શ્રીમદ્‌ ભાગવત કથા – સ્કંધ ત્રીજો – અધ્યાય બીજો ~ સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

સ્કંધ ત્રીજોબીજો અધ્યાય – “ઉદ્ધવજીએ કરેલું ભગવાનની બાળલીલાઓનું વર્ણન
નમો ભગવતે વાસુદેવાય

 (ત્રીજા સ્કંધના અધ્યાય પહેલો, “ઉદ્ધવ અને વિદુરજીનો મેળાપ અંતર્ગત આપે વાંચ્યું કે, પુત્રમોહમાં અંધ બનેલા ધૃતરાષ્ટ્રએ પરલોકવાસી ભાઈ પાંડુનો અને શરણાર્થી માતા કુંતીનો દ્રોહ કર્યો અને એમના સંતાનોને અન્યાય કર્યો. વિદુરજીના ચેતવ્યા છતાં પણ અધઃપતન તરફ વડીલબંધુ મહારાજ ધૃતરાષ્ટ્ર વધતા જ ગયા. પોતાના પુત્રોની દુષ્ટતા પોષવા પોતાના હિતચિંતક એવા નાનાભાઈ વિદુરજીને પણ નગરમાંથી કઢાવી મૂકાવ્યા. પણ સાત્વિક વૃત્તિવાળા વિદુરજીને એનો કશો જ ખેદ નહોતો પણ દુઃખ એ હતું કે જો એ નગરમાં હોત તો છેલ્લી ઘડી સુધી યુદ્ધ ટાળવા પ્રયત્નશીલ રહ્યા હોત અને ભગવાનની વાતો સ્વીકારી લેવા માટે વડીલબંધુ ધૃતરાષ્ટ્રને છેલ્લી ઘડી સુધી સમજાવ્યા કરતા હોત. ઉદ્ધવજીને જ્યારે વિદુરજી મળે છે ત્યારે કહે છે કે,  “હાલમાં તો હું મહાત્માઓ, ઋષિગણો અને તીર્થાટનોમાં આનંદથી વિચરી રહ્યો છું અને પ્રભુની પરમ કૃપાના આનંદમાં મગ્ન રહું છું. હું તો એ વાતથી અભિભૂત થાઉં છું કે આ ભીષણ સંગ્રામમાં પણ શ્રીકૃષ્ણએ કૌરવો અને એમને સાથે આપનારા, કુમાર્ગે ચઢેલા, ધન, લોભ ને જાતિના મદમાં આંધળા બનેલા અન્ય રાજવીઓનો પણ નાશ કર્યો અને એમનો ઉદ્ધાર પણ કર્યો. આવા કોમળ હ્રદયના, અને ભક્તોનો સદા ઉદ્ધાર કરનારા, અજન્મા હોવા છતાં પણ ભક્તજનોને તારવા માટે યદુકુળમાં જન્મ લઈ મનુષ્યદેહ ધારણ કર્યો એવા પુણ્યશ્લોક અને પવિત્રકીર્તિ એવા શ્રીકૃષ્ણની વાતો સંભળાવો ઉદ્ધવજી.” હવે અહીંથી વાંચો આગળસ્કંધ ત્રીજાનો અધ્યાય બીજો, “ઉદ્ધવજીએ કરેલું ભગવાનની બાળલીલાઓનું વર્ણન)

સૂતજી કહે છે – હે શૌનકાદિ ઋષિઓ, જ્યારે વિદુરજીએ શ્રીકૃષ્ણના પરમ ભક્ત ઉદ્ધવજીને આ રીતે વિનંતી કરી ત્યારે ઉદ્ધવજીને પોતાના સ્વામીનું સ્મરણ થઈ આવતાં જ, એમનું હ્રદય ભરાઈ આવ્યું. તેઓ ભાવવિભોર બની ગયા અને એમની આંખોમાં આંસુ આવી ગયા. એમની નજર સામે એમના બચપણના દિવસો તાદ્રશ્ય થયાં. ઉદ્ધવજી ત્યારથી જ શ્રીકૃષ્ણના પરમ ભક્ત રહ્યા હતા. વિદુરજી એમને મળ્યા ત્યારે શ્રીકૃષ્ણની સેવામાં સદા રત રહેતાં ઉદ્ધવજી વૃદ્ધાવસ્થાના ઉંબરે પહોંચી ગયા હતા. એમણે આંખો મીંચી અને ભગવાનની ભક્તિમાં તરબતર થઈ ગયા. એમની આંખોમાંથી પ્રેમાશ્રુનો પ્રવાહ અવિરત વહેતો રહ્યો. ઉદ્ધવજી તો સદેહે ભગવાનના ધામમાં જાણે પહોંચી ગયા હતા. ધીરેધીરે, તેઓ શ્રીકૃષ્ણના ધામમાંથી ઊતરીને પાછા આવ્યા, પોતાને સ્વસ્થ કર્યા અને અશ્રુઓ લૂછીને તેઓ કહેવા માંડ્યા.

ઉદ્ધવજી વિદુરજીને સંબોધતાં બોલ્યા – યાદવો શ્રીકૃષ્ણના ભક્ત હતા. શ્રીકૃષ્ણને તેમના પ્રમુખ અને સર્વભૂતોમાં નિવાસ કરનારા પરમાત્મા માનતા હતા. ભગવાને સ્વયં તો એમના ભક્તો અને એમના વિરોધીઓ સહુને બિનશરતી અને એકસરખો પ્રેમ જ કર્યો છે. ભગવાને વિશ્વમાંથી દુષ્ટતા અને અધર્મનો વિનાશ કરવા, તથા ભક્તિયોગનો પુનઃ ઉત્થાન કરવા માટે જ માનવદેહ ધારણ કર્યો હતો. માનવદેહને ધારણ કરતાં જ માનવ અવસ્થા સાથે સંકળાયેલી બધી જ અવસ્થાઓને તેઓ આનંદપર્વ માનીને જીવ્યા. પછી ગોકુળમાં નટખટ કનૈયાનું રૂપ હોય, ગોપીઓ સાથેની રાસલીલા હોય, કંસનો વધ હોય કે મહાભારતનું યુદ્ધ હોય, આ સહુ પરિસ્થિતિમાં શ્રીકૃષ્ણના મોહક મુખ પરની પ્રસન્નતા કદીયે ઓછી થઈ નહોતી.

પ્રભુની લીલાઓ તો જુઓ! સ્વયં અજન્મા હોવા છતાં પણ વસુદેવજી અને દેવકીને ત્યાં એમણે જન્મ લીધો. જન્મથી જ એમની લીલાનો પરચો મળવા માંડ્યો. પોતાના આઠમા સંતાન, શ્રીકૃષ્ણને કંસ મારી ન નાખે એ માટે કંસની જેલમાંથી મધરાતે છટકીને વસુદેવજીએ પોતાના ગોકુળ નિવાસી મિત્ર નંદને ત્યાં પોતાના પુત્રને મૂકી આવવાનું નક્કી કર્યું.  બેઉ કાંઠે ઊભરાતી યમુના પાર કરીને મધરાતે વસુદેવજી નંદબાબાને ઘેર, એક ટોપલીમાં નવજાત બાળક, શ્રીકૃષ્ણને લઈ જતા હતાં. યમુનાનો જલપ્રવાહ વધી રહ્યો હતો ત્યારે જ શ્રીકૃષ્ણના પગના અંગૂઠાનો સ્પર્શ થતાં જ યમુનાએ વસુદેવજીને રસ્તો કરી આપ્યો. ભગવાનની કેવી કેવી અદભૂત લીલાઓ છે!

શ્રીકૃષ્ણ સૌને અભયદાન દેનારા હતા છતાં પણ કંસના ભયથી વ્રજમાં રહ્યા. ભગવાનની વિનમ્રતા અને ધર્મ જાગરૂકતા તો જુઓ! કંસના ત્રાસમાંથી મથુરા નગરીને મુક્ત કરાવીને, તેઓ માતા દેવકી અને પિતા વસુદેવને પગે લાગ્યા ત્યારે અત્યંત ભાવપૂર્ણ રીતે માફી માગતા કહ્યું કે, “પિતાજી, માતાજી! કંસના ભયને કારણે, એક પુત્ર તરીકે આટલા સમય સુધી હું આપની સેવા નથી કરી શક્યો. એ મારા અપરાધ બદલ મને માફ કરજો.” તેઓ એક આદર્શ પુત્રનો ધર્મ ચૂકતાં નથી.

વિદુરજી, તમે પણ જોયું છે કે શિશુપાલ જેવાને પણ એમનો દ્વેષ કરવા છતાંયે, શ્રીકૃષ્ણ મુક્તિ આપે છે. મહાભારતના યુદ્ધમાં પણ જે યોદ્ધાઓ હણાયા, તેઓ શ્રીકૃષ્ણના દર્શન માત્રથી ભગવાનના પરમધામને પામ્યા. કારણ, ભગવાન તો પોતાના અંતરના સંપૂર્ણ ઐશ્વર્યથી પૂર્ણ છે. અનેક દેવી, દેવતાઓ સતત એમનું સ્મરણ કરતાં હોય છે. પાપિણી પુતનાએ પોતાના થાન પર હળાહળ ઝેર લગાડીને, શ્રીકૃષ્ણને, કંસના આદેશથી મારી નાખવા માટે સ્તનપાન કરાવ્યું હતું. તો એને પણ ભગવાને અંતમાં પરમ ગતિ આપી. હે વિદુર, અસુરો પણ છેવટે ભગવાનના ભક્તો જ છે, કારણ, વેરભાવને લીધે પણ ભલે, એમના મનમાં તો શ્રીકૃષ્ણનું જ સ્મરણ સતત રહે છે. શકટાસુર અને તૃણાવત રાક્ષસોનો વધ પણ કૃષ્ણ એમના બાળપણમાં જ કરે છે.

બ્રહ્માજીની પ્રાર્થનાથી આ પૃથ્વીનો ભાર ઉતારવા એમણે દેવકી અને વસુદેવને ત્યાં જન્મ લીધો હતો. એમણે એમનું આ અવતાર કાર્ય પાર પાડવાનું હતું. વ્રજમાં નંદબાબાને ત્યાં બળરામજી સાથે તેઓ અગિયાર વરસ રહ્યા. યમુનાના ઉપવનમાં એમણે ગાયો અને વાછરડાં ચરાવતા, ગોપબાળોની ટોળીઓ સાથે ધીંગા મસ્તી કરી હતી. ગોકુળની ગોપીઓના જ નહીં, યમુનાના વનોના પશુ-પક્ષીઓ સહુના ભગવાન લાડકા હતા. વ્રજમાં એમણે કરેલી બાળ લીલાઓમાં જીવનની સાદગીનો ઉત્સવ છે, આશાનો સંચાર છે, ભાઈચારો છે, પ્રેમ છે, વ્હાલ છે, જીવનનું સંગીત છે. સાક્ષાત લક્ષ્મી સમી ગાયો અને આકર્ષક શ્વેત વાછરડાને ચરાવતા રહીને પોતાના ભેરુઓને વાંસળી વગાડી શ્રીકૃષ્ણ રીઝવતા.

એમની વાંસળીની પાછળ ગાયો અને ગોપીઓ પણ મનનો કાબુ ગુમાવીને દોડતી એમની પાસે પહોંચી જતી. એમણે રમત રમતમાં કાલિયનાગનું દમન કરીને ઝેરવાળું પાણી અમૃતમય કરી નાખ્યું, ગોપ, ગોપીઓને તથા વ્રજવાસીઓને કાલિયનાગના સકંજામાંથી છોડાવ્યા અને કાલિય નાગના વિષ વિનાનું પાણી સહુને લભ્ય કરી આપ્યું. ભગવાન કૃષ્ણએ ઈન્દ્રનો ગર્વ તોડવા અને વૃદ્ધિ પામેલા ધનનો સદવ્યય કરાવવાની ઈચ્છાથી નંદબાબા પાસે ગોવર્ધન પર્વતની પૂજા રૂપે ગો-યજ્ઞ કરાવ્યો. પોતાનો માનભંગ થવાથી ઈન્દ્ર જ્યારે ક્રોધ પામીને વ્રજનો વિનાશ કરવા માટે મૂશળધાર વરસાદ વરસાવવા માંડ્યો. એ સમયે ગોવર્ધન પર્વતને છત્રી બનાવીને પોતાની ટચલી આંગળી પર ઊંચકી લીધો અને સર્વ ગ્રામવાસીઓ અને પશુધનનું એમણે રક્ષણ કર્યું. એટલું જ નહીં, ઈન્દ્રના ગર્વનું ખંડન કર્યું.

ચાંદની રાતે, વૃંદાવનમાં, સંગીતના તાલે ગોપગોપીઓ સંગ છટાથી ડોલતા શ્રીકૃષ્ણની રાસલીલાની રમઝટ તો અનેરી જ હતી. હે વિદુર, મેં તો તમને કૃષ્ણની બાળલીલાઓનો સાર માત્ર કહ્યો છે. પણ દરેક લીલાનો એક જે ચોક્કસ હેતુ હતો તે હતો જન કલ્યાણનો. હે વિદુરજી, ભગવાનની આવી બાળલીલાઓ અને અન્ય લીલાઓને કારણે જ કળિયુગના ઓવારે જીવન સહ્ય બન્યું છે.

શ્રીમદભાગવત મહાપુરાણનો ત્રીજા સ્કંધ અંતર્ગત, બીજો અધ્યાય – “વિદુર-ઉદ્ધવ-સંવાદ” અંતર્ગત “ઉદ્ધવજીએ કરેલું ભગવાનની બાળલીલાઓનું વર્ણન” –સમાપ્ત થયો.

શ્રીમન્ નારાયણનારાયણનારાયણભગવદ્ નારાયણનારાયણનારાયણ.

 

વિચારબીજઃ ૧. નીતિશાસ્ત્ર પ્રમાણે દરેકે સારા માણસ થવું એ સ્વસ્થ અને સુઘડ સમાજ માટે અત્યંત આવશ્યક છે. જ્યારે અનીતિ, દ્વેષ અને બદલો લેવાની ભાવના સમાજમાં પ્રવર્તતી હોય, તો એ સમાજ સૌષ્ઠવપૂર્ણ નથી રહેતો. વિદુરનીતિ પોલિટિકલ સાયન્સ, નાગરિકશાસ્ત્ર અને નીતિશાસ્ત્રનું ઉદભવસ્થાન છે.

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.