ભરોસો ~ વાર્તા ~ વસુધા ઈનામદાર
ધરમદાસ મંદિરના પગથિયાં ચડતા હતા. પ્રભુના દ્વાર સુધી આવતા આવતામાં તો ધરમદાસ હાંફી ગયા . તેઓ સાષ્ટાંગ દંડવત કરવા નમ્યાં ને ક્યાંય સુધી હાથ જોડીને આંખમાંના આંસુને એમણે મુક્ત પણે વહેવા દીધાં ! આંખો બંધ પણ મુખમાંથી શબ્દો સરી પડતા હતા ,”તારો ભરોસો મને ભારી ગોવર્ધન ગિરધારી ! “
મંદિરના પૂજારી બહાર નીકળ્યા અને ધરમદાસ પાસે આવ્યા ને બોલ્યા, ”તમે ફરી પાછા આવ્યા ? તમને ખબર છે ને આજે અહીંયા મોટો ઉત્સવ છે. મંદિર જીર્ણોદ્ધારનો દસ વર્ષ પૂરા થયા છે. તમે જુઓ તો ખરા ભક્તોની કેવી વણઝાર લાગી છે તે ! મેં તમને કહ્યું હતું કે ,આજે કૃપાનંદજી તમને નહીં મળી શકે .”
ધરમદાસ અતિ નમ્ર ભાવે બોલ્યા ,”એમણે જ મને આજે બોલાવ્યો છે . તેઓ નહીં મળે તો પણ મારો આ દ્વારકાધીશ તો……”
પૂજારી એમની વાત સાંભળ્યા વગર ત્યાંથી ક્યારના ખસી ગયા હતા, તેઓ દાન પેટીમાં પૈસા નાખનારા ભક્તોને આગળ આવવાનું કહી ધરમદાસને માથા ઉપરથી તે નીચે સુધી નીરખીને એમના કપડાં સામે જોયું ,અને થોડી ટીખળ કરતા પૂછ્યું , ” શેઠજી, આજે કેટલા આપવાના છો ? “
ધરમદાસ બોલ્યા, ”મેં દસેક વર્ષ પહેલાં પાંચ લાખને એકાવન હજાર યોગેશ્વરના ચરણમાં ધર્યા હતા. મને થતું કે એમનો ખજાનો ભરેલો રહેશે તો એમની કરુણા બધાં પર વરસતી રહેશે. હું તો વર્ષોથી ભક્તિ ભાવથી મંદિરને ફૂલ નહીં તો ફૂલની પાંખડી ચઢાવું છું. આજે તો ખાલી હાથે આવ્યો છું. મને આ મહામારીના સમયમાં ધંધામાં ખૂબ ખોટ ગઈ. એ ગાળામાં મેં થોડી મારી સામાજીક અને માનવ તરીકેને વણકહી જવાબદારી આપમેળે સ્વીકારી હતી, ને આજે એમાંથી પીછેહટ કરવા જેવી પરિસ્થિતિમાં હું આવ્યો છું . એટલા માટે હું ખૂબ વ્યથિત છું . દસ વર્ષ પહેલાં મેં કરેલા દાનની રકમ જો પાછી મળે તો લેવા આવ્યો છું .એ રકમના ટેકાથી ફરી મારો બિઝનેસ ઊભો કરી શકીશ !”
મંદિરમાં નવાનવા પૂજારી તરીકે આવેલા શંભુભાઈને આશ્ચર્ય થયું. દસ વર્ષ પહેલાં મંદિરમાં જીર્ણોધ્ધાર માટે દીધેલું દાન પરત લેવા કોઈ પાછું આવે એ વાત જ એમના ગળે ઉતરે એવી નહોતી. એ વાતનો એમને એટલો મોટો ધક્કો લાગ્યો કે ક્ષણભર માટે તો શું કહેવું એજ એમને સમજાયું નહીં અને પછી અભાનપણે ખડખડાટ હસીને બોલ્યા, “સાંભળો, સાંભળો ભક્તજનો ! આ ધરમદાસ શેઠે દસ વર્ષ પહેલાં મંદિરને દાન કર્યું હતું. આજે તેઓ દાનની એ રકમ લેવા પાછા આવ્યા છે !!”
મંદિરમાં ઉભેલાં ભક્તજનો એ વાત પર મોટેથી હસવા લાગ્યા. દાન આપ્યા પછી પાછા માગવાની વાતની સહુને નવાઈ લાગી. ત્યાં એકઠાં થયેલા ભક્તજનો એ વાત પર ચર્ચા કરવા લાગ્યા. કોઈ વળી બોલી ઊઠ્યું ,” આ શું બેંક છે ?”
તો કોઈક હસીને કહ્યું, ”લો ,ભગવાનના દરબારમાં એમની ફિક્સ ડિપોઝિટ પાકી ગઈ લાગે છે .”
બીજો બોલ્યો ,”અરે આ તો નરસિંહ મહેતાની હૂંડી ……”
એની વાત પૂરી થાય તે પહેલા જ ધરમદાસ થોડા સંકોચાઈને નમ્ર ભાવે બોલ્યા,” આ જુઓ દસ વર્ષ પહેલાં અત્યંત ભક્તિ ભાવથી અને શ્રદ્ધાપૂર્વક કરેલા દાનની પહોંચ મારી પાસે છે. મારો બિઝનેસ પ્રભુની કૃપાથી ધમધોકાર ચાલતો હતો, પણ મહામારી પછી મજૂરો ન મળવાથી ફેક્ટરી બંધ થઈ. હું ખૂબ જ મુશ્કેલીમાં આવ્યો છું. આપણા મંદિરના મુખ્ય સંચાલક કૃપાનંદજી સાથે મારે વાત થઈ છે. તેઓ મારી આ વાત ટ્રસ્ટીઓ સાથે આજે કરવાના છે.
ત્યાં તો એક ટ્રસ્ટી બહાર આવ્યા અને એમણે કહ્યું ,“તમે ધરમદાસ શેઠ ? ચાલો ! અમે તમારી રાહ જોઈએ છીએ . કૃપાનંદજીએ તમારી વાત આ ટ્રસ્ટીઓ સામે રજૂ કરી છે . આજે તેઓ નિર્ણય લેવાના છે.”
ધરમદાસ ટ્રસ્ટીઓની બેઠક આગળ આવ્યા. એમને જોઈને એક જણ બોલ્યું ,” ખરા છો તમે, દાન આપીને પાછું માગો છો ?
તમને સંકોચ નથી થતો? શરમ નથી આવતી એવું હું નહીં કહું, આ તો તમે દાન કરવાવાળાનો ઉપહાસ કરી રહ્યાં છો !
બીજો કડક અવાજે બોલ્યો, “દાન પરત લેવાય તો એ દાન ક્યાં રહ્યું ? આ કઈ બેંક કે નરસિંહ મહેતાની હૂંડી ……” એમનું વાક્ય પૂરું થાય તે પહેલા ટ્રસ્ટીઓ ખડખડાટ હસવા માંડ્યા.
કોઈ બોલી ઊઠ્યું , “અરે આ તો યોગેશ્વરનું અપમાન કહેવાય !”
શેઠજી આંખમાં પાણી લાવીને બોલ્યા, ”ના …ના … હું તો મારા યોગેશ્વરનો ભક્ત છું. “
“તો શેઠ, આપેલું દાન પાછું માંગો છો કેમ ? આવું ક્યારેય અમે સાંભળ્યું નથી, તમે આવી વિચિત્ર માગણી કરીને સૌનો સમય બગાડી રહ્યા છો.
કોઈ હળવેકથી બોલ્યું ,”ઉદારતા પોષાય એટલી જ દાખવવી જોઈએ. આમ દાન પરત આપતાં રહીશું તો મંદિર ખાલી થઈ જશે. કૃપાનંદજી મહારાજને અનેક કામો હોય છે, અમે બહુમતીથી તમારી આ માગણીને………”
ત્યાં તો કૃપાનંદજી મહારાજ મક્કમ અવાજે બોલ્યા, ”આપ સહુ શાંત થઈ જાવ, મારે તમને આ વિશે થોડી વાત કરવી છે .સહુ પહેલાં તો ધર્મદાસ જેવા ભક્ત આ કળિ યુગમાં મળવા મુશ્કેલ છે. તમે કોઈ એમને ઓળખો છો ખરા ? હું એમને છેલ્લા પંદર વર્ષથી ઓળખું છું. આપણી આ પ્રખ્યાત ધાર્મિક સંસ્થા એમના જેવા ભક્તોથી ઉજાગર છે. આ વીતી ગયેલી મહામારીમાં પોતાના ધંધાને કોરાને મૂકીને તેમણે ભૂખ્યાંને ખવડાવ્યું છે, બીમાર લોકોને મદદ કરવા સતત પોતાની ગાડીઓ દોડાવી હતી, એટલું જ નહીં, પણ મા-બાપ વિહોણાં અનાથ બાળકોને અને જેમના સંતાનો મહામારીના શિકાર બન્યા છે એવા લાચાર વૃદ્ધજનોને તેઓ સંભાળી રહ્યાં છે. આજના સમયમાં એવો કોણ ભક્ત છે જે પ્રભુના ભરોસે આપેલા દાનની માગણી કરવાની હિંમત કરે ? ભગવાન તો ભક્ત વત્સલ છે ! બહારથી મળતી આર્થિક મદદનો નન્નો સાંભળ્યા પછી તેઓ અહીં પ્રભુના બોલાવ્યા આવ્યા છે !
એક ટ્રસ્ટી મજાકમાં બોલી ઉઠ્યો ,” પ્રભુના બોલાવ્યા ? “
ત્યારે કૃપાનંદજી બોલ્યા, “શેઠ તમારી વાત માંડીને કહો. “
ધરમદાસ શેઠે બોલવાનું શરૂ કર્યું ,અને એમણે કહ્યું કે, ”બહારથી લોન લેવા માટે બધા તરફથી નકાર સાંભળી હું હતાશ થઈ જતો. રોજ સાંજે થાક્યોપાક્યો નિરાશામાં ઘેરાઈને ઉદાસ થઈ જતો. મારાં દ્વારકાધિશની આગળ આંસુ સારી મદદની માગણી કરતો . એમના ભરોસે મેં સંભાળેલાં નિર્બળ વૃદ્ધો અને અનાથ બાળકોનું હું ધ્યાન રાખતો હતો, સંજોગો એવા આવ્યા કે હું એમને આવકારો નથી આપી શકતો કે જાકારો નથી દઈ શકતો ! ને એ રાતે યોગેશ્વર એ મારા સપનામાં આવ્યા અને કહ્યું, “તારું દાન મારે ત્યાં સહી સલામત પડ્યું છે . તું મંદિરમાં આવ તો ખરો ! “ મેં કહ્યું હું તો મંદિરના બારણે રોજ તમારે ત્યાં આવીને તમને ભજું છું. મહામારીમાં મેં મારો બિઝનેસ તમારા ભરોસે દાવ પર લગાડ્યો હતો. ભૂખ્યાં અને તરસ્યાં તો ઠીક પણ સાજા માંદા તમારાં શરણમાં આવનાર સૌને તમારા ભરોસે જ હું ટેકો કરતો રહ્યો ! “
ભગવાન મરકમરક હસીને બોલ્યા હતા, ”તને જો ભરોસો હોય કે તારા જેવા ભક્તો માટે હું મંદિરમાં છું , તો તું જરુરથી આવજે ! મંદિર સુધી પહોંચવું એ તો શારીરિક ક્રિયા છે. મારા સુધી પહોંચવા માટે અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ અને તું કહે છે તેમ, ભરોસો હોવો જોઈએ ! ગિરિધારીએ મને જાણે વચન આપતાં હોય એમ કહ્યું ,”ભીડ પડે મને પોકારજે, મારા આંગણે આવી ઊભો રહેજે હું તને મળીશ !“ ને પ્રભુ અંતર્ધાન થયા ! ને સાચું કહું, પરદુખભંજન બનવાના પ્રયત્ન સાથે હરિગુણ ગાવા સિવાય બીજો વ્યવસાય મેં કર્યો નથી. હું જે બાબત માટે આવ્યો છું, તે તમને સહુને મંજુર ના હોય તો ગિરધરની ઈચ્છા સમજી હું સ્વીકારી લઈશ . મને આવેલાં સપનાં વિશે હું ખૂબ વિચાર કરીને જ તમારી પાસે આવ્યો છું ! “
પછી ધરમદાસ શેઠ શ્વાસ ખાવ અટકીને કહે, “કૃપાનંદજી મારી આ વાત જાણે છે . મેં એકવાર એમના ભાષણમાં સાંભળ્યું હતું કે તેઓ એવું કહે છે કે; “ શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક માનવતા ભર્યું જીવન જીવનારને હરિ સામેથી શોધતા આવે છે. ઈશ્વર માત્ર મંદિરમાં નહીં, માનવતામાં પણ વસે છે. એટલું જ નહીં તેઓ એમ પણ કહે છે કે પૂજા અર્ચના એ તો ઈશ્વરની આરાધના છે. જનહિતની સેવા એ સાધના છે અને એવા ભક્તને પડખે યોગેશ્વર સતત ઊભા હોય છે .”
કૃપાનંદજીએ એમને બેસવાનો ઈશારો કર્યો ને બોલ્યા, “સાચી રીતે દાનનો સદ્ઉપયોગ થાય એ જોવાનું કામ આપણા સહુનું છે. દાનમાં મળેલી રકમના આપણે ટ્રસ્ટી છીએ. જો એનો સદુપયોગ કરીએ તો ટ્રસ્ટી કહેવાઈશું, ને એને એમ જ મૂકી રાખીએ તો ચોકીદાર ગણાઈશું ! દાન માત્ર ઈશ્વરના ખજાનામાં જમા થવા માટે નથી, દાન ભક્તોની સેવા માટે પણ છે, જો દાની ભક્ત દુઃખી હોય અને આપણી પાસે મદદ લેવા આવે તો એમાં ખોટું શું છે? ઈશ્વર આ દાનમાં નહીં પણ ભક્તના હૃદયમાં વસે છે. એની ઈશ્વર પરની ભક્તિ અને માનવ સેવા એ એની હૂંડી છે. પરમેશ્વર પર અતુલ શ્રદ્ધા હોય એવો આ એક જ ભક્ત, પ્રભુ પર ભરોસો રાખીને અહીં આવ્યો છે. એમની શ્રદ્ધા અને ઈશ્વર પ્રત્યેનો એમનો ભરોસો અબાધિત રહે એ જોવાનું કામ આપણી જેવી ધાર્મિક સંસ્થાઓ નહીં કરે તો કોણ કરશે ? હરિ ઉપર બેઠા બેઠા સહુના સંચિત કાર્યના લેખાજોખાં કરતા હોય છે. પ્રભુ વારંવાર કહે છે કે ભક્તોનો ભરોસો જ મને ખેંચે છે ! અને એ ભરોસો અંતિમ ક્ષણ સુધી અડગ રહેવો જોઈએ એમ હું માનું છું .“
કૃપાનંદજીને સાંભળીને ટ્રસ્ટીઓ અવાક્ થઈ ગયા !
પછી હાથમાંની થેલી લંબાવતા કૃપાનંદજીએ કહ્યું, “આ લો શેઠ ,દ્વારકાધિશના દરબારમાં તમારી હૂંડી પાકી ગઈ છે . મેં તમને મારા તરફથી અને મંદિર તરફથી ઘણી બધી રકમ ઉમેરીને પાછી આપી રહ્યો છું. ઈશ્વર સેવાની સાથો સાથ મોટો ધર્મ માનવસેવાનો છે. જે ધરમદાસ કરી રહ્યા છે !”
ધ્રુજતા હાથે એ થેલી લેતાં, ધરમદાસ શેઠજીના ગાલ પરથી આંસુ વહી રહ્યાં હતાં. તેઓ કૃપાનંદજીના ચરણોમાં ઝૂકી પડ્યા !
એ દ્રશ્ય નિહાળીને ટ્રસ્ટીઓ બંનેનું સન્માન કરવા ઊભા થયા ને તાળીઓ સાથે એમનું અભિવાદન કર્યું !
કૃપાનંદજી બોલ્યા; ”શેઠજી , ભગવાન તો ભક્ત વત્સલ છે. યોગેશ્વર પરની તમારી અતૂટ શ્રદ્ધા અને તમારા ભરોસાને હું નમન કરું છું ! “
શેઠજી મંદિરના વિગ્રહ આગળ સાષ્ટાંગ દંડવંત કરી ગાતાં હતાં “…… તારો ભરોંસો મને ભારી , ગોવર્ધન ગિરધારી ……”