીને શરમ થઈ આવી. પિતાની સાથે આવી કોઈ ઇન્ટિમેટ વાત કરવાની આવશે, એવું એણે ક્યારેય ધાર્યું નહતું. એમની પાસે બેસીને કેતકીએ કહ્યું, આ તો કાળક્રમ છે. દીજી હંમેશાં એવું કહેતાં હતાંને? કાળક્રમે ઘણું બધું બનતું હોય છે, કે જે આપણને ના સમજાય, અથવા તો બીક લગાડે, કે ચિંતાજનક લાગે. પણ ભઇ, જિંદગી તો નદી જેવી છે. મોટે ભાગે શાંત હોય, ને ક્યારેક પૂર પણ ચઢી આવે એમાં.

પછી એ હસી, શું બાપ્સ, તમે પણ. મારી પાસે નાને મોઢે મોટી મોટી, ડહાપણની વાતો બોલાવડાવો છો!  એણે નામ નદીનું દીધું હતું, પણ એના મનમાં કલ્પન નાયગરા ધોધનું હતું. બાપ રે, ધીમી વહેતી નદીમાંથી એ કેવો ધડામ્ કરતો પછડાય છે. કોઈ કોઈના જીવનમાં આવું યે થતું જ હશે ને?

રવિવારે બધાં ભેગાં થયાં, ત્યારે માઇને મળવાનું થયું. કેતકીને ખ્યાલ ના આવ્યો, કે એ બાપ્સ સાથે થયેલી વાતચીત વિષે જાણતાં હતાં કે નહીં. એવો કોઈ નિર્દેશ એમણે આપ્યો નહતો, પણ સાવ એકલાં પડવાનું પણ ક્યાં બન્યું હતું.

ત્યાં સુધી તો, બધાંના દિવસો યથાવત્ જતા હતા. છેલ્લાં બેએક વર્ષ બહુ સરસ ગયાં, એમ કેતકીને લાગતું હતું. એ રવિવારે તો હજી, કેતકીને ખ્યાલ નહતો, કે હવે એ બધું બદલાવામાં હતું. સુજીતના મગજમાં પ્લાનિન્ગ ચાલુ હતું, અને નવો એક આઇડિયા ઘુમરાતો હતો. અલબત્ત, હંમેશ મુજબ, બધાંને ફાયદો થાય તેવો જ આઇડિયા.

કેતકીની પાસે, એણે લૉ ડિગ્રી માટેની ઍપ્લિકેશન ભરાવી દીધી હતી. કોર્સ-વર્કની જાણ થઈ ગઈ પછી, એણે કેતકી પાસે વાંચવાનું શરૂ કરાવી દીધું. તને ફાવી જશે, ને જોતજોતાંમાં ભણવાનું પૂરું પણ થઈ જશે. તું જોજે ને. જોકે ડિગ્રી મળતાં ત્રણ વર્ષ થાય, તે એ બંને જાણતાં હતાં.

દિવસના કલાકો વધવાના તો નહતા, તેથી એટલો ખ્યાલ તો સુજીતે રાખ્યો, કે બપોર પછી કેતકી ઘેર હોય, ને તો, એ રસોઇ વગેરે પતાવીને વાંચવા માટે, વહેલી ફ્રી થઈ જાય. એની નોકરી, હવે એણે પાર્ટ-ટાઇમની કરાવી નાખી. જોકે, પોતાની ઑફીસનું થોડું કામ તો કેતકીએ કરવાનું રહેતું જ.

મહિનાએકમાં સુજીતને જ લાગ્યું, કે હજી કેતકીનું કામ ઘટાડવાની જરૂર હતી. એના મગજમાં જે આઇડિયા હતો, તે હવે એણે જાહેર કર્યો.

જુઓ, હવે એવી સિચ્યુએશન છે, કે જ્યારે આપણે થોડો ફેરફાર કરવો પડશે.

કોઈ સમજ્યું નહીં, કે એ શું કહેવા માગતો હતો. હંમેશ મુજબ, બધાં જરા ગભરાયાં.

એણે નાટ્યાત્મક રીતે આગળ ચલાવ્યું, દેવકી અને જગતે ખૂબ ઝડપી પ્રગતિ કરી છે, અને આટલાંમાં તો ઘર પણ લઈ લીધું છે. ઘરમાં નાનાં-મોટાં રીપેર કામ કરવાનાં ચાલુ જ રહેવાનાં, અને તે માટે વધારે સારી ગોઠવણ એ છે, કે હવે બાપ્સ ત્યાં શિફ્ટ થઈ જાય. અને માઇ હવે અહીં આવી જાય, ને રસોઇ કરવાનું ઉપાડી લે, કે જેથી કેતકીને રાહત થાય, અને એને વાંચવા માટે વધારે ટાઇમ મળે.

સુજીતકુમારની સાથે ચર્ચા કે દલીલોનો સ્કોપ હતો જ નહીં, તે બધાં જાણતાં હતાં. જોકે, આ ગોઠવણ બધાંના લાભ પ્રમાણેની તો હતી જ, એમાં ના નહીં.

પણ કૉમૅન્ટ એક અણધારી બાજુથી જ આવી.

એક સાંજે અંજલિ બોલી, મારી ફ્રૅન્ડ સૅફ્રૉનિયાનાં મૉમ તો ઘરમાં જ રહે છે. એ કહેતાં હતાં, કે મૉમ ઘરમાં હોય તો જ છોકરીનું બરાબર ધ્યાન રખાય.

તો પાપા, તમે આઇને કેમ ઘેર રહેવા નથી દેતા? કેમ આટલું કામ કરાવો છો આઇની પાસે? મારું બરાબર ધ્યાન કોઈ નથી રાખતું.

કેતકી નાની દીકરીને સમજાવવાના શબ્દ શોધતી હતી, ત્યાં તો સુજીત જોરથી બોલી ઊઠ્યો, હા, તને બધી સમજણ પડવા માંડી ગઈ, એમ? હજી નવ વરસ નથી થયાં, ને જિંદગી વિષે ખબર પડવા માંડી? બસ, ચૂપ કર, ને ખબરદાર ફરી કોઈ વાર ફ્રેન્ડ-બેન્ડની આવી વાતો કરી છે તો.

અરે, અરે, સુજીત, આ શું કરો છો?

કેતકીએ અંજલિને બાથમાં લીધી. એના કુમળા મન પર, તમાચા કરતાં પણ વધારે વાગ્યું હતું. એણે તો પાપા બધું જાણે છે, એટલે પૂછેલું. એમાં શું ગુનો થઈ ગયો? અંજલિએ બહુ પ્રયત્નપૂર્વક આંસુ ખાળી રાખેલાં. ના, એ નહીં જ રડે. હવે એ સાવ બેબી જેવી નથી રહી.

એને પણ સમજણ પડવા લાગેલી, થોડી થોડી.

(ક્રમશઃ)

આપનો પ્રતિભાવ આપો..