મને પામવાનો પ્રયત્ન ~ સુરેશ દલાલ

હું જે છું તેનો મને આનંદ છે. હું જે નથી તેની મને વ્યથા નથી.
હું ધારું તે થઈ શકું છું અને ફરી પાછો એનો એ રહી શકું છું.  
લીલા ઘાસના દરિયા પર હું હવા થઈને નાવ જેમ તરી રહું છું
તો ક્યારેક વાદળના મહેલમાં કોઈક બારીથી પંખી જેમ પ્રવેશું પણ છું.

મને આવી ક્ષણક્ષણની લીલા કરવી ગમે અને એનો હું
મબલખ આનંદ આ હરીભરી સૃષ્ટિમાં તલ્લીન થઈને માણું છું.
ક્યારેક હું દ્રાક્ષ-મંડપમાં જીવી લઉં છું મારું રુદ્રાક્ષમય એકાન્ત.
હું તનસ્વી, મનસ્વી, તપસ્વી, જિપ્સી અને વળી ગૃહસ્થી.

ક્યારેક જળમાં તરું માછલીની જેમ તો ક્યારેક હવામાં
મંદિરની ટોચ પરની ધજા જેમ મુક્ત મને ફરફરું
મને કોઈનું પણ ક્યાંય આછુંઅમથું બંધન નહીં
હું મને ચાહું અને અન્યનો આદર કરું એ જ મારો ધર્મ.

જે માણસ પોતાને પણ ચાહી ન શકે એ અન્યને પામી ન શકે.
હું તમને સૌને પામીને મને પામવાનો પ્રયત્ન નિરંતર કર્યા કરું.

– સુરેશ દલાલ

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

 1. મા સુરેશ દલાલની અદભુત રચના
  જે માણસ પોતાને પણ ચાહી ન શકે એ અન્યને પામી ન શકે.
  હું તમને સૌને પામીને મને પામવાનો પ્રયત્ન નિરંતર કર્યા કરું.
  અફલાતુન

 2. એક સિદ્ધહસ્ત સર્જકની કૃતિ પર પ્રશંસાનાં પુષ્પ જ વેરવાનાં હોય . અહીં મને ધ્યાન ખેંચતી લાગી આખરી ત્રણ પંક્તિઓ. શ્રેષ્ઠ સંદેશ ઊભરે છે આ ત્રણ પંક્તિઓમાં.

  આ પંક્તિઓએ મને થોડા અલગ સંદર્ભ પર વિચારવા પ્રેર્યો છે.

  અહીં માત્ર મારી જ વાત નથી; માત્ર મને ચાહવાની વાત નથી. ફક્ત મારી ખુશીની વાત નથી, કેવળ મારા બનવાની કે મારા અસ્તિત્વને પ્રાધાન્ય આપવાની વાત નથી. “હું મને ચાહું અને અન્યનો આદર કરું એજ મારો ધર્મ.”. આ મોટી વાત.

  છેલ્લા થોડા દાયકાઓથી વિશ્વભરમાં સમાજના દિશાસૂચકો, વિચારકો અને પ્રેરક પ્રવચકો મોટીવેશનલ સ્પીકર્સની વાતમાં વારંવાર એવો સૂર નીકળતો સંભળાય છે કે ‘તને ગમે તે કર. દુનિયાની પરવા ન કર. તને સાચું લાગે તે કર. બીજાં શું કહે છે કે કરે છે તેની ચિંતા ન કર.’ કદાચ સારી ભાવનાથી ઉચ્ચારાયેલા હોય તો પણ ઘણા કિસ્સાઓમાં આ શબ્દો ભારે અનર્થ સર્જી દે છે. છેલ્લા ત્રણેક દાયકામાં મારા કાઉન્સેલિંગ અનુભવમાં મેં નોંધ્યું છે કે માત્ર કિશોરો જ નહીં, પરિપક્વ યુવાનો પણ તેનો ખોટો અર્થ તારવે છે. ‘હું માનું છું તે જ સાચું છે, મને મારી માન્યતા પર વિશ્વાસ છે અને મને દુનિયાની પરવા નથી’ વિચારધારા સમાજ માટે, વિશ્વ માટે સદા માટે હિતકારી નથી જ. અન્યનો સ્વીકાર, અન્યનો આદર, અન્યના અસ્તિત્વનો જ નહીં, અન્યના વિચારોનો પણા આદર મારા જીવનમાં આવકાર્ય હોવા જોઈએ. આવો એક પ્રયત્ન કરવાની સભાનતા તો આપણે કેળવી શકી ને?

  શ્રી સુરેશભાઈ સાચું કહે છે: “હું તમને સૌને પામીને મને પામવાનો પ્રયત્ન નિરંતર કર્યા કરું”.

  1. બહુ જ સરસ રીતે તમે મુલવણી કરી છે હરીશભાઇ… ઝીણવટપૂર્વક અવલોકન માટે રાજીપો.‌