ત્વચા નીચેના માણસો… (લઘુકથા) ~ પારૂલ પ્રેયસ મહેતા


પઠન: લેખિકાના અવાજમાં

(લઘુકથા)
ઉઝરડા આ ઉપરછલ્લા કહોને ક્યાં લગી પંપાળશું
લઈને હામ દિલમાં કો અનેરા શિલ્પને ટંકારશું

વળાંકો આવતા સંગાથ આપોઆપ સૌ ખુલ્લાં થશે
ગ્રહીને હાથ રસ્તાનાં હવે ઉન્નત ગ્રીવાએ ચાલશું

જવાહર સરીને ડેસ્કટોપ પરના કેલેન્ડરના પાના ફેરવે રાખ્યા. પ્રત્યેક ચિત્ર જોઈને એ હતપ્રભ થઈ ગયા. કેલેન્ડર પર જે ફોટોગ્રાફ્સ હતા તે સાવ જ અલગ હતા. એ કોઈ મૉડેલ, વિશ્વસુંદરી કે કોઈ સિનેતારીકાના પિક્સ ન હતા. અરે, આ તો પ્રખ્યાત ફોટોગ્રાફર શાર્દૂલ શરણે ગયા વરસની એસિડ વિકટીમ મહિલાઓમાંની એક આંતરલક્ષ્મી સહાયને મૉડેલ બનાવીને શૂટ કરેલા ફોટા હતાં. ટાઈટલ હતું: ‘‘બ્યૂટી ઓફ સોલ’’.

તેઓ મનોમન બોલ્યાઃ કમાલ કરી છે આ માણસે તો! લખે છે કે હંમેશાં ચહેરાને જ પ્રાધાન્ય કેમ? આ મહિલાની નજરમાં લજ્જા, પ્રેમ, સ્વાભિમાન, નીડરતા અને મક્કમતા છલકાતાં નથી? આ નવપથગામિની આંતરિક સુંદરતા વ્યક્ત કરતી એવી સ્વતંત્ર આધુનિકા નથી શું!!

ઇન્ડીફૅશન રીટેલ બ્રાન્ડ ધરાવતી કંપનીના એમ.ડી.જવાહર સરીને તાત્કાલિક મિટિંગ બોલાવી. મિ.સરીને વક્તવ્ય શરૂ કર્યું: સીધા પોઈન્ટ ઉપર આવું તો એ કે, ‘અવર નેક્સ્ટ ઇવેન્ટ વીલ બી અગેઇન અ ફેશન શૉ. હાં, હાં હોલ્ડ યોર બ્રેથ. નો ગેસીઝ અબાઉટ બ્યૂટી ક્વીન્સ ઓર હિરોઇન્સ પ્લીઝ.’ આ ફેશન શૉ અત્યાર સુધીનો આપણો અનેરો શૉ બની રહેશે. ‘‘ઇન્ડી ફૅશન રીટેલ બ્રાન્ડ’’ આ માટે એક એવી વ્યક્તિને મૉડલ તરીકે પ્રસ્તુત કરવા માંગે છે કે જે ‘‘એસિડ અટેક સરવાઈવર’’ છે. ૧૫ વરસની વયે ૩૨ વરસના પુરુષને પરણવાની ના પાડી હતી.

એનાં પરિણામસ્વરૂપ એના ઉપર એ જ વ્યક્તિએ એસિડ અટેક કર્યો હતો. એમની સાથે એવી જ ભોગ બન્યા પછી પણ હિંમતપૂર્વક બેઠી થયેલી દસ સન્નારીઓ આપણા આ શૉની ‘‘ફૅશન બ્રાન્ડ’’ બનશે. તો આપણો નવો કૅમ્પેઇન છે… ‘‘ન્યૂ ફેસ ઑફ ફૅશન બ્રાન્ડ- ફેસ ઑફ કરેજ’’. એ.સી. ઑન હોવા છતાં વિરોધના વંટોળથી કૉન્ફરન્સ રૂમ ગરમ થઈ ગયો.

પ્રૌઢ હસમુખરાયે કહ્યું કે આમ કરવાથી તો બિઝનેસને ખાસ્સો ધક્કો પહોંચશે, પ્રતિષ્ઠા જોખમાશે. ‘‘અરે સર, આપણી બ્રાન્ડ અને કંપનીનો ફૅશન શૉ જોવા પડાપડી થાય છે. આમ સેલિબ્રિટી વિના તો મજા જ મરી જશે.’’ ફૂટડા યુવાનોના ટોળામાંથી કોઈએ બેઠાંબેઠાં જ આક્રોશ વ્યક્ત કર્યો એ સાથે જ ગ્રૂપમાંથી સંમતિનો વા ફૂંકાયો.

રિસેપ્શનિસ્ટે એક ઊંડો નિસાસો નાખ્યો અને પાસે બેઠેલી ટાઈપિસ્ટ સાથે ગુસ્સાથી નજર મિલાવી કેમ કે દર વખતની જેમ આ વખતે પણ એ ડિઝાઇનર મલ્હોત્રા પાસે આ ઇવેન્ટ માટે ખાસ અટાયર કરાવી રહી હતી.

આખો દિવસ ‘‘રાહુલ, નામ તો સુના હોગા’’ની શાહરૂખી સ્ટાઈલ માર્યા કરતાં આર્ટ ડિરેક્ટરે તો હાલમાં જીમ પણ જૉઇન કરી દીધું હતું. તે ખાસિયાણો પડી સમસમીને બેસી રહ્યો. મિ. સરીને વળતો પ્રહાર કર્યો: ‘‘…હું માનું છું કે ભોગ બનેલ મહિલાને પણ સમાજે નોર્મલ વ્યક્તિ તરીકે જોવી અને સ્વીકારવી જોઈએ… સો ધેટ્સ ઓલ. મિ. મહેતા, પ્લાનિંગ શરૂ કરાવો.’’

ગરમાગરમી અને આક્રોશ સાથે જ્યારે સૌ પોતપોતાના કામે પ્રયત્નપૂર્વક વળગ્યાં ત્યારે ઠંડા પીણાની ખાલી બૉટલો ઉપાડતો ઑફિસ આસિસ્ટંટ રમેશ ઊંડા વિચારમાં પડી ગયો હતો. અને એ દિવસ આવી પહોંચ્યો. રેમ્પ પર વૉક કરી રહેલી ‘‘શૉ સ્ટોપર’’ આંતરલક્ષ્મી સાથે અન્ય દસ સન્નારીઓ ‘‘ન્યૂ ફેસ ઑફ ફૅશન બ્રાન્ડ-ફેસ ઑફ કરેજ’’ બની ‘‘કૅટવૉક’’ કરી રહી હતી.

ભરચક હૉલની દરવાજા પાસેની સીટ પાસે તહેનાતમાં ઊભેલા રમેશે પત્ની રમા સામે જોયું. વારે વારે હોઠ વચ્ચેથી સરકી જતાં અટકાવતી રમાનાં સાલ્લાનાં છેડાને એણે માથેથી સરકાવી દીધો. દાઝી જવાથી કરચલી પડેલા રમાના ચહેરાનો જમણો ભાગ સાવ છતો થઈ ગયો હતો. રમા ડઘાઈ ગઈ. આટલા વર્ષોમાં પહેલીવાર આવો ઊંધો ક્રમ સર્જાઈ રહ્યો હતો. રમેશે રમાની હથેળી અત્યંત પ્યાર અને ઋજુતાથી ઝાલી લીધી. એ સમયે તાળીઓના ગડગડાટથી હૉલ ગૂંજી રહ્યો હતો.

આજે એક ઐતિહાસિક ઘટના સર્જાઈ ચૂકી હતી. એક હૂંફાળા સ્પર્શે કેટલાય કરચલીવાળા સળોને લિસ્સા બનાવી દીધા હતા.

~ પારૂલ પ્રેયસ મહેતા 

આપનો પ્રતિભાવ આપો..

7 Comments

 1. Right Fashion-show with right Models for right
  Purpose in right Perspective by right Person !

  (યોગ્ય વ્યક્તિ દ્વારા યોગ્ય પરિક્ષેપ્યમાં યોગ્ય હેતુસર યોગ્ય
  મૉડેલોનો યોગ્ય ફૅશન -શૉ !)

 2. ચાલો પારુલ બેન જોઇએકે કોણ તમારી હિંમત ને દાદ દેતી વાત અમલ માં મૂકે છે !

  1. નવપથગામિ શૉની જેમ જ તદ્દન નવી વાર્તા વસ્તુનું હૃદયસ્પર્શી આલેખન.. ખૂબ ગમ્યું.

 3. હ્રદયસ્પર્શી આલેખન અને રજૂઆત. પારૂલબહેનને અભિનંદન.

 4. samaje samjva jevu . all women are same either beautiful or un beautiful. share same feeling like beautiful women.

 5. પારૂલ પ્રેયસ મહેતાની સુંદર લઘુકથાનુ લેખિકાના અવાજમાં ખૂબ સ રસ પઠન ધન્યવાદ