ખોવાઈ ગયેલી વસ્તુઓનો નકશો: એક મેક્સિકન વાર્તા ~ બાબુ સુથાર

“વારતા રે વારતા”- (૨૦)
(વિશ્વ સાહિત્યની વાર્તાઓનો આસ્વાદ કરાવતી શ્રેણી )

મેક્સિકન લેખક ખ્વાન હોસે આર્રેઓલા (Juan Jose Arreola) એમની પ્રાણીકથાઓ તથા કપોળકલ્પિત વાર્તાઓ માટે ખૂબ જાણીતા છે. એમની એક વાર્તા છે: The Map of Lost Objects. અર્થાત્, ‘ખોવાઈ ગયેલી વસ્તુઓનો નકશો’. માંડ અરધા પાનાની અને કપોળકલ્પિત ઢબમાં લખાયેલી આ વાર્તામાં એમણે અભાવોની વચ્ચે જીવતા એક એવા માણસની વાત કરી છે જે પાછળથી ખોવાઈ ગયેલી વસ્તુઓના આધારે જ જીવન જીવતો થઈ જાય છે.

પહેલા પુરુષમાં લખાયેલી આ વાર્તાનો નાયક એક રવિવારે એના ગામના સ્થાનિક બજારમાં જાય છે. ત્યાં એને એક માણસ મળે છે. એ માણસ સરેરાશ માણસ જેવો જ છે. એ એક નકશો વેચવા માગે છે. એ નકશો ખોવાઈ ગયેલી વસ્તુઓનો છે. નાયક કહે છે કે મને એવું લાગેલું કે એ માણસ એ નકશામાંથી છૂટકારો મેળવવા માગે છે. એથી જ તો એ માણસ, નાયક કહે છે કે, મને એ નકશો ખરીદવા ખાસ આગ્રહ કરતો હતો. કેમ એ આમ કરતો હતો એ વિશે લેખકે કશું લખ્યું નથી.

એટલું જ નહીં, એ માણસ આ વાર્તાના નાયકને કહે છે પણ ખરો કે એ એને આ નકશો કઈ રીતે કામ કરે છે એ બતાવવા માગે છે. નાયક કહે છે કે એ દિવસે રવિવાર હતો અને એને બીજું કોઈ કામ કરવાનું ન હતું. એની પાસે એ નકશો જોવા માટે પૂરતો સમય હતો. એથી એ પેલા નકશા વેચનાર સાથે સંમત થયો. નકશો વેચનાર એને એક જગ્યાએ લઈ ગયો. લેખકે બધી વાત વિસ્તારથી કહી નથી. પણ, આપણને ખ્યાલ આવી જાય છે કે એણે નકશામાં એક ખોવાઈ ગયેલો કાંસકો બતાવેલો અને નકશો વેચનાર વાર્તાના નાયકને એ કાંસકા પાસે લઈ જાય છે. ગુલાબી રંગનો એ કાંસકો પ્લાસ્ટિકમાંથી બનાવેલો છે અને એના ઉપર રંગબેરંગી પથ્થર જડેલા છે. વાર્તા નાયકને એ કાંસકો ગમી જાય છે. એ કાંસકાને રાખી લે છે અને પેલો નકશો પણ ખરીદી લે છે. પેલો માણસ પણ એને ખૂબ સસ્તામાં એ નકશો આપી દે છે.

નકશો ખરીદ્યા પછી કથકનું જીવન બદલાઈ જાય છે. એ ધીમે ધીમે નકશામાં જડી આવતી વસ્તુઓ પર જીવવા લાગતો હોય છે. એટલું જ નહીં, એ બહારના જગત પર ઓછામાં ઓછો સંબંધ રાખતો થઈ જાય છે. એ કહે છે કે કોઈને મારું જીવન કંગાળ લાગશે પણ, મને આ પ્રકારનું જીવન બરાબર ફાવી ગયેલું. કેમ કે, મારે હવે નકશા બહારના જગતની કોઈ ચિન્તા કરવાની ન હતી!

છેલ્લે કથક કહે છે કે સદ્‌નસીબે મને આ નકશામાંથી ક્યારેક ખોવાઈ ગયેલી સ્ત્રી પણ મળી આવતી હોય છે અને એ સ્ત્રી હું જે કંઈ ટાંચાં સાધનો વચ્ચે જીવી રહ્યો છું એની સાથે ગોઠવાઈ જતી હોય છે!

આપણા માટે પ્રશ્ન એ છે કે આપણે આ વાર્તાને કઈ રીતે જોવી જોઈએ?

મને લાગે છે કે કોઈ પણ વાર્તા હોય આપણે સૌ પહેલાં તો એ વાર્તા કયા modeમાં લખાયેલી છે એ વિશે વિચારવું જોઈએ. આ વાર્તા, આમ જુઓ તો કોઈને વાસ્તવવાદી લાગશે. કેમ કે એમાં બે પાત્રો છે. બન્ને મનુષ્યો છે. બન્ને પાછા સરેરાશ માણસ છે. કોઈમાં કશું અદ્વિતીય નથી. બન્ને વચ્ચે કોઈ ફરક હોય તો એટલો જ એક વેપારી છે અને બીજો ગ્રાહક છે.

વળી પરિવેશ પણ એક ગામનો છે. લેખકે એના પર કોઈ ભાર મૂક્યો નથી. બન્ને પાત્રો બજારમાં મળી જાય છે અને એક પાત્ર બીજા પાત્ર પાસેથી એક નકશો ખરીદે છે. આ બધું નિરૂપણ વાસ્તવવાદી લાગે.

પણ, જો આપણે નકશા પર ધ્યાન આપશું તો આપણને લાગશે કે આ વાર્તા વાસ્તવવાદી નહીં, કપોળકલ્પિત ઢબમાં લખાયેલી છે. અહીં જે નકશો છે એ સામાન્ય નકશા કરતાં જુદા પ્રકારનો છે. આ નકશામાં ખોવાઈ ગયેલી વસ્તુઓ દેખાતી હોય છે. રોજબરોજના નકશામાં ન ખોવાયેલી વસ્તુઓ દેખાતી હોય છે.

નકશો હકીકતમાં તો આપણા જગતને બે ભાગમાં વહેંચી નાખે છે. એક જગત તે એવું જેમાં બધી જ વસ્તુઓ હાજર છે. ઉપસ્થિત છે. એક પણ વસ્તુ ગાયબ નથી. બીજું જગત તે એવું જેમાં પહેલા જગતમાંની ખોવાયેલી વસ્તુઓ હાજર છે. નકશા માત્રમાં, આપણે જાણીએ છીએ એમ, જે વસ્તુ હાજર હોય એનોનો નિર્દેશ હોય. પણ, આ નકશો એ પ્રકારનો નથી.

એનો અર્થ એ થયો કે આ વાર્તા બેધારી છે. એક ધાર પર વાસ્તવવાદી નિરૂપણ છે અને બીજી ધાર પર કપોળકલ્પિત નિરૂપણ છે.

એક વાર વાર્તા કઈ ઢબમાં લખાઈ છે એ સમજાઈ જાય પછી વાર્તાનાં બીજાં પાસાં પર ધ્યાન આપો. અહીં હું કથક પર ધ્યાન આપીશ. લેખકે ખૂબ જ કરકસર કરી છે. એમણે નકશો ખરીદતા પહેલાં કથક કેવું જીવન જીવતો હતો એની વાત નથી કરી. પણ નકશો ખરીદ્યા પછી કથક કેવું જીવન જીવે છે એની વાત કરી છે. જો કે, એ વાત પણ એમણે કથકના મુખમાં મૂકી છે. કથક કહે છે કે હવે હું ખોવાઈ ગયેલી વસ્તુઓ પર જીવન જીવતો થઈ ગયો. આટલું કહ્યા પછી એ ઉમેરે છે કે મારે હવે બીજા જગતની ચિન્તા જ કરવાની ન રહી. મને આમાંનું બીજું વિધાન ખૂબ મહત્ત્વનું લાગે છે. કેમ કે, એમાં ચિન્તાની વાત છે. હવે એ ચિન્તામુક્ત બની ગયો છે.

આ વાર્તામાં નથી સંવાદ કે નથી પરિવેશ. આપણે કહી શકીએ કે લેખકે કરકસરના નિયમનું ખૂબ કડક પાલન કર્યું છે. એથી જ તો વાર્તાનો અંત પણ ટૂંકમાં જ આપી દે છે. એ કહે છે કે ક્યારેક આ નકશાને કારણે મને ખોવાઈ ગયેલી સ્ત્રીઓ પણ મળતી હોય છે. આપણા જગતમાં કેવળ વસ્તુઓ જ ખોવાય એવું નથી. પશુ પણ ખોવાય, પ્રાણી પણ અને મનુષ્ય પણ. આમ જુઓ તો અહીં વાર્તા પૂરી થઈ હોત પણ લેખક એમ નથી કરતા. એ આ વાર્તામાં એક બીજું પરિમાણ ઉમેરે છે. કથક કહે છે કે એ ખોવાઈ ગયેલી સ્ત્રીઓ પણ મારા જગતમાં ગોઠવાઈ જતી હોય છે!

આ વાર્તા વાંચતાં મને આર્જેન્ટિનાના લેખક બોર્હેસની પણ એક વાર્તા યાદ આવી જાય છે. એ વાર્તાનું નામ છે: On Exactitude in Science. એમાં નકશાની નહીં પણ નકશાના વિજ્ઞાનની વાત છે. આ વાર્તા ગૂગલ મહારાજ પાસે છે. માગજો, વાંચજો અને એની તુલના આ વાર્તા સાથે કરજો.

~ બાબુ સુથાર

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. મોટે ભાગે ઉમાશંકરની છે – પંક્તિ યાદ આવી ગઈ !
    જોયું જે મેં ‘નકશામાં ‘ એ જોયું મેં ‘ન કશામાં ‘

    Coincidentally વાર્તા અને પંક્તિ બંનેમાં
    ‘નકશો ‘ 2 dimentional abstract છે.

  2. ખોવાઈ ગયેલી વસ્તુઓનો નકશો: બહુ સુંદર વાર્તા નો મા બાબુ સુથાર દ્વારા સ રસ આસ્વાદ
    આપના કહેવા પ્રમાણે -‘એની તુલના આ વાર્તા સાથે કરજો.’
    The story elaborates on a concept in Lewis Carroll’s Sylvie and Bruno Concluded: a fictional map that had “the scale of a mile to the mile.” One of Carroll’s characters notes some practical difficulties with this map and states that “we now use the country itself, as its own map, and I assure you it does nearly as well.”જાણે સાંપ્રતસમયે અનુભવાતી વાત

  3. બહુ જ સરસ. માણસ ખોવાઇ જાય અને નકશામાં તેને શોધવો પડે. વસ્તુ અને માણસ એક લાઇનમાં. આ પણ એક આજના યુગની કરુણતા જ.