શ્રીમદ્ ભાગવત કથા, દ્વિતીય સ્કંધ – ત્રીજો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા, દ્વિતીય સ્કંધ –ત્રીજોઅધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

દ્વિતીય સ્કંધ – ત્રીજો અધ્યાય – મહાપુરુષવર્ણન – કામનાઓ અનુસાર વિભિન્ન દેવતાઓની ઉપાસના તથા ભગવદ્ ભક્તિના પ્રાધાન્યનું નિરૂપણ

ૐ નમો ભગવતે વાસુદેવાય

 (દ્વિતીય સ્કંધના બીજા અધ્યાય, ભગવાનનાં સ્થૂળ અને સૂક્ષ્મ રૂપોની ધારણા તથા ક્રમમુક્તિ અને સદ્યમુક્તિનું વર્ણનમાં આપે વાંચ્યું કે, શુકદેવજી, રાજા પરીક્ષિત અને ઋષિગણોના પ્રશ્નોના ઉત્તરમાં, વેદોક્ત બે પ્રકારના સનાતન માર્ગો મુક્તિના કહી સંભળાવે છે, ૧. ક્રમમુક્તિ અને ૨. સદ્યમુક્તિ. આ બેઉ ઉપાયોને અજમાવવા પહેલાં મનુષ્યને યોગત્વ પામવું પડે છે. શુકદેવજી સહુ ઉત્સુક ઋષિગણો અને મહારાજ પરીક્ષિતને સમજાવે છે કે સંસારચક્રમાં પડેલા સામાન્ય કે ખાસ, સર્વ મનુષ્યો માટે, જે સાધન વડે તેને ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય અને પ્રેમમયી ભક્તિ પ્રાપ્ત થાય તે સાધન સિવાય અન્ય કોઈ સાધન, મુક્તિ માટે કલ્યાણકારી નથી. સ્વયં બ્રહ્માજીએ પણ સૃષ્ટિના આદિકાળમાં એકાગ્રચિત્તે તમામ વેદોનું ત્રણ વાર અનુશીલન કરીને, પોતાની બુદ્ધિથી એ જ નિશ્વય કર્યો હતો કે જે પણ સાધન થકી, સર્વાત્મા ભગવાન શ્રી કૃષ્ણમાં અનન્ય પ્રેમ પ્રાપ્ત થાય, એ જ સર્વશ્રેષ્ઠ સાધન છે, એ જ ધર્મ છે. આથી મનુષ્યોએ બધા સમયમાં અને બધી જ સ્થિતિઓમાં, સંપૂર્ણ શક્તિથી, ચિત્તમાં શ્રી હરિની લીલાઓનું સ્મરણ, શ્રવણ અને કીર્તન કરતાં રહેવું જોઈએ. અધિકતમ કળિયુગમાં આ એક જ અકસીર ઉપાય છે કે જેના દ્વારા મનસા, વાચા, કર્મણા શુદ્ધ થઈને, આ લોક છોડીને દેવલોકમાં ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમળોનું સાંનિધ્ય પ્રાપ્ત કરી શકાય છે. હવે અહીંથી વાંચો આગળ, દ્વિતીય સ્કંધ, અધ્યાય ત્રીજો)

સૂતજી કહે – શુકદેવજી પછી ધીરજપૂર્વક આગળ કહે છે કે, હે પરીક્ષિત, તમે મને પુછ્યું હતું કે બુદ્ધિમાન મનુષ્યએ મરતી વખતે મુક્તિ મેળવવા શું કરવું જોઈએ એનો મેં વિગતવાર ઉત્તર આપ્યો. આજે હું તમને એ વિજ્ઞાન સમજાવીશ કે કોની ઉપાસના કઈ સિદ્ધિ માટે અને શા માટે કરવી જોઈએ. એક વાત એટલી સમજી લેવી જરૂરી છે કે દરેક દેવી-દેવતાઓ તો આત્મા અને ભક્તિની શક્તિનો સમન્વય છે. જેને ભજવાથી, જેની સાધના કરવાથી, આપણા તન અને મન, એ શક્તિપ્રપાતને ઝીલવા માટે સમર્થ બની શકે છે. પાયાની વાત એ છે કે જેની પાસે જે હોય તે જ આપી શકે, આથી જ જે શક્તિના દેવી-દેવતા જે હોય, એ જ એ સામર્થ્યને પ્રદાન કરી શકે. મહાપુરુષનો ધર્મ છે કે આ સઘળી શક્તિઓને યથોચિત આરાધીને પોતાને સમર્થ બનાવે અને સંસારના હિત માટે જ એનો સદૈવ ઉપયોગ કરે.

જે રાજા કે પુરુષ આ વાત સમજી શકતો નથી, એ કદી મહાપુરુષ બની શકતો નથી. સંસારમાં આ શક્તિઓની આરાધના કોઈ રાજા વડે અસત્યના માર્ગે જવા માટે થાય તો એનું ફળ સમસ્ત માનવજાત માટે વિપરીત પણ મળી શકે છે.  મહાપુરુષમાં સમ્યક ભાવ હોવો ખૂબ આવશ્યક છે.

૧. જે બ્રહ્મતેજની ઈચ્છાવાળાએ બ્રહ્માની ઉપાસના કરવી જોઈએ. કારણ બ્રહ્મતેજ વડે જગતના દ્વૈતવાદ અને અદ્વૈતવાદનું સત્ય સમજવામાં સરળતા પડે છે.

૨. ઈન્દ્રિયોની વિશેષ કામનાઓ હોય તો ઈન્દ્રની ઉપાસના કરવી કારણ ઈન્દ્રદેવતા ઈન્દ્રિયોની ઈચ્છાપૂર્તિમાં વિવેકનું સંજ્ઞાન રાખે છે.  

૩. જેને સંતાનની લાલસા હોય તેણે પ્રજાપતિઓની સાધના કરવી જોઈએ. સંતાન એ ઈશ્વરનું સૃજન છે અને સૃજન કરવા માટે પણ શક્તિપ્રપાત હોવો જરૂરી છે. પ્રજાપતિઓનું ધ્યાન ધરવાથી અને પૂજાઅર્ચન કરવાથી, સાંસારિક ધર્મમાં એકચિત્ત થઈ શકાય છે.

૪. આર્થિક સમૃદ્ધિ માટે માયાદેવી લક્ષ્મીની ઉપાસના કરવી આવશ્યક છે.

૫. જેને તેજ જોઈએ તેણે અગ્નિની ઉપાસના કરવી જોઈએ.

૬. ધન માટે વસુઓની આરાધના કરવી જોઈએ.

૭. જે પ્રભાવશાળી મનુષ્યને વીરતાની ઈચ્છા હોય તેણે રુદ્રોને આરાધવા જોઈએ.

૮. જેને ઘણું અન્ન મેળવવું હોય એણે અદિતિને પ્રસન્ન કરવા.

૯. રાજ્યની કામના રાખવાવાળાઓએ વિશ્વદેવોનું ધ્યાન કરવું.

૧૦. લાંબા આયુષ્યને ભોગવવા ઈચ્છનારે અશ્વિનીકુમારોને એક ચિત્તે ભજવા.

૧૧. પોષણ અને પ્રતિષ્ઠા માટે પૃથ્વી અને દ્યૌ (આકાશ) નું સેવન કરવું જોઈએ.

૧૨. સૌન્દર્યની ઈચ્છા હોય તો ગંધર્વોની ઉપાસના કરવી.

૧૩. પત્નીની પ્રાપ્તિ માટે અપ્સરા ઉર્વશીને ઉપાસવી.

૧૪. સમસ્ત લોકના સ્વામી બનવા બ્રહ્માને ભજવા.

૧૫. ખજાનાની લાલસા હોય તો કુબેરનું ધ્યાન ધરવું

૧૬. વિદ્યાપ્રાપ્તિની આકાંક્ષા હોય દેવી સરસ્વતીની પ્રાર્થના કરવી.

૧૭. પતિ-પત્ની વચ્ચે પ્રેમ જાળવી રાખવા માટે મા પાર્વતીને પૂજવા.

૧૮. ધર્મનું રક્ષણ કરવા માટે અને એનું ઉપાર્જન કરવા માટે વિષ્ણુને આરાધ્ય દેવ માની પૂજવા.

૧૯. વંશ પરંપરાના રક્ષણ માટે પિતૃઓની કૃપા થાય એવી પ્રાર્થના કરવી.

૨૦. બળવાન બનવા માટે મરુદગણોને આરાધવા.

૨૧. વિઘ્નોથી બચવા યક્ષ અને ગણદેવને સ્મરવા.

૨૨. ભોગો માટે ચંદ્રમાનું ભજન કરવું

૨૩. નિષ્કામતાની પ્રાપ્તિ માટે પરમ પુરુષ નારાયણને હ્રદયમાં રાખીને એમનું સતત સ્મરણ અને ભજન કરવું.

પાયાની વાત કરીએ તો, આ ત્રેવીસે ત્રેવીસ શક્તિઓ માનવીના જીવનને ટકાવી રાખવા અને નૈસર્ગિકતાથી ચલાવવા માટે આવશ્યક છે.***  આથી જ આ સહુ શક્તિપ્રપાતોની કૃપા થાય અને અંતરમાં સમભાવ કેળવાય થાય તો જ એક સંતુલિત જીવન શક્ય બને છે અને આ જ પુરુષમાંથી ‘મહાપુરુષ’ બનવાની પ્રક્રિયાનું ઉગમ સ્થાન છે.

શુકદેવજી આગળ પરીક્ષિતને કહે છે કે હે રાજન્! બુદ્ધિમાન મનુષ્યએ, પછી ભલે તે નિષ્કામ હોય, સમસ્ત કામનાઓથી યુક્ત હોય કે પછી મોક્ષ ઈચ્છતો હોય- તેણે તો તીવ્ર ભક્તિયોગથી કેવળ ભગવાન પુરષોત્તમની આરાધના કરવી કદી ન ભૂલવી જોઈએ કારણ ભગવાન તો સર્વે શક્તિઓનું સંગમસ્થાન છે. ભગવદ પ્રેમી મનુષ્યોના સત્સંગમાં ભગવાનની લીલા કથાઓ દ્વારા પરોક્ષ રીતે સદભાવ, સમર્પણ અને ભક્તિ અને પ્રેમની પ્રાપ્તિ થાય છે. શરીરની સર્વ ઈન્દ્રિયો અને હ્રદય વિશુદ્ધ થાય છે અને પરમ આનંદનો અનુભવ થાય છે, અને, ઉચિત સમયે કર્મોના બંધનો છૂટી જાય છે ત્યારે કૈવલ્ય-મોક્ષનો સર્વસંમત એવો પરમ ભક્તિયોગ પ્રાપ્ત થાય છે. ભગવાનની આવી લીલા-કથાઓ રસ પછી એવો પડે છે કે આત્મા શ્રી હરિમય સ્વયં જ થઈ જાય છે.

સૂતજીની આ વાત સાંભળીને શૌનકજી પૂછે છે – હે સૂતજી આ સાંભળીને ભરતશ્રેષ્ઠ રાજા પરીક્ષિતે વ્યાસનંદન, સર્વજ્ઞ, ઋષિ શુકદેવજીને બીજું શું પૂછ્યું? અમને જાણ છે કે પરીક્ષિત રાજા મોટા ભગવદ ભક્ત હતા અને બાળપણથી જ કૃષ્ણલીલા સાંભળતા આવ્યા હતા. કર્મના બંધનોને કારણે એમને ક્રોધ થકી સંમોહ થતા આ અભિશાપ સહન કરવો પડ્યો. પોતાની અધમતા માટે એમને પસ્તાવો થયો એ એમના અને એમના પૂર્વજોના સત્કર્મોનું પરિણામ છે. 

તો હે સૂતજી, તમારી મધુર અને સૌમ્ય વાણી અમારા હ્રદયમાં મધુરપ ભરી દે છે. તો ભગવાનના પરમ ભક્ત, આત્મવિશારદ શ્રી શુકદેવજીએ રાજા પરીક્ષિતને જે કંઈ પણ આગળ સૃષ્ટિ વિષયક કહ્યું અને કથાનો પ્રારંભ ક્યારે કર્યો એ અમને વિસ્તારથી સમજાવો. અમને શુકદેવજીએ કહેલી કૃષ્ણ લીલાની કથા શરૂઆતથી, વિગતવાર સાંભળવી છે, તો હે સૂતજી, અમારા ભક્તિભાવથી કરેલા આ વંદન સ્વીકારી, અમને આ કથા કહીને ઉપકૃત કરો.

શ્રીમદભાગવત મહાપુરાણનો દ્વિતીય સ્કંધનો ત્રીજો અધ્યાય –“મહાપુરુષવર્ણન” સમાપ્ત થયો.

શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.

*** (શું અહીં માણસના જીવનને માટે જરુરી એવા ૨૩ જોડી ક્રોમોસોમનું જ્ઞાન કદાચ ગોપિત હોય શકે ખરું? આજના સમયમાં આ એક વિચાર સુસંગત પણ લાગે છે. દરેક ક્રોમોસોમ મનુષ્યને એની ખાસિયત આપે છે.) 

Leave a Reply to pragnajuCancel reply

2 Comments

  1. ખૂબ સરસ સમજૂતી
    ‘મહાપુરુષમાં સમ્યક ભાવ હોવો ખૂબ આવશ્યક છે. પાયાની વાત કરીએ તો, આ ત્રેવીસે ત્રેવીસ શક્તિઓ માનવીના જીવનને ટકાવી રાખવા અને નૈસર્ગિકતાથી ચલાવવા માટે આવશ્યક છે’.સાથે બ્રહ્મતેજની ઈચ્છાવાળાએ ૨૩ મુદ્દાઓને ૨૩ જોડી
    ક્રોમોસોમનું જ્ઞાન સાથે આધુનિક વૈજ્ઞાનિક રીતે સમજાવવાનો પ્રયત્ન ખૂબ ગમ્યો.સાંપ્રતસમયે જીનેટિક્સનાં વિજ્ઞાનને નવી દિશા મળી. ડીએનએ સિક્વન્સિંગ ટેકનોલોજી વિકસાવવાનો હેતુ વ્યક્તિઓના જીનોમની માહિતી મેળવી, તેનો ઉપયોગ મેડિકલ સાયન્સમાં આરોગ્ય-જ્ઞાન, રોગનિદાન તેમજ મેડિકલ જેનેટિક્સમાં કરવાનો છે સાથે ભવિષ્યમા
    આધ્યાત્મિક વાત સમજવામા પણ પ્રયાસ થાય
    ધન્યવાદ