વિશ્વ કવિતા દિન (લેખ) ~ હિતેન આનંદપરા ~ (ગુજરાતી મિડ-ડે)

ગુજરાતી મિડ-ડે (તા. ૧ માર્ચ ૨૦૨૧)

વિશ્વ કવિતા દિન

૧૯૯૯થી ૨૧ માર્ચે વિશ્વ કવિતા દિન ઊજવાય છે. પરદેશમાં રહીને પણ માતૃભાષામાં સર્જનરત કેટલાક એનઆરઆઈ કવિઓના શેરોથી આ દિવસ ઉજવીએ. વિશેષ કરીને અમેરિકામાં  અને ત્યાર પછી બ્રિટનમાં નોંધનીય કાર્ય થયું છે. લંડનસ્થિત પંચમ શુક્લ મિશ્ર સંસ્કૃતિની વાત સુપેરે છેડે છે…
રીત કે રસમ ન ટકે માત્ર રોકટોકથી
ને રિવાજ પણ ન તૂટે ખાલી તોડફોડથી
સેળભેળ કેવી રગેરગમાં ઓગળી ગઈ
દી’એ દાળભાતથી ને રાતે હૉચપૉચથી
લંડન તો હજી મુંબઈ જેવું જ પોતીકું લાગે. ત્યાંની જાહેર પરિવહન વ્યવસ્થાને કારણે હરવુંફરવું પણ સહેલું છે. પ્રખ્યાત થેમ્સ નદીને વિવિધ કવિઓએ પોતાની કવિતામાં આવરી છે. બ્રિટનના ગ્રેટર મેન્ચેસ્ટરના બોલ્ટનમાં રહેતા કવિ અદમ ટંકારવી ગુજલીશ જબાનમાં આપણા હૈયાની વાત કરે છે…
ગુજરાતમાં હતી આ ગઝલ ગોળપાપડી
ઇંગ્લૅન્ડમાં આવી અને ચૉકલેટ થઈ ગઈ
હા, સ્વિટ નથિંગ્ઝ જેમ તું બોલી ગયો અદમ
ગુજલિસ કવિતા જાણે કે ચિટ્ચૅટ થઈ ગઈ
જેવો દેશ તેવો વેશ ધારણ કરવાનો હોય છે. બોલીમાં કદાચ ટિપિકલ સ્થાનિક લઢણ આવી જાય છતાં વર્ષોથી વિદેશમાં રહેતા સર્જકોનું ગુજરાતી ભાષા પરનું પ્રભુત્વ ટકી રહ્યું છે, એ નાનીસૂની વાત નથી. એમના પછી નવી પેઢીએ વિદેશને જ વતન બનાવી લીધું હોવાથી એમનું એટલું અનુસંધાન ભાષા કે સાહિત્ય સાથે ન સધાય એ સ્વીકારી લેવું પડે. સ્વીડન રહેતા સોફ્ટવેર એન્જિનિયર ગુંજન ગાંધી સોફ્ટ ભાષામાં વેદના વ્યક્ત કરી જ લે છે…
બર્થડેની કેક કાપી જ નહીં વર્ષો સુધી
કેંડલોને ફૂંક મારી, હાથ ત્યાં પથ્થર થયા
બારણા ના હોય એવા દેશમાં થાક્યા હશે
હાથમાં રાખી મૂકેલા એ ટકોરા જાય ક્યાં?
પરદેશમાં સાહિત્યપોષક વાતાવરણ મેળવવા ઝઝૂમવું પડે. સંગીતના સૂરો તો પોતાનો વ્યાપ શોધી લે પણ સાહિત્ય, નાટક વગેરે સ્વરૂપોમાં કામ પાર પાડવું લોઢાના ચણા ચાવવા જેવું અઘરું છે. બોલીવૂડ ગીતોની નાઈટમાં સૂંડલેમોઢે ઉમટી પડતા ભારતીયોની સંખ્યા સામે સાહિત્યની મહેફિલો તો માતા વગરના બાળક જેવી એકલવાયી લાગે. હવે તો મુંબઈ, અમદાવાદ કે વડોદરા જેવા શહેરોમાં પણ સાહિત્યરસિકોની ઉપસ્થિતિમાં ભારે ગિરાવટ આવી છે, એટલે લંડન, ન્યુયોર્ક કે બોસ્ટન જેવા શહેરો પાસેથી વિશેષ અપેક્ષા ન જ રાખી શકાય. કેલિફોર્નિયાના બે એરિયામાં રહેતાં કવયિત્રી સપના વિજાપુરાની પંક્તિમાં સર્જકની વેદના વાંચી શકાય છે…
પાંદડું જે નજરમાં હતું
વૃક્ષથી એ ખરી ગયું છે
માછલી જેવું લપસી ગયું
એક સપનું સરી ગયું છે
વતનથી દૂર રહીને નવું વતન અપનાવવું અઘરું છતાં અનિવાર્ય બની જાય. એક વાર અપનાવ્યા પછી એ જ લોહીમાં વહેતું થઈ જાય એ પણ સત્ય છે. મોટે ભાગે ગુજરાતી પ્રજા મહેનત અને વેપારી માનસને કારણે સફળ થઈ છે. છતાં જેને વતનની માટી સાદ કરતી હોય એને દેશ-પરદેશની વચ્ચેની કશ્મકશ ક્યારેક સતાવતી પણ રહે. બે એરિયામાં રહીને સરસ ગુજરાતી બ્લોગ ચલાવતા જયશ્રી વિનુ મરચંટ સાર તારવે છે…
છે શરણાગતિ કેવી દૈવી તમારી
હું જીતું છતાં પણ મને હાર લાગે
સજાવી કહું વાતને લે હું થોડી
સીધીસટ કહું તો નહીં સાર લાગે
કેલિફોર્નિયાના સેન્ટા ઍના ટાઉનના આઈટી નિષ્ણાત દક્ષેશ કોન્ટ્રાક્ટર ‘ચાતક’ અનહદનું પ્રોગ્રામિંગ સમજાવે છે…
પળમાં ભરી નિરાશા, આશા અમર બનાવી
તેં જિંદગીની ભાષા કેવી સરળ બનાવી
બેજાન પથ્થરોમાં વિશ્વાસ કોણ મૂકત
સાબિત કરી હયાતી, વચ્ચે ઝરણ બનાવી
કેલિફોર્નિયાના સેન રેમોનમાં રહેતા ડૉ. મહેશ રાવલના શેર સાથે વિશ્વભરમાં વિખરાયેલા કવિઓના સર્જકત્વ અને રસિકત્વને પરમ સર્જકની ચેતના સાથે શુભેચ્છા…
હું ધારું તો આખો ય દરિયો સમેટી
ને ઝાકળની જેમ જ, કમલમાં મૂકી દઉં
મેં રાખ્યો છે જેને નજર સામે હરપળ
એ ઈશ્વરને, ક્યાંથી પઝલમાં મૂકી દઉં

ક્યા બાત હૈ

હલચલ મચી છે એવા ઉદભવની વાત કરજે
પગની તો નહિ પણ તું પગરવની વાત કરજે

તોરણને ઉતારીને, આંખોને જરા લૂછી
માંડીને પછી આસોપાલવની વાત કરજે

કોઈ જો તમને પૂછે ઈશ્વર કે સ્વયં વિષે
શંકાઓ તજી દઈને સંભવની વાત કરજે

ખોવાઈ જતી લાગે ટોળામાં વાંસળી, તો-
મન પાસે જરા થોભી, માધવની વાત કરજે

અશરફ ગઝલના ભાવો પંડિત તો શું સમજશે?
એને છટા ને કાં તો લાઘવની વાત કરજે

~ અશરફ ડબાવાલા

આપનો પ્રતિભાવ આપો..

5 Comments

  1. હિતેનભાઈ વિશ્વ કવિતા દિવસ વિષે એક સુંદર લેખ! તમે આખા વિશ્વને આવરી લીધું છે. કવિતા કોઈપણ ભાષામાં હોય જે હૃદયને સ્પર્શી જાય એજ સાચી કવિતા! તમે ઉંમરમાં મારાથી નાના છો એટલે આશીર્વાદ જ આપીશ. અને હા ‘આપણું આંગણું’ ના કામ માટે પણ અભિનંદન ખૂબ સુંદર કામ થઇ રહ્યું છે. દુઆ અને સલામ !