શ્રીમદ્‌ ભાગવત કથા – સ્કંધ ત્રીજો – અધ્યાય પહેલો

 સ્કંધ ત્રીજો – પહેલો અધ્યાય – “ઉદ્ધવ અને વિદુરજીનો મેળાપ” 

ૐ નમો ભગવતે વાસુદેવાય

 (દ્વિતીય સ્કંધના દ્વિતીય સ્કંધના અંતિમ અધ્યાય દસમો, “ભાગવતના દસ લક્ષણો” અંતર્ગત આપે વાંચ્યું કે, શુકદેવજી, મોક્ષાર્થી રાજા પરીક્ષિતને સમજાવે છે કે ભગવાન જ વિશ્વના પાલન-પોષણ માટે ધર્મમય વિષ્ણુનું સ્વરૂપ લઈને દેવતા, મનુષ્ય, પશુ, પક્ષીના રૂપોમાં અવતાર લે છે. આ જ ભગવાન પ્રલયનો સમય આવતાં જ રુદ્રનું રૂપ લઈને પોતે જ બનાવેલા વિશ્વને અને સમસ્ત સૃષ્ટિને પોતાનામાં લીન કરી દે છે. હે પરીક્ષિત, પરંતુ જ્ઞાનીઓ અને ઋષિ-મુનિઓ એમને માત્ર સર્જન, પાલન અને પ્રલય કરનાર તરીકે નથી પીછાણતાં કારણ તેઓને ખબર છે કે પરમાત્મા તો એનાથી પણ પર છે. પરમાત્માનું ન આદિ છે ન અંત છે. જ્યારે આ સૃષ્ટિ અને બ્રહ્માંડો નહોતાં ત્યારે પણ પરમાત્મા હતા અને જ્યારે આ સર્વ એના નિયત સમયે નાશ પામશે ત્યારે પણ પરમાત્મા હશે જ એ નિશ્વિત માનજો.

શુકદેવજીએ રાજા પરીક્ષિતને ભાગવ‌દ્‌ પુરાણમાં ભગાવનની સૃષ્ટિ અને માનવજીવનને લગતાં દસ વિષયો અને લક્ષણોને બારીકીથી સમજાવ્યા છે જેથી કરીને તેઓ આત્માની શાંતિ પામી, ઈશ્વરમાં મન સંલગ્ન કરી તેમના અંતિમ ગંતવ્ય તરફ, આશ્રયસ્થાન તરફ શાંતિથી પ્રસ્થાન કરી શકે. આ પ્રમાણે શુકદેવજીએ રાજાને બોધ કર્યો અને પરમાત્મા સાથે એકરૂપ થવાની સમજણ આપી. હવે અહીંથી વાંચો આગળ, આજથી પ્રારંભ થતા સ્કંધ ત્રીજાનો અધ્યાય પહેલો, “ઉદ્ધવ અને વિદુરજીનો મેળાપ”)

સૂતજી કહે છે – હે શૌનકાદિઋષિઓ, શુકદેવજી રાજા પરીક્ષિતને ભાગવતના દસ લક્ષણો સમજાવે છે પછી રાજા એમને પ્રશ્ન કરે છે કે મહાભારતના યુદ્ધ સમયે જ વિદુરજીના સમજાવવા છતાં મહારાજ ધૃતરાષ્ટ્ર યુદ્ધ ટાળવા અને પુત્રમોહ ત્યાગવા ઉદ્યત થયાં નહિ. તો આગળ વ્યથિત વિદુરજી જેવા મહાત્માએ પોતાના માટે ક્યો રસ્તો શોધ્યો અને એ રસ્તે એમને શું મનનું સમાધાન મળ્યું? ભગવાનના પરમ ભક્ત વિદુરજી સ્વજનોને ત્યજીને, પૃથ્વીના ભ્રમણ પર નીકળી પડ્યાં હતાં તો મહાત્મા વિદુરજીને આ યાત્રામાં કોની કોની સાથે સમાગમ થયો અને તેમણે પોતાના ભાઈભાંડુઓનો અને ભીષ્મ પિતામહનો ત્યાગ શા માટે કર્યો? અને ત્યાગ કર્યા પછી વિદુરજી પાછાં શા માટે આવ્યા? પરીક્ષિત હાથ જોડીને વિનંતી કરતાં શુકદેવજીને કહે છે કે આપ મને મહાત્મા વિદુરજીનું ચરિત્ર સંભળાવો. આના જવાબમાં શુકદેવજી નીચે પ્રમાણે કહે છે

શુકદેવજી કહે – હે પરીક્ષિત!હું તમને મહાત્મા વિદુરજીનું ચરિત્ર અવશ્ય સંભળાવીશ. તેઓ તમારા પૂર્વજ હતા અને વિશુદ્ધ આત્મા હતા. જ્યારે યોગેશ્વર શ્રી કૃષ્ણ પાંડવોના દૂત બનીને હસ્તિનાપુર સંધિ માટે ગયા હતા ત્યારે દુર્યોધનના મહાલયો છોડીને તેઓ વિદુરજીને ઘરે, એમની સાદી ઝૂંપડીમાં સાદું ભોજન લઈને ચટાઈ પર સૂતા હતા. ભગવાન શ્રી કૃષ્ણને વિદુરજી માટે ખૂબ પ્રેમભાવ હતો, કારણ, વિદુરજી, સંત હતા અને સદા ધર્મનો સાથે નિભાવતા હતાં. જ્યાં ધર્મ હોય ત્યાં સદા કૃષ્ણ હોય અને જ્યાં કૃષ્ણ હોય ત્યાં ધર્મ હોય જ. જ્યાં ધર્મ છે, કૃષ્ણ છે ત્યાં સત્ય તો રહેવાનું જ અને સત્યમેવ સદા જયતે વત્સ.

હે રાજન, હું તમને એ દિવસોની વાત કરું જ્યારે પોતાના અનુજ મહાત્મા વિદુરજીની સલાહને અવગણીને પુત્રમોહમાં તણાઈને અંધ રાજા ધૃતરાષ્ટ્રએ પોતાના પુત્રોના વ્યર્થ અહમ અને દ્વેષને પોષવા પોતાના બીજા અનુજ પાંડુના પુત્રોને લાક્ષભવનમાં મોકલીને અગ્નિને એ મહેલ સમર્પિત કરી દીધો હતો. એટલું જ નહીં, મહારાજ ધૃતરાષ્ટ્ર પોતાના સાળા શકુનિની વાતમાં આવીને જ્યારે દુર્યોધન યુધિષ્ઠિરને દ્યૂત રમવા આમંત્રણ મોકલતો હતો ત્યારે એને રોક્યો નહિ. છળકપટથી દુર્યોધનના મામા શકુનિએ યુધિષ્ઠિરને જુગટામાં હરાવ્યો ત્યારે પણ મહારાજ કશું બોલ્યાં નહિ. હદ ત્યારે થઈ ગઈ કે પોતાની કુળવધુ અને પાંડવોની પત્ની, રજઃસ્વલા દ્રૌપદીને કેશ ખેંચીને ભરસભામાં લાવીને દુઃશાસને વસ્ત્રહરણનું અધમ કૃત્ય કર્યું તો પણ મહારાજે ન પુત્રોને આ કુકર્મ કરતાં વાર્યા કે ન કશું કહ્યું. દુર્યોધને દ્યૂતમાં કપટ કરીને યુધિષ્ઠિરનું રાજ્ય મેળવી લીધું અને પાંડવોને વનવાસમાં શરત મુજબ મોકલ્યા. હે પરીક્ષિત, પાંડવો ધર્મપ્રેમી અને સત્ચરિત હતા. એમણે શરત મુજબના વનવાસમાંથી પાછાં આવીને પૈતૃક સંપત્તિમાં પોતાનો હક અને ભાગ માગ્યો. ન્યાય પ્રમાણે એમને એમના પિતાની સંપત્તિમાંથી એમનો હિસ્સો મળવો પણ જોઈતો હતો. એ સમયે પણ ધૃતરાષ્ટ્ર પોતાનો ધર્મ ન ચૂક્યા હોત અને ફરી પુત્રના મોહમાં અંધ ન બનીને એમણે પાંડવોને એમનો ઉચિત હિસ્સો આપ્યો હોત તો અનિષ્ટનાં એંધાણ ટાળી શકાયા હોત. પાંદવો અને કુરુરાજ વચ્ચે સંધિ કરાવવા શ્રી કૃષ્ણ સ્વયં પાંડવોનો સંદેશો લઈને, દૂત બનીને હસ્તિનાપુરની તથાકથિત ધર્મસભામાં આવ્યા અને પાંડવોના ઉચિત ભાગ માટે એમને મળે એવો પ્રસ્તાવ મહારાજ સમક્ષ મૂક્યો. શ્રી કૃષ્ણનો એ પ્રસ્તાવ સ્વીકારી લઈને સાચા અર્થમાં રાજધર્મ નિભાવવાનો મહારાજ ધૃતરાષ્ટ્ર માટે આ ફરી એક વધુ મોકો હતો. એ સમયે પણ કુરુરાજે ભગવાનના વચનોનું સન્માન તો ન કર્યું પણ શ્રી કૃષ્ણનો અનાદર કર્યો. સન્માન કે આદર કરવાની બુદ્ધિ ત્યારે જ નષ્ટ પામે છે જ્યારે અધર્મ સાથ આપે છે. તમારા પરદાદા ધૃતરાષ્ટ્ર રાજધર્મ તો ચૂક્યા જ હતા પણ ધર્મનો અને સત્યનો માર્ગ પણ ચાતરી ગયા હતાં કારણ તેમનાં રહ્યાં સહ્યાં પુણ્યો પણ ક્ષય પામ્યા હતાં. તે છતાં જ્યારે સલાહ લેવા માટે વરિષ્ઠ મંત્રીશ્રેષ્ઠ અને નીતિશાસ્ત્ર અને રાજધર્મના વિદ્વાન, નાનાભાઈ વિદુરજીને બોલાવવામાં આવ્યા ત્યારે વિદુરજીએ રાજભવનમાં જઈને ‌મહારાજને નીતિશાસ્ત્ર અને રાજધર્મનો સદ્‍બોધ આપ્યો, જેને નીતિશાસ્ત્રજ્ઞો “વિદુરનીતિ” કહે છે. મહાત્મા વિદુરજીએ વડીલબંધુ ધૃતરાષ્ટ્રને સમજાવ્યું કે રાજનીતિ અને રાજધર્મનું પાલન રાજા ન કરે ને યુદ્ધ થાય તો પ્રજાને એનું ઋણ ચૂકવવું પડે છે અને આમ સામે ચડીને વ્હોરી લીધેલા યુદ્ધમાં જે સંહાર થાય છે એનું પાતક રાજાના શિરે હોય છે અને રાજાના આ પાપના પરિણામો પણ અંતે પ્રજા ભોગવે છે. રાજાનો ધર્મ છે કે પ્રજાનું શાસન સુપેરે કરવું અને રાજ્યમાં શાંતિ સદા રહે તથા પ્રજાની પ્રગતિ સદા થતી રહે એવા પ્રાવધાનો કરવા. વિદુરજીએ મહારાજાને સમજાવીને કહ્યું કે “સાચો રસ્તો એ છે કે ન્યાય પ્રમાણે પાંડવોને એમના હિસ્સાનું રાજ્ય મળે એની જવાબદારી રાજા તરીકે, મહારાજ આપની છે. મહારાજ, આપે પુત્રના આંધળા પ્રેમને ત્યજીને શ્રેયનો અને ન્યાયનો માર્ગ અપનાવો જોઈએ. તમારા આ અંધ પુત્રસ્નેહને અસહ્ય અને અક્ષમ્ય અપરાધની સજા પાંડવો ભોગવી રહ્યાં છે. આ સાચું નથી. ભગવાન શ્રી કૃષ્ણ પણ પાંડવોની સાથે છે કારણ કે પાંડવો ધર્મના પક્ષે છે. શ્રી કૃષ્ણએ એમને અપનાવી લીધા છે. યદુવીરોના આરાધ્યદેવ શ્રી કૃષ્ણએ પૃથ્વીના બધા ધર્મનિષ્ઠ રાજાઓને પોતાને આધીન કરી લીધા છે. એટલું જ નહીં, બ્રાહ્મણો, ઋષિગણો અને સહુ દેવતાઓ પણ પાંડવોના પક્ષે છે. તમે જેના સ્નેહમાં આંધળા બનીને અપરાધ ઉપર અપરાધ કરી રહ્યા છો એ દુર્યોધન સ્વયં દોષ અને દ્વેષના સંમિશ્રણથી બનેલી એવી મૂરત છે કે એ તમને પણ ભગવાન વાસુદેવથી વિમુખ કરીને ધીમેધીમે શ્રીહીન કરી રહ્યો છે. તમે જો સમસ્ત કુળનું હિત ઈચ્છતા હો તો દુર્યોધનની આ જીદને ન પોષો. હજી પણ મોડું નથી થયું. હું ભયંકર વિનાશના કાળા વાદળો કુરુકુળ પર ઝળૂંબતા જોઈ રહ્યો છું. મહારજ આ આવનારા ઘોર વિનાશને ટાળવાનું તમારા હાથમાં છે. રાજધર્મનું પાલન કરો.”  

વિદુરજી સત્યવાદી, મધુરભાષી અને સૌમ્ય હતા અને સહુ એમનો અત્યંત આદર કરતા હતા પરંતુ એમના આ સ્પષ્ટ વચનો સાંભળીને કર્ણ, દુઃશાસન, શકુનિ અને દુર્યોધન, બધા જ ક્રોધથી કાંપવા માંડ્યા. દુર્યોધને મહાત્મા વિદુરજીનું અપમાન કરતાં કહ્યું, “અરે, મહારાજ, આ દાસીપુત્રને કોના કહેવાથી સલાહ આપવા બોલાવ્યો? જેમના ટુકડા પર એ જીવે છે, તેમનો જ વિરોધી થઈને શત્રુનો પક્ષ લે છે! એના આ અક્ષમ્ય ગુના બદલ એના પ્રાણ તો ન લો મહારાજ, કારણ એ તમારો નાનો ભાઈ છે પણ, એને નગરમાંથી બહાર કાઢી મૂકો, એટલી સજા તો થવી જ જોઈએ.”

આ કટુ વચનો સાંભળીને, વિદુરજી જરા પણ ચલિત થયા વિના, વડીલબંધુને પ્રણામ કરીને, પોતાનું ધનુષ્ય રાજભવનના દરવાજા પર છોડીને તેઓ હસ્તિનાપુરમાંથી ચાલી નીકળ્યા. કૌરવોના રાજ્યમાંથી પુણ્યાત્મા વિદુરજીએ વિદાય લીધી, સાથે કૌરવોના પુણ્યનો સૂરજ અસ્ત થવાનું પહેલું ચરણ લેવાય ચૂકાયું હતું. પછી તો વિદુરજી હસ્તિનાપુરમાંથી નીકળીને અવધૂતવેશે સમસ્ત ભૂમંડળમાં તીર્થપાદ શ્રી ભગવાનના ક્ષેત્રોમાં વિચરણ કરવા માંડ્યા. તેઓ અત્યંત સાદાઈથી રહેતા હતા અને પૂરો સમય ઈશ્વરના સ્મરણમાં અને ઈશ્વરને પ્રસન્ન કરનારાં વ્રતોમાં વ્યતીત કરતા હતા. આમ વર્ષો વિતતાં ગયા. આ પ્રમાણે ભારતવર્ષમાં વિચરણ કરતાં કરતાં વિદુરજી પ્રભાસપાટણ જઈ પહોંચ્યા. ત્યાં સુધીમાં મહાભારતનું યુદ્ધ થઈ ચૂક્યું હતું અને શ્રી કૃષ્ણની સહાયતાથી યુધિષ્ઠિરે પૃથ્વીનું એકચક્રી અખંડ રાજ્ય કરવા માંડ્યું હતું. કૌરવોના વિનાશની વાત સાંભળીને તેઓને અત્યંત ખેદ થયો અને શોક કરતાં તેઓ પૂર્વવાહિની સરસ્વતીના તીરે આવ્યા. ત્યાં તેમણે ત્રિત, ઉશના, મનુ, પૃથુ, અગ્નિ, અસિત, વાયુ, સુદાસ, ગૌ, ગુહ અને શ્રાદ્ધદેવ નામે પ્રસિદ્ધ અગિયાર તીર્થોનું સેવન કર્યું અને પોતાના મૃત્યુ પામેલા સ્વજનોને જલાંજલિ અર્પણ કરીને તર્પણ કર્યું. પછી શ્રી કૃષ્ણનું ધ્યાન ધર્યું અને ભગવાનને પોતાના મૃત સર્વ સ્વજનોના આત્માની મુક્તિ માટે પ્રાર્થના કરી.

ત્યાંથી નીકળીને તેઓ યમુના તટે આવ્યા ત્યારે ત્યાં વિદુરજીને ઉદ્ધવજીના દર્શન થયા. ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણના સેવક હતા અને અત્યંત શાંત, ધીર, ગંભીર અને સૌમ્ય સ્વભાવના હતા. ઉદ્ધવજીએ અગાઉ બૃહસ્પતિજી પાસેથી નીતિશાસ્ત્રનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ હંમેશાં આનંદમાં મગ્ન રહેતા હતા. તેમને જોઈને વિદુરજી ભાવવિભોર થઈ ગયા અને એમને ગાઢ આલિંગન કર્યું. વિદુરજીએ પોતાના આરાધ્ય દેવ શ્રી કૃષ્ણના તથા તેમના આશ્રિત આત્મીય સ્વજનોના કુશળ સમાચાર પણ ઉદ્ધવજીને પૂછ્યા.

વિદુરજીએ ઉદ્ધવજીને આમ ક્ષેમકુશળના સમાચાર પુછતાં કહ્યું, “હે ઉદ્ધવજી, ભગવાનના નાભિકમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીની પ્રાર્થનાથી શ્રી કૃષ્ણએ અને એમના વડીલબંધુ બળરામજીએ આ જગતમાં અવતાર લીધો છે. પૃથ્વીનો ભાર ઉતારીને, સૌને આનંદ આપતાં તેઓ, પિતા વસુદેવ, માતા દેવકી, બહેન કુંતી, મહારાજ ઉગ્રસેન, અક્રૂરજી અને યાદવોના અધિપતિ રુકમણીનંદન પ્રદ્યુમનજી, જાંબવતી પુત્ર સામ્બ, સત્યવતી પુત્ર ચારુદેષ્ણ, ગદ સહિત અન્ય સહુ શ્રી કૃષ્ણના સંતાનો અને રાણીઓ ત્યાં દ્વારિકાનગરીમાં કુશળ તો છે ને? મહારાજ યુધિષ્ઠિર અન્ય બંધુઓની સહાયથી ધર્મ મર્યાદાનું અને રાજધર્મનું ન્યાયપૂર્ણ પાલન કરીને શાસન કરે છે ને? ભીમ, અર્જુન, નકુળ, અને સહદેવ સહિત યાજ્ઞસેની રાજ્યસભાની અને રાજ્યની શોભામાં અભિવૃદ્ધિ કરે છે કે નહિ? અનુપમ વીર અને ચારેય દિશાઓના વિજેતા રાજર્ષિ પાંડુના મૃત્યુ સમયે પાંચ પાંડવોને ઉછેરવાની જવાબદારી કુંતી પર હોવાથી માતા કુંતી જીવિત રહ્યાં અને પાંડુ ને માદ્રી સાથે સહગમન ન કર્યું અને મહારાજ ધૃતરાષ્ટ્રના ભરોસે, પાંચ પુત્રોનો રાજકુમાર તરીકે ઉછેર કરવા રાજમહેલમાં આવીને રહ્યા. પુત્રમોહમાં અંધ બનેલા ધૃતરાષ્ટ્રએ પરલોકવાસી ભાઈ પાંડુનો અને શરણાર્થી માતા કુંતીનો દ્રોહ કર્યો અને એમના સંતાનોને અન્યાય કર્યો. મારા ચેતવ્યા છતાં પણ અધઃપતન તરફ વડીલબંધુ મહારાજ ધૃતરાષ્ટ્ર વધતા જ ગયા એનો મને અત્યંત ખેદ છે. પોતાના પુત્રોની દુષ્ટતા પોષવા પોતાના હિતચિંતક એવા નાનાભાઈ મને પણ નગરમાંથી કઢાવી મૂકાવ્યો. પણ ભાઈ, મને એનો કશો જ ખેદ નથી. હા, દુઃખ છે કે જો હું નગરમાં હોત તો છેલ્લી ઘડી સુધી યુદ્ધ ટાળવા પ્રયત્નશીલ રહ્યો હોત અને ભગવાનની વાતો સ્વીકારી લેવા માટે વડીલબંધુ ધૃતરાષ્ટ્રને સમજાવ્યા કરત. હાલમાં તો હું મહાત્માઓ, ઋષિગણો અને તીર્થાટનોમાં આનંદથી વિચરી રહ્યો છું અને પ્રભુની પરમ કૃપાના આનંદમાં મગન રહું છું. હું તો એ વાતથી અભિભૂત થાઉં છું કે આ ભીષણ સંગ્રામમાં પણ શ્રી કૃષ્ણએ કૌરવો અને એમને સાથે આપનારા, કુમાર્ગે ચઢેલા, ધન, લોભ ને જાતિના મદમાં આંધળા બનેલા અન્ય રાજવીઓનો પણ નાશ કર્યો અને એમનો ઉદ્ધાર પણ કર્યો. આવા કોમળ હ્રદયના, અને ભક્તોનો સદા ઉદ્ધાર કરનારા, અજન્મા હોવા છતાં પણ ભક્તજનોને તારવા માટે યદુકુળમાં જન્મ લઈ મનુષ્યદેહ ધારણ કર્યો એવા પુણ્યશ્લોક અને પવિત્રકીર્તિ એવા શ્રી કૃષ્ણની વાતો સંભળાવો ઉદ્ધવજી.”     

શ્રીમદભાગવત મહાપુરાણનો ત્રીજા સ્કંધ અંતર્ગત, પહેલો અધ્યાય – “વિદુર-ઉદ્ધવ-સંવાદ” –સમાપ્ત થયો.

શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. સરળ ભાવે વહેતી કથામા અગત્યની ચિંતનાત્મક વાત
    મહાત્મા વિદુરજીનું ચરિત્ર અંગે પ્ર્રેરણાત્મક કથા
    ધન્યવાદ