આપણું આંગણું ~ શુભારંભ

ધનતેરસના મંગળ દિવસે “આપણું આંગણું” બ્લોગનું વિધિવત પ્રાગટય કરતાં સમગ્ર ટીમ આનંદ અનુભવે છે.

આ બ્લોગ સ્વ પી. કે. દાવડાસાહેબને પૂર્ણતઃ સમર્પિત છે જેમણે અંતિમ શ્વાસ સુધી ગુજરાતી સાહિત્ય અને કલા પ્રત્યેની નિસબત “દાવડાનું આંગણું” બ્લોગના માધ્યમથી દર્શાવી. 

“દાવડાનું આંગણું” બ્લોગનું નવું સ્વરૂપ એટલે “આપણું આંગણું”. અગાઉની બધી પોસ્ટ આ લિંક પર ઉપલબ્ધ છેઃ https://davdanuangnu.com/

આ બ્લોગમાં કવિતા, વાર્તા, આસ્વાદ, નિબંધ, લેખો વગેરેનો સમાવેશ કરવામાં આવશે. જરૂર જણાય ત્યાં ઓડિયો માધ્યમનો ઉપયોગ કરીશું જેથી શબ્દોનો શ્રવણલાભ મળે. 

બ્લોગનો ઉદ્દેશ સારા સર્જકો સાથે સારા ભાવકોનો સેતુ સાધવાનો છે. આપ આ બ્લોગને સબ્સસ્ક્રાઈબ કરી આપના ઈમેલ બોક્સમાં નિયમિતપણે પોસ્ટ મેળવી શકો છો.

પોસ્ટનું વાચન પાંચ-પંદર મિનિટની અવધિમાં પૂરું થઈ જાય એવો અમારો પ્રયાસ રહેશે જેથી ઓછા સમયમાં ઉત્તમ વાચન મળી રહે. પોસ્ટ ઓછી હોય, પણ આછી ન હોય તેનો ખ્યાલ રાખવા પ્રતિબદ્ધ છીએ. 

કેલિફોર્નિયાથી જયશ્રીબહેન વિનુ મરચંટની સંનિષ્ઠ પરિકલ્પનામાં આ બ્લોગ શરૂ થયો છે. તેમના અડગ નિર્ધારને કારણે જ આ જવાબદારી વહન કરવાનું જોમ મળ્યું છે.

બ્લોગને સાકાર કરવામાં મિત્ર જિજ્ઞેશ અધ્યારુનો ટેકનિકલ સહકાર પ્રશંસનીય રહ્યો છે. પન્ના નાયક અને ભાગ્યેશ જ્હાનું વરિષ્ઠ માર્ગદર્શન મેળવવાનો ગર્વીલો  ઉમળકો છે. મિત્ર અનિલ ચાવડા અને મુકેશ જોષી તો પરિવારનો જ હિસ્સો છે એટલે એમને થેંક યુ કહેવાનું મુનાસિબ લાગતું નથી.

આ બ્લોગના માધ્યમથી સમયાંતરે નિર્ધારિત સાહિત્યિક કાર્યક્રમોની જાણ કરતાં રહીશું. સર્વ વાચકોને દિવાળી અને નવાં વર્ષની આંગણું ભરાય એટલી શુભેચ્છાઓ.

દેશ-પરદેશના સર્જકો અને વાચકો જોડાઈ રહ્યા છે ત્યારે સૈફ પાલનપુરીનો શેર યાદ આવે છેઃ
આપ જીવનની મને રાહ પર એ રીતે મળ્યા
જાણે પરદેશમાં થઈ જાય પરિચિતનું મિલન

(સંપાદક : હિતેન આનંદપરા)

આપનો પ્રતિભાવ આપો..

8 Comments

  1. એક સરસ સાહિત્યિક પ્રવૃત્તિ..
    વારંવાર માણવા મળતું આપણું ગુજરાતી સાહિત્ય આપના સંનિષ્ઠ પ્રયાસોનું પરીણામ છે જેનો લાભ સાહિત્ય પ્રેમીઓને અદભૂત રીતે માણવા મળે છે. સાદર,સાભાર, સાનંદ,
    કિરીટ શાહ. વાપી.

  2. બ્લોગ જગતમા પ્રવેશતા
    આપણું આંગણું ~ શુભારંભના પ્રસંગે સંપાદક : હિતેન આનંદપરાને
    અનેકાનેક શુભેચ્છાઓ

  3. ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો અને સુવર્ધિત કરવાનો સ્તુત્ય પ્રયાસ … સમગ્ર ટીમને અને ખાસ કરીને હિતેનભાઈને અનેકાનેક શુભેચ્છાઓ …

  4. હીતેનભાઇ ઘણું જ ઉમદા કામ કરી રહ્યાં છો. માતૃભાષાની સેવા જ છે. ઠીક છે, તમે સ્વભાવ પ્રમાણે જશ કોઇને પણ આપો. નેતા(મને ખોટી નેતાગીરી પ્રસંગ નથી)ht તમે લાગો છો

  5. હિતેનભાઈ, ખુબ ખુબ અભિનંદન…વાંચન માટે નો અલભ્ય ભંડાર પ્રાપ્ત થશે એનો આનંદ છે.

    1. અભિનંદન…
      આ સ્તુત્ય કાર્ય પર મારી હાર્દિક શુભેચ્છાઓ!
      આપ સં સાથે સહયોગી થવું મને ગમશે.
      આભાર..
      હરીશ દવે…. અમદાવાદ